બાઇબલ શું કહે છે
બાળકોને પરમેશ્વરના શિક્ષણમાં ઉછેરો
“બાળકો તોડે નહિ એવા નિયમો કેવી રીતે બનાવવા”
“તમારું બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં પાંચ સંસ્કારો તો શીખવવા જ જોઈએ”
“દરેક બાળકમાં પાંચ પાયા નાખો”
“શું તમે બાળકોને વધારે પડતી છૂટ આપો છો?—પારખવાની પાંચ રીતો”
“એક જ મિનિટની તાલીમ”
જો બાળકોને શિસ્તમાં ઉછેરવાનું સહેલું હોત તો, ઉપર ટાંકેલા મૅગેઝિનમાં આપણને કોઈ જ રસ ન હોત. બાળકોને ઉછેરવા વિષે ઢગલાબંધ પુસ્તકો પણ લખવામાં આવ્યા ન હોત. જોકે, બાળકોને ઉછેરવાનું કામ સહેલું નથી. હજારો વર્ષ પહેલાં, કહેવામાં આવ્યું, “મૂર્ખ દીકરો પોતાના બાપને ખેદરૂપ છે, તે પોતાની જનેતાને દુઃખરૂપ છે.”—નીતિવચનો ૧૭:૨૫.
આજે બાળકોને ઉછેરવા વિષે ઘણી સલાહ મળી આવે છે. તોપણ, ઘણા માબાપને હજુ ખબર નથી કે પોતાના બાળકોને કઈ રીતે શિસ્ત આપવી જોઈએ. આ બાબતમાં બાઇબલ શું સલાહ આપે છે?
શિસ્ત એટલે શું?
શિસ્ત આપવામાં માબાપની જવાબદારી વિષે બાઇબલ સ્પષ્ટ સમજણ આપે છે. દાખલા તરીકે, એફેસી ૬:૪ કહે છે: “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” આ કલમ ખાસ કરીને પિતાની જવાબદારી વિષે જણાવે છે. એ બતાવે છે કે બાળકોની કાળજી રાખવાની મુખ્ય જવાબદારી પિતાની છે. એનો અર્થ એ નથી કે માતાની કોઈ જવાબદારી નથી. તેણે પણ આ બાબતમાં પતિને પૂરો ટેકો આપવાનો છે.
આ વિષે ધ ઇન્ટરપ્રિટર્સ ડિક્ષનરી ઑફ ધ બાઇબલ કહે છે: ‘બાઇબલ મુખ્ય બે રીતોએ શિસ્ત આપવા વિષે જણાવે છે. એક, તાલીમ, સમજણ અને જ્ઞાન આપીને શિસ્ત આપવી. બીજું, ઠપકો કે શિક્ષા કરીને શિસ્ત આપવી. બાળકોને શિસ્ત આપવાની વાત આવે છે ત્યારે એ ખાસ કરીને તેઓના ઉછેરને લાગુ પડે છે.’ આમ, શિસ્તમાં બાળકને ખાલી ઠપકો જ આપવાનો નથી; પણ બાળકને દરેક પ્રકારની તાલીમ આપવી જોઈએ. પરંતુ માબાપ કઈ રીતે પોતાના બાળકોને ચીડવ્યા વગર શિસ્ત આપી શકે?
બાળકોને સમજો
બાળકો શાનાથી નારાજ થાય છે? જરા વિચારો કે તમે એવી વ્યક્તિ સાથે કામ કરો છો જેને નાની નાની વાતે ગુસ્સો આવી જાય છે. તેનામાં ધીરજ તો છે જ નહિ. તમને જોતા જ તેને ચીડ ચડે છે. તમે જે કંઈ કરો કે કહો એમાં તેને હંમેશાં વાંકું જ પડતું હોય છે. તે હંમેશાં તમારા કામમાંથી ભૂલો કાઢીને તમને નીચા પાડે છે. શું તમે એવી વ્યક્તિથી નહિ ચિડાવ?
માબાપ બાળકને હંમેશાં ટોણા માર્યા કરે કે ગુસ્સાથી ઠપકો આપતા હોય ત્યારે, બાળકોને પણ એવું જ લાગતું હોય છે. સાચું કે બાળકોને ઘણી વાર શિસ્તની જરૂર હોય છે. અને બાઇબલ પણ જણાવે છે કે શિસ્ત આપવાની માબાપની જવાબદારી છે. પણ યાદ રાખો કે બાળક સાથે આકરો અને ગમે એવો વ્યવહાર રાખવાથી તેની લાગણીઓ ઘવાય છે. તેને આત્મિક કે શારીરિક રીતે પણ નુકશાન થઈ શકે છે.
તમારાં બાળકોનું ધ્યાન રાખો
માબાપે પોતાના બાળકો માટે સમય કાઢવો જ જોઈએ. પરમેશ્વર પુનર્નિયમ ૬:૭માં પિતાઓને કહે છે: “તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” બાળકો એવી લાગણીથી જ જન્મતા હોય છે કે તેમના માબાપ તેમની ખૂબ કાળજી રાખે. તમારાં બાળકો સાથે શાંતિથી વાત કરવાથી, તમે રોજ તેઓની લાગણીઓ સમજી શકશો. એનાથી તમને બાઇબલમાં જણાવેલા સિદ્ધાંતો શીખવવા સહેલું બનશે. તેમ જ, તેઓને ‘દેવનું ભય રાખીને તેમની આજ્ઞા પાળવાનું’ ઉત્તેજન મળશે. (સભાશિક્ષક ૧૨:૧૩) આ પરમેશ્વર પાસેથી મળતી શિસ્ત છે.
જો બાળકોને ઉછેરવાંનું કામ એક ઘર બાંધવા સાથે સરખાવો તો, શિસ્તને બાંધકામના સાધનો સાથે સરખાવી શકાય. માબાપ યોગ્ય રીતે બાળકોને શિસ્ત આપે છે ત્યારે, તેઓમાં સારા ગુણોનું સિંચન કરી શકે છે. એનાથી તેઓ જીવનની કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. નીતિવચનો ૨૩:૨૪, ૨૫ જણાવે છે: “નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે; અને જે શાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. તારા બાપને તથા તારી માને ખુશ રાખ, અને તારી જનેતાને હરખ પમાડ.” (g04 11/8)
[પાન ૨૧ પર બોક્સ/ચિત્ર]
“પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં”
એફેસી ૬:૪ ‘પ્રભુના [યહોવાહના] બોધનો’ ઉલ્લેખ કરે છે. એ માટેના મૂળ ગ્રીક શબ્દનું અમુક બાઇબલ “સભાનતા,” “શિખામણ,” અને “ઠપકો” તરીકે અનુવાદ કરે છે. આ સર્વ શબ્દો સૂચવે છે કે કુટુંબોએ નામ પૂરતું બાઇબલ વાંચવું કે એનો અભ્યાસ કરવા કરતાં કંઈક વધારે કરવાની જરૂર છે. માબાપે આ પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ: શું મારાં બાળકો બાઇબલ સમજી શકે છે? તેઓ ઈશ્વરને આધીન રહેવાનું મહત્ત્વ જાણે છે? શું તેઓ યહોવાહનો પ્રેમ અને રક્ષણ અનુભવે છે?
બાળકોને આ બાબતમાં કેવી રીતે મદદ કરી શકાય? જૂડીબહેનનો વિચાર કરો. તેમને ત્રણ બાળકો છે. તેમણે જોયું કે બાળકોને વારંવાર બાઇબલના નિયમો યાદ અપાવવાથી કંઈ ખાસ અસર થતી નથી. તે કહે છે: “મેં નોંધ કર્યું કે હું જ્યારે પણ એકની એક વાત તેઓને યાદ કરાવું ત્યારે તેઓને જરાય ગમતું નથી. તેથી, મેં તેઓને અલગ અલગ રીતે શીખવવાનું નક્કી કર્યું. દાખલા તરીકે, હું સજાગ બનો! મૅગેઝિનમાં જોતી કે બાળકોને જે સૂચનોની જરૂર છે એ સૂચનો બીજી કોઈ રીતે આપવામાં આવ્યા છે કે નહિ. આમ, હું બાળકોને ચીડવ્યા વગર જરૂરી માર્ગદર્શન આપવાનું શીખી શકી.”
ઍન્જેલોનો વિચાર કરો. તેમના કુટુંબે જીવનમાં ઘણી મુશ્કેલી સહી છે. એન્જેલોએ કઈ રીતે તેમની દીકરીઓને બાઇબલ પર મનન કરતા શીખવ્યું એ વિષે તે કહે છે: “અમે બાઇબલની કલમો સાથે વાંચતા, પછી કલમના અમુક ભાગને અલગ પાડીને દીકરીઓને સમજાવતા કે એ કઈ રીતે તેમના સંજોગોને લાગુ પડે છે. પછી મેં નોંધ કર્યું કે જ્યારે પણ તેઓ પોતાનું બાઇબલ વાંચન કરતી ત્યારે એમાં ડૂબી જતી, તેઓ એના પર ઊંડું મનન પણ કરતી.”