પગલું ૧ સમજી-વિચારીને ખાઓ
“તાજું ખાઓ, વધુ પડતું ન ખાઓ. મોટા ભાગે શાકભાજી ખાઓ.”—માઈકલ પૉલેન. તંદુરસ્ત રહેવા કેવો ખોરાક લેવો જોઈએ એ માટેની સાદી અને વર્ષો જૂની સલાહને તેમણે થોડા શબ્દોમાં વણી લીધી. તેમના કહેવાનો શું અર્થ હતો?
❍ તાજો ખોરાક ખાઓ. પૌષ્ટિક અને તાજો ખોરાક ખાઓ. સદીઓથી લોકો એવા ખોરાકની મજા માણી રહ્યાં છે. ટીન કે ડબ્બામાં આવતો ખોરાક ખાવાનું ટાળો. પૅકેટ ફુડ, જંક ફુડ કે રેસ્ટોરન્ટના ખોરાકમાં વધારે પડતી ખાંડ, નિમક અને ચરબી હોય છે. એનાથી અનેક બીમારીઓ થાય છે. જેમ કે સ્ટ્રોક, કૅન્સર, હૃદયરોગ વગેરે. તળેલું ખાવાને બદલે બાફેલું, શેકેલું અને ઓછા તેલવાળું ખાઓ. ઓછા નિમક વાળું અને લીલોતરી ખાઓ. માંસ હંમેશા બરાબર રાંધેલું ખાવું અને કદી બગડેલો ખોરાક ન ખાવો જોઈએ.
❍ વધુ પડતું ન ખાઓ. વિશ્વ આરોગ્ય સંસ્થા એવું જણાવે છે કે દુનિયાભરમાં સ્થૂળતા અને મેદસ્વીપણાનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધતું જાય છે. મોટા ભાગે વધારે પડતું ખાવાથી લોકોની આવી હાલત થાય છે. આફ્રિકાનો એક અહેવાલ જણાવે છે કે ‘આજે ભૂખ્યા બાળકો કરતાં મેદસ્વી બાળકો વધારે જોવા મળે છે.’ આવા બાળકોને હમણાં તો તકલીફ પડે જ છે, પણ ભવિષ્યમાં ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની શક્યતા રહે છે. માબાપો, વધારે પડતું ન ખાઈને બાળકો માટે સારો દાખલો બેસાડો.
❍ મોટા ભાગે શાકભાજી ખાઓ. સમતોલ ખોરાક ખાવો જોઈએ. ફક્ત સ્ટાર્ચવાળો ખોરાક જેમ કે ભાત, બટાકા અને મેંદાની બ્રેડ જ ન ખાવા જોઈએ. પણ સાથે સાથે ફળો, શાકભાજી અને કઠોળ ખાવા જોઈએ. કેટલાક દેશોમાં મુખ્ય ખોરાક માંસ હોય છે. ત્યાંના લોકો માટે માછલી ખાવી વધારે સારી છે. કેમ કે એ શરીર માટે લાભદાયી છે. અમુક દેશોમાં ચોખા અને મેંદામાંથી બનેલી વાનગીઓ પ્રખ્યાત છે. પણ લાલ ચોખા અને ઘઉંના લોટમાંથી બનેલી વાનગી વધારે પૌષ્ટિક છે. એટલે શક્ય હોય તો એ ખાવી જોઈએ. બહારનું ખાવાનું શરીર માટે હાનિકારક હોવાથી એ ટાળવું જોઈએ. બાળકોને તંદુરસ્ત રહેવા માટે માબાપે પૌષ્ટિક ખોરાક ખાતા શીખવવું જોઈએ. જેમ કે, વેફર અથવા ચોકલેટને બદલે સારી રીતે ધોયેલા ફળો, શાકભાજી અથવા મોરાં સીંગદાણાં અને સૂરજમૂખીના બી (સનફ્લાવર સીડ) આપવા જોઈએ.
❍ ખૂબ પ્રવાહી પીઓ. નાના-મોટા દરેકે દરરોજ ઘણું પાણી અને ખાંડ વિનાના પીણાં લેવા જોઈએ. ખાસ કરીને ઉનાળામાં અને ઘણું કામ કે કસરત કરતા હોય ત્યારે વધારે પીવું જોઈએ. પ્રવાહી ખોરાક પચાવવા અને શરીરમાંથી કચરો કાઢવામાં મદદ કરે છે. તદુપરાંત, ત્વચાને સારી કરવા અને વજન ઘટાડવા મદદ કરે છે. એમ કરવાથી તાજગી અનુભવીશું અને સુંદર દેખાઈશું. પણ વધારે પડતા ઠંડા પીણાં પીવાનું ટાળો. રોજનું એક ઠંડું પીણું પીવાથી વર્ષના અંતે આશરે સાત કિલો વજન વધી શકે છે.
કેટલાક દેશોમાં પીવાનું ચોખ્ખું પાણી મેળવવું સહેલું નથી અને મોઘું પણ હોય છે. પણ પાણી પીવું શરીર માટે મહત્ત્વનું છે. દુષિત પાણીને ઉકાળવું કે યોગ્ય કેમિકલથી શુદ્ધ કરવું જોઈએ. એવું કહેવાય છે કે યુદ્ધો અને ધરતીકંપ કરતાં પણ વધારે લોકો દુષિત પાણીના લીધે મરણ પામે છે. રિપૉર્ટ બતાવે છે કે રોજના ૪,૦૦૦ બાળકોના મોતનું કારણ દુષિત પાણી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સૂચન કરે છે કે નાના બાળકોને શરૂઆતના છ મહિના ફક્ત માનું દૂધ આપવું જોઈએ. પછી બે વર્ષનું થાય ત્યાં સુધી તેને માનાં દૂધ ઉપરાંત બીજો ખોરાક પણ આપવો જોઈએ. (g11-E 03)