કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર
તરુણો માટે કઈ રીતે નિયમો ઘડવા?
મુશ્કેલી
તમારું તરુણ બાળક કદાચ કહે કે તમે બહુ કડક છો. પણ તમે તેનું રક્ષણ કરવા ચાહો છો. એટલે એવું થાય કે, ‘વધારે છૂટ આપીશ તો, તે મુશ્કેલીમાં ફસાઈ જશે!’
તમારા તરુણો માટે તમે વાજબી નિયમો ઘડી શકો. એ પહેલાં તમારે જાણવાની જરૂર છે કે, તમે ઘડેલા નિયમોથી તે કેમ તરત જ અકળાઈ ઊઠે છે.
એવું શા માટે બને છે?
ખોટી માન્યતા: બધા જ યુવાનો નિયમોનો વિરોધ કરે છે. એ તેઓના જીવનનો એક ભાગ છે.
હકીકત: જો માબાપ યોગ્ય નિયમો બનાવીને પોતાના બાળકને સમજાવે, તો મોટા ભાગે તે એનો વિરોધ નહિ કરે.
ખરું કે, બાળકો વિરોધ કરે એની પાછળ અનેક કારણો હોઈ શકે. તોપણ, જો માબાપ કડક નિયમો બનાવે અને એ બાળકની ઉંમર પ્રમાણે ન હોય, તો અજાણતા તેઓ બાળકોને વિરોધ કરવાનું ઉત્તેજન આપે છે. નીચેના મુદ્દા વિચારો:
કડક. માબાપ નિયમોની ચર્ચા કરવા અને એમાં સુધારો કરવા ચાહતા ન હોય ત્યારે, બાળકને લાગશે કે માબાપ રક્ષણ કરવાને બદલે તેને મુઠ્ઠીમાં રાખે છે. એના લીધે, માબાપે જેની મના કરી હોય એ જ કદાચ તે ચોરીછૂપીથી કરવા લાગે.
ઉંમર પ્રમાણે નિયમ ન હોય. નાના બાળકને કદાચ એટલું કહેવું પૂરતું છે કે ‘મેં કહ્યું એમ કર.’ જ્યારે કે, યુવાન માટે એ પૂરતું નથી, તેને એનું કારણ જાણવું હોય છે. અને કેમ નહિ, કદાચ જતા દિવસે તમારું તરુણ બાળક એકલું રહેવા લાગે; તેણે પોતાના પગ પર ઊભા રહેવા જાતે મોટા નિર્ણયો પણ લેવા પડે. એટલે તે હમણાં તમારી દેખરેખ હેઠળ સારી રીતે વિચારતા અને નિર્ણય લેતા શીખે એ ખૂબ મહત્ત્વનું છે.
પરંતુ, તમને લાગે કે બાળક તમારા નિયમોથી વારંવાર અકળાઈ જાય છે તો શું કરશો?
તમે શું કરી શકો?
પ્રથમ તો, બાળકોને જણાવવાની જરૂર છે કે તેઓ શું કરી શકે અને શું ન કરી શકે. તેઓને એવા માર્ગદર્શનની જરૂર છે, પછી ભલે એ હકીકત સ્વીકારતા ન હોય. એટલે નિયમો બનાવો અને ખાતરી કરો કે તમારું બાળક એ બરાબર સમજે છે. એક પુસ્તક જણાવે છે: “જો બાળકોને સ્પષ્ટ રીતે જણાવ્યું હોય કે તેઓ કઈ હદ સુધી જઈ શકે અને માબાપ જાણતા હોય કે તેઓ શું કરે છે, તો બાળકો જલદીથી એવાં કામ નહિ કરે જેનાથી તમને ચિંતા થાય.” (લેટિંગ ગૉ વિથ લવ ઍન્ડ કોન્ફિડન્શ) જ્યારે કે, માબાપ એકદમ છૂટ આપી દે તો, એવું લાગે કે તેઓને બાળકોની કંઈ પડી નથી. એમ કરવાથી બાળક સાચે જ બંડખોર બનશે.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૨૯:૧૫.
તો પછી, તમે કેવી રીતે સમતોલપણું બતાવી શકો? કુટુંબ માટે તમે બનાવેલા નિયમો વિશે તમારા તરુણ બાળકને કેવું લાગે છે એ જણાવવા દો. દાખલા તરીકે, નક્કી કરેલા સમયે ઘરે આવવામાં તે થોડી વધારે છૂટ માંગે તો, એની પાછળનું કારણ ધ્યાનથી સાંભળો. જો તરુણને ખબર હોય કે તેની વાત ધ્યાનથી સાંભળવામાં આવે છે, તો તે મોટા ભાગે કુટુંબના નિર્ણયને માન આપવા તૈયાર થશે, પછી ભલેને પૂરી રીતે એની સાથે સહમત ન હોય.—બાઇબલ સિદ્ધાંત: યાકૂબ ૧:૧૯.
જોકે, નિર્ણય લેતા પહેલાં આ યાદ રાખો: મોટા ભાગે યુવાનો જરૂર કરતાં વધારે છૂટ માંગશે. જ્યારે કે, માબાપ કદાચ જરૂર કરતાં ઓછી છૂટ આપશે. તેથી, સમજી વિચારીને તમારા તરુણોની માંગને ધ્યાન આપો. શું તેણે સાબિત કર્યું છે કે પોતે જવાબદાર છે? શું સંજોગોને લીધે તેને વધારે છૂટ આપવાની જરૂર છે? જો યોગ્ય હોય તો છૂટ આપતા અચકાશો નહિ.—બાઇબલ સિદ્ધાંત: ઉત્પત્તિ ૧૯:૧૭-૨૨.
તમારા તરુણોની લાગણી સાંભળવી જરૂરી છે. એ ઉપરાંત, તેઓને જણાવવું જોઈએ કે તમને શાની ચિંતા છે. એમ કરવાથી તમે તેને શીખવી શકશો કે તેણે પોતાની જ નહિ, બીજાની લાગણીઓ પણ ધ્યાનમાં લેવી જોઈએ.—બાઇબલ સિદ્ધાંત: ૧ કોરીંથી ૧૦:૨૪.
છેવટે, નિર્ણય લો અને એની પાછળનાં કારણો જણાવો. તે તમારા નિર્ણયોથી બહુ રાજી ન થાય, તોપણ માબાપ તેની વાત સાંભળે છે એનાથી તે કદાચ ખુશ થશે. ભૂલશો નહિ કે તમે યુવાન બાળકને પોતાના પગ પર ઊભા થવાની તાલીમ આપી રહ્યાં છો. વાજબી નિયમો ઘડવાથી અને એની તરુણો સાથે ચર્ચા કરવાથી, તમે તેને જવાબદાર વ્યક્તિ બનવા મદદ આપી રહ્યા છો.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૨૨:૬. ◼ (g13-E 03)
[પાન ૧૩ પર બોક્સ]
મહત્ત્વની કલમો
“તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે.”—ફિલિપી ૪:૫.
“પિતાઓ, તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.”—કોલોસી ૩:૨૧.
[પાન ૧૩ પર બોક્સ]
તરુણો માટે
“કલ્પના કરો કે એક વ્યક્તિએ બૅન્ક પાસેથી લોન લીધી છે. જો તે નિયમિત રીતે હપ્તા ભરશે, તો બૅન્કને તેના પર ભરોસો આવશે. તેમ જ, જતા દિવસે તેને વધારે પૈસાની જરૂર હોય તો આપશે. ઘર વિશે પણ એવું જ છે. તમારે માબાપના કહેવા પ્રમાણે કરવું જોઈએ. જો તમે નાની બાબતમાં ભરોસાપાત્ર સાબિત થશો, તો જતા દિવસે માબાપ મોટી વાતમાં પણ ભરોસો મૂકશે. તમારા માબાપના કહેવા પ્રમાણે કરવામાં વારંવાર નિષ્ફળ જશો તો, તેઓ તમને વધારે કે જરાય છૂટછાટ ન આપે તો નવાઈ ન પામતા.”—ક્વેશ્ચન્સ યંગ પીપલ આસ્ક—આન્સર્સ ધેટ વર્ક, વોલ્યુમ ટુ પુસ્તકમાંથી. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
[પાન ૧૨ પર ચિત્ર]
[પાન ૧૨ પર ચિત્ર]