કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર
તમારા તરુણ સાથે કેવી રીતે વાતચીત કરશો?
મુશ્કેલી
બાળક નાનું હતું ત્યારે બધી જ વાતો તમને કહેતું. પણ તરુણ થયા પછી કંઈ જ કહેતું નથી. તમે જો વાત કરવાનો પ્રયત્ન કરો, તો ટૂંકો જવાબ આપે અથવા એવું કંઈ બોલશે જેનાથી દલીલો ઊભી થાય. આમ, નાની વાતચીત મોટા ઝઘડામાં ફેરવાઈ જાય.
તમે તમારા તરુણો સાથે સારી વાતચીત કરતા શીખી શકો. એ પહેલાં, જોઈએ કે કઈ બે બાબતો મુશ્કેલી ઊભી કરી શકે.
એવું શા માટે બને છે?
છૂટછાટ. તમારા તરુણો ધીમે ધીમે જવાબદાર વ્યક્તિ બને છે. તેઓ જીવનના પડકારોનો સામનો કરવા તૈયાર થતા હોય છે. પણ આ બધું કંઈ રાતો-રાત થતું નથી. જોકે, અમુક તરુણો જરૂર કરતાં વધારે છૂટછાટ માંગતા હોય છે. જ્યારે કે, અમુક કિસ્સામાં માબાપોએ આપવી જોઈએ એટલી છૂટછાટ આપતાં નથી. આમ, માબાપ અને તરુણો વચ્ચે ગરમાગરમી ઊભી થાય છે અને ટેન્શન વધે છે. ૧૬ વર્ષનો બ્રાડa ફરિયાદ કરે છે, ‘મારા મમ્મી-પપ્પા નાની નાની વાતે મને શિખામણ આપે છે અને કંઈ પણ પોતાની રીતે કરવાં દેતાં નથી. જો આવું જ ચાલ્યા કરશે, તો ૧૮ વર્ષનો થતાં જ હું ઘર છોડી દઈશ.’
સમજશક્તિ. નાનાં બાળકોની સમજશક્તિ ઓછી હોવાથી તેઓ બાબત ખરી છે કે ખોટી એટલું જ સમજતાં હોય છે. પરંતુ, તરુણો પારખી શકે છે કે જીવનની દરેક બાબત ફક્ત ખરાં-ખોટામાં જ હોતી નથી. કોઈ બાબત પાછળનું કારણ શું છે એ તેઓ વિચારી શકે છે. તેઓનું એ રીતે વિચારવું જરૂરી છે. એનાથી તેઓને આગળ જતા સારાં નિર્ણયો લેવા મદદ મળશે. દાખલા તરીકે, નાનું બાળક આમ વિચારશે: ‘જો મમ્મી બિસ્કિટના બે સરખા ભાગ કરીને મને અને મારા ભાઈને આપે તો એ બરાબર છે.’ બાળકના મને વસ્તુના બે સરખા ભાગ થાય એટલું જ પૂરતું છે. પરંતુ, તરુણો સમજી શકે છે કે બધી બાબતોમાં સરખા ભાગ ન થાય. તેઓ પારખી શકે છે કે બધા સાથે એક સરખું વર્તન ન થઈ શકે. તેઓ એ કેવી રીતે પારખી શકે છે? એ બાબત પાછળનું કારણ વિચારવાથી. આવી રીતે તર્ક કરવાથી તેઓ જીવનમાં આવનારી મુશ્કેલીઓને હલ કરતા અને પોતાનાં વિચારો કેળવતા શીખે છે. જોકે, એનું ખરાબ પાસું એ છે કે માબાપના વિચારોથી તેઓ સહમત ન પણ થાય.
તમે શું કરી શકો?
સામ-સામે બેસીને વાત કરવી જરૂરી નથી. દરેક તકનો લાભ ઉઠાવો. દાખલા તરીકે, અમુક માબાપને જોવાં મળ્યું છે કે તરુણો ઘરનું કામ કરતી વખતે અથવા મુસાફરીમાં સાથે હોય ત્યારે, સહેલાઈથી વાત કરી શકે છે. તેઓ માબાપની આમને-સામને ન હોવાથી અચકાયા વગર વાત કરી શકે છે.—બાઇબલ સિદ્ધાંત: પુનર્નિયમ ૬:૬, ૭.
ચર્ચા ટૂંકી રાખો. દરેક વખતે વાતચીતને દલીલોમાં ફેરવવાની જરૂર નથી. તમે તમારો મુખ્ય મુદ્દો જણાવી દો એટલું જ બસ છે, પછી ભલે એવું લાગે કે તેણે વાત સાંભળી નથી. તેને થોડો સમય આપો, તે એકલો હશે ત્યારે કદાચ એના પર વિચાર કરશે.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧:૧-૪.
સાંભળો અને બાંધછોડ કરો. બાળકની પૂરી વાત ધ્યાનથી સાંભળો. એનાથી તેની મુશ્કેલીને પૂરી રીતે સમજી શકશો. તેને કોઈ સલાહ-સૂચન આપો ત્યારે તેના સંજોગો ધ્યાનમાં રાખો. જો તેને આપેલા નિયમોમાં જરાય બાંધછોડ નહિ કરો, તો તે એમાંથી છટકવાની તક શોધશે. એક પુસ્તક (સ્ટેંઈગ કનેક્ટેડ ટુ યોર ટીનેજર) જણાવે છે કે, ‘આવું ત્યારે થાય જ્યારે તેઓ માબાપને કહે કંઈ અને કરે કંઈ. માબાપને ખુશ કરવાં સારું સારું બોલે, પણ તેઓ જોતાં ન હોય ત્યારે બાળકો પોતાની મરજી પ્રમાણે કરે છે.’—બાઇબલ સિદ્ધાંત: ફિલિપી ૪:૫.
શાંત રહો. ૧૭ વર્ષની કારી કહે છે, “અમે કોઈ બાબતમાં સહમત ન હોઈએ ત્યારે હું જે કંઈ કહું એમાં મમ્મી વાંધો ઉઠાવે છે. પછી મને પણ ગુસ્સો આવવા લાગે છે અને અમારી વાતચીત દલીલબાજીમાં ફેરવાઈ જાય છે.” આમ ન થાય માટે માબાપો, શાંત રહીને એ રીતે વાત કરો કે બાળકોની લાગણીને સમજો છો. દાખલા તરીકે, ‘આમાં શાની ચિંતા કરવાની’ એવું કહેવાને બદલે તમે કહી શકો કે, ‘હું સમજી શકું છું કે તને કેમ એની ચિંતા છે.’—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૦:૧૯.
બનતું માર્ગદર્શન આપો, હુકમ ન ચલાવો. બાબતો પાછળનું કારણ જોવું એક કળા છે. જેમ સ્નાયુઓને કસરત કરીને મજબૂત કરવા પડે, તેમ એ કળાને પણ વિકસાવી પડે. તેથી, તમારો યુવાન કોઈ મૂંઝવણમાં હોય તો, એ વિશે વિચારવાની “કસરત” તેને કરવા દો. એ વિશે ચર્ચા કરતી વખતે એનો ઉકેલ લાવવાનો મોકો તેને આપો. તેના અમુક વિચારો સાંભળ્યા પછી તમે આવું કંઈ કહી શકો: “એ પણ અમુક વિકલ્પો છે. કેમ નહિ કે હજુ એક-બે દિવસ એનો વિચાર કર. પછી આપણે ચર્ચા કરીશું કે તને કયો વિકલ્પ સૌથી સારો લાગ્યો અને કેમ.”—બાઇબલ સિદ્ધાંત: હિબ્રૂ ૫:૧૪. (g13-E 01)
[ફુટનોટ]
a અમુક નામ બદલ્યાં છે.
[પાન ૫ પર બોક્સ]
મહત્ત્વની કલમો
“સાંભળવામાં તત્પર રહો. ઓછું બોલો અને ગુસ્સો ન કરો.”—યાકોબ ૧:૧૯, IBSI.
“નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.”—નીતિવચનો ૧૫:૧.
“તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.”—એફેસી ૬:૪.
[પાન ૫ પર બોક્સ]
તરુણો માટે
શું તમે ઇચ્છો છો કે માબાપ તમને વધુ છૂટ આપે? તમને પૂરી રીતે સમજે? તેઓ એમ કરે એ સહેલું બનાવવું તમારા હાથમાં છે. કેવી રીતે? તમારા જીવનમાં શું થઈ રહ્યું છે એ વિશે તેઓને જણાવતા રહો. ખુલ્લા મને વાત કરો. જો કંઈ છુપાવશો તો તેઓ તમારા પર વિશ્વાસ નહિ કરે. વધારે છૂટ જોઈએ તો માબાપનો વિશ્વાસ જીતો.
એમ ન ધારો કે મમ્મી-પપ્પા જ તમારી સાથે વાતચીત કરશે. તમે પણ વાત શરૂ કરી શકો. દિવસ દરમિયાન શું બન્યું એ વિશે મમ્મી-પપ્પાને જણાવો. તેઓનો દિવસ કેવો રહ્યો એ પણ પૂછો. જો તમને કોઈ ફરિયાદ હોય, તો તેમનું માન જળવાય એ રીતે કહેતા શીખો. સારી રીતે વાતચીત કરવી એક કળા છે, જે તમને આગળ જતા પણ કામ લાગશે. કેમ નહિ કે એને હમણાંથી જ કેળવો!
[પાન ૪ પર ચિત્ર]
[પાન ૪ પર ચિત્ર]