વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૫ પાન ૧૨-૧૩
  • સમાધાન કઈ રીતે કરવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સમાધાન કઈ રીતે કરવું
  • સજાગ બનો!—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલી
  • ૩ માન આપો
    સજાગ બનો!—૨૦૧૮
  • ઝઘડો ન થાય માટે શું કરી શકાય?
    સજાગ બનો!—૨૦૧૩
  • ત્રીજી રીત બધું હળીમળીને કરો
    સજાગ બનો!—૨૦૧૦
  • ફોનની અસર લગ્‍નજીવન પર?
    સજાગ બનો!—૨૦૨૧
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૫
g ૧/૧૫ પાન ૧૨-૧૩
એક પતિ અને પત્ની પોતપોતાની પસંદગી બતાવી રહ્યા છે

કુટુંબ માટે મદદ | લગ્‍નજીવન

સમાધાન કઈ રીતે કરવું

મુશ્કેલી

જો કોઈ વાતે તમારા લગ્‍નસાથીની અને તમારી પસંદગી અલગ અલગ હોય, તો તમારી પાસે ઓછામાં ઓછા આ ત્રણ વિકલ્પો છે:

  1. પોતાની મરજી પૂરી ન થાય ત્યાં સુધી જીદ પકડવી.

  2. લગ્‍નસાથીની વાતમાં અધૂરા દિલે સહમત થવું.

  3. બંનેએ સમાધાન કરવું.

કદાચ તમે કહેશો, ‘મને સમાધાન કરવાનો આઇડિયા નથી ગમતો, એનાથી તો બંનેમાંથી કોઈની પણ મરજી પૂરી ન થાય!’

ખાતરી રાખો કે, યોગ્ય રીતે સમાધાન કરી લેવાથી કંઈ બંનેની હાર થતી નથી. કઈ રીતે સમાધાન કરશો એનો વિચાર કર્યા પહેલાં, આ મહત્ત્વની આવડત વિશે તમારે કેટલીક બાબતો જાણવી જોઈએ.

તમારે શું જાણવું જોઈએ?

સમાધાન માટે બંનેના પ્રયત્નો જરૂરી છે. લગ્‍ન થયા પહેલાં કદાચ તમે સ્વતંત્ર રીતે નિર્ણય લેવા ટેવાયેલા હશો. પણ હવે સંજોગો બદલાયા છે. તમારે અને તમારા લગ્‍નસાથીએ, પોતાની મરજી કરતાં લગ્‍નજીવનને વધારે મહત્ત્વ આપવું પડશે. એને નુકસાન ગણવાને બદલે એના ફાયદા જુઓ. એલક્સાંડ્રા નામે બહેન કહે છે, “એકલા વિચારવાથી જે ઉકેલ મળે છે, એના કરતાં બે જણ ભેગા મળીને વધુ સારો ઉકેલ લાવી શકે છે.”

સમાધાન કરવા માટે મન મોટું રાખવું જરૂરી છે. લગ્‍ન સલાહકાર, જોન એમ. ગોટમેન લખે છે: ‘એવું નથી કે તમારા લગ્‍નસાથીની બધી વાત સાથે તમારે સહમત થવું જોઈએ, પરંતુ તે શું માને છે એના વિશે તમારે નિખાલસતાથી વિચારવાની જરૂર છે. જ્યારે તમારા લગ્‍નસાથી કોઈ મુશ્કેલી વિશે વાત કરે, ત્યારે તમે અદબ વાળીને બેસી રહેશો, અને નકારમાં માથું હલાવશો (અથવા બસ એવું વિચારશો), તો તમારી ચર્ચા ત્યાંની ત્યાં જ રહેશે.’a

સમાધાન કરવા માટે જતું કરવાની ભાવના રાખવી જરૂરી છે. જે લગ્‍નસાથી કહે કે “મારો કક્કો જ ખરો,” એવા સાથીની જોડે રહેવાની કોઈને મજા આવતી નથી. એટલે જ, બંને લગ્‍નસાથીએ જતું કરવાની ભાવના રાખવી જોઈએ. જુન નામે એક પત્ની કહે છે: ‘ઘણી વાર મારા પતિને ખુશ રાખવા હું જતું કરું છું. એવું જ તે પણ મારી સાથે કરે છે. આને જ તો લગ્‍નજીવન કહેવાય—આપો અને લો, ફક્ત લેતા રહેવું નહિ.’

તમે શું કરી શકો?

યોગ્ય શરૂઆત કરો. જેવી રીતે ચર્ચાની શરૂઆત કરશો એવો જ એનો અંત પણ આવશે. જો ગુસ્સામાં ચર્ચા શરૂ કરશો, તો શાંતિપૂર્વક સમાધાન થવાની બહુ ઓછી શક્યતા છે. તેથી બાઇબલની આ સલાહ પાળો: ‘દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.’ (કોલોસી ૩:૧૨) આવા ગુણો તમને અને તમારા સાથીને દલીલો કરવાથી બચાવશે અને હલ શોધવા મદદ કરશે.—બાઇબલ સિદ્ધાંત: કોલોસી ૪:૬.

બંને સહમત હો એવી બાબતો શોધો. શું સમાધાન કરવાના તમારા પ્રયત્નો ગરમાગરમ દલીલોમાં ફેરવાઈ જાય છે? તો એનો અર્થ છે કે તમે અને તમારા સાથી જે વિચારોમાં અલગ પડો છો, એના પર તમે વધારે ધ્યાન આપો છો. એમ કરવાને બદલે, તમે સહમત થતા હો એવી બાબતો પર ધ્યાન આપો. બંને સહમત થતા હોય એ બાબતો શોધવા માટે તમે આમ કરી શકો:

તમે બંને અલગ અલગ લિસ્ટ બનાવો. એમાં બે ખાનાં રાખો. એક ખાનામાં એવી બાબતો લખો જે તમે બાંધછોડ કરવા માંગતા નથી. બાંધછોડ કરી શકતા હો, એવી બાબતો બીજા ખાનામાં લખો. ભેગા મળીને પોતાના લિસ્ટની ચર્ચા કરો. ચર્ચા કરવાથી તમે જોઈ શકશો કે જે બાબતોમાં તમે પહેલાં બાંધછોડ કરવા તૈયાર ન હતા, એમાં પણ બાંધછોડ કરવા રાજી થઈ શકો છો. જો એમ હોય તો સમાધાન કરવું અઘરું નહિ બને. ભલેને તમે બધી બાબતોમાં સહમત ન હો તોપણ, એ બાબતો લખી લેવાથી તમે અને તમારા સાથી સ્પષ્ટ રીતે મુશ્કેલી જોઈ શકશો.

ઉકેલ લાવવા એકબીજાના વિચારો જાણો. અમુક મુશ્કેલીઓ એવી હોય છે કે જેનો તમે સહેલાઈથી હલ લાવી શકો છો. જોકે, અઘરી મુશ્કેલીઓ માટે કદાચ એકલા હાથે એમ કરવું શક્ય ન બને. પણ પતિ-પત્ની એકબીજાના વિચારો જાણીને એનો ઉકેલ લાવી શકે છે. આમ, તેઓ પોતાનું લગ્‍નજીવન મજબૂત બનાવી શકશે.—બાઇબલ સિદ્ધાંત: સભાશિક્ષક ૪:૯.

વિચારોમાં ફેરબદલ કરવા તૈયાર રહો. બાઇબલ કહે છે: “તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે, અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે.” (એફેસી ૫:૩૩) પતિ અને પત્ની જ્યારે એકબીજાને પ્રેમ અને આદર આપશે ત્યારે, તેઓ એકબીજાના વિચારો જાણવા તૈયારી બતાવશે. અને પોતાના વિચારોમાં ફેરબદલ કરવા તૈયાર રહેશે. કૅમરન નામના ભાઈ જણાવે છે: “એવી ઘણી બધી બાબતો છે, જે તમે નહિ કરો. પરંતુ, તમારા સાથીના કહેવાથી જ્યારે તમે એ કરો છો, ત્યારે સમય જતાં એમ કરવાનું તમને ગમવા લાગે છે.”—બાઇબલ સિદ્ધાંત: ઉત્પત્તિ ૨:૧૮. (g14-E 12)

a સેવન પ્રિન્સિપલ્સ ફોર મેકિંગ મેરેજ વર્ક પુસ્તકમાંથી.

મહત્ત્વની કલમો

  • ‘તમારું બોલવું હંમેશાં મધુર હોય.’—કોલોસી ૪:૬.

  • “એક કરતાં બે ભલા.”—સભાશિક્ષક ૪:૯.

  • ‘માણસ એકલો રહે તે સારું નથી; હું તેને યોગ્ય એવી એક સહાયકારી બનાવીશ.’—ઉત્પત્તિ ૨:૧૮.

કૅમરન અને ડૅનિટ્રિયા

કૅમરન અને ડૅનિટ્રિયા

“જો તમે લગ્‍નસાથીની વાત નહિ સાંભળો અથવા તેમને પોતાનો વિચાર જણાવવાનો મોકો જ નહિ આપો અને બસ તમે જે ઇચ્છો છો એ જ કરશો, તો તમે હજીયે કુંવારી વ્યક્તિની જેમ વર્તો છો.”

બ્રૅડ અને કૉરલી

બ્રૅડ અને કૉરલી

“બંને સાથીઓને એવું લાગવું જોઈએ કે તેમની વાત સાંભળવામાં આવે છે અને નિર્ણયો લેવામાં તેમનો પણ ભાગ છે. એમ કરવાથી ઝઘડાને બદલે, સંપનું વાતાવરણ સર્જાશે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો