કુટુંબ માટે મદદ | લગ્નજીવન
ઝઘડો ન થાય માટે શું કરી શકાય?
મુશ્કેલી
શું તમે અને તમારા લગ્નસાથી ક્યારેય શાંતિથી વાત કરી શકતા નથી? શું તમે કાયમ એવી ચિંતામાં રહો છો કે કંઈ કહેવાથી કે કરવાથી ઝઘડો થશે?
એમ હોય તો ખાતરી રાખો કે બાબતો સુધરી શકે છે. પણ એ પહેલાં જાણવાની જરૂર છે કે તમારી અને તમારા લગ્નસાથી વચ્ચે કેમ બહુ તકરાર થાય છે.
એવું શા માટે બને છે?
ગેરસમજ. જુલીa નામે એક પત્ની સ્વીકારે છે: “અમુક વાર હું મારા પતિને કંઈ કહું છું, પણ અર્થનો અનર્થ થઈ જાય છે. અથવા, કોઈ વાર હું મારી ધૂનમાં જ હોઉં અને લાગે કે પતિને વાત કરી છે, પણ હકીકતમાં કરી જ ન હોય.”
મતભેદો. ભલે એવું લાગે કે તમે અને તમારા સાથીમાં મનમેળ છે. તોપણ, અમુક બાબતોમાં તમારા વિચારો અલગ હશે. શા માટે? કેમ કે, બે વ્યક્તિના વિચારો એકસરખા હોતા નથી. એ કારણે, લગ્નજીવન કાં તો સુખી હોય અથવા દુઃખી. એ કારણે, ઘણા યુગલોના લગ્નજીવનમાં તકલીફો હોય છે.
માબાપનો દાખલો. રેચલ નામની એક પત્ની કહે છે, “મારા માબાપ ખૂબ ઝઘડતા અને એકબીજા સાથે માનથી વર્તતા નહિ. એટલે, લગ્ન કર્યા પછી હું પણ પતિ સાથે એ રીતે વાત કરતી જેમ મમ્મી મારા પપ્પા સાથે વાત કરતાં. બીજા સાથે માનથી વર્તવાનું હું શીખી ન હતી.”
મૂળ કારણ. ઘણી વખતે બોલાચાલી થવાનું મૂળ કારણ કંઈ અલગ હોય છે. દાખલા તરીકે, કદાચ આ રીતે ઝઘડો શરૂ થાય છે: “તમે હંમેશાં મોડા આવો છો!” એ ફરિયાદ સમયસર ન આવવા વિશે નથી. પણ લગ્નસાથીને લાગી શકે કે અમુક રીતે તેમની અવગણના કરવામાં આવે છે.
ભલે ગમે એ કારણ હોય, પણ વારંવાર ઝઘડવાથી તંદુરસ્તી પર અસર પડે છે. તેમ જ, એમ ચાલ્યા કરે તો એ છૂટાછેડા તરફ લઈ જઈ શકે. તો પછી, ઝઘડો ન થાય એ માટે શું કરી શકો?
તમે શું કરી શકો?
વારંવાર ઝઘડા ન થાય એ માટે એની પાછળનું મૂળ કારણ જાણવું ખૂબ જરૂરી છે. તમે બંને ખુશ હો ત્યારે નીચે આપેલી સૂચના પ્રમાણે કરી શકો.
૧. બંને જણ અલગ અલગ કાગળ પર લખો કે છેલ્લે શાના વિશે તકરાર થઈ હતી. કદાચ પતિ આમ લખશે, “તેં આખો દિવસ તારા મિત્રો સાથે વિતાવ્યો અને ફોન કરીને મને જણાવ્યું નહિ કે તું ક્યાં છે.” કદાચ પત્ની આમ લખશે, “મારા મિત્રો સાથે સમય વિતાવ્યો હોવાથી તમે ગુસ્સે થઈ ગયા.”
૨. ખુલ્લા દિલે આ સવાલોની ચર્ચા કરો: શું એ મોટી બાબત હતી? શું એને અવગણી શકાય? અમુક કિસ્સાઓમાં શાંતિ જાળવવા સ્વીકારવું જોઈએ કે બંનેના વિચારો અલગ છે. તેમ જ, એ બાબત પ્રેમથી થાળે પાડો.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૭:૯.
તમને અને તમારા સાથીને લાગે કે એ મોટી બાબત ન હતી તો, એકબીજાની માફી માંગો અને જે બન્યું એ ભૂલી જાઓ.—બાઇબલ સિદ્ધાંત: કોલોસી ૩:૧૩, ૧૪.
જો તમને એકને અથવા બંનેને લાગે કે એ મોટી બાબત હતી, તો નીચે પ્રમાણે કરો.
૩. બંને જણ લખો કે તમે ગુસ્સામાં હતા ત્યારે કેવું લાગ્યું. કદાચ પતિ લખશે, “મને લાગ્યું કે તને મારી સંગત કરતાં તારા મિત્રો વધારે વહાલા છે.” કદાચ પત્ની લખશે, “મને લાગ્યું કે જાણે હું નાની કીકલી છું અને પપ્પાની જેમ તમારી પાસે રજા માંગવાની.”
૪. તમે જે લખ્યું એ એકબીજાને વાંચવા આપો. તમે ઝઘડ્યા ત્યારે સાથીને શાની ચિંતા હતી? ચર્ચા કરો કે તમે બંનેએ શું કર્યું હોત તો, ઝઘડ્યા વગર બાબતો થાળે પડી હોત.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૨૯:૧૧.
૫. આમ કરવાથી તમે શું શીખ્યા એની ચર્ચા કરો. ભાવિમાં મુશ્કેલીઓ થાળે પાડવા અથવા ઝઘડો ન થાય એ માટે તમે જે શીખ્યા એનો કેવો ઉપયોગ કરશો? ◼ (g13-E 02)
[ફુટનોટ]
a નામ બદલ્યાં છે.
[પાન ૮ પર ચિત્ર]
[પાન ૮ પર ચિત્ર]
[પાન ૯ પર બોક્સ]
મહત્ત્વની કલમો
“દોષને ઢાંકનાર પ્રીતિ શોધે છે.”—નીતિવચનો ૧૭:૯.
“એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો.”—કોલોસી ૩:૧૩.
“મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.”—નીતિવચનો ૨૯:૧૧.
[પાન ૯ પર બોક્સ]
તમે ઝઘડ્યા હો તો . . .
મૂળ કારણ જાણો: તમે ઝઘડ્યા ત્યારે એકબીજા પાસેથી શાની આશા રાખતા હતા? કારણ જાણવાની કોશિશ કરો.
જે બન્યું એનો વિચાર કરો: ઝઘડવાને બદલે વિચારો કે તમે બંનેએ શું કર્યું હોત તો, બાબતો થાળે પડત?
[પાન ૯ પર બ્લર્બ]
જો મોટી બાબત ન હોય, તો એકબીજાની માફી માંગો અને જે બન્યું એ ભૂલી જાઓ