વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૬/૧ પાન ૨૦-૨૩
  • લગ્‍નજીવનમાં ઝઘડા થાય તો શું કરવું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લગ્‍નજીવનમાં ઝઘડા થાય તો શું કરવું?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • વાંક કોનો છે?
  • ધ્યાનથી સાંભળો
  • લાગણીઓ સમજો
  • મૂળ સુધી પહોંચો
  • તમારું લગ્‍ન ટકી શકે છે!
    સજાગ બનો!—૨૦૦૧
  • સારા સાંભળનાર કઈ રીતે બનવું?
    સજાગ બનો!—૨૦૧૪
  • ઝઘડો ન થાય માટે શું કરી શકાય?
    સજાગ બનો!—૨૦૧૩
  • લગ્‍નજીવનથી નિરાશ થઈ ગયા હોય ત્યારે
    સજાગ બનો!—૨૦૧૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૬/૧ પાન ૨૦-૨૩

લગ્‍નજીવનમાં ઝઘડા થાય તો શું કરવું?

તમારું લગ્‍ન જીવન કેવું છે? આપણે ઇચ્છતા ન હોઈએ તોપણ, ઝઘડાઓ તો થાય જ છે. કેમ? કારણ કે એક વ્યક્તિ એવું કંઈક કહે કે કરે જેથી બીજી વ્યક્તિ ઉકળી ઉઠે. પળવારમાં બૂમાબૂમો ચાલુ થઈ જાય છે. શબ્દોના પ્રહારથી પતિપત્ની એકબીજાને ફાડી ખાવા માંડે છે. આંસુ વહે છે. પછી શાંતિ થાય. બંને રિસાઈને ચૂપચાપ થઈને બેસી જાય છે. અમુક કલાકો પછી તેઓ ફરી વાત કરવા માંડે. એકબીજાની માફી માંગે છે. હાશ, ફરી સંબંધમાં મીઠાશ આવી જાય છે! પણ થોડા વખતમાં ફરી ઝઘડો થાય છે.

દરરોજ ટીવી ને ફિલ્મોમાં આવા દૃશ્યો જોવા મળે છે. આપણે અમુક દૃશ્યો જોઈને હસીએ. જો આપણે પોતે એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ તો એ કંઈ નાનીસૂની વાત નથી. ખરૂંને? બાઇબલ કહે છે, “વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે.” (નીતિવચનો ૧૨:૧૮) ઝઘડાના ઘા જલદી રૂઝાતા નથી. પછી ભલેને એ ઘા દિલ પર પડ્યા હોય કે પછી શરીર પર.—નિર્ગમન ૨૧:૧૮.

હકીકત છે કે આપણે બધા ભૂલ કરી બેસીએ છીએ. તેથી કોઈ કોઈ વાર ઝઘડા તો થશે જ. (ઉત્પત્તિ ૩:૧૬; ૧ કોરીંથી ૭:૨૮) પરંતુ, જો અવારનવાર ઝઘડા થતા હોય તો ચેતવું પડે. લગ્‍નજીવન વિષેના એક નિષ્ણાત કહે છે કે, અવારનવાર ઝઘડાથી પતિપત્નીમાં છૂટાછેડા લેવાનું પ્રમાણ વધી જાય છે. તેથી, આવા ઝઘડાઓ શાંતિથી હલ કરવા બહુ જ મહત્ત્વનું છે.

વાંક કોનો છે?

જો અવારનવાર ઝઘડા થતા હોય તો, વિચારો કે કેમ ઝઘડા થાય છે. કોઈ પણ મામૂલી વાતમાંથી શું તમારો પારો ચઢી જાય છે? એકબીજાને મહેણાં મારવાનું શરૂ કરી દો છો? એમ હોય તો શું કરી શકાય?

વિચાર કરો, શું એમાં મારો વાંક હતો? શું હું તરત જ ઉકળી ઉઠ્યો હતો? શું હું નાની નાની બાબતોમાં કચકચ કરું છું? તમે કહેશો, ‘હું તો કંઈ ગરમ મિજાજનો નથી.’ પરંતુ તમારા સાથી તમારા વિષે શું વિચારે છે? તમે કહેશો કે ‘હું ફક્ત વાત કરતો હોવ તોય તેને તો એમ જ લાગે છે કે હું ઝઘડો કરું છું.’

ધારો કે, તમારા જીવનસાથી સહેલાયથી તમારી સાથે દિલ ખોલીને વાત કરી શકતા નથી. પણ તમે સહેલાયથી પેટ છૂટી વાત કરી શકો છો. તમે કહેશો કે ‘હું કંઈ ઝઘડા કરતો નથી. હું તો નાનપણથી જ બધા સાથે આ જ રીતે વાત કરું છું!’ ગમે તે હોય, તમારા સાથીને લાગી શકે કે તમારી જીભમાંથી ઝેર ટપકે છે. યાદ રાખો કે, દરેકની બોલવાની રીત જુદી જુદી હોય છે. લાગણીઓ જુદી જુદી હોય છે. જો તમે આ બાબત સમજશો તો તમારા ઝઘડા ઓછા થઈ થશે.

જીભને કાબૂમાં રાખો. પાઊલે કહ્યું: ‘ઘોંઘાટ તથા નિંદા, તમારામાંથી દૂર કરો.’ (એફેસી ૪:૩૧) દિલની વાત કરતી વખતે “ઘોંઘાટ” સંભળાવો ન જોઈએ. બૂમાબૂમ ન કરવી જોઈએ. જોકે, એનો અર્થ એમ નથી કે તમે કે શાંતિથી બેઠા-બેઠા તીર છોડી શકો. ક્યારેય જીવન સાથીને તોડી પાડશો નહિ.

ફરીથી વિચારો, ‘શું હું ઝઘડાખોર છું?’ તમે પોતે એનો ખરો જવાબ આપી શકશો નહિ. તમારા જીવનસાથી જ એનો જવાબ આપી શકશે. પતિ, જો તમારી પત્ની નાની નાની વાતમાં રડી પડે, તો એનો અર્થ એવો નથી કે તેનો જ વાંક હશે. બંને પોતાની ભૂલો જુઓ ને એમાં સુધારો કરો. પાઊલે કહ્યું: “કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.”—૧ કોરીંથી ૧૦:૨૪.

ધ્યાનથી સાંભળો

શું તમે તમારા જીવનસાથીની વાતચીત ધ્યાનથી સાંભળો છો? કે પછી તે વાત કરતા હોય ત્યારે તમે પણ વચમાં ટપકી પડો છો? ધ્યાનથી નહિ સાંભળો તો એકનું બીજું થઈ જશે ને બળતામાં ઘી રેડાશે. બાઇબલ કહે છે: “સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.” (નીતિવચનો ૧૮:૧૩) ઈસુએ કહ્યું: “કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો.” (લુક ૮:૧૮) આ સલાહ ધ્યાનમાં રાખવાથી ઘણા ફાયદા થાય છે. નાની નાની વાતોમાં ઝઘડો ન થાય માટે ધ્યાનથી એકબીજાનું સાંભળો.

બાઇબલ કહે છે તેમ, “બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં” બનો. (૧ પીતર ૩:૮) જીવન સાથી દિલ ખોલીને વાત કરે ત્યારે, એને સામાન્ય ગણી ન લો. હમદર્દ બનો. બાબતો સમજવાની કોશિશ કરો. તેમની લાગણીઓ સમજો.

ઈશ્વરભક્ત ઈસ્હાકનો વિચાર કરો. તેમણે એમ જ કર્યું હતું. તેમની પત્ની રિબકાહ બહુ દુઃખી હતી. આથી, તેણે કહ્યું: “હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું: આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી સ્ત્રી લે, તો મારે જીવવું શા કામનું?”—ઉત્પત્તિ ૨૭:૪૬.

રિબકાહ રડતી હતી. શું તેને ખરેખર મરવું હતું? ના. તે તો ફક્ત પોતાના દિલની લાગણીઓ આ રીતે બહાર કાઢતી હતી. પરંતુ, રિબકાહની દિલની વાત સાંભળીને ઈસ્હાક એવું ન કહ્યું કે ‘એમાં શું? આ તો સાવ મામૂલી વાત છે.’ તે સમજી શક્યા કે તેને કેમ આવી ચિંતા થતી હતી. પછી એ પ્રમાણે તેમણે પગલાં લીધા. (ઉત્પત્તિ ૨૮:૧) જીવનસાથી દિલ ઠાલવે ત્યારે એને સામાન્ય ગણી ન લો. તેમનું ધ્યાનથી સાંભળો. લાગણીઓ ને વિચારો સમજવાની કોશિશ કરો. પ્રેમ ને હમદર્દથી જવાબ આપો.

લાગણીઓ સમજો

દિલ ઠાલવતા હોઈએ ત્યારે લાગણીઓ ઉશ્કેરાય શકે. એ વખતે આપણે ડંખીલા શબ્દોનો ઉપયોગ કરીશું તો એનાથી બીજાની લાગણીઓ ઘવાશે. તેમ જ, બળતામાં ઘી રેડાશે. પણ આપણે બાઇબલની આ સલાહ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. એ કહે છે: “માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે.” (નીતિવચનો ૧૯:૧૧) આથી, દિલની લાગણીઓ ધ્યાનથી સાંભળો. શું કહેવા માંગે છે એ સમજવાની કોશિશ કરો. આ પ્રમાણે કરશો તો તમે મુશ્કેલીના મૂળ સુધી પહોંચી શકશો.

ધારો કે તમારી પત્ની કહે, ‘તમે કદી મારી સાથે બેસતા નથી!’ તો ગુસ્સામાં આવી જઈને એમ ન કહો: ‘શું ગાંડા જેવી વાત કરે છે! ગયા મહિને એક આખો દિવસ તારી માટે બગાડ્યો ન હતો!’ તમારા આવા શબ્દોથી એકબીજાનું મન ધવાય છે. શું પત્ની ખરેખર તમારી પાસે વધારે સમય માંગે છે? ના. તેની લાગણીઓ સમજવાથી તમે જાણી શક્યા હોત કે તે ખરેખર શું ઇચ્છે છે. તે તો ફક્ત ખાતરી કરવા માગતી હતી કે તમે ખરેખર તેને હજી પ્રેમ કરો છો કે કેમ?

ધારો કે પત્નીએ કોઈ મોંઘી વસ્તુ ખરીદી. પતિ તેને કહે છે, ‘આટલા બધા પૈસા કેમ બગાડ્યા?’ પત્ની તરત જ તડૂકી ઉઠે છે, ‘એટલા બધા ક્યાં હતા! તમારું વિચારો ને? ગયા મહિને તમે એનાથી પણ વધારે મોંઘી વસ્તુ ખરીદી હતી એનું શું? તમે લો તો કંઈ નહિ. અને હું લઉં તો આભ તૂટી પડ્યું?’ પરંતુ, શું ખરેખર પતિ પૈસાની ચિંતા કરતા હતા? ના, તેમના કહેવાનો અર્થ એમ હતો કે ‘ખરીદતા પહેલાં, મને કેમ ન પૂછ્યું? જો પહેલાથી ખબર હોત, તો સારું થાત.’

બધા જ અલગ અલગ રીતોએ પોતાની લાગણીઓ જણાવતા હોય છે. દિલની વાતો અનેક રીતોએ બહાર આવતી હોય શકે. લાગણી ઉશ્કેરાય એવા સમયે મગજ શાંત રાખો. સમજવાની કોશિશ કરો આ ‘ઝઘડાનું’ મૂળ શું છે. જીવનસાથીને કેમ એવું લાગે છે. બાઇબલ કહે છે: “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.”—યાકૂબ ૧:૧૯.

તમારું દિલ ઠાલવતા હોવ, ત્યારે તમે કેવા શબ્દોનો ઉપયોગ કરો છો? ઝઘડો થતો હોય ત્યારે શું તમે તમારા શબ્દોથી બળતામાં ઘી રેડો છો કે ઠંડું પાણી? ધ્યાન નહિ રાખો તો તમે શબ્દોથી એકબીજાને બાળી નાખી શકો છો. (નીતિવચનો ૨૯:૨૨) આથી, જીભને કાબૂમાં રાખીએ એ ખૂબ જ મહત્ત્વનું છે. બાઇબલ કહે છે, “જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.”—નીતિવચનો ૧૨:૧૮.

તમે વાતચીત કરતી વખતે એવા શબ્દો વાપરો કે સામેવાળાનું દિલ દુભાય તો શું? ધ્યાન રાખો કે, “કઠોર શબ્દો રીસ ચઢાવે છે.” (નીતિવચનો ૧૫:૧) તેથી, એકબીજાનો વાંક ન કાઢો. સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. એકબીજા પર દોષનો ટોપલો મૂકશો નહિ. ઉકેલનો ખરો માર્ગ શોધો. ઝઘડાને વધુ લંબાવો નહિ. તમારી વાણીથી શાંતિ આવી શકે કે લડાઈ થઈ શકે!

મૂળ સુધી પહોંચો

ઝઘડો થાય તો પોતાનો કક્કો ખરો કરવાની કોશિશ ન કરો. સુલેહ કરવાનો પ્રયત્ન કરો. એ માટે બાઇબલ શું કહે છે એ તપાસો. પતિને એ પગલું લેવાની ખાસ જરૂર છે. જક્કી વલણ ન રાખો, એના બદલે, યહોવાહના વિચારો શોધો. યહોવાહ તમને મન ને દિલની શાંતિ આપે માટે પ્રાર્થના કરો. (એફેસી ૬:૧૮; ફિલિપી ૪:૬, ૭) પોતાનું જ નહિ, પણ જીવનસાથીનું હિત જુઓ.—ફિલિપી ૨:૪.

ઝઘડો થાય ત્યારે આપણો જીવ બળે છે. તેમ છતાં, છણકા કરીએ. એકબીજાની લાગણીઓ દુભાવીએ. રિસાઈ જઈએ. તો પછી પરિસ્થિતિ સુધારવી મુશ્કેલ બની શકે. એવા કડવા પરિણામ આવે પહેલાં, બાઇબલની સલાહ તપાસો. યહોવાહ આપણને શાંતિ આપશે. સુધારો કરવા મદદ કરશે. (૨ કોરીંથી ૧૩:૧૧) “જે જ્ઞાન ઉપરથી છે” એ મુજબ ચાલો. ઈશ્વર જેવો સ્વભાવ કેળવો. કેમ કે બાઇબલ કહે છે, ‘સલાહ કરાવનારાઓ શાંતિ વાવે છે.’—યાકૂબ ૩:૧૭, ૧૮.

આપણે બધાયે દિલની લાગણીઓની શાંતિથી ચર્ચા કરતા શીખવું જોઈએ. કોઈ પણ બાબતમાં જતું કરવા તૈયાર હોવા જોઈએ. (૧ કોરીંથી ૬:૭) પાઊલે કહ્યું: ‘હવે રીસ, ક્રોધ, નિંદા, તમારા મુખમાંથી નીકળતાં બિભત્સ વચન એ સર્વ તજી દો. જૂના માણસપણા ને તેની કરણીઓ ઉતારી મૂકો અને નવું માણસપણું પહેરી લો.’—કોલોસી ૩:૮-૧૦.

ઉશ્કેરાયેલી લાગણીઓમાં કંઈક કહેવાય જાય તો શું? (યાકૂબ ૩:૮) માફી માંગો. સ્વભાવ સુધારતા રહો. સમય જતા તમારા ઝઘડા ઓછા થશે. પણ જો ઝઘડા થાય, તો જેમ બને તમે જલદીથી થાળે પાડી શકશો.

[પાન ૨૨ પર બોક્સ/ચિત્ર]

ઝઘડો થાય તો શું કરવું જોઈએ?

• ધ્યાનથી સાંભળો. નીતિવચનો ૧૦:૧૯

• એકબીજાને સમજવા કોશિશ કરો. ફિલિપી ૨:૪

• હમદર્દ બનો. ૧ કોરીંથી ૧૩:૪-૭

[પાન ૨૩ પર બોક્સ/ચિત્ર]

હમણાં શું કરી શકો છો?

તમારા જીવનસાથીને નીચેના પ્રશ્નો પૂછો. જવાબો ધ્યાનથી સાંભળો.

• શું હું ઝઘડાખોર છું?

• શું તમે દિલની વાતો જણાવો ત્યારે હું ધ્યાનથી સાંભળું છું કે પછી વચ્ચે જ તોડી પાડું છું?

• શું તમને લાગે છે કે મારી બોલી કડવી છે?

• મુશ્કેલી ઊભી થાય ત્યારે, આપણે શું કરવું જોઈએ? વાણીમાં કેવો સુધારો કરવો જોઈએ?

[પાન ૨૧ પર ચિત્ર]

શું તમે ધ્યાનથી સાંભળો છો?

[પાન ૨૨ પર ચિત્ર]

‘શું તમે મને ચાહો છો?’

[પાન ૨૨ પર ચિત્ર]

‘તમે તો કદી મારી સાથે બેસતા પણ નથી!’

[પાન ૨૨ પર ચિત્ર]

‘શું ગાંડા જેવી વાત કરે છે! ગયા મહિને એક આખો દિવસ તારી માટે બગાડ્યો ન હતો!’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો