શોકમાં ડૂબેલાઓ માટે આશ્વાસન
કેવા પડકારો આવી શકે?
અમુક નિષ્ણાતો કહે છે કે શોકમાં ડૂબેલી વ્યક્તિ લાગણીઓનો ઊભરો એકસાથે ન પણ ઠાલવે. દરેક જણ જુદી જુદી રીતે લાગણી વ્યક્ત કરે છે. શું એનો અર્થ એ થાય કે વ્યક્તિને ઓછું દુઃખ થયું છે? અથવા તે પોતાની લાગણીઓ ‘દબાવી’ રહી છે? ના, જરાય નહિ. ખરું કે, લાગણીઓનો ઊભરો ઠાલવવાથી મન હળવું થઈ જાય છે, પણ એ જ “એકમાત્ર અકસીર” ઇલાજ નથી. વ્યક્તિ કઈ રીતે દુઃખ વ્યક્ત કરે છે એનો આધાર આવી બાબતો પર રહેલો છે: વ્યક્તિ કયા સમાજમાંથી આવે છે, તે કેવા સ્વભાવની છે, તેણે જીવનમાં કેવાં ઉતાર-ચઢાવ જોયા છે અને તેનું સ્નેહીજન કઈ રીતે મરણ પામ્યું છે.
સંજોગો કેટલી હદે બગડી શકે?
શોકમાં ડૂબેલી વ્યક્તિ જાણતી નથી કે હવે તેણે કેવા સંજોગોનો સામનો કરવો પડશે. અમુક લાગણીઓ થવી કે પડકારો આવવા સામાન્ય છે. જો વ્યક્તિને એ વિશે ખબર હશે તો તે તૈયાર રહી શકશે. એટલે ચાલો એનો વિચાર કરીએ:
લાગણીઓનો આવેશ. શરૂઆતમાં કદાચ ધ્રાસકો લાગે કે વાત માનવામાં જ ન આવે. અવારનવાર રડવું, અવસાન પામેલી વ્યક્તિ માટે ઝૂરવું, અચાનક મૂડ બદલાઈ જવો, એ બધું થવું સામાન્ય છે. તેની મધુર યાદો કે તેના સપનાંઓને લીધે મન વધારે ભરાઈ આવે. ટીનાબહેનનો વિચાર કરો. તેમના પતિ ટીમો અચાનક ગુજરી ગયા ત્યારે, પોતે જે અનુભવ્યું એ વિશે તે જણાવે છે: ‘શરૂઆતમાં તો એવું લાગ્યું કે કાપો તો લોહી ન નીકળે. હું રડી પણ ન શકી. દિલ એટલું બેસી ગયું કે ગૂંગળામણ થવા લાગી. મારા તો માનવામાં જ ન આવ્યું.’
ચિંતા, ગુસ્સો અને દોષની લાગણી. ઈવાનભાઈ કહે છે ‘અમારા ૨૪ વર્ષના જુવાનજોધ દીકરા એરીકનું અવસાન થયું. એના થોડા સમય સુધી હું અને મારી પત્ની વાતે વાતે ગુસ્સે થઈ જતાં. એની અમને પણ નવાઈ લાગતી, કારણ કે પહેલા ક્યારેય એવું થતું ન હતું. અમને એમ પણ લાગતું કે તેના મોત માટે અમે જવાબદાર છીએ, તેને મદદ આપવામાં અમે કાચા પડ્યા.’ લાંબી બીમારીને કારણે પત્નીનું મરણ થયું ત્યારે, અલાહેન્ડ્રોભાઈ પણ પોતાને દોષી માનતા હતા. તે કહે છે: ‘શરૂશરૂમાં મને થતું કે હું જ ખરાબ છું, એટલે ભગવાને આવું થવા દીધું. પછી ભગવાનને દોષ આપવા બદલ મને અફસોસ પણ થતો.’ અગાઉના લેખમાં આપણે જે કોસ્ટાસભાઈ વિશે વાત કરી તેમનું કહેવું છે: ‘મને એકલો મૂકી ગઈ એવું વિચારીને અમુક વાર સોફિયા પર ગુસ્સો આવતો. પછી દુઃખ પણ થતું કે એમાં કંઈ તેનો વાંક થોડો કહેવાય!’
ખોટા વિચારો. અમુક વાર સાવ ધડ-માથા વગરના વિચારો મનમાં આવે. વ્યક્તિને ભાસ થયા કરે કે ગુજરી ગયેલા પ્રિયજનને તે સાંભળી, જોઈ અથવા મહેસૂસ કરી શકે છે. વ્યક્તિનું કશામાં ધ્યાન ન લાગે કે પછી કંઈ જ યાદ ન રહે. ટીનાબહેન કહે છે, ‘અમુક વાર વાત કરતાં કરતાં મન ચકરાવે ચઢી જતું. મારા પતિના મરણ વખતે બનેલા બનાવોમાં મન ભમ્યા કરતું. કશામાં મન ન લાગવાથી હું ચીડચીડી થઈ જતી.’
હળવું-મળવું ન ગમે. શોકમાં ડૂબેલી વ્યક્તિને કદાચ બીજાઓ સાથે હળવા-મળવામાં ચીડ ચઢે અથવા અતડું અતડું લાગે. કોસ્ટાસ કહે છે: ‘યુગલો વચ્ચે હોઉં ત્યારે મને પત્નીની ખોટ વધારે સાલતી. કુંવારા લોકો સાથે હોઉં ત્યારે પણ બહુ ફેર પડતો નહિ.’ ઈવાનની પત્ની યોલાન્ડા કહે છે: ‘પોતાની તકલીફો વિશે કોઈ ફરિયાદ કરતું ત્યારે એ સાંભળવું આકરું લાગતું. મને થતું, તેને ક્યાં મારા જેટલું મોટું દુઃખ છે! બીજા અમુક આવીને પોતાનાં બાળકોનાં વખાણ કરે ત્યારે મને ગમતું નહિ. એવું નથી કે હું તેઓ માટે ખુશ ન હતી, પણ એનાથી હું વધારે બેચેન થઈ જતી. હું અને મારા પતિ જાણતા હતા કે આવા બનાવોથી કંઈ જીવન રોકાતું નથી. પણ આવા સંજોગોનો સામનો કરવાની હવે અમારામાં ઇચ્છા કે ધીરજ રહી નથી.’
તબિયતને લગતી મુશ્કેલીઓ. ભૂખ ન લાગવી, વજન ઘટવું, ઊંઘ ન આવવા જેવી બાબતો બની શકે. ઍરનભાઈનો વિચાર કરો. તેમના પપ્પા ગુજરી ગયા એના એક વર્ષ પછી જે બન્યું એને યાદ કરતા તે કહે છે, ‘મારી રાતોની ઊંઘ ઊડી ગઈ હતી. રોજ રાતે પપ્પાના મરણના વિચારો આવે અને મારી આંખ ખૂલી જતી.’
અલાહેન્ડ્રોને એ સમય યાદ છે, જ્યારે ડોક્ટરથી તેમનો રોગ પકડાતો ન હતો. તે કહે છે: ‘ડોક્ટરે ઘણી વાર મને તપાસ્યો અને તેમને મારા નખમાંય રોગ ન મળ્યો. મને થતું કે મારા દુઃખની મારા શરીર પર અસર તો નથી થતીને.’ સમય જતાં બધું સારું થઈ ગયું. અલાહેન્ડ્રોએ ડોક્ટરની સલાહ લીધી, એ સારું કર્યું. કારણ કે અમુક વાર શોકને લીધે શરીર નબળું પડી જાય છે અને બીમારી સામે લડી શકતું નથી. એટલે જે બીમારી પહેલેથી હોય એ વધી શકે અથવા નવી ઊભી થઈ શકે.
જરૂરી કામકાજ કરવાં અઘરાં લાગે. ઈવાન યાદ કરે છે: ‘એરિકના અવસાન પછી, અમારે સગાં-વહાલાં, મિત્રો, તેના બોસ અને મકાન માલિક જેવા બીજા લોકોને પણ ખબર આપવાની હતી. કેટલાય કાગળિયાં ભરવાનાં હતાં. તેની વસ્તુઓનું શું કરવું એ નક્કી કરવાનું હતું. એ કામો ખાસ ધ્યાન માંગી લે એવાં હતાં. એ પણ એવા સમયે, જ્યારે અમે તન-મનથી ભાંગી પડ્યાં હતાં.’
કેટલાક લોકો સામે પડકારો ત્યારે આવે છે, જ્યારે તેઓએ એવાં કામ કરવા પડે જે એ વ્યક્તિ કરતી હતી. ટીનાબહેન સાથે એવું જ બન્યું. તે કહે છે: ‘અમારા ધંધાનું અને બેંકનું બીજું બધું કામ ટીમો જ સંભાળી લેતાં. હવે એ મારા પર આવી પડ્યું છે. એના લીધે મારી ચિંતાઓમાં વળી વધુ ઉમેરો થયો છે. મને થાય છે, શું હું બધું બરાબર કરી શકીશ? કોઈ ગરબડ તો નહિ થાય ને!’
તન-મનથી ભાંગી નાખે એવાં પડકારો વિશે સાંભળીને કદાચ કોઈને થાય, “આ દુઃખનો સામનો કરવો ખૂબ જ અઘરું છે!” હા, એ કાઠું તો છે. પણ આવા સંજોગોનો સામનો કરનાર વ્યક્તિએ આ પડકારો વિશે જાણ્યું હશે તો તેને મદદ મળશે. એ પણ યાદ રાખવું જોઈએ કે, દરેકની સામે આ બધા જ પડકારો આવશે એવું જરૂરી નથી. આવી લાગણીઓ થવી કંઈ ખોટી વાત નથી, એ જાણીને પણ વ્યક્તિની હિંમત બંધાઈ શકે.
શું મારા ચહેરા પર ફરી રોનક આવશે?
શું કોઈ આશાનું કિરણ છે? કોઈને ગુમાવવાનું દુઃખ હંમેશાં એટલું ને એટલું રહેતું નથી. એ ધીમે ધીમે ઓછું થાય છે. એનો અર્થ એમ નથી કે વ્યક્તિ શોકની લાગણીમાંથી પૂરેપૂરી બહાર આવી જશે કે પછી, તે પોતાના વહાલાને સાવ વીસરી જશે. સમયના વહેણમાં દુઃખનો ઊભરો પણ ઓસરતો જશે. અમુક વાર અચાનક અથવા કોઈ ખાસ તારીખોએ યાદો તાજી થઈ આવે અને વ્યક્તિને દુઃખી કરે. પરંતુ, મોટા ભાગના લોકો સમય જતાં પોતાની જાતને સંભાળી લેતા હોય છે અને રોજબરોજના જીવનમાં મન પરોવી શકે છે. એવું ત્યારે શક્ય બને, જ્યારે મિત્રો અને સગાંઓનો સાથ હોય અને દુઃખના વમળમાંથી બહાર નીકળવા વ્યક્તિ પોતે પ્રયત્ન કરે.
કેટલો સમય લાગી શકે? એમાંથી બહાર આવવા અમુકને મહિનાઓ લાગે તો અમુકને એક-બે વર્ષ. બીજા અમુકને એથી વધારે સમય લાગી શકે.a અલાહેન્ડ્રોભાઈ કહે છે, ‘મને લગભગ ત્રણ વર્ષ લાગ્યાં હતાં.’
ધીરજથી કામ લો. એક જ દિવસમાં બધું થાળે પડવાનું નથી. એક પછી એક બાબતો હાથ ધરો. ભૂલશો નહિ, દુઃખનું ઓસડ દહાડા છે, જતાં દિવસે એ ઘા રૂઝાશે. તમારું દુઃખ ઓછું થાય અને લાંબો સમય ન ચાલે એ માટે તમે શું કરી શકો?
શોકમાં ડૂબેલાઓ દુઃખના વમળમાં ઘેરાઈ જાય એ સ્વાભાવિક છે
a થોડાક લોકો શોકમાં એટલા ગરક થઈ જાય કે વર્ષો સુધી એમાંથી બહાર ન આવે. એવી હાલતને તબીબી ભાષામાં “કૉમ્પ્લિકેટેડ ગ્રીફ” અથવા “ક્રૉનિક ગ્રીફ” કહે છે. આવા લક્ષણો ધરાવતી વ્યક્તિ માનસિક રોગના ડોક્ટર પાસે સારવાર લે તો સારું રહેશે.