ગુજરી ગય છે તેઓની આશાનો સૂરજ ઊગ્યો છે!
પચ્ચીસેક વર્ષની એક યુવતીએ લખ્યું: ‘૧૯૮૧માં મારી સાવકી માને કૅન્સર ભરખી ગયું. એ સમયે, હું ૧૭ વર્ષની હતી અને મારો સાવકો ભાઈ ૧૧ વર્ષનો હતો. અમે અનાથ થઈ ગયા. મમ્મીના મોતથી જાણે અમારું કાળજું કપાઈ ગયું. હું અને મારી મમ્મી તો પાક્કી બેનપણીઓ. દિન-રાત મને મારી મમ્મીની યાદ સતાવતી હતી. લોકો કહેતા હતા કે હવે તે સ્વર્ગમાં છે. મને થયું કે તેની સાથે રહેવાનો એક ઉપાય છે, મરણ. એટલે હું પણ મરવા માંગતી હતી.’
આપણે જેને દિલોજાનથી ચાહતા હોઈએ, એને પળવારમાં મરણ ઝૂંટવી જાય, એ કેમ સહન થાય! જ્યારે આપણું કોઈ સગું કે મિત્ર ગુજરી જાય, ત્યારે અન્યાય થતો હોય એમ લાગે છે. હવે ન તો તેની સાથે વાતો થશે, ન તો હસી-મજાક થશે. અરે, દોડીને તેને ભેટી પણ શકાશે નહિ! તેમ જ, તે સ્વર્ગમાં છે એમ સાંભળીને પણ, આપણું દુઃખ ઓછું થતું નથી.
જોકે, બાઇબલ આપણને એક જુદી જ આશા આપે છે. એ બતાવે છે કે આપણે મૂએલાંને ફરીથી જરૂર મળીશું. સ્વર્ગમાં નહિ કે પુનર્જન્મમાં નહિ, પણ આ જ પૃથ્વી પર આપણે તેઓને મળીશું. એ સમયે પૃથ્વી આજના જેવી નહિ હોય. પણ એક સુંદર બગીચા જેવી હશે, જ્યાં અપાર સુખ-શાંતિ હશે. આપણે કદી બીમાર થઈશું નહિ અને કદી મરીશું પણ નહિ. જોકે, તમને લાગશે કે, ‘એવું તો કદી બનતું હશે!’
તમને એ માટે કેવા પુરાવા જોઈએ? પહેલા તો તમારે ભરોસો કરવાની જરૂર છે કે આ વચનો આપનારમાં એને પૂરાં કરવાની તાકાત પણ છે. પરંતુ, મૂએલાંને ફરીથી જીવતા કરવાનું વચન કોણે આપ્યું છે? અને તે કઈ રીતે એમ કરશે?
ઈસુ ખ્રિસ્તે ૩૧ની સાલમાં વચન આપ્યું હતું: ‘પિતાની જેમ પુત્ર પણ ચાહે તેને મરણમાંથી સજીવન કરશે. આશ્ચર્ય પામશો નહિ, સમય આવી રહ્યો છે જ્યારે સર્વ મૂએલાંઓ ઈસુની વાણી સાંભળશે, અને સજીવન થશે.’ (યોહાન ૫:૨૧, ૨૮, ૨૯, IBSI) આમ, ઈસુએ વચન આપ્યું છે કે મરણ પામેલા કરોડો લોકો આ જ પૃથ્વી પર સજીવન થશે અને હંમેશ માટે જીવશે. ફરક એટલો જ હશે કે પૃથ્વી આજના જેવી નહિ, પણ સુંદર મજાની હશે. (યોહાન ૩:૧૬; ૧૭:૩; ગીતશાસ્ત્ર ૩૭:૨૯ માત્થી ૫:૫) ઈસુએ આ વચન તો આપ્યું છે, પણ શું તે એમ કરી શકે છે?
એ વચન આપ્યાને બે વર્ષની અંદર જ, ઈસુએ સાબિત કરી આપ્યું કે મૂએલાંને સજીવન કરવાની શક્તિ તેમને આપવામાં આવી છે.
“લાજરસ, બહાર આવ!”
લાજરસ ઈસુનો પાક્કો દોસ્ત હતો. તે ખૂબ બીમાર હતો. તેથી, તેની બે બહેનો, મરિયમ અને મારથાએ ઈસુને સંદેશો મોકલ્યો: “પ્રભુ, જેના પર તું પ્રેમ રાખે છે, તે માંદો છે.” (યોહાન ૧૧:૩) શું ઈસુ પોતાના બીમાર દોસ્તને મળવા જલદી જલદી ગયા? ના, હજુ બીજા બે દિવસ સુધી ઈસુ પોતાના દોસ્તને મળવા ગયા નહિ.—યોહાન ૧૧:૫, ૬.
લાજરસની બીમારીનો સંદેશો મોકલ્યો એના થોડા સમયમાં જ, તે મરણ પામ્યો. જોકે, ઈસુને ખબર પડી કે લાજરસનું મરણ થયું છે, અને તે કંઈ આમને આમ બેસી રહેવાના ન હતા. પણ તે બેથાનીઆ આવ્યા ત્યાં સુધી તો, લાજરસના મરણને ચાર દિવસ થઈ ગયા હતા. (યોહાન ૧૧:૧૭, ૩૯) શું ઈસુ ચાર દિવસથી મરણ પામેલા લાજરસને સજીવન કરી શકશે?
ઈસુ આવ્યા છે, એ સાંભળતા જ મારથા તેમને મળવા દોડી ગઈ. (લુક ૧૦:૩૮-૪૨) ઈસુએ તેને દિલાસો આપતા કહ્યું: “તારો ભાઈ પાછો ઊઠશે.” મારથાએ કહ્યું કે તેને પૂરો ભરોસો છે કે ભાવિમાં લાજરસ જરૂર સજીવન થશે. પરંતુ, ઈસુએ તેને કહ્યું: “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું; મારા પર વિશ્વાસ મૂકનાર જો કે મરી જાય તો પણ તે જીવશે.”—યોહાન ૧૧:૨૦-૨૫, પ્રેમસંદેશ.
લાજરસની કબર પાસે આવીને, ઈસુએ એના પરનો પથ્થર ખસેડવાનું કહ્યું. પછી તેમણે મોટેથી પ્રાર્થના કરી અને પોકારી ઊઠ્યા: “લાજરસ, બહાર આવ.”—યોહાન ૧૧:૩૮-૪૩.
જરા કલ્પના કરો: બધા જ કબર તરફ તાકી તાકીને જોઈ રહ્યા છે. જુઓ, કફનથી વીંટાયેલો લાજરસ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે! ઈસુએ કહ્યું: “એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.” ખરેખર, ચાર દિવસ પહેલાં મરણ પામેલા લાજરસને ફરીથી જીવન મળ્યું!—યોહાન ૧૧:૪૪.
શું ખરેખર એવું બન્યું હતું?
યોહાનનું પુસ્તક આપણને લાજરસના સજીવન થવા વિષે જણાવે છે. એ ઘટનાની ઝીણી ઝીણી માહિતી બતાવે છે, કે એ કંઈ વાર્તા જ નથી પણ હકીકત છે. જો આપણે એ ન માની શકીએ, તો આપણે બાઇબલના બીજા ચમત્કારોમાં પણ શંકા ઉઠાવીએ છીએ. એટલું જ નહિ, પણ ઈસુ સજીવન થયા એમાં પણ શંકા કરીએ છીએ. ઈસુ સજીવન થયા એ આપણે ન માનીએ તો, ખ્રિસ્તી શિક્ષણ જ શા કામનું?—૧ કોરીંથી ૧૫:૧૩-૧૫.
શું તમે પરમેશ્વરમાં માનો છો? તો પછી મૂએલાંના સજીવન થવાની આશામાં તમે ચોક્કસ માની શકશો. દાખલા તરીકે: આજથી સો વર્ષ પહેલાં વિડીયો ટેપ વિષે લોકોને બહુ જ નવાઈ લાગી હોત. પરંતુ, આજની ટૅક્નોલૉજીને કારણે વ્યક્તિ મરણ પામી હોય તોપણ, વિડીયો ટેપમાં તેને બોલતા, હરતા-ફરતા જોઈ શકાય છે. જોકે, દૂર જંગલ કે ગામડાંમાં રહેતા ઘણા લોકોને વિડીયો રેકોર્ડિંગ ચમત્કાર લાગી શકે. ઈશ્વરે બનાવેલા મનુષ્યો આવી વિડીયો ટેપ આસાનીથી ઉતારી શકે છે. તો પછી, શું આપણા સર્જનહાર એનાથી વધારે ન કરી શકે? ચોક્કસ, આપણને જીવન આપનાર ઈશ્વર, ભલે આપણે મરણ પામીએ તોપણ ફરી જીવન આપી શકે છે.
ઈસુના ચમત્કારથી ત્યાંના લોકોનો વિશ્વાસ ખૂબ દૃઢ થયો. (યોહાન ૧૧:૪૧, ૪૨; ૧૨:૯-૧૧, ૧૭-૧૯) એ જ સો ટકા ગેરંટી આપે છે કે ઈશ્વર અને ઈસુ મૂએલાંને ચોક્કસ સજીવન કરશે.
‘દેવ મમતા રાખશે’
લાજરસના મરણથી ઈસુ બહુ જ દુઃખી થઈ ગયા. એનાથી આપણે જોઈ શકીએ કે તેમને લાજરસ પર કેટલો પ્રેમ હતો. વળી, એ બતાવે છે કે ઈસુ મૂએલાંને સજીવન કરવા તૈયાર જ છે. બાઇબલ કહે છે: “જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમે આવીને તેને જોયો, ત્યારે તેણે તેને પગે લાગીને તેને કહ્યું, કે પ્રભુ, જો તું અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ. ત્યારે તેને રડતી જોઈને, તથા જે યહુદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, ઈસુએ મનમાં નિસાસો મૂક્યો, અને પોતે વ્યાકુળ થયો. તેણે પૂછ્યું, કે તમે તેને ક્યાં મૂક્યો છે? તેઓ તેને કહે છે, કે પ્રભુ, આવીને જો. ઈસુ રડ્યો. એ જોઈને યહુદીઓએ કહ્યું, કે જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો!”—યોહાન ૧૧:૩૨-૩૬.
લાજરસના મરણથી ઈસુ બહુ જ ‘વ્યાકુળ થઈ ગયા.’ એટલે તેમણે “નિસાસો મૂક્યો,” અને તે ‘રડી પડ્યા.’ આ બતાવે છે કે ઈસુ લાજરસને દિલોજાનથી ચાહતા હતા. વળી, મરિયમ અને મારથાને શોક કરતા જોઈને તેમને એટલું દુઃખ લાગ્યું, કે ઈસુની આંખો છલકાઈ ગઈ.
એક ખાસ વાતની નોંધ લો. આ બનાવ પહેલાં ઈસુએ બે જણને સજીવન કર્યા હતા. તેમણે લાજરસને પણ સજીવન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. (યોહાન ૧૧:૧૧, ૨૩, ૨૫) તોપણ તે ‘રડ્યા.’ એ પરથી જાણી શકાય, કે લોકોને સજીવન કરવા પાછળ ફક્ત ચમત્કાર કરવાનો હેતુ નથી. પરંતુ, એમાં આપણા માટે ઈસુનો પ્રેમ નીતરતો જોઈએ છીએ. તેથી, જલદી જ તે મરણને લીધે થતા કોઈ પણ દુઃખનું નામ-નિશાન મિટાવી દેશે.
ઈસુ પાસેથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહ કેવા ઈશ્વર છે. ઈસુની જેમ જ કોઈના પણ મરણથી યહોવાહનું દિલ પણ રડી ઊઠે છે. (હેબ્રી ૧:૩) મૂએલાંને સજીવન કરવાની ખુદ યહોવાહની ઇચ્છા વિષે અયૂબે કહ્યું: ‘મનુષ્ય મૃત્યુ પામે પછી એ ફરી પાછો જીવતો થઈ શકે? આ તારા હાથે ઘડેલા જીવને માટે ઝૂરીને પછી તું મને બોલાવે ત્યારે હું વળતો સાદ દઉં.’ (યોબ ૧૪:૧૪, ૧૫, સંપૂર્ણ બાઇબલ) અહીં ‘ઝૂરવું’ માટેના મૂળ ભાષાના શબ્દોનો અર્થ એ થાય કે યહોવાહ પરમેશ્વરની એ દિલની તમન્ના છે. (ઉત્પત્તિ ૩૧:૩૦; ગીતશાસ્ત્ર ૮૪:૨) સાચે જ, યહોવાહ મૂએલાંને જરૂર સજીવન કરશે!
મૂએલાં સજીવન થશે, એ વચનમાં શું તમે ખરેખર માનો છો? યહોવાહ અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત બંનેનું આ પાક્કું વચન છે. તેમ જ તેઓમાં એ કરવાની શક્તિ પણ છે. હા, નજીકમાં પૃથ્વી સુંદર અને સુખ-શાંતિથી હરી-ભરી બનશે. જેઓને મોત આપણી પાસેથી ઝૂંટવી ગયું છે, એ બધા પાછા જીવન પામશે. શું તમે તેમને મળવા ત્યાં હશો?
યહોવાહ પરમેશ્વરે વચન આપ્યું છે કે આ પૃથ્વી ફરીથી સ્વર્ગ જેવી બનશે. યહોવાહ જલદી જ ઈસુ દ્વારા આ પૃથ્વી પર પોતાનું રાજ્ય લાવીને એ સપનું પૂરું કરશે! (ઉત્પત્તિ ૨:૭-૯; માત્થી ૬:૧૦) પછી તો ન કોઈ બીમારી હશે કે ન મરણ. (પ્રકટીકરણ ૨૧:૧-૪; અયૂબ ૩૩:૨૫; યશાયાહ ૩૫:૫-૭) ન તો લોકોમાં નાત-જાતના, કાળા-ધોળાના ભેદભાવ હશે, કે ન રહેશે પૈસાની તંગી. આવી સુખ-શાંતિમાં યહોવાહ પરમેશ્વર, ઈસુ દ્વારા મૂએલાંને સજીવન કરશે.
આ લેખની શરૂઆતમાં જણાવેલી યુવતી પણ હવે આ જ આશા રાખે છે. તેની મમ્મી ગુજરી ગઈ એના થોડાં વર્ષો પછી, યહોવાહના સાક્ષીઓએ તેને બાઇબલનું શિક્ષણ લેવા મદદ કરી. તે કહે છે: “મારી મમ્મી, મારી પાક્કી બેનપણીને યહોવાહ પાછું જીવન આપશે એ જાણીને હું તો રડી જ પડી.”
શું તમને પણ તમારા ગુજરી ગયેલા સગાં-વહાલાંની યાદ સતાવે છે? શું તમે વધારે જાણવા માગો છો, કે કઈ રીતે આ આશાનો સૂરજ તમારા જીવનમાં પણ ઊગી શકે? તો પછી, યહોવાહના સાક્ષીઓને તમારી નજીક આવેલા કિંગ્ડમ હૉલમાં મળો. અથવા આ પુસ્તિકાના પાન ૩૨ પરથી તમારી નજીકના કોઈ એડ્રેસ પર તેઓને લખો.
આ પ્રશ્નો વિચારો
લાજરસનો બનાવ કઈ રીતે બતાવે છે કે ઈસુ મૂએલાંને સજીવન કરવા ચાહે છે અને એમ કરી શકે છે?
લાજરસનું સજીવન થવું એ વાર્તા નહિ, પણ સત્ય ઘટના છે. શા માટે?
યોહાન ૧૧ પ્રમાણે કઈ રીતે ઈસુ મરણથી થતા બધા દુઃખોનું નામ-નિશાન મિટાવી દેશે?
શું બતાવે છે કે યહોવાહ પરમેશ્વર પોતે પણ મૂએલાંને સજીવન કરવા ઝૂરી રહ્યા છે?
[પાન ૨૮ પર બોક્સ]
દિલાસો આપતા વચનો
ઘણી વાર યહોવાહના સાક્ષીઓને પૂછવામાં આવે છે કે તેઓ કઈ રીતે આવા દુઃખનો સાગર પાર કરી શક્યા? તેઓ જવાબ છે: “બાઇબલના આ દિલાસો આપતા વચનોથી.” જો તમે શોકમાં ડૂબેલા હોવ, તો આ વચનો તમને પણ દિલાસો આપી શકે.
‘કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વરની સ્તુતિ થાઓ. તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે.’—૨ કોરીંથી ૧:૩, ૪.
“તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત કરે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.
‘ઈશ્વરે એક દિવસ નક્કી કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઈનસાફ કરશે; જે વિષે તેણે તેને મૂએલાંમાંથી પાછો ઉઠાડીને સર્વેને ખાતરી કરી આપી છે.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧.
‘જે તમને દિલાસો દે છે, તે હું જ છું.’—યશાયાહ ૫૧:૧૨.
“જેમ કોઈ માણસને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ.”—યશાયાહ ૬૬:૧૩.
‘મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે, કે તારાં વચનોએ મને જીવાડ્યો છે. હે યહોવાહ, યુગોના યુગોથી તારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં; મને દિલાસો મળ્યો છે. તારા સેવકને આપેલા તારા વચન પ્રમાણે તારી કૃપાથી મને દિલાસો મળો.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૫૦, ૫૨, ૭૬.
‘આશ્ચર્ય પામશો નહિ, સમય આવી રહ્યો છે જ્યારે સર્વ મૂએલાંઓ ઈશ્વરપુત્રની વાણી સાંભળશે, અને સજીવન થશે: જેઓએ સારાં કામ કર્યાં છે તેઓ અનંતજીવન માટે ઊઠશે.’—યોહાન ૫:૨૮, ૨૯, IBSI.
[પાન ૨૬ પર ચિત્ર]
લાજરસના બનાવમાં ઈસુનો પ્રેમ નીતરે છે. ઈસુ મરણથી થતા કોઈ પણ દુઃખનું નામ-નિશાન મિટાવી દેશે
[પાન ૩૧ પર ચિત્ર]
ઈસુ દ્વારા મૂએલાં સજીવન કરાશે અને સર્વ લોકોમાં આનંદ આનંદ છવાઈ જશે