વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 એપ્રિલ પાન ૮-૧૩
  • “તારો ભાઈ જીવતો થશે”!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તારો ભાઈ જીવતો થશે”!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • કેમ ભરોસો રાખી શકીએ કે ગુજરી ગયેલાઓ જીવતા થશે?
  • ઈસુનો જિગરી દોસ્ત ગુજરી જાય છે
  • “લાજરસ, બહાર આવ!”
  • આપણી આશા પર કઈ રીતે ભરોસો મક્કમ કરી શકીએ?
  • ગુજરી ગયેલાઓ માટે આશા—તેઓને પાછા જીવતા કરવામાં આવશે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ગુજરી ગયા છે તેઓની આશાનો સૂરજ ઊગ્યો છે!
    ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?
  • તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ‘મરણ પામેલા લોકોને સજીવન કરનાર અને જીવન આપનાર’
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 એપ્રિલ પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૧૬

“તારો ભાઈ જીવતો થશે”!

“ઈસુએ [માર્થાને] કહ્યું: ‘તારો ભાઈ જીવતો થશે.’”—યોહા. ૧૧:૨૩.

ગીત ૧૨ અમર જીવનનું વચન

ઝલકa

૧. ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશા વિશે એક છોકરાએ કઈ રીતે પોતાની લાગણીઓ જણાવી?

મેથ્યુ નામના છોકરાને એક મોટી બીમારી છે, જેના કારણે તેનાં ઘણાં ઑપરેશન પણ થયાં છે. જ્યારે તે સાત વર્ષનો હતો, ત્યારે તે અને તેનું કુટુંબ સાથે મળીને JW બ્રૉડકાસ્ટિંગનો એક કાર્યક્રમ જોતાં હતાં. એ કાર્યક્રમના અંતે એક ગીત હતું, જેમાં બતાવ્યું હતું કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવી રહ્યા છે અને લોકો તેઓનો આવકાર કરી રહ્યા છે.b એ કાર્યક્રમ પછી મેથ્યુ પોતાનાં મમ્મી-પપ્પા પાસે ગયો અને તેમનો હાથ પકડીને કહ્યું: “તમે જોયું મમ્મી-પપ્પા? હું મરી જઈશ તોપણ મને જીવતો કરવામાં આવશે. ચિંતા ન કરશો. બસ મારી રાહ જોજો.” જરા વિચારો, ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશા પર એ નાનકડા દીકરાનો ભરોસો જોઈને મમ્મી-પપ્પાને કેટલી ખુશી થઈ હશે!

૨-૩. ગુજરી ગયેલાઓ જીવતા થશે એ આશા પર કેમ વિચાર કરવો જોઈએ?

૨ ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશા પર આપણે સમયે સમયે વિચાર કરવો જોઈએ. (યોહા. ૫:૨૮, ૨૯) શા માટે? કેમ કે ગમે ત્યારે આપણે જીવલેણ બીમારીનો ભોગ બની શકીએ અથવા અચાનક કોઈ સ્નેહીજનને મરણમાં ગુમાવી શકીએ. (સભા. ૯:૧૧; યાકૂ. ૪:૧૩, ૧૪) બાઇબલમાં આપેલી આશા આપણને એવા કપરા સંજોગોનો સામનો કરવા મદદ કરી શકે છે. (૧ થેસ્સા. ૪:૧૩) બાઇબલમાં જણાવ્યું છે કે સ્વર્ગમાંના આપણા પિતા આપણને સારી રીતે ઓળખે છે અને આપણને ખૂબ જ પ્રેમ કરે છે. (લૂક ૧૨:૭) જરા વિચારો, જો યહોવાએ આપણને આપણાં વિચારો, લાગણીઓ અને યાદો સાથે જીવતા કરવાના હોય, તો તેમને આપણા વિશે રજેરજ માહિતી હોવી જોઈએ. એનો પણ વિચાર કરો કે, યહોવા આપણને કેટલો બધો પ્રેમ કરે છે કે તે આપણને હંમેશ માટેનું જીવન આપવા માંગે છે. અરે, મરી જઈએ તોપણ તે આપણને જીવતા કરવા તૈયાર છે.

૩ આ લેખમાં આપણે સૌથી પહેલા જોઈશું કે ગુજરી ગયેલાઓ જીવતા થશે એવો ભરોસો કેમ કરી શકીએ. પછી આપણે બાઇબલનો એક અહેવાલ જોઈશું, જેનાથી આપણી શ્રદ્ધા વધશે. એ જ અહેવાલમાંથી આ લેખની મુખ્ય કલમ લેવામાં આવી છે: “તારો ભાઈ જીવતો થશે.” (યોહા. ૧૧:૨૩) છેલ્લે આપણે જોઈશું કે આપણે કઈ રીતે બાઇબલની એ આશા પર ભરોસો વધારી શકીએ.

કેમ ભરોસો રાખી શકીએ કે ગુજરી ગયેલાઓ જીવતા થશે?

૪. કોઈ વચન પર ભરોસો મૂકવા તમને કઈ વાતની ખાતરી હોવી જોઈએ? દાખલો આપો.

૪ જો તમને પાકી ખાતરી હશે કે વચન આપનાર પાસે પોતાનું વચન પૂરું કરવાની ઇચ્છા અને શક્તિ છે, તો તમે તેના વચન પર ભરોસો કરી શકશો. એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. વિચારો કે, એક તોફાનમાં તમારા ઘરને ઘણું નુકસાન થયું છે. એક દોસ્ત તમારી પાસે આવે છે અને વચન આપતા કહે છે, “હું છું ને, હું તને ફરી ઘર બાંધવામાં મદદ કરીશ.” તે એક સારો માણસ છે અને તમને ખાતરી છે કે તે તમને મદદ કરવા ઇચ્છે છે. જો તે સારો બિલ્ડર હોય અને તેની પાસે જરૂરી સાધનો હોય, તો તમે જાણો છો કે તે તમને મદદ કરી શકે છે. એટલે તમે તેના વચન પર ભરોસો કરો છો. તો પછી, ઈશ્વરે ગુજરી ગયેલાઓને જીવતા કરવાનું જે વચન આપ્યું છે, એ વિશે શું? શું તેમની પાસે એ વચન પૂરું કરવાની ઇચ્છા અને શક્તિ છે?

૫-૬. આપણે કેમ ખાતરી રાખી શકીએ કે યહોવા ગુજરી ગયેલાઓને જીવતા કરવાની ઇચ્છા રાખે છે?

૫ શું યહોવા ગુજરી ગયેલાઓને જીવતા કરવાની ઇચ્છા રાખે છે? હા, એમાં કોઈ જ શંકા નથી. તેમણે ઘણા ઈશ્વરભક્તો પાસે બાઇબલમાં લખાવ્યું છે કે તે ભાવિમાં ગુજરી ગયેલાઓને જીવતા કરશે. (યશા. ૨૬:૧૯; હોશિ. ૧૩:૧૪; પ્રકટી. ૨૦:૧૧-૧૩) જ્યારે યહોવા કોઈ વચન આપે છે, ત્યારે તે એને ચોક્કસ પૂરું કરે છે. (યહો. ૨૩:૧૪) એટલું જ નહિ, યહોવા ગુજરી ગયેલાઓને જીવતા કરવા આતુર છે. આપણે એવું કેમ કહી શકીએ?

૬ ધ્યાન આપો કે ઈશ્વરભક્ત અયૂબે શું કહ્યું હતું. તેમને પૂરી ખાતરી હતી કે તેમનું મરણ થશે તોપણ યહોવા તેમને ફરી જોવાની ઝંખના રાખશે. (અયૂ. ૧૪:૧૪, ૧૫, ફૂટનોટ) યહોવા એ બધા જ ઈશ્વરભક્તોને જોવાની ઝંખના રાખે છે, જેઓ મરણની ઊંઘમાં સરી ગયા છે. તે તેઓને જીવન આપવા આતુર છે, જેથી તેઓ તંદુરસ્ત અને ખુશહાલ જીવન જીવી શકે. પણ એવા કરોડો લોકો વિશે શું, જેઓને ઈશ્વર વિશે શીખવાનો મોકો નથી મળ્યો અને ગુજરી ગયા છે? આપણા પ્રેમાળ ઈશ્વર તેઓને પણ ઉઠાડવા માંગે છે. (પ્રે.કા. ૨૪:૧૫) તે ચાહે છે કે તેઓને ઈશ્વરના દોસ્ત બનવાનો અને પૃથ્વી પર કાયમ જીવવાનો મોકો મળે. (યોહા. ૩:૧૬) એનાથી સાફ જોવા મળે છે યહોવા ગુજરી ગયેલાઓને જીવતા કરવા ચાહે છે.

૭-૮. કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા પાસે ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ છે?

૭ શું યહોવા પાસે ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ પણ છે? એમાં કોઈ શંકા નથી. તે “સર્વશક્તિમાન” છે. (પ્રકટી. ૧:૮) એટલે તે કોઈ પણ દુશ્મનને હરાવી શકે છે, મરણને પણ. (૧ કોરીં. ૧૫:૨૬) એ વાત જાણીને કેટલી હિંમત અને દિલાસો મળે છે! બહેન એમા આર્નોલ્ડના અનુભવ પર વિચાર કરો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે અને તેમના કુટુંબે એવા ઘણા સંજોગોનો સામનો કર્યો, જેમાં તેઓની શ્રદ્ધાની કસોટી થઈ. નાઝી જુલમી છાવણીમાં તેઓએ ઘણાં સગા-વહાલાઓને મરણમાં ગુમાવ્યાં. એમાબહેને પોતાની દીકરીને દિલાસો આપતા કહ્યું: “જો મરણ માણસોને પોતાના બંધનમાં રાખે, તો એ ઈશ્વર કરતાં પણ શક્તિશાળી કહેવાય. પણ શું એ સાચી વાત છે?” આખા બ્રહ્માંડમાં યહોવા કરતાં શક્તિશાળી બીજું કંઈ નથી. જે શક્તિશાળી ઈશ્વરે આપણને જીવન આપ્યું છે, શું એ ઈશ્વર પાસે ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ નહિ હોય?

૮ ઈશ્વર ગુજરી ગયેલાઓને જીવતા કરી શકે છે, એમ માનવાનું બીજું પણ એક કારણ છે. એ છે કે યહોવાની યાદશક્તિ ગજબની છે, એની કોઈ સીમા નથી. તે દરેક તારાને નામ લઈને બોલાવે છે. (યશા. ૪૦:૨૬) તે ગુજરી ગયેલાઓને પણ યાદ રાખે છે. (અયૂ. ૧૪:૧૩; લૂક ૨૦:૩૭, ૩૮) તે જેઓને ઉઠાડવાના છે, તેઓની ઝીણામાં ઝીણી માહિતી બહુ જ સહેલાઈથી યાદ રાખી શકે છે. જેમ કે, તે ફક્ત આપણો દેખાવ જ નહિ, આપણાં દિલમાં શું છે એ પણ જાણે છે. તેમને એ પણ ખબર છે કે આપણાં જીવનમાં શું બન્યું છે અને મનમાં કઈ યાદો છે.

૯. તમે કેમ માનો છો કે યહોવા ગુજરી ગયેલાઓને જરૂર જીવતા કરશે?

૯ આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા ગુજરી ગયેલાઓને જરૂર જીવતા કરશે. કેમ કે એમ કરવાની તેમની ઇચ્છા છે અને તેમની પાસે શક્તિ પણ છે. એ વચનમાં માનવાના બીજા એક કારણ પર ધ્યાન આપો. યહોવાએ પહેલાં પણ અમુક લોકોને જીવતા કર્યા છે. જૂના જમાનામાં તેમણે અમુક વફાદાર ઈશ્વરભક્તોને શક્તિ આપી હતી કે તેઓ ગુજરી ગયેલાઓને જીવતા કરે. એવી શક્તિ તેમણે ઈસુને પણ આપી હતી. હવે એ અહેવાલ પર વાત કરીએ, જેમાં ઈસુએ એક ગુજરી ગયેલા માણસને જીવતો કર્યો હતો. એ અહેવાલ યોહાન ૧૧માં જોવા મળે છે.

ઈસુનો જિગરી દોસ્ત ગુજરી જાય છે

૧૦. ઈસુ યર્દનની પેલે પાર પ્રચાર કરતા હોય છે ત્યારે, બેથનિયામાં શું બને છે અને તે શું કરે છે? (યોહાન ૧૧:૧-૩)

૧૦ યોહાન ૧૧:૧-૩ વાંચો. સાલ ૩૨ના પાછલા ભાગમાં બનેલા બનાવની કલ્પના કરો. આ ગામમાં ઈસુના દોસ્તો રહે છે: લાજરસ અને તેની બે બહેનો મરિયમ અને માર્થા. (લૂક ૧૦:૩૮-૪૨) પણ લાજરસ બીમાર પડે છે અને તેની બહેનોને ઘણી ચિંતા થાય છે. તેઓ ઈસુને એક સંદેશો મોકલે છે. ઈસુ અત્યારે યર્દનની પેલે પાર છે. ત્યાંથી ચાલીને બેથનિયા પહોંચવામાં આશરે બે દિવસ લાગે. (યોહા. ૧૦:૪૦) દુઃખની વાત છે કે ઈસુને સંદેશો મળે એ પહેલાં તો લાજરસનું મરણ થાય છે. એ જાણવા છતાં ઈસુ હમણાં જે જગ્યાએ છે, ત્યાં બે દિવસ વધારે રોકાય છે. પછી તે બેથનિયા જવા નીકળે છે. આમ, ઈસુ બેથનિયા પહોંચે છે ત્યાં સુધી લાજરસના મરણને ચાર દિવસ થઈ જાય છે. પણ ઈસુ કંઈક એવું કરવાના છે, જેનાથી તેમના દોસ્તોને ફાયદો થાય અને ઈશ્વરને મહિમા મળે.—યોહા. ૧૧:૪, ૬, ૧૧, ૧૭.

૧૧. આ અહેવાલથી દોસ્તી વિશે કયો બોધપાઠ મળે છે?

૧૧ આ અહેવાલથી દોસ્તી વિશે સરસ બોધપાઠ મળે છે. આનો વિચાર કરો: જ્યારે મરિયમ અને માર્થાએ સંદેશો મોકલ્યો, ત્યારે તેઓએ ઈસુને બેથનિયા આવવાનું કહ્યું ન હતું. તેઓએ ફક્ત એટલું જ કહ્યું હતું કે તેમનો વહાલો દોસ્ત બીમાર છે. (યોહા. ૧૧:૩) લાજરસનું મરણ થયું ત્યારે, ઈસુ તો ઘણે દૂર હતા. તે ત્યાંથી જ લાજરસને જીવતો કરી શકતા હતા. તોપણ, તેમણે બેથનિયા આવવાનું નક્કી કર્યું, જેથી આ દુઃખની ઘડીમાં તે પોતાના દોસ્તો મરિયમ અને માર્થાની પડખે ઊભા રહી શકે. શું તમારો એવો કોઈ મિત્ર છે, જે કહ્યા વગર તમારી મદદે દોડી આવે? જો એમ હોય, તો તમે જાણો છો કે “મુસીબતના સમયે” તમે તેના પર આધાર રાખી શકો છો. (નીતિ. ૧૭:૧૭) આપણે પણ બીજાઓ માટે ઈસુ જેવા દોસ્ત બનવાની કોશિશ કરવી જોઈએ. હવે ચાલો અહેવાલ પર પાછા જઈએ અને જોઈએ કે આગળ શું બને છે.

૧૨. ઈસુએ માર્થાને કયું વચન આપ્યું અને તે કેમ એ વચન પર ભરોસો કરી શકતી હતી? (યોહાન ૧૧:૨૩-૨૬)

૧૨ યોહાન ૧૧:૨૩-૨૬ વાંચો. માર્થાને ખબર પડે છે કે ઈસુ બેથનિયાની નજીક છે. તે તરત જ તેમને મળવા જાય છે અને કહે છે: “માલિક, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થયું ન હોત.” (યોહા. ૧૧:૨૧) સાચી વાત છે, ઈસુ લાજરસને સાજો કરી શક્યા હોત. પણ ઈસુ કંઈક એવું કરવા માંગે છે, જે લોકોને હંમેશાં યાદ રહી જાય. તે વચન આપે છે: “તારો ભાઈ જીવતો થશે.” એ વાત પર માર્થાનો ભરોસો વધારવા ઈસુ આગળ કહે છે: “ગુજરી ગયેલા લોકોને જીવતા કરનાર અને તેઓને જીવન આપનાર હું છું.” સાચે જ, ઈશ્વરે ઈસુને ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ આપી છે. અગાઉ તેમણે એક નાની છોકરીને તેના મરણ પછી તરત જ જીવતી કરી હતી. તેમણે એક યુવાનને પણ કદાચ એ જ દિવસે જીવતો કર્યો હતો, જે દિવસે તેનું મરણ થયું હતું. (લૂક ૭:૧૧-૧૫; ૮:૪૯-૫૫) પણ શું તે એવા માણસને જીવતો કરી શકે, જેના મરણને ચાર દિવસ થયા હોય અને જેનું શરીર સડવા લાગ્યું હોય?

“લાજરસ, બહાર આવ!”

મરિયમ, માર્થા અને બીજા લોકો સાથે ઈસુ રડી રહ્યા છે.

પોતાના મિત્રોને રડતા જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું (ફકરા ૧૩-૧૪ જુઓ)

૧૩. યોહાન ૧૧:૩૨-૩૫માં જણાવ્યું છે તેમ મરિયમ અને બીજાઓને રડતાં જોઈને ઈસુને કેવું લાગે છે? (ચિત્ર પણ જુઓ.)

૧૩ યોહાન ૧૧:૩૨-૩૫ વાંચો. કલ્પના કરો કે પછી શું બને છે. લાજરસની બીજી બહેન મરિયમ ઈસુને મળવા બહાર આવે છે. તે પણ માર્થાની જેમ પોકારી ઊઠે છે: “માલિક, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થયું ન હોત.” તે અને તેની સાથેના બીજા લોકો શોકમાં ગરકાવ છે. તેઓને દુઃખી અને રડતા જોઈને ઈસુ પણ દુઃખી દુઃખી થઈ જાય છે. પોતાના દોસ્તો માટે ઈસુનું હૈયું કરુણાથી એટલું ભરાઈ આવે છે કે તેમની આંખોમાંથી આંસુ સરી પડે છે. તે સમજે છે કે જ્યારે આપણે કોઈ સ્નેહીજનને મરણમાં ગુમાવીએ છીએ, ત્યારે આપણા પર શું વીતે છે. સાચે જ, તે તેમના દોસ્તોનાં આંસુ લૂછવા, તેઓનું દુઃખ દૂર કરવા એકદમ તલપાપડ છે.

૧૪. ઈસુની લાગણીઓમાંથી આપણે યહોવા વિશે શું શીખી શકીએ?

૧૪ મરિયમનું રુદન જોઈને ઈસુના દિલમાં જે લાગણી ઊભરાઈ આવી, એમાંથી શીખવા મળે છે કે યહોવા કરુણાના ઈશ્વર છે. એવું કેમ કહી શકીએ? જેમ ગયા લેખમાં જોયું હતું, તેમ ઈસુનાં વિચારો અને લાગણીઓ તેમના પિતા જેવાં છે. (યોહા. ૧૨:૪૫) મિત્રોનું દુઃખ ઈસુથી જોવાયું નહિ. તેઓને દુઃખી જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તે રડી પડ્યા. એટલે આપણે કહી શકીએ કે આપણાં આંસુ જોઈને યહોવાને પણ આપણા પર કરુણા આવે છે. (ગીત. ૫૬:૮) શું એ જાણીને તમને આપણા કરુણાના ઈશ્વરની વધારે નજીક જવાનું મન નથી થતું?

લાજરસનું શરીર કપડાંથી વીંટાળેલું છે અને ઈસુ તેને કબરમાંથી બહાર આવવાનું કહે છે. એ જોઈને માર્થા, મરિયમ અને બીજા લોકો મોંમાં આંગળા નાખી દે છે.

ઈસુએ બતાવી આપ્યું કે તેમની પાસે ગુજરી ગયેલાઓને જીવતા કરવાની શક્તિ છે (ફકરા ૧૫-૧૬ જુઓ)

૧૫. યોહાન ૧૧:૪૧-૪૪માં જણાવ્યું છે તેમ લાજરસની કબર આગળ શું બને છે? (ચિત્ર પણ જુઓ.)

૧૫ યોહાન ૧૧:૪૧-૪૪ વાંચો. ઈસુ લાજરસની કબર પાસે આવે છે અને એના પરનો પથ્થર હટાવવા કહે છે. એવામાં માર્થા બોલી ઊઠે છે કે હવે તો લાજરસની લાશ ગંધાતી હશે. ઈસુ કહે છે: “શું મેં તને જણાવ્યું ન હતું કે તું શ્રદ્ધા રાખશે તો ઈશ્વરનો મહિમા જોશે?” (યોહા. ૧૧:૩૯, ૪૦) પછી ઈસુ આકાશ તરફ નજર ઉઠાવીને જાહેરમાં પ્રાર્થના કરે છે. હવે જે થવાનું છે એનો બધો મહિમા તે યહોવાને આપવા માંગે છે. પછી ઈસુ મોટેથી બૂમ પાડે છે: “લાજરસ, બહાર આવ!” અને લાજરસ કબરમાંથી બહાર આવે છે. ઈસુએ જે કર્યું એ તો અમુક લોકોએ સપનામાં પણ વિચાર્યું નહિ હોય.c

૧૬. યોહાન અધ્યાય ૧૧થી કઈ રીતે ભરોસો વધે છે કે ગુજરી ગયેલાઓ જીવતા થશે?

૧૬ યોહાન અધ્યાય ૧૧ના અહેવાલથી ભરોસો વધે છે કે ગુજરી ગયેલાઓ જીવતા થશે. કઈ રીતે? ધ્યાન આપો કે ઈસુએ માર્થાને વચન આપ્યું હતું: “તારો ભાઈ જીવતો થશે.” (યોહા. ૧૧:૨૩) પોતાના પિતાની જેમ ઈસુ પાસે પોતાનું વચન પૂરું કરવાની ઇચ્છા અને શક્તિ છે. યાદ કરો કે પોતાના મિત્રોને રડતા જોઈને ઈસુ પણ રડી પડ્યા. એ બતાવે છે કે તે આપણાં દુઃખનાં આંસુ લૂછવા અને ગુજરી ગયેલાં સગાં-વહાલાંને ઉઠાડવા આતુર છે. જે ઘડીએ લાજરસ કબરમાંથી બહાર આવ્યો, એ ઘડીએ ફરી સાબિત થયું કે ઈસુ પાસે ગુજરી ગયેલાને જીવતા કરવાની શક્તિ છે. એનો પણ વિચાર કરો કે ઈસુએ માર્થાને યાદ અપાવ્યું હતું: “શું મેં તને જણાવ્યું ન હતું કે તું શ્રદ્ધા રાખશે તો ઈશ્વરનો મહિમા જોશે?” (યોહા. ૧૧:૪૦) ઈશ્વર ગુજરી ગયેલાઓને જીવતા કરશે એ વચનમાં માનવાનાં આપણી પાસે ઘણાં વાજબી કારણો છે. પણ એ આશામાં ભરોસો વધારવા આપણે શું કરી શકીએ?

આપણી આશા પર કઈ રીતે ભરોસો મક્કમ કરી શકીએ?

૧૭. ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવ્યા હોય એવા અહેવાલો વાંચતી વખતે શું યાદ રાખવું જોઈએ?

૧૭ ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવ્યા હોય એવા અહેવાલો વાંચો અને એના પર મનન કરો. બાઇબલમાં એવા આઠ અહેવાલો છે, જેમાં ગુજરી ગયેલા લોકોને આ પૃથ્વી પર જીવતા કરવામાં આવ્યા હતા.d તમે એ દરેક અહેવાલનો ધ્યાનથી અભ્યાસ કરો. અભ્યાસ કરતી વખતે યાદ રાખજો કે એ વાર્તાઓ નથી, પણ એમાં જણાવેલાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સાચે જ આ પૃથ્વી પર જીવી ગયાં છે. જુઓ કે એમાંથી તમને શું શીખવા મળે છે. એનો પણ વિચાર કરો કે એ બધા અહેવાલો કઈ રીતે બતાવે છે કે ઈશ્વર ગુજરી ગયેલાઓને જીવતા કરવા માંગે છે અને એમ કરવાની તેમની પાસે શક્તિ પણ છે. ખાસ કરીને, ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા એ અહેવાલનો વિચાર કરજો. કેમ કે એ અહેવાલ સૌથી મહત્ત્વનો છે. ભૂલશો નહિ, ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા એ વાત પાકી છે, કેમ કે જીવતા થયેલા ઈસુને ઘણા લોકોએ જોયા હતા અને તેઓએ એ વાતની સાક્ષી આપી હતી. ગુજરી ગયેલાઓ જીવતા થશે એ વચનમાં શ્રદ્ધા મૂકવાનો એ નક્કર પુરાવો છે.—૧ કોરીં. ૧૫:૩-૬, ૨૦-૨૨.

૧૮. ગુજરી ગયેલાઓ જીવતા થશે એ આશા વિશે જણાવતાં ગીતોમાંથી ફાયદો મેળવવા શું કરી શકીએ? (ફૂટનોટ પણ જુઓ.)

૧૮ ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશા વિશે જણાવતાં ગીતો સાંભળો, ગાઓ અને એના પર વિચાર કરો.e (એફે. ૫:૧૯) એ ગીતોથી ખાતરી થાય છે કે ગુજરી ગયેલાઓ ચોક્કસ જીવતા થશે અને એ આશા પર આપણી શ્રદ્ધા મક્કમ થાય છે. એ ગીતો સાંભળો, એની પ્રેક્ટિસ કરો અને કુટુંબ તરીકેની ભક્તિમાં ચર્ચા કરો કે એ ગીતના શબ્દો શું કહેવા માંગે છે. ગીતના શબ્દો મોઢે કરો અને એના પર ઊંડો વિચાર કરો, જેથી તમારી શ્રદ્ધા વધે અને દિલને સ્પર્શી જાય. પછી જ્યારે જીવ જોખમમાં આવી પડે અથવા કોઈ સ્નેહીજનનું મરણ થાય, ત્યારે યહોવાની પવિત્ર શક્તિ તમને એ ગીતો યાદ અપાવશે, જેથી દિલાસો અને હિંમત મળે.

૧૯. ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ વિશે આપણે કઈ કલ્પના કરી શકીએ? (“તમે તેઓને શું પૂછશો?” બૉક્સ જુઓ.)

૧૯ મનની આંખોથી નવી દુનિયા જુઓ. યહોવાએ આપણને કલ્પના કરવાની શક્તિ આપી છે. એનાથી આપણે પોતાને નવી દુનિયામાં જોઈ શકીએ છીએ. એક બહેન કહે છે: “નવી દુનિયાની કલ્પના કરવામાં મેં એટલો સમય વિતાવ્યો છે કે હું ત્યાંનાં ગુલાબનાં ફૂલોની સુગંધ પણ અનુભવી શકું છું.” કલ્પના કરો કે નવી દુનિયામાં તમે બાઇબલ સમયનાં સ્ત્રી-પુરુષોને મળી રહ્યા છો. તમે કોને મળવા આતુર છો? તમે તેમને કયા સવાલો પૂછશો? તમારાં ગુજરી ગયેલાં સ્નેહીજનોને ઉઠાડવામાં આવશે એ સમયની પણ કલ્પના કરો. વિચારો કે તમે તેઓને સૌથી પહેલા શું કહેશો, કઈ રીતે તેઓનો પ્રેમથી આવકાર કરશો અને તમારા ચહેરા પર કેટલી ખુશી હશે.

તમે તેઓને શું પૂછશો?

કલ્પના કરો કે તમે નવી દુનિયામાં છો અને મરણમાંથી જીવતા કરાયેલા ઈશ્વરભક્તોને આ સવાલો પૂછી રહ્યા છો:

નૂહની પત્ની: તમારું નામ શું છે? તમે અને નૂહે કઈ રીતે આસપાસના દુષ્ટ લોકોથી તમારા દીકરાઓનું રક્ષણ કર્યું? (ઉત. ૬:૫, ૧૩)

ઇસહાક: તમે પહાડ પર અગ્‍નિ-અર્પણ માટે લાકડાં લઈ જતા હતા ત્યારે, તમારા મનમાં શું ચાલતું હતું? (ઉત. ૨૨:૬-૮)

અયૂબ: તમારા પર કસોટીઓ આવી ત્યારે સ્વર્ગમાં જે ચાલી રહ્યું હતું, એ જાણીને હવે તમને કેવું લાગે છે? (અયૂ. ૧:૬-૧૨; ૨:૧-૭)

બાપ્તિસ્મા આપનાર યોહાન: યહોવાનો અવાજ સાંભળીને તમને કેવું લાગ્યું હતું? (માથ. ૩:૧૩-૧૭)

ઈસુની બાજુમાં વધસ્તંભે જડેલો ગુનેગાર: વધસ્તંભ પર ઈસુની છેલ્લી ઘડીઓ વિશે શું તમે બીજું કંઈક જણાવી શકો? (લૂક ૨૩:૩૯-૪૩)

તમે આ ઈશ્વરભક્તોને શું પૂછશો?

હાબેલ

ઇબ્રાહિમ

યિફતાની દીકરી

દાઉદ

યૂના

૨૦. આપણે શું કરવાનો નિર્ણય લેવો જોઈએ?

૨૦ યહોવાનો આભાર કે તેમણે ગુજરી ગયેલાઓને જીવતા કરવાનું વચન આપ્યું છે. આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા સોએ સો ટકા પોતાનું વચન પાળશે. કેમ કે તે ગુજરી ગયેલાઓને જીવતા કરવા માંગે છે અને એમ કરવાની તેમની પાસે શક્તિ પણ છે. તો ચાલો, એ વચન પર પોતાનો ભરોસો મજબૂત કરતા રહીએ. એમ કરીશું તો, આપણે એ ઈશ્વરની વધારે નજીક જઈ શકીશું, જેમણે દરેકને વચન આપ્યું છે: ‘તમારા સ્નેહીજનો જીવતા થશે!’

તમે કેવો જવાબ આપશો?

  • આપણે કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા ગુજરી ગયેલાઓને જીવતા કરશે?

  • ઈસુએ લાજરસને જીવતો કર્યો એ અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ?

  • ગુજરી ગયેલાઓ જીવતા થશે એ વચન પર તમે કઈ રીતે ભરોસો મજબૂત કરી શકો?

ગીત ૧૯ નવી દુનિયાનું વચન

a શું તમારું કોઈ સ્નેહીજન ગુજરી ગયું છે? જો એમ હોય તો ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે એ આશાથી તમને ઘણો દિલાસો મળતો હશે. પણ તમે બીજાઓને કઈ રીતે સમજાવશો કે એ આશામાં તમને કેમ ભરોસો છે? તમે કઈ રીતે એ આશા પર ભરોસો મજબૂત કરી શકો? આ લેખનો હેતુ એ છે કે, આપણને બધાને એ આશા પર ભરોસો વધારવા મદદ મળે.

b એ ગીતનો વિષય છે, બસ ચાર કદમ આગે. એ ગીત નવેમ્બર ૨૦૧૬ના બ્રૉડકાસ્ટિંગ કાર્યક્રમમાં હતું.

c જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૮ ચોકીબુરજમાં (હિંદી) આપેલો આ લેખ જુઓ: “ક્યા આપ જાનતે હૈં?—યીશુ કો લાજર કી કબ્ર પર પહુંચને મેં ચાર દિન ક્યોં લગે?”

d એ અહેવાલો અહીં જોવા મળે છે: ૧ રાજાઓ ૧૭:૧૭-૨૪; ૨ રાજાઓ ૪:૩૨-૩૭; ૧૩:૨૦, ૨૧; લૂક ૭:૧૧-૧૫; ૮:૪૧-૫૬; યોહાન ૧૧:૩૮-૪૪; પ્રેરિતોનાં કાર્યો ૯:૩૬-૪૨; ૨૦:૭-૧૨.

e “યહોવા માટે ગાઓ” ચોપડીમાં આ ગીતો જુઓ: “જીવન દીપ નહિ બૂઝે” (ગીત ૫૫), “ધરતી આખી ખીલી ઊઠશે” (ગીત ૨૪) અને “અમર જીવનનું વચન” (ગીત ૧૨). jw.org/hi પર આ બ્રૉડકાસ્ટિંગનાં ગીતો પણ જુઓ: “બસ ચાર કદમ આગે,” “જબ દુનિયા હોગી નયી” અને “દેખો ના.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો