વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bt પ્રકરણ ૨૬ પાન ૨૦૩-૨૧૦
  • “તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ”
  • ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • મથાળાં
  • સરખી માહિતી
  • “સામો પવન” હતો (પ્રે.કા. ૨૭:૧-૭ક)
  • ‘વહાણ તોફાનમાં બેકાબૂ બનીને આમતેમ ડોલાં ખાતું હતું’ (પ્રે.કા. ૨૭:૭ખ-૨૬)
  • “બધા સહીસલામત કિનારે પહોંચ્યા” (પ્રે.કા. ૨૭:૨૭-૪૪)
  • “ઘણી ભલાઈથી વર્ત્યા” (પ્રે.કા. ૨૮:૧-૧૦)
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • પાઉલને રોમ મોકલવામાં આવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • હિંમત રાખો—યહોવા તમને મદદ કરનાર છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • જકડી રાખતો પ્રેમ
    સજાગ બનો!—૧૯૯૬
ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
bt પ્રકરણ ૨૬ પાન ૨૦૩-૨૧૦

પ્રકરણ ૨૬

“તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ”

પાઉલનું વહાણ તૂટી પડ્યું, તોપણ તે અતૂટ શ્રદ્ધા અને લોકોને પ્રેમ બતાવે છે

પ્રેરિતોનાં કાર્યો ૨૭:૧–૨૮:૧૦ના આધારે

૧, ૨. પાઉલની દરિયાઈ મુસાફરી કેવી હશે? તેમને કયા સવાલો થતા હશે?

પાઉલને રાજ્યપાલ ફેસ્તુસના આ શબ્દો અવાર-નવાર યાદ આવતા હશે: “તું સમ્રાટ પાસે જઈશ.” પાઉલ વિચારતા હશે કે રોમમાં તેમની સાથે શું થશે. તેમણે હમણાં જ બે વર્ષ કેદમાં કાઢ્યાં છે. એટલે રોમની આ લાંબી મુસાફરી વખતે તેમને બીજું કંઈ નહિ તો ચોખ્ખી હવા અને તાજગી જરૂર મળશે. (પ્રે.કા. ૨૫:૧૨) પાઉલે પહેલાં પણ ઘણી દરિયાઈ મુસાફરી કરી છે. એ વિશે વિચારતા હશે ત્યારે તેમને શું યાદ આવતું હશે? શું તેમને દરિયાની તાજી હવા અને ખુલ્લા આકાશની સુંદરતા યાદ આવતી હશે? કદાચ તેમને મુસાફરીમાં સહન કરેલી તકલીફો અને જોખમો વધારે યાદ આવતા હશે. એટલે રોમની આ મુસાફરી વિશે તેમના મનમાં ઘણા સવાલો ઊભા થતા હશે. તેમને એ ચિંતા પણ થતી હશે કે સમ્રાટ પાસે લઈ જવામાં આવશે ત્યારે શું થશે.

૨ પાઉલે ઘણી વાર “દરિયાનાં જોખમો” સહન કર્યાં છે. જેમ કે, ત્રણ વાર તેમનું વહાણ તૂટી ગયું. એકવાર તો એવું બન્યું કે તેમણે આખી રાત અને આખો દિવસ દરિયામાં કાઢવાં પડ્યાં. (૨ કોરીં. ૧૧:૨૫, ૨૬) પણ રોમની આ મુસાફરી તેમની પ્રચારકાર્યની મુસાફરીઓ કરતાં એકદમ અલગ હશે, કેમ કે તે એક કેદી તરીકે જઈ રહ્યા છે. વધુમાં કાઈસારીઆથી રોમ ૩,૦૦૦ કિલોમીટર કરતાં પણ વધારે દૂર છે. શું તે સહીસલામત રોમ પહોંચી શકશે? જો તે રોમ પહોંચી પણ જાય, તો શું તેમનો જીવ બચી શકશે? પાઉલનું જીવન એવા સમ્રાટના હાથમાં હતું, જે એ સમયે શેતાનની દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ ગણાતો હતો.

૩. પાઉલે કયો દૃઢ નિર્ણય કર્યો હતો? આ પ્રકરણમાં આપણે શું શીખીશું?

૩ અત્યાર સુધી આપણે પાઉલ વિશે ઘણું બધું જોઈ ગયા. શું તમને લાગે છે કે આવનાર મુશ્કેલીઓ વિશે વિચારીને પાઉલ હિંમત હારી ગયા હશે? ના! તે એ તો જાણતા હતા કે મુશ્કેલીઓ તેમની રાહ જોઈ રહી છે, પણ એ ખબર ન હતી કે તેમના પર કેવી મુશ્કેલીઓ આવશે. એટલે જે સંજોગો તેમના કાબૂમાં ન હતા એ વિશે તેમણે વધારે પડતી ચિંતા ન કરી. તે જાણતા હતા કે ચિંતામાં ડૂબી જવાથી પ્રચાર માટેની તેમની ખુશી છીનવાઈ જશે. (માથ. ૬:૨૭, ૩૪) પાઉલ યહોવાની ઇચ્છા સારી રીતે જાણતા હતા. યહોવા ચાહતા હતા કે પાઉલ બધા લોકોને, અરે મોટા મોટા અધિકારીઓને પણ ઈશ્વરના રાજ્ય વિશે સાક્ષી આપે. (પ્રે.કા. ૯:૧૫) પાઉલે દૃઢ નિર્ણય કર્યો હતો કે તે પોતાની જવાબદારી પૂરી કરશે, પછી ભલેને કંઈ પણ થઈ જાય. આપણે પણ પાઉલ જેવું કરવા મક્કમ છીએ. તો ચાલો આ પ્રકરણમાં આપણે પાઉલ સાથે એક રોમાંચક સફર પર નીકળીએ અને તેમના અજોડ દાખલામાંથી શીખીએ.

“સામો પવન” હતો (પ્રે.કા. ૨૭:૧-૭ક)

૪. પાઉલે કેવા વહાણમાં મુસાફરી શરૂ કરી હતી? કયા દોસ્તો તેમની સાથે હતા?

૪ પાઉલ અને બીજા કેદીઓને રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસના હાથમાં સોંપવામાં આવ્યા. કાઈસારીઆમાં એક માલ-સામાન ભરેલું વહાણ આવ્યું હતું. જુલિયસે બધા કેદીઓને એ વહાણ પર ચઢાવ્યા. વહાણ એશિયા માઈનોરના પશ્ચિમ કિનારે આવેલા અદ્રમુત્તિયાથી આવ્યું હતું. કાઈસારીઆથી એ વહાણ પહેલા ઉત્તર તરફ અને પછી પશ્ચિમ તરફ જશે. વહાણ વચ્ચે વચ્ચે રોકાશે, માલ ઉતારશે અને બીજો માલ ચઢાવશે. માલ-સામાન લઈ જતાં આવાં વહાણોમાં યાત્રીઓ માટે કોઈ ખાસ સુવિધા ન હતી અને કેદીઓ માટે તો બિલકુલ નહિ. (“દરિયાઈ મુસાફરી અને વેપારી માર્ગો” બૉક્સ જુઓ.) જોકે એક વાત સારી હતી કે બધા કેદીઓમાં પાઉલ એકલા ખ્રિસ્તી ન હતા. તેમની સાથે તેમના દોસ્તો અરિસ્તાર્ખસ અને લૂક પણ હતા. લૂકે આ મુસાફરી વિશે વિગતવાર અહેવાલ લખ્યો છે. આપણે એ નથી જાણતા કે પાઉલના દોસ્તોએ મુસાફરી માટે પોતે ભાડું ચૂકવ્યું હતું કે પછી પાઉલના સેવકો તરીકે વહાણમાં ચઢ્યા હતા.—પ્રે.કા. ૨૭:૧, ૨.

દરિયાઈ મુસાફરી અને વેપારી માર્ગો

જૂના જમાનામાં વહાણોનો ઉપયોગ સામાન પહોંચાડવા થતો હતો, મુસાફરી કરવા નહિ. એટલે જો કોઈને વહાણથી મુસાફરી કરવી હોય, તો તેણે એ દિશામાં માલ-સામાન લઈ જતા વહાણને શોધવું પડતું. તેણે મુસાફરી કરવા ભાવતાલ કરવો પડતો અને વહાણ બંદરેથી નીકળે એની રાહ જોવી પડતી.

ભૂમધ્ય સમુદ્રમાં હજારો વહાણ આવજા કરતા. એ વહાણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાવા-પીવાની અને બીજી ચીજવસ્તુઓ પહોંચાડતાં. એવા વહાણમાં મુસાફરી કરતા લોકોએ રાતે તૂતક (ડેક) પર સૂવું પડતું. તૂતક પર તેઓ કદાચ તંબુ જેવું કંઈક બનાવતા અને સવારે એને કાઢી નાખતા. તેઓએ મુસાફરી માટે ખાવા-પીવાની વસ્તુઓ, ઓઢવા-પાથરવાનું વગેરે સાથે લઈ જવું પડતું.

વહાણને પોતાની મંજિલે પહોંચતા કેટલો સમય લાગશે, એનો બધો આધાર પવન પર રહેતો. શિયાળામાં હવામાન ખરાબ રહેતું, એટલે ૧૫ નવેમ્બરથી ૧૫ માર્ચ સુધી બહુ ઓછાં વહાણો દરિયામાં મુસાફરી કરતા.

જૂના જમાનાનું એક વહાણ અને એના ચાર મુખ્ય ભાગો. ૧. સુકાનનાં હલેસાં ૨. મુખ્ય સઢ. ૩. લંગર. ૪. આગળનો સઢ

૫. પાઉલ સિદોનમાં કોને મળી શક્યા? એમાંથી આપણને શું શીખવા મળે છે?

૫ વહાણ કાઈસારીઆથી રવાના થઈને ઉત્તર તરફ આગળ વધ્યું. આશરે ૧૧૦ કિલોમીટરની મુસાફરી કાપીને બીજા દિવસે એ સિરિયાના કિનારે સિદોન બંદરે પહોંચ્યું. એવું લાગે છે કે જુલિયસે પાઉલ સાથે કેદીઓ જેવું વર્તન કર્યું ન હતું. એનું કારણ એ હોય શકે કે પાઉલ એક રોમન નાગરિક હતા અને તેમનો ગુનો હજી સાબિત થયો ન હતો. (પ્રે.કા. ૨૨:૨૭, ૨૮; ૨૬:૩૧, ૩૨) એટલે જ્યારે વહાણ સિદોન પહોંચ્યું, ત્યારે જુલિયસે પાઉલને પોતાનાં ભાઈ-બહેનોને મળવાની છૂટ આપી. એ ભાઈ-બહેનો પાઉલને બે વર્ષની લાંબી કેદ પછી મળી રહ્યાં હતાં. એટલે તેમને મહેમાનગતિ બતાવીને તેઓને ઘણી ખુશી મળી હશે. શું તમે ભાઈ-બહેનોને મહેમાનગતિ બતાવવાની તક શોધો છો? એમ કરવાથી તમને પણ ઘણું ઉત્તેજન મળશે.—પ્રે.કા. ૨૭:૩.

૬-૮. સિદોનથી પાઉલનું વહાણ ક્યાં ક્યાંથી ગયું? પાઉલે પ્રચારની કઈ કઈ તક ઝડપી લીધી હશે?

૬ એ પછી વહાણ સિદોનથી નીકળ્યું અને ઉત્તર તરફ આગળ વધ્યું. વહાણ કિલીકિયા પાસેથી પસાર થયું, જ્યાં પાઉલનું વતન તાર્સસ હતું. લૂકે એ તો નથી જણાવ્યું કે વહાણ વચ્ચે વચ્ચે ક્યાં રોકાયું. પણ તેમણે એ જણાવ્યું છે કે “સામો પવન” હોવાને લીધે તેઓએ જોખમોનો સામનો કરવો પડ્યો. (પ્રે.કા. ૨૭:૪, ૫) ચોક્કસ એવા સંજોગોમાં પણ પાઉલે ખુશખબર જણાવવાની દરેક તક ઝડપી લીધી હશે. તેમણે કેદીઓને અને વહાણ પરના બીજા લોકોને, જેમ કે નાવિકો અને સૈનિકોને સંદેશો જણાવ્યો હશે. અરે, વહાણ જ્યાં જ્યાં રોકાયું હશે ત્યાં ત્યાં તેમણે ખુશખબર જણાવી હશે. શું આપણે પણ પાઉલની જેમ ખુશખબર જણાવવાની દરેક તક ઝડપી લઈએ છીએ?

૭ વહાણ આગળ વધતાં વધતાં એશિયા માઈનોરના દક્ષિણ કિનારે આવેલા મૂરા બંદરે પહોંચ્યું. ત્યાંથી પાઉલ અને બાકીના મુસાફરો બીજા વહાણ પર ચઢશે. એ વહાણ તેઓને આખરી પડાવ રોમ સુધી લઈ જશે. (પ્રે.કા. ૨૭:૬) એ દિવસોમાં રોમ ઇજિપ્તથી અનાજ મંગાવતું હતું. અનાજ લઈ જતાં એ વહાણો મૂરા બંદરે રોકાતાં. જ્યારે જુલિયસને એવું એક વહાણ દેખાયું, ત્યારે તેણે સૈનિકો અને કેદીઓને એ વહાણ પર ચઢવા કહ્યું. એ વહાણ કદાચ અગાઉના વહાણ કરતાં ઘણું મોટું હતું. એમાં પુષ્કળ અનાજ ભરેલું હતું અને ૨૭૬ લોકો મુસાફરી કરી રહ્યા હતા. એ વહાણમાં નાવિકો, સૈનિકો, કેદીઓ અને બીજા ઘણા લોકો રોમ જઈ રહ્યા હતા. પાઉલને તો જાણે પ્રચારનો એક મોટો વિસ્તાર મળી ગયો હતો! તેમણે ચોક્કસ એ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હશે.

૮ વહાણ મૂરા બંદરેથી રવાના થયું. એનો આગલો પડાવ કનિદસ ટાપુ હતો, જે એશિયા માઈનોરના દક્ષિણ-પશ્ચિમે આવેલો હતો. સામાન્ય રીતે હવામાન સારું હોય તો એક જ દિવસમાં કનિદસ પહોંચી શકાતું હતું. પણ હવામાન ખરાબ હોવાને લીધે તેઓને વધારે સમય લાગ્યો. લૂકે જણાવ્યું: “કેટલાક દિવસો સુધી ધીમે ધીમે આગળ વધ્યા પછી, અમે મહામુસીબતે કનિદસ પહોંચ્યા.” (પ્રે.કા. ૨૭:૭ક) (“ભૂમધ્ય સમુદ્રમાં સામો પવન” બૉક્સ જુઓ.) જરા કલ્પના કરો કે વહાણ ભારે પવનમાં ફસાયું છે અને ઊંચી ઊંચી લહેરોમાં ડોલાં ખાય છે, એવામાં મુસાફરોના હાલ કેવા થયા હશે!

ભૂમધ્ય સમુદ્રમાં સામો પવન

જૂના જમાનામાં ભૂમધ્ય સમુદ્ર અથવા મોટા સમુદ્રથી થઈને જતાં વેપારી વહાણો ક્યારે અને કઈ જગ્યાએ જશે, એનો બધો આધાર પવન અને ઋતુ પર રહેતો. ઉનાળામાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગમાં હવાની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ રહેતી. એ સમયે વહાણો માટે પૂર્વ દિશામાં મુસાફરી કરવી સહેલું રહેતું. એ જ કારણે પાઉલ પોતાની પ્રચારકાર્યની ત્રીજી મુસાફરી સહેલાઈથી પૂરી કરી શક્યા. એ વખતે પાઉલ અને તેમના સાથીઓ મિલેતસથી એક વહાણમાં ચઢ્યા, પછી રોદસ થઈને પાતરા બંદરે ગયા અને ત્યાં રોકાયા. ત્યાંથી તેઓ સીધા ફિનીકિયાના કિનારે આવેલા તૂર શહેર પહોંચ્યા. લૂકે લખ્યું કે તેઓને ડાબી બાજુ સૈપ્રસ ટાપુ દેખાયો. એનો અર્થ કે તેઓએ સૈપ્રસ ટાપુની દક્ષિણ દિશાથી મુસાફરી કરી હતી.—પ્રે.કા. ૨૧:૧-૩.

પણ ભૂમધ્ય સમુદ્રમાં પૂર્વથી પશ્ચિમ તરફની મુસાફરી કેવી રહેતી? જો પવન સાથ આપે તો વહાણ જે માર્ગે પશ્ચિમથી પૂર્વ તરફ આવ્યું હતું, એ જ માર્ગે પાછું જઈ શકતું હતું. પણ ક્યારેક ક્યારેક તો એ માર્ગે પાછા જવું લગભગ અશક્ય થઈ જતું. ધી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બાઇબલ ઍન્સાઇક્લોપીડિયા જણાવે છે: “શિયાળામાં હવામાન અચાનક બદલાઈ જતું અને ખતરનાક ચક્રવાત ભૂમધ્ય સમુદ્રથી થઈને પૂર્વ દિશામાં આગળ વધતા. એના લીધે પવનનું જોર ખૂબ વધી જતું અને અમુક વાર તોફાન શરૂ થતું. ઘણી વાર એ તોફાનની સાથે સાથે મુશળધાર વરસાદ અથવા બરફ પડતો.” જો વહાણ આવા તોફાનમાં ફસાય, તો એમાંથી બચવું ખૂબ જ મુશ્કેલ હતું.

કોઈ પણ ઋતુમાં પેલેસ્ટાઈનના કિનારે કિનારે થઈને ઉત્તર તરફ મુસાફરી કરવી અને પછી પશ્ચિમ તરફ પમ્ફૂલિયા બાજુ મુસાફરી કરવી સહેલું રહેતું. કેમ કે એ વિસ્તારમાં જમીનથી સમુદ્ર તરફ આવતો ધીમો પવન અને પશ્ચિમ તરફ વહેતો સમુદ્ર પ્રવાહ (પાણીનો પ્રવાહ) વહાણને આગળ વધવા મદદ કરતા હતા. એટલે પાઉલ રોમ જવા જે વહાણમાં ચઢ્યા હતા, એ વહાણ સહેલાઈથી આ વિસ્તાર સુધી પહોંચી શક્યું. જોકે કોઈ પણ સમયે સામો પવન એટલે કે મુસાફરીની વિરુદ્ધ દિશામાંથી પવન ફૂંકાઈ શકતો હતો. (પ્રે.કા. ૨૭:૪) લૂકે પોતાના અહેવાલમાં એક અનાજ ભરેલા વહાણ વિશે વારંવાર જણાવ્યું છે. એ વહાણ ઇજિપ્તથી નીકળીને ઉત્તર દિશામાં ગયું હશે. પછી પશ્ચિમ તરફ વળીને સૈપ્રસ અને એશિયા માઈનોરની વચ્ચે થઈને ગયું હશે, જ્યાં પાણી થોડું શાંત રહેતું હતું. વહાણ મૂરા પહોંચ્યું ત્યારે સુકાનીએ વિચાર્યું હશે કે પશ્ચિમ દિશામાં આગળ વધીશું અને ગ્રીસના કિનારે થઈને ઇટાલીના પશ્ચિમ તટ સુધી જઈશું. (પ્રે.કા. ૨૭:૫, ૬) પણ જોરદાર પવન અને ખરાબ હવામાનને લીધે વહાણે અચાનક પોતાનો માર્ગ બદલવો પડ્યો.

‘વહાણ તોફાનમાં બેકાબૂ બનીને આમતેમ ડોલાં ખાતું હતું’ (પ્રે.કા. ૨૭:૭ખ-૨૬)

૯, ૧૦. ક્રીત નજીક પહોંચ્યા પછી કેવી મુશ્કેલીઓ ઊભી થઈ?

૯ વહાણના કપ્તાને વિચાર્યું કે તેઓ કનિદસથી પશ્ચિમ તરફ આગળ વધશે. પણ લૂકે જણાવ્યું: “પવન અમને આગળ વધવા દેતો ન હતો.” (પ્રે.કા. ૨૭:૭ખ) વહાણ જેમ જેમ કિનારાથી દૂર જતું હતું, તેમ તેમ ઉત્તર-પશ્ચિમનો ભારે પવન વહાણને નીચે દક્ષિણ તરફ ઝડપથી ખેંચી રહ્યો હતો. વહાણ હવે ક્રીત ટાપુ નજીક આવી પહોંચ્યું અને તોફાની પવનથી બચવા ટાપુના કિનારે કિનારે આગળ વધવા લાગ્યું. અગાઉ વહાણને સૈપ્રસ ટાપુને લીધે તોફાની પવનથી રક્ષણ મળ્યું હતું તેમ, આ વખતે ક્રીત ટાપુને લીધે રક્ષણ મળ્યું. વહાણ ક્રીતની પૂર્વમાં આવેલા સાલ્મોનીથી પસાર થયું પછી જોખમ થોડું ઓછું થઈ ગયું. કેમ કે ક્રીતના દક્ષિણમાં ભારે પવન ફૂંકાતો ન હતો. આપણે કલ્પના કરી શકીએ છીએ કે વહાણના મુસાફરોને કેટલી રાહત થઈ હશે! જોકે વહાણના નાવિકોને બીજો પણ એક ડર સતાવતો હતો. શિયાળો પાસે હતો અને એવામાં દરિયાઈ મુસાફરી કરવી જોખમી હતું.

૧૦ લૂકે આ બનાવ વિશે વિગતવાર માહિતી જણાવી. તેમણે જણાવ્યું કે તેઓએ ક્રીતને કિનારે કિનારે વહાણ હંકાર્યું અને ‘ઘણી મુશ્કેલીથી વહાણ હંકારીને તેઓ સલામત બંદર નામની જગ્યાએ પહોંચ્યા.’ ખરું કે કિનારો નજીક હોવાથી વહાણને તોફાની પવનથી રક્ષણ મળતું હતું. તોપણ એને કાબૂમાં રાખવું ખૂબ અઘરું હતું. આખરે તેઓને એક નાની ખાડીમાં લંગર નાખવાની જગ્યા મળી ગઈ. એવું લાગે છે કે એ ખાડીથી થોડેક જ દૂર ક્રીત ટાપુનો કિનારો ઉત્તર તરફ વળતો હતો. તેઓ કેટલો સમય એ ખાડીમાં રોકાયા? લૂકે જણાવ્યું કે તેઓ “ઘણા દિવસો” ત્યાં રોકાયા. જોકે સંજોગો સુધરવાનું નામ જ લેતા ન હતા. વધુમાં એ સપ્ટેમ્બર-ઑક્ટોબરનો સમયગાળો હતો. એ સમયમાં દરિયાઈ મુસાફરી કરવી સહેલી ન હતી, કેમ કે ડગલે ને પગલે જોખમોનો સામનો કરવો પડતો હતો.—પ્રે.કા. ૨૭:૮, ૯.

૧૧. પાઉલે કઈ સલાહ આપી? પણ વહાણના લોકોએ કેવો નિર્ણય લીધો?

૧૧ પાઉલને ભૂમધ્ય સમુદ્રમાં મુસાફરી કરવાનો ઘણો અનુભવ હતો. એટલે અમુક મુસાફરોએ પાઉલ પાસે સલાહ માંગી કે આગળ શું કરવું જોઈએ? પાઉલે ત્યાં જ રોકાવાની સલાહ આપી. કેમ કે આગળ વધવું ઘણું ખતરનાક હતું અને લોકોના “જીવ પણ જોખમમાં” મુકાઈ શકતા હતા. પણ વહાણનો સુકાની અને માલિક આગળ વધવા માંગતા હતા. તેઓને લાગતું હતું કે જલદીથી કોઈ સલામત જગ્યાએ પહોંચી જવું જોઈએ. તેઓએ જુલિયસને પણ મનાવી લીધો. વહાણના મોટા ભાગના લોકો પણ એવું જ વિચારતા હતા કે કિનારે કિનારે આગળ વધીને ફેનિક્સ બંદર પહોંચી જવું જોઈએ. કદાચ ફેનિક્સ એક મોટું બંદર હતું, એટલે તેઓને લાગતું હતું કે ત્યાં શિયાળો પસાર કરવો વધારે સારું રહેશે. પછી જ્યારે દક્ષિણથી ધીમો પવન ફૂંકાવા લાગ્યો, ત્યારે તેઓએ વહાણ આગળ હંકાર્યું. તેઓને લાગ્યું કે હવામાન સારું થઈ ગયું છે, પણ એ તો તેઓનો વહેમ હતો.—પ્રે.કા. ૨૭:૧૦-૧૩.

૧૨. ક્રીત છોડ્યા પછી કેવાં જોખમો આવ્યાં? વહાણને બચાવવા નાવિકોએ શું કર્યું?

૧૨ તેઓ સલામત બંદરેથી થોડા જ દૂર ગયા, એવામાં ઉત્તર-પૂર્વથી ભારે “તોફાન” આવ્યું અને વહાણ એમાં બરાબર સપડાઈ ગયું. પછી તેઓ “કૌદા નામના નાનકડા ટાપુને” કિનારે કિનારે ગયા. એના લીધે તેઓને થોડા સમય માટે આશરો મળ્યો. એ ટાપુ સલામત બંદરેથી આશરે ૬૫ કિલોમીટર દૂર હતો. પણ જોખમ હજી ટળ્યું ન હતું. ભારે પવન વહાણને દૂર દક્ષિણ તરફ લઈ જઈ શકતો હતો, જ્યાં એ વહાણ આફ્રિકાના રેતાળ કિનારે ભાંગી શકે એમ હતું. એવો કરુણ અંજામ ન આવે એટલે નાવિકોએ તનતોડ મહેનત કરી. તેઓએ વહાણના પાછળના ભાગમાં મૂકેલી નાની હોડીને ઉપર વહાણમાં લઈ લીધી. તેઓએ ખૂબ જોર લગાવવું પડ્યું, કેમ કે એ નાની હોડીમાં કદાચ પાણી ભરાઈ ગયું હતું. તેઓએ વહાણને નીચેથી દોરડાં કે સાંકળો વડે બાંધ્યું, જેથી એનાં પાટિયાં ભાંગી ન જાય. પછી તેઓએ સઢનાં દોરડાં ઢીલાં કર્યાં અને તોફાનમાં વહાણને તરતું રાખવા બનતું બધું કર્યું. આવા સંજોગોમાં તેઓના હાંજા ગગડી ગયા હશે! લોકોએ આટઆટલી મહેનત કરી, તોપણ એ વહાણ ‘તોફાનમાં બેકાબૂ બનીને આમતેમ ડોલાં’ ખાતું હતું. ત્રીજા દિવસે તેઓ વહાણની સાધન-સામગ્રી દરિયામાં ફેંકવા લાગ્યા, જેથી વહાણ હલકું થાય અને તરતું રહે.—પ્રે.કા. ૨૭:૧૪-૧૯.

૧૩. વહાણના મુસાફરોની હાલત કેવી હતી?

૧૩ વહાણ પર દહેશત વ્યાપી ગઈ હશે. પણ પાઉલ અને તેમના સાથીઓને પાકો ભરોસો હતો કે તેઓને કંઈ નહિ થાય. માલિક ઈસુએ પાઉલને વચન આપ્યું હતું કે તે રોમ જશે અને ત્યાં સાક્ષી આપશે. (પ્રે.કા. ૧૯:૨૧; ૨૩:૧૧) પછીથી એક દૂતે પણ એ વાતની ખાતરી આપી હતી. જોકે તોફાન હજી શાંત પડ્યું ન હતું. બે અઠવાડિયાથી આ ભયાનક તોફાન રાત-દિવસ કહેર વર્તાવી રહ્યું હતું. આકાશમાં કાળાં કાળાં વાદળો ઘેરાયેલાં હતાં અને સતત વરસાદ પડતો હતો. સૂર્ય કે તારા કંઈ જ દેખાતું ન હતું. એના લીધે સુકાની માટે એ જાણવું અઘરું હતું કે તેઓ ક્યાં છે અને કઈ દિશામાં જઈ રહ્યા છે. વહાણના મુસાફરોની હાલત એકદમ કફોડી હતી. અમુક ખૂબ ડરી ગયા હતા તો અમુક દરિયાઈ મુસાફરીને લીધે બીમાર પડી ગયા હતા. અમુક ઠંડી અને વરસાદને લીધે થરથર કાંપી રહ્યા હતા. એવામાં કઈ રીતે કોઈના ગળે કોળિયો ઊતરે?

૧૪, ૧૫. (ક) પાઉલે કેમ અગાઉ આપેલી સલાહનો ફરીથી ઉલ્લેખ કર્યો? (ખ) તેમણે લોકોને જે આશાનો સંદેશો જણાવ્યો, એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૪ પછી પાઉલ કંઈક બોલવા ઊભા થયા. તેમણે અગાઉ આપેલી સલાહ વિશે લોકોને યાદ અપાવ્યું. પણ તે એવું કહેવા માંગતા ન હતા કે “મેં તો તમને પહેલાં જ કહ્યું હતું,” જાણે તેઓની ભૂલ બતાવતા હોય. તો પછી પાઉલે કેમ એ વાતનો ફરીથી ઉલ્લેખ કર્યો? તે તો એટલું જ જણાવવા માંગતા હતા કે જો તેઓએ સલાહ માની હોત, તો નુકસાન વેઠવું પડ્યું ન હોત. પછી તેમણે કહ્યું: “હું તમને અરજ કરું છું કે હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ, ફક્ત વહાણ ગુમાવવું પડશે.” (પ્રે.કા. ૨૭:૨૧, ૨૨) એ સાંભળીને લોકોના જીવમાં જીવ આવ્યો હશે. પાઉલને પણ ઘણી ખુશી થઈ હશે કે લોકોને આશાનો આ સંદેશો જણાવવા યહોવાએ તેમનો ઉપયોગ કર્યો. એમાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે યહોવા માટે દરેકનું જીવન ખૂબ કીમતી છે. પ્રેરિત પિતરે લખ્યું હતું: “[યહોવા] ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિત. ૩:૯) આજે લોકોનો જીવ દાવ પર લાગેલો છે. એટલે ખૂબ જરૂરી છે કે આપણે ઢીલ કર્યા વગર વધારે ને વધારે લોકોને આશાનો સંદેશો જણાવીએ.

૧૫ પાઉલે આ વહાણના મુસાફરોને અગાઉ સાક્ષી આપી હશે અને ‘ઈશ્વરે આપેલા વચનની આશા’ વિશે જણાવ્યું હશે. (પ્રે.કા. ૨૬:૬; કોલો. ૧:૫) પણ વહાણ તૂટવાની અણીએ હતું ત્યારે, તેમણે લોકોને જણાવ્યું કે તેઓમાંથી કોઈનો નાશ નહિ થાય. એ વાતની ખાતરી કરાવતા તેમણે કહ્યું: “જે ઈશ્વરને હું ભજું છું . . . તેમનો દૂત રાતે મારી બાજુમાં ઊભો રહ્યો હતો. તેણે મને કહ્યું હતું: ‘પાઉલ, ડરીશ નહિ. તારે સમ્રાટ આગળ ઊભા રહેવાનું છે. જો! તારી સાથે મુસાફરી કરનારા બધાનું જીવન ઈશ્વર તારા લીધે બચાવશે.’” પાઉલે તેઓને અરજ કરી: “એટલે દોસ્તો, હિંમત રાખો, કેમ કે મને ઈશ્વરમાં પૂરો ભરોસો છે કે મને જે કહેવામાં આવ્યું છે, એ પ્રમાણે જ થશે. જોકે, આપણું વહાણ કોઈ ટાપુના કિનારે અથડાશે.”—પ્રે.કા. ૨૭:૨૩-૨૬.

“બધા સહીસલામત કિનારે પહોંચ્યા” (પ્રે.કા. ૨૭:૨૭-૪૪)

વહાણમાં માલ-સામાન ભરેલો હોય એ ભાગમાં ઘણા બધા લોકો ભેગા થયા છે. પાઉલ બધાની વચ્ચે પ્રાર્થના કરાવી રહ્યા છે. અમુક થાકેલા લોકોએ માથું નમાવ્યું છે અને અમુક ફક્ત જોઈ રહ્યા છે. લાકડાની અમુક પેટીઓ પર રોટલીઓ મૂકી છે.

‘તેમણે બધાની સામે ઈશ્વરનો આભાર માન્યો.’—પ્રેરિતોનાં કાર્યો ૨૭:૩૫

૧૬, ૧૭. (ક) પાઉલે ક્યારે પ્રાર્થના કરી અને એની કેવી અસર થઈ? (ખ) પાઉલના શબ્દો કઈ રીતે સાચા પડ્યા?

૧૬ છેલ્લાં બે અઠવાડિયાં બહુ ખતરનાક વીત્યાં. ભારે પવનને લીધે વહાણ આશરે ૮૭૦ કિલોમીટર દૂર ફંગોળાયું. પણ પછી નાવિકોને લાગ્યું કે કિનારો નજીક છે, કેમ કે તેઓને કિનારે અથડાતાં મોજાંનો અવાજ સંભળાયો. વહાણ સ્થિર કરવા અને એનો આગળનો ભાગ કિનારા તરફ કરવા, તેઓએ પાછળના ભાગથી લંગર નીચે નાખ્યાં. પછી નાવિકોએ પોતાનો જીવ બચાવવા વહાણમાંથી નાસી જવાનો પ્રયત્ન કર્યો. પણ પાઉલે લશ્કરી અધિકારી અને સૈનિકોને કહ્યું: “જો આ માણસો વહાણમાં નહિ રહે, તો તમે બચી શકશો નહિ.” એટલે સૈનિકોએ તેઓને રોકી લીધા. વહાણ થોડું સ્થિર થયું પછી પાઉલે લોકોને અરજ કરી કે તેઓ કંઈ ખાઈ લે. તેમણે લોકોને ફરી એક વાર ભરોસો અપાવ્યો કે તેઓનું જીવન બચી જશે. પછી પાઉલે ‘બધાની સામે ઈશ્વરનો આભાર માન્યો.’ (પ્રે.કા. ૨૭:૩૧, ૩૫) પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માનીને પાઉલે લૂક, અરિસ્તાર્ખસ અને બધા ખ્રિસ્તીઓ માટે સારો દાખલો બેસાડ્યો. આપણે જાહેરમાં પ્રાર્થના કરાવીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાઓ કેવી હોય છે? શું એનાથી લોકોને ઉત્તેજન અને દિલાસો મળે છે?

૧૭ પાઉલે પ્રાર્થના કરી એ પછી લોકોમાં “હિંમત આવી અને તેઓ પણ ખાવા લાગ્યા.” (પ્રે.કા. ૨૭:૩૬) ત્યાર બાદ તેઓએ વહાણને હલકું કરવા ઘઉં દરિયામાં નાખી દીધા, જેથી વહાણ તરતું રહે અને સહેલાઈથી કિનારે પહોંચી શકે. જ્યારે દિવસ ઊગ્યો ત્યારે નાવિકોએ લંગર કાપી નાખ્યાં, સુકાનનાં દોરડાં છોડી નાખ્યાં અને આગળનો સઢ પવન તરફ ચઢાવીને તેઓ કિનારા તરફ જવા લાગ્યા. પણ એવામાં વહાણનો આગળનો ભાગ રેતીના ઢગલામાં ખૂંપી ગયો અને પાછળના ભાગ પર દરિયાનાં ભયંકર મોજાં અથડાવા લાગ્યાં અને એના ટુકડા થવા લાગ્યા. કોઈ કેદી તરીને નાસી ન જાય એ માટે અમુક સૈનિકોએ તેઓને મારી નાખવાનું નક્કી કર્યું. પણ જુલિયસે તેઓને એમ કરતા અટકાવ્યા. તેણે લોકોને અરજ કરી કે તેઓ તરીને અથવા કોઈ વસ્તુનો સહારો લઈને કિનારે પહોંચી જાય. બધા જ ૨૭૬ મુસાફરો બચી ગયા. પાઉલના શબ્દો સાચા પડ્યા. હા, “બધા સહીસલામત કિનારે પહોંચ્યા.” પણ આ જગ્યા કઈ હતી?—પ્રે.કા. ૨૭:૪૪.

“ઘણી ભલાઈથી વર્ત્યા” (પ્રે.કા. ૨૮:૧-૧૦)

૧૮-૨૦. માલ્ટાના લોકો કઈ રીતે “ઘણી ભલાઈથી વર્ત્યા”? ત્યાં કયો ચમત્કાર થયો?

૧૮ એવું લાગે છે કે આ માલ્ટા ટાપુ હતો, જે સિસિલીની દક્ષિણમાં હતો. (“માલ્ટા ટાપુ ક્યાં આવેલો છે?” બૉક્સ જુઓ.) ટાપુના લોકોની ભાષા અને સંસ્કૃતિ એકદમ અલગ હતી, તોપણ તેઓ મુસાફરો સાથે “ઘણી ભલાઈથી વર્ત્યા.” (પ્રે.કા. ૨૮:૨) મુસાફરો વરસાદથી પલળી રહ્યા હતા અને ઠંડીને લીધે ધ્રૂજી રહ્યા હતા. એટલે ટાપુના લોકોએ તેઓ માટે તાપણું કર્યું. એ આગથી તેઓને ગરમાવો મળ્યો. પણ પછી એક ચમત્કાર થયો.

૧૯ બધા લોકોની જેમ પાઉલ પણ લાકડીઓ ભેગી કરીને આગમાં નાખતા હતા. એવામાં એક ઝેરી સાપ બહાર આવ્યો. એ પાઉલના હાથે વીંટળાઈ ગયો અને તેમને ડંખ માર્યો. એ જોઈને માલ્ટાના લોકો વિચારવા લાગ્યા કે આ માણસે ચોક્કસ કોઈ પાપ કર્યું હશે, એટલે દેવતાઓ તેને સજા કરી રહ્યા છે.a

૨૦ માલ્ટાના લોકોને લાગતું હતું કે પાઉલને “સોજો ચઢશે.” એક પુસ્તકમાં જણાવ્યું છે કે મૂળ ભાષામાં સોજા માટે જે શબ્દ વપરાયો છે, એ સામાન્ય રીતે ડૉક્ટરો વાપરતા હતા. આપણને એ જાણીને નવાઈ નથી લાગતી કે ‘વહાલા વૈદ’ લૂકે પણ એ શબ્દ વાપર્યો. (પ્રે.કા. ૨૮:૬; કોલો. ૪:૧૪) જોકે પાઉલે એ સાપને ઝાટકીને નીચે નાખી દીધો અને તેમને કંઈ થયું નહિ.

૨૧. (ક) લૂકે પોતાના અહેવાલમાં સચોટ માહિતી આપી હોય એવા દાખલા આપો. (ખ) પાઉલે માલ્ટામાં કયા ચમત્કારો કર્યા? પછી લોકોએ શું કર્યું?

૨૧ માલ્ટામાં પબ્લિયુસ નામનો એક અમીર જમીનદાર રહેતો હતો. તે કદાચ માલ્ટાના રોમન અધિકારીઓનો ઉપરી હતો. લૂકે તેને ‘ટાપુનો મુખ્ય માણસ’ કહ્યો. માલ્ટામાંથી મળી આવેલાં બે લખાણોમાં એ ખિતાબનો ઉલ્લેખ જોવા મળે છે. એનાથી ખ્યાલ આવે છે કે લૂકે સચોટ માહિતી આપી છે. પબ્લિયુસે પાઉલ અને તેમના સાથીઓને ત્રણ દિવસ પરોણાગત બતાવી. એ સમયે પબ્લિયુસના પિતા બીમાર હતા. લૂકે એ બીમારી વિશે પણ સચોટ માહિતી જણાવી. તેમણે બીમારી માટે વૈદો વાપરે એ શબ્દો વાપર્યા. તેમણે લખ્યું કે પબ્લિયુસના પિતાને ‘તાવ અને મરડો થયો હોવાથી પથારીવશ હતા.’ પાઉલે તેમના માટે પ્રાર્થના કરી અને તેમના પર હાથ મૂક્યા એટલે તે સાજા થઈ ગયા. આ ચમત્કાર જોઈને લોકો બીમારોને પાઉલ પાસે લઈ આવ્યા. પાઉલે એ બધાને સાજા કર્યા. પછી લોકોએ પાઉલ અને તેમના સાથીઓને મુસાફરી માટે જરૂરી વસ્તુઓ ભેટમાં આપી.—પ્રે.કા. ૨૮:૭-૧૦.

૨૨. (ક) એક પ્રોફેસરે લૂકના અહેવાલના વખાણ કરતા શું કહ્યું? (ખ) હવે પછીના પ્રકરણમાં શું જોઈશું?

૨૨ પાઉલની મુસાફરી વિશે અત્યાર સુધી આપણે જે માહિતી વાંચી ગયા, એ એકદમ સચોટ છે. એક પ્રોફેસરે કહ્યું: ‘લૂકે અહેવાલમાં જે ઝીણામાં ઝીણી માહિતી જણાવી છે, એવી માહિતી બાઇબલમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. લૂકે એમાં વિગતવાર જણાવ્યું છે કે પહેલી સદીમાં નાવિકો કઈ રીતે વહાણ હંકારતા હતા. તેમણે એ પણ એકદમ સચોટ રીતે જણાવ્યું છે કે ભૂમધ્ય સમુદ્રની પૂર્વમાં હવામાન કેવું રહેતું હતું. એનાથી લાગે છે કે આ બધી માહિતી પહેલાં ડાયરીમાં લખવામાં આવી હશે.’ લૂક પાઉલ સાથે મુસાફરી કરતા હતા ત્યારે કદાચ તેમણે આ બધી વિગતો ક્યાંક નોંધી લીધી હશે. હવે પાઉલ માલ્ટાથી આગળની મુસાફરી ચાલુ રાખશે ત્યારે પણ લૂક પાસે લખવા માટે ઘણું બધું હશે. રોમ પહોંચ્યા પછી પાઉલ સાથે શું બનશે? એ વિશે હવે પછીના પ્રકરણમાં જોઈશું.

માલ્ટા ટાપુ ક્યાં આવેલો છે?

પાઉલનું વહાણ જે “માલ્ટા” ટાપુ પાસે તૂટી ગયું હતું, એ ટાપુ આજે દુનિયાના નકશામાં ક્યાં આવેલો છે? એ વિશે વિદ્વાનોનું અલગ અલગ માનવું છે. અમુક વિદ્વાનોને લાગે છે કે ગ્રીસના પશ્ચિમી કાંઠે કોર્ફુની પાસે આવેલો ટાપુ જ માલ્ટા છે. તો કેટલાકને લાગે છે કે ઍડ્રિયાટિક સાગરમાં ક્રોએશિયાના કિનારે મેલિટી ઇલીરિકા (જેને આજે મલ્યેટ કહેવામાં આવે છે) નામનો ટાપુ જ માલ્ટા છે. તેઓ એવું માને છે, કેમ કે પ્રેરિતોનાં કાર્યો પુસ્તકમાં “માલ્ટા” માટે ગ્રીક શબ્દ મેલિટી વપરાયો છે.

ખરું કે પ્રેરિતોનાં કાર્યો ૨૭:૨૭માં ‘આદ્રિયાના દરિયાનો’ ઉલ્લેખ છે, પણ પાઉલના સમયમાં ‘આદ્રિયા’ વિસ્તાર આજના ઍડ્રિયાટિક સાગરના વિસ્તાર કરતાં ઘણો મોટો હતો. જૂના જમાનામાં આદ્રિયાના દરિયામાં આયોનિયન સમુદ્ર તેમજ સિસિલી અને ક્રીતની વચ્ચે આવેલા સમુદ્રનો પણ સમાવેશ થતો હતો. બીજા શબ્દોમાં કહીએ તો આ એ જ દરિયો હતો, જ્યાં આજે માલ્ટા ટાપુ આવેલો છે.

પાઉલ જે વહાણમાં હતા, એને પરાણે કનિદસથી દક્ષિણ તરફ ક્રીત સુધી લઈ જવું પડ્યું. તોફાનને લીધે વહાણને ઉત્તરમાં દૂર મલ્યેટ સુધી અથવા કોર્ફુની પાસે આવેલા ટાપુ સુધી લઈ જવું લગભગ અશક્ય હતું. એટલે એવું લાગે છે કે માલ્ટા પશ્ચિમમાં હતું. આમ, આપણે કહી શકીએ કે સિસિલીના દક્ષિણમાં આવેલા માલ્ટા ટાપુ પાસે પાઉલનું વહાણ તૂટી ગયું હતું.

a અહીં જણાવેલો ઝેરી સાપ વાઇપર પ્રજાતિનો હતો. એ સમયે માલ્ટામાં એવા ઝેરી સાપ જોવા મળતા હતા. એટલે ત્યાંના લોકોને એ સાપ વિશે ખબર હતી. પણ આજે માલ્ટામાં એવા સાપ જોવા મળતા નથી. સદીઓ વીતતી ગઈ તેમ કદાચ પર્યાવરણમાં થયેલા ફેરફારને લીધે અથવા માનવ વસ્તી વધવાને લીધે એ સાપ લુપ્ત થઈ ગયા છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો