પાઠ ૧૦૧
પાઉલને રોમ મોકલવામાં આવ્યા
પાઉલે પ્રચારકાર્યની ત્રીજી મુસાફરી યરૂશાલેમમાં પૂરી કરી. ત્યાં તેમને પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યા. એક રાતે દર્શનમાં ઈસુએ તેમને કહ્યું: ‘તું રોમ જશે અને ત્યાં પ્રચાર કરશે.’ પાઉલને યરૂશાલેમથી કાઈસારીઆ લઈ જવામાં આવ્યા અને બે વર્ષ ત્યાં જેલમાં રાખ્યા. તેમનો મુકદ્દમો રાજ્યપાલ ફેસ્તુસ પાસે લઈ જવામાં આવ્યો. તેમણે ફેસ્તુસને કહ્યું: ‘હું ચાહું છું કે રોમના સમ્રાટ મારો ન્યાય કરે.’ ફેસ્તુસે કહ્યું: “તેં સમ્રાટ પાસે ન્યાય માંગ્યો છે, એટલે તું સમ્રાટ પાસે જઈશ.” પાઉલને રોમ જતાં વહાણમાં બેસાડવામાં આવ્યાં. તેમની સાથે બે ભાઈઓ, લૂક અને અરિસ્તાર્ખસ પણ ગયા.
વહાણ દરિયાની વચ્ચોવચ હતું ત્યારે, એક મોટું તોફાન આવ્યું. તોફાન ઘણા દિવસો સુધી ચાલ્યું. બધા લોકોને લાગ્યું કે ‘હવે તો આપણે નહિ બચીએ!’ પણ પાઉલે તેઓને કહ્યું: ‘દોસ્તો, સપનામાં મને એક સ્વર્ગદૂતે કહ્યું: “પાઉલ ડરીશ નહિ. તું ચોક્કસ રોમ જશે અને તારી સાથે વહાણમાં રહેલા બધા બચી જશે.” એટલે તમે બધા હિંમત રાખો! આપણે નહિ મરીએ!’
તોફાન ૧૪ દિવસ સુધી ચાલ્યું. આખરે તેઓને જમીન દેખાઈ. એ માલ્ટા ટાપુ હતો. ત્યાં વહાણ રેતીમાં ખૂંપી ગયું અને એના ટુકડે-ટુકડા થઈ ગયા. પણ વહાણમાં રહેલા ૨૭૬ લોકો બચી ગયા. અમુક તરીને, તો બીજા અમુક વહાણના ટુકડાના સહારે કિનારે પહોંચી ગયા. માલ્ટાના લોકોએ તેઓ માટે તાપણું કર્યું અને તેઓની સંભાળ રાખી.
ત્રણ મહિના પછી, સૈનિકો પાઉલને બીજા એક વહાણમાં રોમ લઈ ગયા. તે રોમ પહોંચ્યા ત્યારે, ત્યાંના ભાઈઓ તેમને મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે તરત પ્રાર્થનામાં યહોવાનો આભાર માન્યો અને પાઉલને હિંમત મળી. પાઉલ એક કેદી હતા તોપણ તેમને ભાડાના ઘરમાં રહેવાની મંજૂરી મળી, જ્યાં એક સૈનિક તેમની ચોકી કરતો. પાઉલ ત્યાં બે વર્ષ રહ્યા. લોકો તેમને મળવા આવતા ત્યારે, તેઓને ઈશ્વરના રાજ્ય વિશે અને ઈસુ વિશે શીખવતા. પાઉલે ત્યાં રહીને એશિયા માઈનોર અને યહૂદિયાના મંડળોને પત્રો પણ લખ્યા. સાચે જ, યહોવાએ પાઉલ દ્વારા ઘણા બધા દેશો સુધી ખુશખબર પહોંચાડી!
“અમે બધી રીતે બતાવી આપીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ: ઘણું સહન કરીને, મુસીબતો વેઠીને, તંગી સહીને, તકલીફો ઉઠાવીને.”—૨ કોરીંથીઓ ૬:૪