ભાગ ૮
ઇઝરાયલ પ્રજા કનાન દેશમાં જાય છે
યહોશુઆની આગેવાનીમાં ઇઝરાયલીઓ કનાન દેશને જીતી લે છે. ઇઝરાયલ પ્રજાને જુલમમાંથી છોડાવવા યહોવા અમુકને પસંદ કરે છે
યહોવાએ ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેમના વંશજોને કનાન દેશ મળશે. સદીઓ પછી ઇઝરાયલ લોકો એ દેશના આંગણે આવ્યા. પછી યહોશુઆની આગેવાની હેઠળ ઇઝરાયલી લોકો કનાન દેશનો કબજો લેવા તૈયાર થયા.
કનાનના લોકો ખૂબ પાપી હતા. વ્યભિચારી હતા. આખો દેશ ખૂન-ખરાબીથી ભરેલો હતો. એટલે યહોવાએ ઇઝરાયલી લોકોના હાથે તેઓનો નાશ કરવાનું નક્કી કર્યું.
કનાનમાં જતા પહેલાં યહોશુઆએ બે જાસૂસને યરીખો શહેરમાં મોકલ્યા. તેઓ રાહાબ નામની સ્ત્રીના ઘરે અમુક દિવસો રહ્યા. તે જાણતી હતી કે આ બે માણસો દેશના દુશ્મનો છે. તોય તેઓનું રક્ષણ કર્યું. શા માટે? રાહાબને યહોવામાં શ્રદ્ધા હતી. તેણે સાંભળ્યું હતું કે યહોવાએ પોતાના લોકોને બચાવવા કેવા ચમત્કારો કર્યા હતા. રાહાબે જાસૂસોને વિનંતી કરી કે શહેરનો નાશ કરે ત્યારે તેને અને તેના કુટુંબને બચાવે.
થોડા સમય પછી ઇઝરાયલીઓ કનાન દેશમાં, યરીખો શહેર પાસે આવ્યા. યહોવાએ ચમત્કારથી એ શહેરની દીવાલો તોડી નાખી. તરત જ યહોશુઆ અને તેમના લશ્કરે શહેરમાં ઘૂસીને લોકોને મારી નાખ્યા. પણ તેઓએ રાહાબ અને તેના કુટુંબને બચાવ્યું. પછીના છ વર્ષમાં યહોશુઆએ કનાનના બીજા શહેરોનો પણ નાશ કર્યો. જલદી જ આખો દેશ ઇઝરાયલ પ્રજાના હાથમાં આવી ગયો. ઇઝરાયલના દરેક કુળને એ દેશમાં ભાગ મળ્યો. ત્યારથી એ ઇઝરાયલ દેશ બન્યો.
યહોશુઆ ઘણાં વર્ષો સુધી ઇઝરાયલના આગેવાન રહ્યા. તેમણે મરણ પહેલાં તેઓને યાદ કરાવ્યું કે યહોવાએ તેઓના બાપદાદા માટે શું કર્યું હતું. તેમણે પ્રજાને અરજ કરી કે તેઓ હંમેશાં યહોવાને જ ભજે. પણ યહોશુઆ અને તેમની સાથેના આગેવાનોના મરણ પછી ઇઝરાયલ પ્રજાએ યહોવાને છોડી દીધા. તેઓ બીજા દેવ-દેવીઓને ભજવા લાગ્યા. એટલે યહોવાએ તેઓનું રક્ષણ કર્યું નહિ. પલિસ્તી જેવા દુશ્મનો ઇઝરાયલ પર ચઢી આવીને ખૂબ જુલમ કરતા. લોકો બચાવ માટે યહોવાને પોકાર કરતા. ત્યારે યહોવા તેઓને બચાવવા સમયથી સમય કોઈ શૂરવીર માણસને ઊભા કરતા, જેમને બાઇબલ ‘ન્યાયાધીશ’ કહે છે. આવું આશરે ત્રણસો વર્ષ સુધી ચાલ્યું. આ ગાળામાં બાર ન્યાયાધીશો થઈ ગયા.
પહેલો ન્યાયાધીશ ઓથનીએલ અને છેલ્લો સામસૂન હતો. તેઓનો અહેવાલ બાઇબલના ન્યાયાધીશો પુસ્તકમાં છે. સામસૂન ખૂબ જ બળવાન હતો. તેના જેવો આજ સુધી કોઈ થયો નથી. ન્યાયાધીશો પુસ્તકમાં કયો વિચાર વારંવાર જોવા મળે છે? એ જ કે યહોવાનું માનશો તો આશીર્વાદ મળશે, નહિ માનો તો સજા થશે.
—આ માહિતી યહોશુઆ; ન્યાયાધીશો; લેવીય ૧૮:૨૪, ૨૫માંથી છે.