પાઠ ૩૦
રાહાબે જાસૂસોને સંતાડ્યા
ઇઝરાયેલી જાસૂસો યરીખો શહેર ગયા ત્યારે, તેઓ રાહાબ નામની સ્ત્રીના ઘરે રોકાયા. એ વાત યરીખોના રાજાને ખબર પડી ગઈ. એટલે તેણે પોતાના સૈનિકોને રાહાબના ઘરે મોકલ્યા. રાહાબે જાસૂસોને ધાબા પર સંતાડી દીધા અને સૈનિકોને બીજા રસ્તે મોકલી દીધા. રાહાબે જાસૂસોને કહ્યું: ‘હું તમારી મદદ કરીશ. કેમ કે, હું જાણું છું કે યહોવા તમારી સાથે છે અને તમે આ દેશ જીતી લેશો. મને વચન આપો કે તમે મારા કુટુંબને બચાવશો.’
જાસૂસોએ રાહાબને કહ્યું: ‘અમે તને વચન આપીએ છીએ કે જે કોઈ તારા ઘરમાં હશે તે બચી જશે.’ પછી તેઓએ કહ્યું: ‘તું બારીએ લાલ દોરડું બાંધજે અને તારું કુટુંબ બચી જશે.’
રાહાબે જાસૂસોને એક દોરડાં વડે બારીમાંથી નીચે ઉતાર્યા. તેઓ પહાડી વિસ્તારમાં નાસી ગયા અને ત્રણ દિવસ સુધી ત્યાં છુપાઈ રહ્યા. એ પછી તેઓ યહોશુઆ પાસે પાછા ગયા. પછી ઇઝરાયેલીઓએ યર્દન નદી પાર કરી અને કનાન દેશ જીતવાની તૈયારી કરી. સૌથી પહેલા તેઓએ યરીખો શહેર જીતી લીધું. તમને ખબર છે કઈ રીતે? યહોવાએ તેઓને કહ્યું હતું કે છ દિવસ સુધી દરરોજ શહેરની ચારે બાજુ એક ચક્કર લગાવે. સાતમા દિવસે તેઓએ સાત વખત શહેરની ચારે બાજુ ચક્કર લગાવવાનાં હતાં. પછી યાજકોએ રણશિંગડાં વગાડ્યાં અને સૈનિકોએ જોરથી બૂમ પાડી. એટલે શહેરની દીવાલો તૂટી પડી. પણ રાહાબનું ઘર દીવાલને અડીને હતું, તોય એ ના પડ્યું. તે અને તેમનું કુટુંબ બચી ગયાં, કેમ કે તેમણે યહોવામાં ભરોસો રાખ્યો હતો.
‘એ જ રીતે, રાહાબે જાસૂસોની પરોણાગત કરી અને તેઓને બીજે રસ્તે મોકલી દીધા ત્યારે, શું તેને પણ તેનાં કામોને લીધે નેક ગણવામાં આવી ન હતી?’—યાકૂબ ૨:૨૫