પાઠ ૮
ઈશ્વર કેમ દુષ્ટતા અને દુઃખોને ચાલવા દે છે?
૧. દુષ્ટતાની શરૂઆત કેવી રીતે થઈ?
ઈશ્વરે મનુષ્યને રાજ કરવા પૂરતો સમય આપ્યો છે, જેથી સાબિત થાય કે તેઓ પોતાની મેળે મુશ્કેલીઓ હલ કરી શકતા નથી
શેતાન સૌથી પહેલું જૂઠાણું બોલ્યો ત્યારથી, પૃથ્વી પર દુષ્ટતાની શરૂઆત થઈ. તે શરૂઆતમાં એક સારો સ્વર્ગદૂત હતો, પણ પછી “સત્યમાં સ્થિર રહ્યો નહિ.” (યોહાન ૮:૪૪) ઈશ્વરને જે ભક્તિ મળવી જોઈએ એની તે લાલચ કરવા લાગ્યો. શેતાને પ્રથમ સ્ત્રી હવાને જૂઠું કહ્યું અને ઈશ્વરને બદલે પોતાનું સાંભળવા મનાવી લીધી. આદમ પણ હવાની સાથે જોડાઈ ગયો અને ઈશ્વરની આજ્ઞા તોડી. આદમના આ ખોટા નિર્ણયને લીધે માણસ પર દુઃખ-તકલીફો અને મરણ આવ્યા.—ઉત્પત્તિ ૩:૧-૬, ૧૭-૧૯ વાંચો.
શેતાને હવાને ઈશ્વરની આજ્ઞા તોડવા કહ્યું ત્યારથી, તે ઈશ્વરના રાજ સામે જવા લાગ્યો. આજે મોટા ભાગના લોકો શેતાનની સાથે જોડાઈને, યહોવા ઈશ્વરને રાજા તરીકે સ્વીકારતા નથી. આમ, શેતાન “આ જગતનો અધિકારી” કે રાજા બન્યો છે.—યોહાન ૧૪:૩૦; ૧ યોહાન ૫:૧૯ વાંચો.
૨. ઈશ્વરે જે બનાવ્યું એમાં શું કોઈ ખામી હતી?
ઈશ્વર જે કંઈ બનાવે છે એ સંપૂર્ણ હોય છે. એમાં કોઈ ખોડ કે ખામી નથી. ઈશ્વરે બનાવેલા માણસો અને સ્વર્ગદૂતો તેમનું કહેવું પૂરેપૂરી રીતે કરી શકતા હતા. (પુનર્નિયમ ૩૨:૪, ૫) ઈશ્વરે આપણને ખરું-ખોટું પસંદ કરવાની છૂટ આપી છે. એ છૂટ હોવાથી આપણે ઈશ્વરને પ્રેમ બતાવી શકીએ છીએ.—યાકૂબ ૧:૧૩-૧૫; ૧ યોહાન ૫:૩ વાંચો.
૩. શા માટે ઈશ્વરે દુઃખ-તકલીફોને ચાલવા દીધા છે?
શા માટે યહોવાએ પોતાની સત્તા સામે ઊઠેલા વિરોધને અત્યાર સુધી ચાલવા દીધો છે? એનું કારણ આ છે: લોકો જાણી શકે કે ઈશ્વરની મદદ વગર તેઓ સારી રીતે રાજ કરી શકતા નથી. માણસજાતનો આશરે ૬,૦૦૦ વર્ષનો ઇતિહાસ એની સાબિતી આપે છે. માનવ સરકારો યુદ્ધ, ગુનાખોરી, અન્યાય અને બીમારીને દૂર કરી શકી નથી.—સભાશિક્ષક ૭:૨૯; ૮:૯; નિર્ગમન ૯:૧૬ વાંચો.
પરંતુ, જેઓ માનવ સરકારોને બદલે ઈશ્વરના રાજને સ્વીકારે છે, તેઓને લાભ થાય છે. (યશાયા ૪૮:૧૭, ૧૮) જલદી જ યહોવા ઈશ્વર બધી માનવ સરકારોનો નાશ કરશે. પરંતુ, જેઓ તેમને રાજા તરીકે સ્વીકારે છે, તેઓને બચાવવામાં આવશે.—યશાયા ૧૧:૯. દાનીયેલ ૨:૪૪ વાંચો.
૪. ઈશ્વરની ધીરજને લીધે આપણને કેવી તક મળી છે?
શેતાને દાવો કર્યો છે કે કોઈ મનુષ્ય સ્વાર્થ વગર યહોવાની ભક્તિ કરશે નહિ. શું તમે શેતાનને જૂઠો સાબિત કરશો? તમે કરી શકો છો! ઈશ્વરની ધીરજને લીધે આપણને બધાને તક મળી છે કે કોના રાજને સ્વીકારીશું—ઈશ્વરના કે માણસોના? આપણે જે રીતે જીવીએ છીએ એનાથી બતાવીએ છીએ કે કોના રાજને પસંદ કરીએ છીએ.—અયૂબ ૧:૮-૧૨; નીતિવચનો ૨૭:૧૧ વાંચો.
૫. ઈશ્વરને રાજા તરીકે પસંદ કરવા શું કરવું જોઈએ?
આપણી પસંદગી બતાવશે કે ઈશ્વરને રાજા તરીકે સ્વીકારીએ છીએ કે નહિ
બાઇબલમાંથી શીખીએ કે યહોવા ઈશ્વર કેવી ભક્તિ ચાહે છે. પછી એ પ્રમાણે ભક્તિ કરીને આપણે ઈશ્વરને રાજા તરીકે પસંદ કરી શકીએ. (યોહાન ૪:૨૩) શેતાનના રાજનો નકાર કરવા, ઈસુએ રાજકારણ અને યુદ્ધોમાં ભાગ લીધો ન હતો. આપણે પણ એવું જ કરી શકીએ!—યોહાન ૧૭:૧૪ વાંચો.
શેતાન ખોટાં કામો કે ખરાબ આદતોને સારી ગણાવીને એને ફેલાવે છે. આપણે એવાં કામો કે આદતોથી દૂર રહીએ ત્યારે, અમુક મિત્રો કે સંબંધીઓ કદાચ આપણી મજાક ઉડાવશે કે વિરોધ કરશે. (૧ પીતર ૪:૩, ૪) શું કરવું એ આપણે નક્કી કરવું પડશે. શું આપણે ઈશ્વરને પ્રેમ કરતા લોકોની સંગત કરીશું? શું આપણે ઈશ્વરના નિયમોને પાળીશું, જેમાં તેમનો પ્રેમ અને ડહાપણ જોવા મળે છે? જો આપણે એમ કરીશું તો શેતાનને જૂઠો સાબિત કરી શકીશું, કેમ કે તેણે દાવો કર્યો હતો કે મુશ્કેલીમાં મનુષ્યો ઈશ્વરનું કહ્યું નહિ માને.—૧ કોરીંથી ૬:૯, ૧૦; ૧૫:૩૩ વાંચો.
મનુષ્ય માટેનો ઈશ્વરનો પ્રેમ ખાતરી આપે છે કે દુષ્ટતા અને દુઃખ-તકલીફોનો અંત આવશે. જેઓ આ માને છે અને એ પ્રમાણે ચાલે છે, તેઓ જ ધરતી પર કાયમ જીવવાનો આનંદ માણશે.—યોહાન ૩:૧૬ વાંચો.