પાઠ ૧૧
બાઇબલના સિદ્ધાંતો આપણને કેવી રીતે લાભ કરે છે?
૧. આપણને માર્ગદર્શનની કેમ જરૂર છે?
બાઇબલના સિદ્ધાંતો કેવી રીતે પોતાના અને બીજાઓના જીવનનું રક્ષણ કરવા મદદ કરે છે?—ગીતશાસ્ત્ર ૩૬:૯.
આપણા સરજનહાર આપણા કરતાં ઘણા બુદ્ધિશાળી છે. એક પ્રેમાળ પિતાની જેમ તે આપણી સંભાળ રાખે છે. ઈશ્વરનો એવો ઇરાદો ન હતો કે આપણે તેમની દોરવણી વગર જીવીએ. (યિર્મેયા ૧૦:૨૩) જેમ બાળકને માબાપના માર્ગદર્શનની જરૂર છે, તેમ આપણને ઈશ્વરના માર્ગદર્શનની જરૂર છે. (યશાયા ૪૮:૧૭, ૧૮) બાઇબલના સિદ્ધાંતો આપણને માર્ગદર્શન આપે છે. એ ઈશ્વર તરફથી એક ભેટ છે.—૨ તીમોથી ૩:૧૬ વાંચો.
યહોવાના નિયમો અને સિદ્ધાંતો આપણને હાલમાં જીવનનો ઉત્તમ માર્ગ બતાવે છે. ભાવિમાં કઈ રીતે કાયમી આશીર્વાદો મેળવી શકીએ એ પણ બતાવે છે. ઈશ્વર આપણા સરજનહાર હોવાથી, એ યોગ્ય છે કે તેમના માર્ગદર્શન માટે કદર બતાવીએ અને એ પ્રમાણે જીવીએ.—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૧૧; પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.
૨. બાઇબલના સિદ્ધાંતો શું છે?
બાઇબલના સિદ્ધાંતો સનાતન સત્ય છે. એ કોઈ પણ સંજોગોમાં લાગુ પાડી શકાય છે. જ્યારે કે નિયમો કદાચ અમુક જ સંજોગોમાં લાગુ પડે છે. (પુનર્નિયમ ૨૨:૮) સિદ્ધાંતો કયા સંજોગોમાં લાગુ પડે છે, એ સમજતા આપણે શીખવું જોઈએ. (નીતિવચનો ૨:૧૦-૧૨) દાખલા તરીકે, બાઇબલ શીખવે છે કે જીવન ઈશ્વર તરફથી એક ભેટ છે. એ સિદ્ધાંત આપણને કામ પર, ઘરમાં, મુસાફરીમાં કે વાહન ચલાવતી વખતે લાગુ પડે છે. એ સિદ્ધાંત આપણને સાવચેતીનાં પગલાં લેવા ઉત્તેજન આપે છે, જેથી પોતાનું કે બીજાઓનું જીવન જોખમમાં ન મૂકાય.—ગીતશાસ્ત્ર ૧૦૦:૩ વાંચો.
૩. કયા બે સિદ્ધાંતો સૌથી મહત્ત્વના છે?
ઈસુએ સૌથી મહત્ત્વના બે સિદ્ધાંતો વિષે વાત કરી હતી. પહેલો સિદ્ધાંત આ છે, જે જીવનનો હેતુ બતાવે છે: આપણે ઈશ્વરને ઓળખીએ, તેમને પ્રેમ કરીએ અને દિલથી ભક્તિ કરીએ. આપણે જે કોઈ નિર્ણય લઈએ એમાં આ સિદ્ધાંતનો વિચાર કરવો જોઈએ. (નીતિવચનો ૩:૬) જેઓ આ સિદ્ધાંત દિલમાં ઉતારે છે, તેઓનો ઈશ્વર સાથે ગાઢ સંબંધ બંધાય છે. તેમ જ, તેઓને ખરું સુખ અને અનંતજીવન મળશે.—માથ્થી ૨૨:૩૬-૩૮ વાંચો.
બીજો સિદ્ધાંત આપણને લોકો સાથે શાંતિમય સંબંધો બાંધવા મદદ કરે છે. (૧ કોરીંથી ૧૩:૪-૭) આ સિદ્ધાંત લાગુ પાડવાનો અર્થ એ થાય કે ઈશ્વર જે રીતે લોકો સાથે વર્તે છે, એ રીતે આપણે પણ વર્તીએ.—માથ્થી ૭:૧૨; ૨૨:૩૯, ૪૦ વાંચો.
૪. બાઇબલના સિદ્ધાંતોથી આપણને કેવી રીતે ફાયદો થાય છે?
બાઇબલના સિદ્ધાંતો શીખવે છે કે કુટુંબમાં બધા કેવી રીતે પ્રેમના બંધનમાં એક થઈ શકે. (એફેસી ૪:૩૨; કોલોસી ૩:૧૨, ૧૪) કુટુંબના રક્ષણ માટે બાઇબલ આ મહત્ત્વનો સિદ્ધાંત શીખવે છે: લગ્નબંધન તૂટવું ન જોઈએ.—ઉત્પત્તિ ૨:૨૪ વાંચો.
બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલીશું તો આપણને નોકરી-ધંધો ટકાવી રાખવા મદદ મળશે. મનની શાંતિ પણ મળશે. દાખલા તરીકે, માલિકો ઘણી વાર એવા લોકોને નોકરીએ રાખે છે, જેઓ બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે પ્રમાણિક અને ખંતીલા છે. (નીતિવચનો ૧૦:૪, ૨૬; હિબ્રૂ ૧૩:૧૮) બાઇબલ એ પણ શીખવે છે કે જીવન-જરૂરી ચીજોમાં સંતોષ પામીએ અને ચીજવસ્તુઓ કરતાં ઈશ્વર સાથેના સંબંધને કીમતી ગણીએ.—માથ્થી ૬:૨૪, ૨૫, ૩૩; ૧ તીમોથી ૬:૮-૧૦ વાંચો.
બાઇબલના સિદ્ધાંતો આપણને તંદુરસ્ત રહેવા મદદ કરે છે. (નીતિવચનો ૧૪:૩૦; ૨૨:૨૪, ૨૫) દાખલા તરીકે, ઈશ્વરનો નિયમ દારૂડિયા બનવાની મનાઈ કરે છે. એ સિદ્ધાંત પ્રમાણે જીવવાથી જીવલેણ રોગો અને અકસ્માતોથી રક્ષણ મળે છે. (નીતિવચનો ૨૩:૨૦) યહોવા દારૂ પીવાની રજા આપે છે, પણ વધુ પડતો પીવાની મના કરે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫; ૧ કોરીંથી ૬:૧૦) ઈશ્વરના સિદ્ધાંતો ફક્ત આપણા વર્તનને જ નહિ, વિચારોને પણ કાબૂમાં રાખતા શીખવે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭-૧૦૦) સાચા ખ્રિસ્તીઓ પોતાના ફાયદા માટે જ નહિ, પણ યહોવાને માન આપવા માટે ઈશ્વરનાં ધોરણો પાળે છે.—માથ્થી ૫:૧૪-૧૬ વાંચો.