વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૪/૧૫ પાન ૧૮-૨૩
  • યહોવાહના સિદ્ધાંતોથી સુખી થાઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહના સિદ્ધાંતોથી સુખી થાઓ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાહના સિદ્ધાંતો
  • સિદ્ધાંતો પ્રમાણે ચાલો
  • દિલ ચોખ્ખું હોવું જોઈએ
  • સિદ્ધાંતો પાળવાથી થતા લાભો
  • બાઇબલના સિદ્ધાંતો આપણને કેવી રીતે લાભ કરે છે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • પરમેશ્વરના સિદ્ધાંતોથી મળતા લાભ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો દ્વારા આપણા અંતઃકરણને કેળવીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • યહોવાને કેવું લાગશે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૪/૧૫ પાન ૧૮-૨૩

યહોવાહના સિદ્ધાંતોથી સુખી થાઓ

‘હું યહોવાહ તારા લાભને અર્થે તને શીખવું છું.’​—⁠યશાયાહ ૪૮:⁠૧૭.

આપણી આસપાસના વિશ્વ વિષે જેમ વધારેને વધારે જાણવા મળે છે, તેમ વૈજ્ઞાનિકો એમાં રહેલી અમાપ શક્તિથી નવાઈ પામે છે. સૂર્યનો વિચાર કરો, જે આકાશમાંના ઘણા તારાઓ કરતાં નાનો છે. તેમ છતાં, “એકસો અબજ હાઇડ્રોજન બૉંબ દર સેકન્ડે ફૂટતા હોય,” એટલી શક્તિ એ આપે છે. પરંતુ, આવા શક્તિશાળી તારાઓ અને ગ્રહોના બનાવનાર એ સર્વ પર પૂરેપૂરો કાબૂ ધરાવે છે. (અયૂબ ૩૮:૩૨; યશાયાહ ૪૦:૨૬) એમ હોય તો આપણા વિષે શું? આપણે તો ખરું-ખોટું પારખીએ છીએ અને નૈતિક ધોરણો, સમજશક્તિ તથા ભક્તિ કરવાની ઇચ્છા પણ ધરાવીએ છીએ. આપણને બનાવનાર કઈ રીતે માર્ગદર્શન આપે છે? તેમણે આપણા પર પ્રેમ રાખીને ખરું-ખોટું જાણવાની એવી સમજ આપી છે, જેને તેમના નીતિ-નિયમો અને સિદ્ધાંતો દ્વારા કેળવી શકાય છે.​—⁠૨ શમૂએલ ૨૨:૩૧; રૂમી ૨:૧૪, ૧૫.

૨ આપણે પોતાની મરજીથી યહોવાહને ભજવાનું પસંદ કરીએ છીએ ત્યારે, તેમને ખૂબ જ આનંદ થાય છે. (નીતિવચનો ૨૭:૧૧) પરમેશ્વર યહોવાહે આપણને રોબોટના જેવા બનાવ્યા નથી કે, વગર વિચાર્યે બધું કરતા રહીએ. ના, તેમણે આપણને ખરું-ખોટું પારખવાની સમજશક્તિ આપી છે, જેથી આપણે સમજી-વિચારીને નિર્ણયો લઈ શકીએ.​—⁠હેબ્રી ૫:⁠૧૪.

૩ ઈસુ પોતે યહોવાહ પરમેશ્વરને પગલે ચાલ્યા. તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી.” (યોહાન ૧૫:૧૪, ૧૫) આગલા સમયમાં, દાસોએ પોતાના માલિકના હુકમો પાળવા જ પડતા. જ્યારે કે મિત્રતા તો એકબીજાને મનગમતા ગુણો પર બંધાય છે. આપણે પણ યહોવાહના મિત્રો બની શકીએ છીએ. (યાકૂબ ૨:૨૩) આ મિત્રતા એકબીજાના પ્રેમથી વધે છે. ઈસુએ કહ્યું કે આપણને પરમેશ્વર પર પ્રેમ હશે તો તેમની આજ્ઞાઓ પાળીશું: “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારૂં વચન પાળશે; અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે.” (યોહાન ૧૪:૨૩) આમ, યહોવાહ આપણને તેમના સનાતન સત્યો પર ચાલવાનું ઉત્તેજન આપે છે.

યહોવાહના સિદ્ધાંતો

૪ સિદ્ધાંતો એટલે શું? એક અંગ્રેજી ડિક્ષનરી પ્રમાણે સિદ્ધાંતનો અર્થ થાય, “મૂળ કારણ કે સનાતન સત્ય: જેના પરથી બીજા સિદ્ધાંતો કે નિયમો બનાવાયા હોય.” (વેબસ્ટર્સની ત્રીજી નવી ઇન્ટરનેશનલ ડિક્ષનરી) બાઇબલનો ઊંડો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે યહોવાહ પરમેશ્વર સનાતન સત્યો જણાવે છે. એ સત્યો જીવનના જુદા જુદા સંજોગોમાં લાગુ પાડી શકાય છે. યહોવાહ આપણું જ ભલું વિચારીને એમ કરે છે. એની સાથે સહમત થતા, શાણા રાજા સુલેમાને લખ્યું: “હે મારા દીકરા, મારી વાતો સાંભળીને સ્વીકાર; એટલે તારા આવરદાનાં [જીવનનાં] વર્ષો ઘણાં થશે. મેં તને જ્ઞાનના માર્ગમાં કેળવ્યો છે; મેં તને પ્રામાણિકપણાને રસ્તે દોર્યો છે.” (નીતિવચનો ૪:૧૦, ૧૧) યહોવાહે આપેલા મુખ્ય સિદ્ધાંતોની અસર તેમની સાથેના આપણા સંબંધ અને તેમની ભક્તિ પર પડે છે. તેમ જ, એકબીજા સાથેના સંબંધો અને આપણા જીવન પર પણ એની અસર પડે છે. (ગીતશાસ્ત્ર ૧:૧) ચાલો આપણે અમુક મુખ્ય સિદ્ધાંતો વિચારીએ.

૫ યહોવાહ સાથેના સંબંધ વિષે ઈસુએ જણાવ્યું: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૭) વળી, આપણે એકબીજા સાથે કેવો સંબંધ રાખવો જોઈએ, એ વિષે પણ યહોવાહે નીતિ-નિયમો આપ્યા છે: “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨; ગલાતી ૬:૧૦; તીતસ ૩:૨) યહોવાહની ભક્તિ કઈ રીતે કરવી એ વિષે પણ આપણને ઉત્તેજન મળે છે: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. . . . આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ.” (હેબ્રી ૧૦:૨૪, ૨૫) આપણા રોજના જીવન વિષે પ્રેષિત પાઊલ કહે છે: “તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.” (૧ કોરીંથી ૧૦:૩૧) બાઇબલમાં આવા બીજા ઘણા સિદ્ધાંતો છે.

૬ સિદ્ધાંતો મહત્ત્વનાં સનાતન સત્યો છે, અને આપણે એને ખરેખર દિલથી પાળવા જોઈએ. યહોવાહ પરમેશ્વરે સુલેમાનને લખવા માટે પ્રેરણા આપી કે, “મારા શબ્દો પર લક્ષ આપ; મારી વાતો પર કાન ધર. તેઓને તારી આંખ આગળથી દૂર થવા ન દે; તેઓને તારા હૃદયમાં રાખ. તે જેઓને મળે છે, તેઓને તે જીવનરૂપ છે, અને તેમના આખા શરીરને આરોગ્યરૂપ છે.” (નીતિવચનો ૪:૨૦-૨૨) હવે, સિદ્ધાંતો કે સનાતન સત્યો અને નિયમોમાં શું ફરક છે? સિદ્ધાંત પરથી નિયમો બને છે. નિયમો અમુક સમય અને સંજોગોને લાગુ પડતા હોય શકે. જ્યારે કે સિદ્ધાંતો સનાતન હોય છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૧) યહોવાહના સિદ્ધાંતો કાયમ ટકે છે, એવું નથી કે આજે છે અને કાલે નથી. ઈશ્વરભક્ત યશાયાહના શબ્દો સાચા ઠરે છે: “ઘાસ સુકાઇ જાય છે, ફૂલ ચીમળાય છે; પણ આપણા દેવનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે.”​—⁠યશાયાહ ૪૦:⁠૮.

સિદ્ધાંતો પ્રમાણે ચાલો

૭ બાઇબલમાં આપણને વારંવાર યહોવાહના સનાતન સત્યો પર ચાલવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે. ઈસુને નિયમશાસ્ત્રના મુખ્ય વિચારો જણાવવા કહ્યું ત્યારે, તેમણે ફક્ત બે આજ્ઞાઓ જણાવી. એક યહોવાહને દિલથી ચાહવા પર ભાર મૂકતી હતી. જ્યારે કે બીજી એકબીજા પર પ્રેમ રાખવા વિષે જણાવતી હતી. (માત્થી ૨૨:૩૭ -૪૦) એમ કરીને, ઈસુએ મુસાના નિયમશાસ્ત્રની અમુક મૂળ માન્યતાનો ઉલ્લેખ કર્યો, જે કહે છે: “યહોવાહ આપણો દેવ તે એકલો જ યહોવાહ છે; અને યહોવાહ તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર.” (પુનર્નિયમ ૬:૪, ૫) તેમ જ, ઈસુના મનમાં લેવીય ૧૯:૧૮માં મળી આવતો યહોવાહનો નિયમ પણ હતો. યહોવાહના નિયમોનો સાર, રાજા સુલેમાન સભાશિક્ષકના અંતે ટૂંકમાં જણાવે છે: “વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. કેમકે દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સુદ્ધાં દરેક કામનો દેવ ન્યાય કરશે.”​—⁠સભાશિક્ષક ૧૨:૧૩, ૧૪; મીખાહ ૬:⁠૮.

૮ એવા મૂળ સિદ્ધાંતોને સારી રીતે સમજવાથી, આપણને અમુક ચોક્કસ નિયમો સમજવા અને પાળવા મદદ મળી શકે. એમ ન કરીએ તો, આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીશું નહિ, અને સહેલાઈથી આમતેમ ભટકી જઈશું. (એફેસી ૪:૧૪) પણ જો આપણે એવા સિદ્ધાંતોના મૂળ મન અને દિલમાં ઊંડે ઉતારીશું, તો આપણે ગમે એ સમયે યોગ્ય નિર્ણયો લેવા તૈયાર હોઈશું. તેમ જ, એ સિદ્ધાંતો સમજી-વિચારીને લાગુ પાડીશું તો, આપણે સુખી થઈશું.​—⁠યહોશુઆ ૧:૮; નીતિવચનો ૪:૧-૯.

૯ બાઇબલના નિયમો પાળવા કરતાં, એના સિદ્ધાંતો પ્રમાણે જીવવું અઘરું છે. આપણે સ્વભાવે જ એવા છીએ કે સિદ્ધાંત શોધીને, એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરવો ગમતું નથી. આપણે મુશ્કેલીમાં હોઈએ અને નિર્ણય કરવાનો હોય ત્યારે, કોઈ આપણને એનો ઉકેલ શોધી આપે, એ વધારે સહેલું લાગી શકે. કોઈક વાર આપણે અનુભવી ભાઈ કે વડીલની સલાહ માંગીએ છીએ ત્યારે, એવી આશા રાખીએ છીએ કે તેઓ આપણને જણાવે કે શું કરવું જોઈએ. વળી, બાઇબલ કે આપણાં બીજાં પુસ્તકોમાં આપણા સંજોગોને લગતો કોઈ ખાસ નિયમ આપ્યો જ હશે, એવું નથી. જો હોય તોપણ, એ દર વખતે બધા જ સંજોગોને લાગુ પડતો નથી. તમને યાદ હશે કે એક માણસે ઈસુને કહ્યું હતું: “ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.” ઈસુ કંઈ બંને ભાઈઓ વચ્ચેના ઝઘડાનો ન્યાય કરવા બેસી ગયા નહિ, પણ તેમણે તેને સાદો સિદ્ધાંત આપ્યો: “સાવધાન રહો, અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો.” આમ ઈસુએ એવું સનાતન સત્ય જણાવ્યું, જેણે એ સમયે સિદ્ધાંત બેસાડ્યો અને આજે પણ ખૂબ ઉપયોગી છે.​—⁠લુક ૧૨:૧૩-૧૫.

૧૦ તમે એવા લોકોને પણ જાણતા હશો, જેઓ કદાચ દંડ ન થાય એ બીકથી કાયદા પાળતા હોય છે. સિદ્ધાંતો માટેની કદર એવા વલણથી તદ્દન જુદી જ હોય છે. સિદ્ધાંતની કદર કરનારાને દિલથી એ પાળવાની પ્રેરણા જાગે છે. મોટા ભાગના સિદ્ધાંતો એવા હોય છે કે, એ ન પાળવાથી વ્યક્તિને તરત જ કોઈ સજા થતી નથી. ખરેખર, આ રીતે દેખાઈ આવે છે કે આપણે શા માટે યહોવાહની આજ્ઞા પાળીએ છીએ, અને આપણા દિલમાં શું છે. યુસફનો અનુભવ વિચારો. એમાં જોવા મળે છે કે શા માટે પોટીફારની પત્નીની અનૈતિક લાલચો સામે તે અડગ ઊભો રહ્યો. ખરું કે એ સમયે વ્યભિચાર વિષેના કોઈ નિયમો કે બીજાની પત્ની સાથેના સંબંધોની સજા વિષે કંઈ લખાયું ન હતું. તેમ છતાં, પતિ-પત્ની એકબીજાને વફાદાર હોવા જોઈએ, એ વિષે યહોવાહના સિદ્ધાંતો યુસફ જાણતો હતો. (ઉત્પત્તિ ૨:૨૪; ૧૨:૧૮-૨૦) એવા સિદ્ધાંતોની એના જીવન પર ઊંડી અસર પડી હતી, એ આપણે તેના જવાબમાંથી જોઈ શકીએ છીએ: “એવું મોટું કુકર્મ કરીને, હું દેવનો અપરાધી કેમ થાઉં?”​—⁠ઉત્પત્તિ ૩૯:⁠૯.

૧૧ આજે આપણે પણ યહોવાહના સનાતન સિદ્ધાંતો પર જ ચાલવું જોઈએ. ભલેને પછી એ સંગત, મોજશોખ, સંગીત, વાંચન જેવી વ્યક્તિગત બાબત હોય. (૧ કોરીંથી ૧૫:૩૩; ફિલિપી ૪:૮) આપણે યહોવાહ અને તેમના ધોરણોનું જ્ઞાન તથા સમજણ મેળવીને વધારે કદર કરીએ તેમ, આપણું અંતઃકરણ મદદ કરશે. ભલે ગમે એ સંજોગો હોય, ગમે એટલા ખાનગી હોય છતાં, એ યહોવાહના સિદ્ધાંતો પર ચાલવા આપણને મદદ કરશે. બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલવા, આપણે યહોવાહના નિયમોમાં કોઈ છટકબારી શોધીશું નહિ. તેમ જ આપણે એવા કોઈના પગલે પણ નહિ ચાલીએ, જે ચાલાકી વાપરીને પોતાને જ છેતરે છે. આપણે જાણીએ છીએ કે એનાથી આપણને જ નુકસાન થશે.​—⁠યાકૂબ ૧:૨૨-૨૫.

૧૨ યહોવાહના સનાતન સિદ્ધાંતો પર ચાલવા માટે પ્રથમ શાનો વિચાર કરવો, એ તેમના સેવકો જાણે છે. તેઓ પહેલા એ જોશે કે એ બાબતે યહોવાહના વિચારો શું છે. ગીતશાસ્ત્રના એક લેખક કહે છે: “હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો.” (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) યહોવાહની નજરમાં અમુક કઈ બાબતો દુષ્ટ છે? નીતિવચનો ૬:૧૬-૧૯ જણાવે છે: “છ વાનાં યહોવાહ ધિક્કારે છે; હા, સાત વાનાં તેને કંટાળો ઉપજાવે છે: એટલે ગર્વિષ્ટ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ; દુષ્ટ તરંગો રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ; અસત્ય ઉચ્ચરનાર જૂઠો સાક્ષી, અને ભાઇઓમાં કુસંપનું બીજ વાવનાર.” આવા સનાતન સત્યો વિષે યહોવાહને કેવું લાગે છે એ જાણવાથી, એના પ્રમાણે જીવવાની આદત પડી જઈ શકે.​—⁠યિર્મેયાહ ૨૨:⁠૧૬.

દિલ ચોખ્ખું હોવું જોઈએ

૧૩ યહોવાહના સિદ્ધાંતો પ્રમાણે ચાલવા, આપણે તેમની ભક્તિમાં પણ ચોખ્ખા દિલના થવું જોઈએ. સનાતન સત્યો પાળીએ છીએ એવો ફક્ત દેખાડો જ ન કરીએ, કેમ કે એનાથી આપણે પોતાને જ છેતરીશું. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં આ સાફ-સાફ બતાવ્યું. (માત્થી ૫:૧૭-૪૮) આપણે જાણીએ છીએ કે ઈસુની વાતો સાંભળી રહેલા લોકો યહુદી હતા. તેથી, તેઓ મુસાનું નિયમશાસ્ત્ર પાળતા હોવા જોઈએ. એને બદલે, તેઓએ નિયમશાસ્ત્રનો મન ફાવે તેઓ અર્થ કર્યો હતો. તેઓ એના સિદ્ધાંતોને બદલે શબ્દોને વધારે ધ્યાન આપતા હતા. તેમ જ, તેઓએ યહોવાહના શિક્ષણને બદલે, પોતાના રિવાજોને વધારે મહત્ત્વ આપ્યું. (માત્થી ૧૨:૯-૧૨; ૧૫:૧-૯) આમ, મોટે ભાગે લોકોને યહોવાહના સિદ્ધાંતોની તો કંઈ જ પડી ન હતી.

૧૪ ઈસુ ખ્રિસ્તે પહાડ પરના ઉપદેશમાં પાંચ બાબતો પર સિદ્ધાંતો બતાવ્યા: ગુસ્સો, લગ્‍ન અને છુટાછેડા, વચનો, વેર, પ્રેમ અને ધિક્કાર. ઈસુએ બતાવ્યું કે એ દરેકમાં સિદ્ધાંત પાળવાથી શું લાભ થાય છે. આમ, ઈસુએ પોતાના શિષ્યો માટે વધારે સારાં નૈતિક ધોરણો બેસાડ્યાં. દાખલા તરીકે, વ્યભિચાર વિષે તેમણે આપણને એવો સિદ્ધાંત આપ્યો, જે ફક્ત આપણાં કાર્યો જ નહિ, પણ વિચારો અને ઇચ્છાઓ વિષે પણ આપણને સાવધ કરે છે: “પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”​—⁠માત્થી ૫:⁠૨૮.

૧૫ આ દાખલો બતાવે છે કે આપણે હંમેશા યહોવાહના સનાતન સિદ્ધાંતોનો હેતુ ધ્યાનમાં રાખવો જોઈએ. આપણે કદી પણ યહોવાહની કૃપા મેળવવા દેખાડો ન કરીએ. ઈસુએ એવો દેખાડો ખુલ્લો પાડ્યો અને યહોવાહની દયા તથા પ્રેમ તરફ ધ્યાન દોર્યું. (માત્થી ૧૨:૭; લુક ૬:૧-૧૧) યહોવાહના સિદ્ધાંતો પાળવાથી, આપણે પોતે નકામા અને અટપટા નિયમોના ચક્કરમાં પડીશું નહિ કે બીજાઓને પણ એમ કરવા બળજબરી કરીશું નહિ, કેમ કે એ બાઇબલના શિક્ષણ પ્રમાણે નથી. હા, બહુ ધાર્મિક હોવાનો દેખાડો કરવાને બદલે, આપણે યહોવાહને આધીન રહીને પ્રેમના સિદ્ધાંત પર જીવવાનો પ્રયત્ન કરીશું.​—⁠લુક ૧૧:⁠૪૨.

સિદ્ધાંતો પાળવાથી થતા લાભો

૧૬ આપણે યહોવાહની આજ્ઞાઓ પાળવાનો પ્રયત્ન કરીએ તેમ, એ જાણવું મહત્ત્વનું છે કે તેમના નિયમો મૂળ સિદ્ધાંતો પર રચાયેલા છે. દાખલા તરીકે, આપણે મૂર્તિપૂજા, વ્યભિચાર, અને લોહીની આપ-લે કરવાથી દૂર રહેવાનું છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) આપણે એ પાળીએ, એની પાછળ કયા સિદ્ધાંત રહેલા છે? યહોવાહ એકલા જ આપણી ભક્તિને યોગ્ય છે. આપણે પોતાના લગ્‍ન-સાથીને વિશ્વાસુ રહેવું જોઈએ. યહોવાહ જીવન આપનાર છે. (ઉત્પત્તિ ૨:૨૪; નિર્ગમન ૨૦:૫; ગીતશાસ્ત્ર ૩૬:૯) આ સિદ્ધાંતોની ઊંડી કદર કરવાથી, એને લગતા નિયમો પાળવા સહેલા બનશે.

૧૭ આપણે સિદ્ધાંતો પારખીને જીવનમાં લાગુ પાડીએ તેમ, જોઈ શકીએ છીએ કે એ આપણા જ લાભમાં છે. તેથી, યહોવાહના લોકોને મળતા આશીર્વાદો હકીકતમાં લાભદાયી સાબિત થાય છે. જેમ કે, બીડી-સિગારેટ પીવાનું બંધ કરનારા, નૈતિક રીતે શુદ્ધ જીવન જીવનારા, અને લોહીની આપ-લે નહિ કરનારા લોકો, એનાથી થતા રોગોનો ભોગ બનતા નથી. એની સાથે, યહોવાહના સનાતન સત્યો પાળવાથી પૈસા બચે છે, સમાજ અને કુટુંબમાં પણ આપણું જ ભલું થાય છે. એવા લાભો જ સાબિત કરે છે કે યહોવાહનાં ધોરણો કેટલાં મહત્ત્વનાં છે. પરંતુ, યહોવાહના સિદ્ધાંતો પાળવાનું મુખ્ય કારણ એ જ નથી કે, આપણને એવા લાભો થાય. ના, એમ તો નથી. પરંતુ, આપણે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ, કારણ કે ફક્ત તે જ આપણી ભક્તિને યોગ્ય છે.​—⁠પ્રકટીકરણ ૪:⁠૧૧.

૧૮ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી, આપણું જીવન વધારે સારું બને છે. એનાથી પણ ઘણા લોકો યહોવાહની ભક્તિ કરવા જોડાઈ શકે. સૌથી મહત્ત્વનું તો એ કે આપણું જીવન યહોવાહને મહિમા આપે છે. આપણે જાણીએ છીએ કે યહોવાહ ખરેખર એવા પ્રેમાળ પરમેશ્વર છે, જે આપણા માટે હંમેશા ભલું ચાહે છે. આપણે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે નિર્ણયો લઈએ, અને યહોવાહના આશીર્વાદો મેળવીએ છીએ ત્યારે, આપણે તેમને હજુ પણ વધારે ચાહીએ છીએ. ખરેખર, આપણે આપણા પરમેશ્વર યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધીએ છીએ.

તમને યાદ છે?

• સિદ્ધાંત એટલે શું?

• સિદ્ધાંત અને નિયમમાં શું ફરક છે?

• શા માટે સિદ્ધાંતો પ્રમાણે જીવવું આપણા જ લાભમાં છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧. આપણને બનાવનાર કઈ રીતે માર્ગદર્શન આપે છે?

૨, ૩. યહોવાહને શાનાથી આનંદ થાય છે?

૪. સિદ્ધાંત એટલે શું?

૫. અમુક મુખ્ય સિદ્ધાંતો કયા છે?

૬. સિદ્ધાંતો અને નિયમો વચ્ચે શું ફરક છે?

૭. બાઇબલ આપણને યહોવાહના સિદ્ધાંતો પર ચાલવા કઈ રીતે ઉત્તેજન આપે છે?

૮. બાઇબલના મૂળ સિદ્ધાંતો સારી રીતે સમજવાથી કઈ રીતે આપણને જ લાભ છે?

૯. બાઇબલના સિદ્ધાંતો પારખીને લાગુ પાડવા કેમ હંમેશા સહેલું નથી?

૧૦. સિદ્ધાંતો પ્રમાણે વર્તવાથી આપણા દિલમાં શું છે, એ કઈ રીતે દેખાઈ આવે છે?

૧૧. આપણે કેવી બાબતોમાં પણ યહોવાહના સિદ્ધાંતો પ્રમાણે ચાલવું જોઈએ?

૧૨. યહોવાહના સિદ્ધાંતો પ્રમાણે ચાલવા પ્રથમ શાનો વિચાર કરવો જોઈએ?

૧૩. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં શાના પર ભાર મૂક્યો?

૧૪. ઈસુએ કઈ રીતે લોકોને સિદ્ધાંતો પર વિચારવા મદદ કરી?

૧૫. આપણે નકામા નિયમોના ચક્કરમાં ન ફસાવા શું કરવું જોઈએ?

૧૬. બાઇબલના અમુક નિયમોના સિદ્ધાંતો જણાવો.

૧૭. બાઇબલના સિદ્ધાંતો પાળવાથી કયા લાભો થાય છે?

૧૮. આપણે સુખી થવું હોય તો, કઈ રીતે જીવન જીવવું જોઈએ?

[પાન ૨૦ પર બોક્સ]

વિલ્સન નામે એક યહોવાહનો સાક્ષી ઘાનામાં રહે છે. તેને જણાવાયું કે થોડા દિવસોમાં તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવશે. નોકરી પર તેના છેલ્લા દિવસે, કંપનીના મોટા સાહેબની કાર સાફ કરવાનું કહેવામાં આવ્યું. સાફ કરતી વખતે કારમાંથી વિલ્સનને ખાસ્સા એવા પૈસા મળ્યા. તેના ઉપરીએ કહ્યું કે પરમેશ્વરે તેને પૈસા મોકલ્યા છે, કારણ કે એ દિવસે તેને નોકરીમાંથી છૂટો કરવાના હતા. પરંતુ, બાઇબલના સિદ્ધાંતો પર ચાલનાર, વિલ્સને એ પૈસા મોટા સાહેબને પાછા આપ્યા. એ સાહેબ ખરેખર નવાઈ પામ્યો. તરત જ, તેણે વિલ્સનને કાયમી નોકરી આપી, એટલું જ નહિ પણ કંપનીમાં તેને પ્રમોશન પણ આપ્યું.​—⁠એફેસી ૪:⁠૨૮.

[પાન ૨૧ પર બોક્સ]

રુકિયા આલ્બેનિયાની છે અને તેની ઉંમર લગભગ ૬૦ વર્ષની છે. કુટંબમાં ઝઘડો થયો હોવાને કારણે, તે પોતાના મોટા ભાઈ સાથે લગભગ ૧૭ વર્ષથી બોલી ન હતી. તેણે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તે શીખી કે સાચા ખ્રિસ્તીઓએ બીજાઓ સાથે હળીમળીને રહેવું, અને વેર રાખવું નહિ. તેણે આખી રાત પ્રાર્થના કરી, પછી તે ચાલતી ચાલતી પોતાના ભાઈના ઘરે ગઈ. તેના હૃદયના ધબકારા વધતા જતા હતા. તેની ભત્રીજીએ બારણું ખોલ્યું. તેને એટલી નવાઈ લાગી કે તેણે રુકિયાને પૂછ્યું: “કોઈ મરી ગયું કે શું? આજે તમે અમારા ઘરે ક્યાંથી?” રુકિયાએ અંદર જઈને પોતાના ભાઈને બોલાવવા કહ્યું. રુકિયાએ શાંતિથી સમજાવ્યું કે તે બાઇબલના સિદ્ધાંતો અને યહોવાહ વિષે શીખી રહી છે. એ કારણે પોતે પોતાના ભાઈ સાથે સુલેહ કરવા આવી છે. ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો, અને ખુશીના આંસુ પણ આવ્યા. પછી, પાર્ટી શરૂ થઈ!​—⁠રૂમી ૧૨:૧૭, ૧૮.

[પાન ૨૩ પર ચિત્ર]

માત્થી ૫:​૨૭, ૨૮

[પાન ૨૩ પર ચિત્ર]

માત્થી ૫:૩

[પાન ૨૩ પર ચિત્ર]

માત્થી ૫:૨૪

[પાન ૨૩ પર ચિત્ર]

‘ઘણા લોકને જોઈને તે પહાડ પર ચઢી ગયો; અને તેના બેઠા પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા. અને તેણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કર્યો.’​—⁠માત્થી ૫:૧, ૨

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો