વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ia પ્રકરણ ૨૨ પાન ૧૮૮-૧૯૫
  • કસોટીઓમાં પણ તે વફાદાર રહ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કસોટીઓમાં પણ તે વફાદાર રહ્યા
  • તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • મથાળાં
  • સરખી માહિતી
  • બીજાઓ બેવફા બન્યા, પણ તે વફાદાર રહ્યા
  • ઠપકો મળ્યો તોપણ વફાદાર રહ્યા
  • વફાદારીનું ઇનામ
  • પોતાના ગુરુ પાસેથી તે માફી આપવાનું શીખ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • ડર અને શંકા સામે તે લડ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • પિતરની જેમ યહોવાની સેવામાં લાગુ રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • “અભણ અને સામાન્ય માણસો”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
વધુ જુઓ
તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
ia પ્રકરણ ૨૨ પાન ૧૮૮-૧૯૫
પ્રેરિત પીતર

પ્રકરણ બાવીસ

કસોટીઓમાં પણ તે વફાદાર રહ્યા

૧, ૨. કાપરનાહુમમાં ઈસુએ સંદેશો આપ્યો તેમ, પીતરે કેવી આશા રાખી? પણ હકીકતમાં શું બન્યું?

પીતર હમણાં કાપરનાહુમના સભાસ્થાનમાં છે. ઈસુની વાતો સાંભળી રહેલા લોકોને તે ટગર ટગર જોઈ રહ્યા છે. પીતરનું ઘર આ જ શહેરમાં છે. અહીં ગાલીલ સરોવરના ઉત્તર કિનારે તે માછલી પકડવાનું કામ કરે છે. તેમનાં ઘણાં મિત્રો, સગાં-સંબંધીઓ અને સાથે કામ કરનારાઓ પણ અહીં જ રહે છે. પીતરને આશા છે કે પોતાના શહેરના લોકો પોતાની જેમ ઈસુનું સાંભળશે; તેઓને સૌથી મહાન શિક્ષક ઈસુ પાસેથી ઈશ્વરના રાજ્ય વિશે શીખવાનું બહુ જ ગમશે. પરંતુ, એ દિવસે એવું બને એમ લાગતું નથી.

૨ ઘણા લોકો ઈસુનું સાંભળવાનું પડતું મૂકે છે. અમુક લોકો મોટેથી બડબડાટ કરીને ઈસુના સંદેશામાં વાંધાવચકા કાઢવા લાગે છે. જોકે, પીતરને સૌથી વધારે દુઃખ તો ઈસુના અમુક શિષ્યોના વર્તનથી થાય છે. ઈસુ પાસેથી નવી નવી વાતો શીખવાને લીધે તેઓના ચહેરા પર જે ચમક હતી, જે ખુશી હતી, સત્ય શીખવાની જે ધગશ હતી, એ હવે રહી નથી. તેઓનું મોઢું ચડી ગયું છે; અરે, તેઓના મનમાં કડવાશ ભરાઈ ગઈ છે. અમુક તો એમ પણ કહે છે કે ઈસુની વાત ગળે ઉતારવી અઘરી છે. હવે તેઓએ ઈસુનું જરાય સાંભળવું નથી. એટલે, તેઓ સભાસ્થાનમાંથી નીકળી જાય છે અને તેમનો સાથ છોડી દે છે.—યોહાન ૬:૬૦, ૬૬ વાંચો.

૩. પીતરની શ્રદ્ધાએ અનેક વખત તેમને શું કરવા મદદ કરી?

૩ પીતર અને સાથી પ્રેરિતો માટે આ મુશ્કેલ ઘડીઓ છે. એ દિવસે ઈસુએ જે કહ્યું, એ પીતરને પણ પૂરેપૂરું સમજાયું નથી. તે જોઈ શકે છે કે ઈસુએ કહેલી વાત શબ્દેશબ્દ લેવામાં આવે તો, ઠોકરરૂપ બની શકે છે. પીતરે શું કર્યું? પોતાના ગુરુ ઈસુ માટે આ કંઈ પહેલી વાર પીતરની વફાદારીની કસોટી થતી નથી; આ છેલ્લી વાર પણ નથી. ચાલો જોઈએ કે પીતરની શ્રદ્ધા કઈ રીતે તેમને આવા પડકારો સામે વફાદાર રહેવા મદદ કરે છે.

બીજાઓ બેવફા બન્યા, પણ તે વફાદાર રહ્યા

૪, ૫. ઈસુ કઈ રીતે લોકોના ધાર્યા કરતાં એકદમ અલગ રીતે વર્ત્યા?

૪ ઈસુ જે કહેતા અને કરતા, એનાથી પીતર ઘણી વાર નવાઈ પામતા. અમુક વાર તો ઈસુની વાતો અને કાર્યો લોકોના ધાર્યા કરતાં એકદમ અલગ હતાં. એક દિવસ પહેલાં જ ઈસુએ ચમત્કાર કરીને હજારો લોકોને જમાડ્યા હતા. એના લીધે લોકો તેમને રાજા બનાવવા માંગતા હતા. પણ લોકોથી દૂર ચાલ્યા જઈને ઈસુએ તેઓને અચંબો પમાડ્યો. તેમણે પોતાના શિષ્યોને હોડીમાં બેસીને કાપરનાહુમ તરફ જવા જણાવ્યું. શિષ્યો રાતે ગાલીલ સરોવરમાં મુસાફરી કરતા હતા ત્યારે, ઈસુએ ફરીથી એવું કંઈક કર્યું, જેનાથી તેઓ આશ્ચર્યમાં મૂકાયા. તોફાની સરોવરનાં પાણી પર ઈસુ ચાલ્યાં અને તેમણે પીતરને એક મહત્ત્વની શિખામણ આપી.

૫ સવારમાં શિષ્યોએ જોયું કે લોકોનું ટોળું તેઓની પાછળ પાછળ સરોવરને પેલે પાર આવી પહોંચ્યું છે. હકીકતમાં, લોકો ઈસુ પાસેથી શીખવા માટે નહિ, પણ ફરીથી ચમત્કાર કરીને તે તેઓને ખવડાવે એ માટે આવ્યા હતા. લોકોનો એવો સ્વાર્થ જોઈને ઈસુએ તેઓને ઠપકો આપ્યો. (યોહા. ૬:૨૫-૨૭) એની ચર્ચા છેક કાપરનાહુમના સભાસ્થાન સુધી ચાલી. ઈસુએ ત્યાં ફરીથી લોકોના ધાર્યા કરતાં કંઈક અલગ જ કર્યું, જેથી તેઓને મહત્ત્વની હકીકત શીખવી શકે. પણ, એનાથી લોકોમાં ખળભળાટ મચી ગયો.

૬. ઈસુએ કયું ઉદાહરણ આપ્યું અને એ સાંભળીને લોકોએ શું કર્યું?

૬ ઈસુ એવું ચાહતા ન હતા કે લોકો તેમની પાસે ફક્ત ખોરાક માટે આવે. તે ચાહતા હતા કે લોકો આ હકીકત સમજે: જો તેઓ ઈસુના બલિદાનમાં શ્રદ્ધા મૂકે અને તેમને પગલે ચાલે, તો જ યહોવા તેઓને હંમેશ માટેનું જીવન આપશે. એટલે, એ સમજાવવા તેમણે એક ઉદાહરણ આપ્યું. મુસાના દિવસોમાં સ્વર્ગમાંથી નીચે આવેલા માન્‍ના કે રોટલી સાથે તેમણે પોતાની સરખામણી કરી. અમુકે વાંધો ઉઠાવ્યો ત્યારે, તેમણે વધારે વિગતો આપી; તેમણે જણાવ્યું કે જીવન મેળવવા તેઓ ઈસુનું માંસ ખાય અને તેમનું લોહી પીએ એ જરૂરી છે. એ સાંભળીને લોકો વધારે ગુસ્સે ભરાયા. અમુકે કહ્યું: “આ વાત ગળે ઉતારવી અઘરી છે; આવું કોણ સાંભળી શકે?” અરે, ઈસુના પોતાના શિષ્યોમાંથી ઘણાએ તેમની સાથે ચાલવાનું છોડી દીધું!a—યોહા. ૬:૪૮-૬૦, ૬૬.

૭, ૮. (ક) ઈસુ વિશે પીતર હજુ પણ શું સમજી શકતા ન હતા? (ખ) ઈસુએ પ્રેરિતોને પૂછેલા સવાલનો પીતરે કેવો જવાબ આપ્યો?

૭ પીતરે શું કર્યું? ઈસુના શબ્દોથી પીતર પણ મૂંઝાઈ ગયા હશે. તે હજુ પણ સમજી શકતા ન હતા કે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા ઈસુએ મરવું પડશે. એ દિવસે ચંચળ મનના ઘણા શિષ્યોએ ઈસુને પગલે ચાલવાનું છોડી દીધું હતું. શું પીતરના મનમાં પણ ઈસુને છોડી દેવાનો વિચાર આવ્યો હશે? ના. પીતરમાં એક મહત્ત્વનો ગુણ હતો, જેના લીધે તે બીજાઓથી અલગ પડતા હતા. એ કયો ગુણ હતો?

૮ ઈસુએ પોતાના પ્રેરિતો તરફ ફરીને પૂછ્યું: “શું તમે પણ જતા રહેવા ચાહો છો?” (યોહા. ૬:૬૭) તેમણે ૧૨ પ્રેરિતોને એ સવાલ પૂછ્યો હતો, પણ પીતરે તરત જ એનો જવાબ આપી દીધો. એવું તો ઘણી વાર થતું, બીજાઓ કંઈ બોલે એ પહેલાં જ પીતર બોલી ઊઠતા! તે કદાચ તેઓમાં સૌથી મોટા હતા. મનમાં જે ચાલતું હોય એ તરત જ તેમને હોઠે આવી જતું. મનની વાત કહેતા તે અચકાયા હોય એવું ભાગ્યે જ બનતું. ઈસુનો સવાલ સાંભળીને તેમના મનમાં શું ચાલતું હતું? તેમના મુખમાંથી સરી પડેલા આ સુંદર અને યાદગાર શબ્દો એનો જવાબ આપે છે: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? હંમેશ માટેના જીવનની વાતો તો તમારી પાસે છે.”—યોહા. ૬:૬૮.

૯. પીતરે કઈ રીતે ઈસુને વફાદારી બતાવી?

૯ પીતરના એ શબ્દો શું આપણા હૃદયને સ્પર્શી જતા નથી? ઈસુમાં શ્રદ્ધા મૂકી હોવાથી પીતરને એક અનમોલ ગુણ, વફાદારી કેળવવા મદદ મળી. પીતર સ્પષ્ટ જોઈ શકતા હતા કે યહોવાએ મોકલેલા ઈસુ જ એકમાત્ર તારણહાર છે; ઈશ્વરના રાજ્ય વિશેના તેમના શિક્ષણથી લોકો ઉદ્ધાર પામી શકે છે. પીતર જાણતા હતા કે ઈસુની અમુક વાતો તે હમણાં સમજી શકતા નથી. પરંતુ, તે એ પણ જાણતા હતા કે ઈશ્વરની કૃપા અને હંમેશ માટેના જીવનના આશીર્વાદો મેળવવા હોય તો, ઈસુ સિવાય બીજો કોઈ રસ્તો નથી.

આપણે ઈસુના શિક્ષણને વળગી રહેવાની જરૂર છે, પછી ભલેને એની સમજ પડતી ન હોય કે આપણી પસંદગીથી એ અલગ પડતું હોય

૧૦. આજે આપણે કઈ રીતે પીતર જેવી વફાદારી બતાવી શકીએ?

૧૦ શું તમને પણ એવું લાગે છે? દુઃખની વાત છે કે દુનિયામાં આજે ઘણા લોકો ઈસુને પ્રેમ કરવાનો દાવો કરે છે, પણ હકીકતમાં તેઓ ઈસુને વફાદાર નથી. ઈસુને વફાદાર રહેવા જરૂરી છે કે પીતરની જેમ આપણે પણ ઈસુના શિક્ષણને દિલથી સ્વીકારીએ. આપણે એ શિક્ષણ લેવાની, એનો અર્થ સમજવાની અને એ પ્રમાણે જીવવાની જરૂર છે. ભલેને એની સમજણ પડતી ન હોય કે પછી આપણી પસંદગીથી અલગ હોય, તોપણ એને વળગી રહીશું. ઈસુ આપણને હંમેશ માટેનું જીવન આપવા માંગે છે. તેમને વફાદાર રહીશું તો જ આપણે એ જીવનની આશા રાખી શકીશું.—ગીત. ૯૭:૧૦.

ઠપકો મળ્યો તોપણ વફાદાર રહ્યા

૧૧. ઈસુ પોતાના શિષ્યોને કયા રસ્તે લઈ ગયા? (ફૂટનોટ પણ જુઓ.)

૧૧ એના થોડા જ સમય પછી, ઈસુ પોતાના પ્રેરિતોને અને થોડા શિષ્યોને ઉત્તર તરફ લાંબા રસ્તે લઈ ગયા. વચનના દેશની છેક ઉત્તરીય સરહદે હેર્મોન પહાડ આવેલો હતો. એનું બરફથી છવાયેલું શિખર કોઈ વાર ગાલીલ સરોવરથી પણ જોઈ શકાતું. તેઓ કાઈસારીઆ ફિલિપી નજીકનાં ગામોમાં લઈ જતો ઊંચાણવાળો વિસ્તાર ચઢવા લાગ્યા.b હેર્મોન પહાડ નજીક આવતો ગયો તેમ, નજરમાં ન સમાય એટલો મોટો લાગવા માંડ્યો. ત્યાંથી દક્ષિણે વચન આપેલો દેશ નજરે પડતો હતો. એ સુંદર જગ્યાએ ઈસુએ પોતાના શિષ્યોને એક મહત્ત્વનો સવાલ પૂછ્યો.

૧૨, ૧૩. (ક) ઈસુને શા માટે જાણવું હતું કે લોકો તેમના વિશે શું માને છે? (ખ) ઈસુને આપેલા જવાબથી પીતરે કઈ રીતે ખરી શ્રદ્ધા બતાવી?

૧૨ “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?” ઈસુને એ જાણવું હતું. આપણે કલ્પના કરી શકીએ કે પીતર તેમની આતુર આંખોમાં ઊઠેલો એ સવાલ જુએ છે; તે ફરીથી પોતાના ગુરુની કૃપાનો અનુભવ કરે છે અને સવાલ પાછળ તેમની અપાર બુદ્ધિ જોઈ શકે છે. ઈસુને જાણવું હતું કે લોકોએ જે જોયું અને સાંભળ્યું, એના પરથી ઈસુ વિશે તેઓ શું માને છે. શિષ્યોએ જવાબમાં જણાવ્યું કે ઈસુ વિશે લોકોને ખોટી ધારણાઓ છે. પણ, ઈસુને વધારે જાણવું હતું. શું પોતાના શિષ્યો પણ એવી જ ભૂલ કરતા હતા? એટલે, તેમણે પૂછ્યું: “પણ તમે શું કહો છો, હું કોણ છું?”—લુક ૯:૧૮-૨૦.

૧૩ ફરીથી પીતરનો જવાબ તૈયાર જ હતો! તેમણે સ્પષ્ટ શબ્દોમાં હિંમતથી ત્યાં હાજર ઘણાના દિલની વાત જણાવતા કહ્યું: “તમે ખ્રિસ્ત છો, જીવતા ઈશ્વરના દીકરા.” હળવું સ્મિત આપીને દિલથી પીતરને શાબાશી આપતા ઈસુની કલ્પના કરો! ઈસુએ પીતરને યાદ કરાવ્યું કે કોઈ માણસે નહિ, પણ યહોવા ઈશ્વરે આ મહત્ત્વનું સત્ય ખરી શ્રદ્ધા રાખતા લોકોને જણાવ્યું છે. ઈશ્વરના વચન પ્રમાણે, જે મસીહ કે ખ્રિસ્તની લાંબા સમયથી રાહ જોવાતી હતી, તેમની ઓળખ યહોવાએ જાહેર કરી હતી. એ મહત્ત્વની હકીકત પીતર હવે સ્પષ્ટ સમજી શકતા હતા.—માથ્થી ૧૬:૧૬, ૧૭ વાંચો.

૧૪. ઈસુએ પીતરને કઈ મહત્ત્વની જવાબદારીઓ સોંપી?

૧૪ વર્ષો અગાઉ થયેલી ભવિષ્યવાણીમાં ઈસુને એવો પથ્થર કહેવામાં આવ્યા હતા, જેને બાંધકામ કરનારાઓ નકામો ગણશે. (ગીત. ૧૧૮:૨૨; લુક ૨૦:૧૭) એવી ભવિષ્યવાણીઓ મનમાં રાખીને ઈસુએ જણાવ્યું કે જે ખ્રિસ્તને પીતરે ઓળખ્યા છે, એ જ પથ્થર પર યહોવા મંડળની સ્થાપના કરશે. પછી, ઈસુએ પીતરને એ મંડળની ખૂબ મહત્ત્વની અમુક જવાબદારીઓ સોંપી. અમુક લોકો માને છે કે ઈસુએ તેમને બીજા પ્રેરિતોથી વધારે અધિકાર આપ્યો. પણ એવું ન હતું, તેમણે તો પીતરને વધારે જવાબદારીઓ સોંપી હતી. તેમણે પીતરને “સ્વર્ગના રાજ્યની ચાવીઓ” આપી. (માથ. ૧૬:૧૮, ૧૯) પીતરને ત્રણ અલગ અલગ સમૂહના લોકો માટે સ્વર્ગના રાજ્યની આશાનું દ્વાર ખોલવાનો લહાવો મળ્યો: સૌપ્રથમ યહુદીઓ માટે, પછી સમરૂનીઓ માટે અને છેલ્લે, યહુદી ન હોય એવી બીજી પ્રજાઓ માટે.

૧૫. પીતરે ઈસુને કેમ ઠપકો આપ્યો અને તેમણે શું કહ્યું?

૧૫ જોકે, પછીથી ઈસુએ જણાવ્યું કે જેઓને વધારે આપવામાં આવ્યું છે, તેઓની પાસેથી વધારે માંગવામાં આવશે. પીતરના કિસ્સામાં પણ એ સાચું હતું. (લુક ૧૨:૪૮) મસીહ વિશે અગત્યની ઘણી વાતો ઈસુ જણાવતા રહ્યા. જેમ કે, થોડા જ સમયમાં યરૂશાલેમમાં પોતે ઘણું સહેવું પડશે અને આખરે મરવું પડશે. પીતરને એ સાંભળીને બહુ આઘાત લાગ્યો. તેમણે ઈસુને એક બાજુએ લઈ જઈને ઠપકો આપ્યો: “પોતાના પર દયા કરો પ્રભુ, તમને એવું કંઈ પણ નહિ થાય.”—માથ. ૧૬:૨૧, ૨૨.

૧૬. ઈસુએ કઈ રીતે પીતરને સુધાર્યા? ઈસુના શબ્દોમાં આપણા બધા માટે કઈ ઉપયોગી સલાહ છે?

૧૬ પીતર તો ઈસુનું ભલું ચાહતા હતા. એટલે, ઈસુના જવાબથી તેમને જરૂર નવાઈ લાગી હશે. બાકીના શિષ્યો પણ કદાચ પીતર જેવું જ વિચારતા હતા. ઈસુએ પીતરથી મોં ફેરવી લઈને તેઓ તરફ જોયું અને પીતરને કહ્યું: “મારી પાછળ જા, શેતાન! તું મારા માટે ઠોકરરૂપ છે, કેમ કે તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.” (માથ. ૧૬:૨૩; માર્ક ૮:૩૨, ૩૩) ઈસુના શબ્દોમાં આપણા બધા માટે ઉપયોગી સલાહ છે. ધ્યાન નહિ રાખીએ તો, આપણે સહેલાઈથી ઈશ્વરના વિચારોને બદલે માણસના વિચારોને વધારે મહત્ત્વ આપવા લાગીશું. એમ કરીશું તો, ભલે આપણે બીજાઓને મદદ કરવા ચાહતા હોઈએ, તોપણ ઈશ્વરને બદલે શેતાનની ઇચ્છાઓને અજાણતા સાથ આપી બેસીશું. ઈસુનો ઠપકો સાંભળીને પીતરે શું કર્યું?

૧૭. “પાછળ જા,” એમ કહીને ઈસુ પીતરને શું કહેવા માંગતા હતા?

૧૭ પીતરને એ તો જરૂર અહેસાસ થયો હશે કે ઈસુ તેમને ખરેખર શેતાન કહેતા ન હતા. ઈસુએ શેતાન સાથે કરી એ રીતે પીતર સાથે વાત કરી ન હતી. ઈસુએ શેતાનને કહ્યું હતું: “અહીંથી ચાલ્યો જા, શેતાન!” પણ, પીતરને તેમણે કહ્યું: “મારી પાછળ જા.” (માથ. ૪:૧૦) ઈસુએ પોતાના પ્રેરિતને તરછોડી ન દીધા. પીતરમાં તો તેમણે અનેક સારા ગુણો જોયા હતા. ઈસુ આ કિસ્સામાં પીતરના ખોટા વિચારો સુધારતા હતા. આપણે જોઈ શકીએ કે પીતરે પોતાના ગુરુની આગળ રહીને ઠોકરરૂપ નહિ, પણ પાછળ રહીને સાથ આપનાર શિષ્ય બનવાનું હતું.

જો આપણે નમ્ર બનીને શિસ્ત સ્વીકારીએ અને એમાંથી શીખીએ, તો ઈસુ અને તેમના પિતા યહોવાની નજીક જઈ શકીશું

૧૮. પીતરે કઈ રીતે વફાદારી બતાવી? આપણે કઈ રીતે પીતરને અનુસરી શકીએ?

૧૮ શું પીતરે સામે દલીલ કરી, તે ગુસ્સે થયા કે ચિડાઈ ગયા? ના. પીતરે નમ્રપણે ઈસુની સલાહ સ્વીકારી. આમ, તેમણે ફરીથી બતાવ્યું કે તે ઈસુને વફાદાર છે. જેઓ ઈસુને પગલે ચાલે છે, તેઓને કોઈ કોઈ વાર સુધારાની જરૂર પડે જ છે. જો આપણે નમ્ર બનીને શિસ્ત સ્વીકારીએ અને એમાંથી શીખીએ, તો જ ઈસુ અને તેમના પિતા યહોવાની નજીક જઈ શકીશું.—નીતિવચનો ૩:૧૧ વાંચો.

ઈસુ પીતર તરફથી મોં ફેરવી લે છે

પીતરને ઠપકો આપવામાં આવ્યો ત્યારે પણ તે વફાદાર રહ્યા

વફાદારીનું ઇનામ

૧૯. ઈસુએ નવાઈ પમાડતા કયા શબ્દો કહ્યા? એ સાંભળીને પીતરને કેવું લાગ્યું હશે અને શા માટે?

૧૯ પછી ઈસુએ નવાઈ પમાડતી બીજી એક વાત કહી: “હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલા લોકોમાંથી અમુક જ્યાં સુધી માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.” (માથ. ૧૬:૨૮) ચોક્કસ, એ શબ્દોથી પીતરને ઘણી તાલાવેલી થઈ હશે કે ઈસુ શું કહેવા માંગે છે. પીતરને હમણાં જ કડક સલાહ મળી હોવાથી, કદાચ તેમને એવું લાગ્યું હશે કે પોતાને એ ખાસ લહાવો નહિ મળે.

૨૦, ૨૧. (ક) પીતરે નજરે જોયેલા દર્શનનું વર્ણન કરો. (ખ) દર્શનમાં બે માણસોની વાતચીતે કઈ રીતે પીતરને તેમના વિચારો સુધારવા મદદ કરી?

૨૦ ઈસુ એકાદ અઠવાડિયા પછી યાકૂબ, યોહાન અને પીતરને લઈને “એક ઊંચા પહાડ” પર ગયા. કદાચ એ હેર્મોન પહાડ હતો, જે પચીસ કિલોમીટર દૂર આવેલો હતો. લગભગ રાતનો સમય હતો, કેમ કે ત્રણે શિષ્યોની આંખો ઊંઘથી ઘેરાયેલી હતી. પણ, ઈસુએ પ્રાર્થના કરી તેમ કંઈક એવું બન્યું, જેનાથી તેઓની ઊંઘ ઊડી ગઈ.—માથ. ૧૭:૧; લુક ૯:૨૮, ૨૯, ૩૨.

૨૧ તેઓની નજર સામે જ ઈસુનું રૂપ બદલાવા લાગ્યું. તેમનો ચહેરો ઝળહળવા લાગ્યો. અરે, સૂર્યના જેવો પ્રકાશવા લાગ્યો! તેમનાં કપડાં પણ સફેદ થઈને ચળકવાં લાગ્યાં. પછી, ઈસુ સાથે બે માણસો દેખાયા, એક મુસા જેવા અને બીજા એલિયા જેવા દેખાતા હતા. તેઓ ઈસુ સાથે તેમની “વિદાય વિશે વાત કરવા લાગ્યા, જે યરૂશાલેમથી થવાની નક્કી હતી.” દેખીતું છે કે તેઓ ઈસુના મરણ વિશે અને પાછા જીવતા થવા વિશે વાત કરતા હતા. પીતરને હતું કે ઈસુએ દુઃખ સહેવું નહિ પડે અને મરવું નહિ પડે. પણ, હવે તે સમજ્યા કે પોતે ખોટા હતા.—લુક ૯:૩૦, ૩૧.

૨૨, ૨૩. (ક) પીતરે કઈ રીતે બતાવ્યું કે તે જોશીલા અને ભલા હતા? (ખ) પીતર, યાકૂબ અને યોહાનને એ રાતે બીજું કયું ઇનામ મળ્યું?

૨૨ પીતરને લાગ્યું કે કોઈક રીતે આ અજોડ દર્શનનો પોતે પણ ભાગ બને. તે કદાચ દર્શનને લંબાવવા પણ ચાહતા હતા. એવું લાગતું હતું કે મુસા અને એલિયા હવે ઈસુની વિદાય લેવાની તૈયારીમાં છે. તેથી, પીતર બોલી ઊઠ્યા: “શિક્ષક, આપણે અહીં રહીએ એ સારું છે. એટલે, અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મુસા માટે અને એક એલિયા માટે.” દર્શનમાં રજૂ થયેલા યહોવાના આ બે ભક્તો તો સદીઓ અગાઉ મરણ પામ્યા હતા અને તેઓને તંબુની કોઈ જરૂર ન હતી. ખરેખર તો પીતરને ખબર ન હતી કે પોતે શું બોલી રહ્યા છે. આ જોશીલા અને ભલા માણસ ખરેખર આપણા દિલને સ્પર્શી જાય છે, ખરું ને!—લુક ૯:૩૩.

રૂપાંતર વખતે પીતર, યાકૂબ અને યોહાન

યાકૂબ અને યોહાનની સાથે પીતરને પણ અદ્‍ભુત દર્શન જોવાનું ઇનામ મળ્યું

૨૩ પીતર, યાકૂબ અને યોહાનને એ રાતે બીજું એક ઇનામ મળ્યું. પહાડ પર એક વાદળ ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું. વાદળમાંથી એક અવાજ આવ્યો, હા, ખુદ યહોવાનો અવાજ! તેમણે કહ્યું: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે. તેનું સાંભળો.” પછી, દર્શન પૂરું થયું અને પહાડ પર તેઓ સાથે ઈસુ સિવાય બીજું કોઈ ન હતું.—લુક ૯:૩૪-૩૬.

૨૪. (ક) ઈસુનો અદ્‍ભુત દેખાવ બતાવતા દર્શનથી પીતરને કયો ફાયદો થયો? (ખ) એ દર્શનથી આજે આપણને કેવો ફાયદો થઈ શકે છે?

૨૪ ઈસુનો અદ્‍ભુત દેખાવ બતાવતું દર્શન પીતર માટે અને આજે આપણા માટે પણ અનમોલ ભેટ છે! પીતરે દાયકાઓ પછી એ રાતે બનેલી ઘટના વિશે લખ્યું. તેમણે જણાવ્યું કે સ્વર્ગીય રાજા તરીકે મહિમાવાન ઈસુની ઝલક તેમને મળી હતી અને પોતે ઈસુનું “ગૌરવ નજરે જોયું છે.” એ દર્શનથી શાસ્ત્રની ઘણી ભવિષ્યવાણીઓ સાચી ઠરી. એનાથી પીતરની શ્રદ્ધા મજબૂત થઈ અને ભાવિમાં વધારે કસોટીઓ સહેવા તે તૈયાર થયા. (૨ પીતર ૧:૧૬-૧૯ વાંચો.) એ દર્શનથી ઈસુમાં અને ઈશ્વરના રાજ્ય વિશેની ભવિષ્યવાણીઓમાં આપણી શ્રદ્ધા પણ મજબૂત થાય છે. જો ઈસુને વફાદાર રહીએ, તેમની પાસેથી શીખીએ, તેમની શિસ્ત સ્વીકારીએ અને કાયમ તેમના પગલે ચાલીએ, તો આપણને ઈશ્વરના રાજ્યના આશીર્વાદો મળશે.

a ઈસુનું સાંભળીને સભાસ્થાનમાં હાજર લોકોમાં હોહાકાર મચી ગયો ને તેઓ ગુસ્સે ભરાયા. આ જ લોકોએ એક દિવસ પહેલાં ખૂબ ઉત્સાહથી જાહેર કર્યું હતું કે ઈસુ તો ઈશ્વરના પ્રબોધક છે. આના પરથી આપણે જોઈ શકીએ કે તેઓ વાતવાતમાં બદલાઈ જતા.—યોહા. ૬:૧૪.

b ગાલીલ સરોવર કિનારેથી એ મુસાફરી ૫૦ કિલોમીટર લાંબી હતી. તેઓએ સમુદ્રની સપાટીથી ૭૦૦ ફૂટ નીચે આવેલા વિસ્તારથી લઈને સમુદ્રની સપાટીથી ૧,૧૫૦ ફૂટ ઊંચાઈએ ચઢવાનું હતું. એ આખો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર હતો.

આનો વિચાર કરો:

  • ઘણા લોકો ઈસુને છોડીને ચાલ્યા ગયા ત્યારે, પીતરની શ્રદ્ધાએ કઈ રીતે તેમને વફાદાર રહેવા મદદ કરી?

  • પીતરને કડક સલાહ મળી ત્યારે, તેમની શ્રદ્ધા અને વફાદારીએ કઈ રીતે એ સ્વીકારવા તેમને મદદ કરી?

  • ઈસુનો અદ્‍ભુત દેખાવ બતાવતા દર્શને કઈ રીતે પીતરની શ્રદ્ધા મજબૂત કરી?

  • તમે કઈ રીતોએ પીતરની શ્રદ્ધાને પગલે ચાલવા માંગો છો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો