શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?
તમે શું કહેશો . . .
હા?
ના?
કદાચ?
પવિત્ર શાસ્ત્ર શું કહે છે?
“લોકોને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”—પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.
એ વચનમાં ભરોસો મૂકવાથી . . .
સગાં-વહાલાં ગુજરી જાય ત્યારે એ દુઃખમાં દિલાસો મળે છે.—૨ કોરીંથીઓ ૧:૩, ૪.
મરણની બીકથી આઝાદી મળે છે.—હિબ્રૂઓ ૨:૧૫.
ગુજરી ગયેલાં સગાં-વહાલાઓને તમે પાછા મળશો, એવી ખરી આશા મળે છે.—યોહાન ૫:૨૮, ૨૯.
પવિત્ર શાસ્ત્ર જે કહે છે, એ શું આપણે ખરેખર માની શકીએ?
હા, એમાં માનવાનાં ઓછાંમાં ઓછાં ત્રણ કારણો છે:
જીવનની શરૂઆત કરનાર ઈશ્વર છે. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે યહોવા ઈશ્વર “જીવનનો ઝરો” છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯; પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૪, ૨૫) તેમણે ધરતી પર સર્વને જીવન આપ્યું છે. એટલે જેઓ મરણ પામ્યા છે તેઓને તે ચોક્કસ જીવતા કરી શકે છે.
પહેલાંના સમયમાં ઈશ્વરે ગુજરી ગયેલા મનુષ્યોને જીવતા કર્યા હતા. ગુજરી ગયેલાઓને પૃથ્વી પર જીવતા કર્યા હોય એવા આઠ બનાવો વિશે પવિત્ર શાસ્ત્ર જણાવે છે. એમાં યુવાન, વૃદ્ધ, પુરુષ અને સ્ત્રી બધાનો સમાવેશ થતો હતો. અમુકને ગુજરી ગયાને થોડા જ કલાકો થયા હતા, પણ એક જણને તો ગુજરી ગયાને ચાર દિવસ થઈ ગયા હતા!—યોહાન ૧૧:૩૯-૪૪.
ઈશ્વર ફરીથી એમ કરવા આતુર છે. યહોવા મરણને ધિક્કારે છે. તે મરણને દુશ્મન તરીકે જુએ છે. (૧ કોરીંથીઓ ૧૫:૨૬) તે ગુજરી ગયેલાઓને જીવતા કરીને મરણનું નામનિશાન મિટાવી દેવાની ઝંખના રાખે છે. જેઓને ઈશ્વર યાદ રાખે છે તેઓને જીવતા કરવાની અને ધરતી પર જીવનનો આનંદ માણતા જોવાની તે આતુરતાથી રાહ જુએ છે.—અયૂબ ૧૪:૧૪, ૧૫.
વિચારવા જેવું
આપણે કેમ ઘરડા થઈએ છીએ અને મરણ પામીએ છીએ?
એનો જવાબ પવિત્ર શાસ્ત્રમાં અહીં જોવા મળે છે: ઉત્પત્તિ ૩:૧૭-૧૯ અને રોમનો ૫:૧૨.