૫
શમૂએલ યહોવાને માર્ગે ચાલ્યા
યહોવાને ભજવા ઈસ્રાએલી લોકો મંડપ આગળ ભેગા થતા હતા. શમૂએલ નાનપણથી જ મંડપની નજીક રહેતા અને સેવા કરતા. શમૂએલ મંડપમાં સેવા કરવા કઈ રીતે આવ્યા? ચાલો, શમૂએલની મમ્મી, હાન્ના વિશે પહેલા જોઈએ.
હાન્નાને બાળક જોઈતું હતું. પણ, ઘણાં વર્ષો સુધી તેમને બાળક ન થયું. તેમણે બાળક માટે યહોવાને પ્રાર્થના કરી. હાન્નાએ યહોવાને વચન આપ્યું, ‘મને દીકરો થશે તો, તમારી સેવા કરવા તેને મંડપમાં આપી દઈશ.’ યહોવાએ હાન્નાની પ્રાર્થના સાંભળી. તેમને દીકરો થયો. તેનું નામ શમૂએલ પાડ્યું. હાન્નાએ પોતાનું વચન પાળ્યું. તે શમૂએલને યહોવાની સેવા કરવા મંડપમાં લઈ ગયાં. એ વખતે શમૂએલ ત્રણ કે ચાર વર્ષના હતા.
એ સમયે એલી મંડપમાં સેવા કરતા હતા. તે યહોવાની ભક્તિમાં આગેવાની લેનાર પ્રમુખ યાજક હતા. એલીના બે દીકરાઓ પણ યાજક હતા. યાદ કરો, મંડપ એ યહોવાની ભક્તિ કરવાની જગ્યા હતી. એમાં સેવા કરનારે સારાં કામ કરવાનાં હતાં. પણ એલીના દીકરાઓ ખરાબ કામ કરતા. શમૂએલે તેઓને એમ કરતા જોયા. શું એલીના દીકરાઓની જેમ શમૂએલ પણ ખરાબ કામ કરવા લાગ્યા?— ના. તેમનાં મમ્મી-પપ્પાએ તો સારાં કામ કરવાનું શીખવ્યું હતું. શમૂએલે એવું જ કર્યું.
એલીએ પોતાના દીકરાઓને શું કરવાની જરૂર હતી?— એલીએ તેઓને સજા કરવાની જરૂર હતી. યહોવાના મંડપમાં તેઓ સેવા નહિ કરી શકે, એમ કહેવાનું હતું. પણ, એલીએ એવું ન કર્યું. એટલે, એલી અને તેમના બે દીકરાઓ પર યહોવા ગુસ્સે થયા. યહોવાએ તેઓને સજા કરવાનું નક્કી કર્યું.
શમૂએલે એલીને યહોવાનો સંદેશો આપ્યો
એક દિવસની વાત છે. શમૂએલ રાત્રે સૂતા હતા ત્યારે, તેમને કોઈ બોલાવતું હોય એવું લાગ્યું: ‘શમૂએલ! શમૂએલ!’ તે દોડીને એલી પાસે ગયા. એલીએ કહ્યું: ‘મેં તને નથી બોલાવ્યો.’ એક વાર, બે વાર, ત્રણ વાર આમ થયું. હવે એલીએ શમૂએલને કહ્યું, જો તને ફરી અવાજ સંભળાય, તો આમ કહેજે: ‘યહોવા, હું આ રહ્યો. બોલો, હું સાંભળું છું.’ શમૂએલે એવું જ કર્યું. પછી, યહોવાએ શમૂએલને કહ્યું: ‘એલીને જઈને કહે કે, હું તેના કુટુંબને સજા કરીશ, કારણ કે તેઓએ ખરાબ કામ કર્યાં છે.’ એલીને આમ કહેવું શું શમૂએલ માટે સહેલું હતું?— ના. એ જરાય સહેલું ન હતું. શમૂએલ એમ કહેતા ડરતા હતા. તોય, યહોવાએ જે કહ્યું એ તેમણે કર્યું. યહોવાનું કહેવું સાચું પડ્યું. એલીના બંને દીકરાઓ માર્યા ગયા. એલી પણ મરણ પામ્યા.
શમૂએલે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. તેમણે બીજાઓને ખરાબ કામ કરતા જોયા હતા. પણ, તે હંમેશાં યહોવાને માર્ગે ચાલ્યા. તમે શું કરશો? શું તમે શમૂએલ જેવા બનશો? યહોવાને માર્ગે ચાલશો? એમ કરશો તો, મમ્મી-પપ્પા અને યહોવાને તમે ખુશ કરશો.