પ્રકરણ ૧
ઈશ્વર તરફથી બે સંદેશા
યોહાન બાપ્તિસ્મા આપનારના જન્મ વિશે ગાબ્રિયેલ દૂત ભવિષ્યવાણી કરે છે
ગાબ્રિયેલ દૂત મરિયમને ઈસુના જન્મ વિશે જણાવે છે
આમ જોઈએ તો, આખા બાઇબલને આપણે ઈશ્વરનો સંદેશો ગણી શકીએ. સ્વર્ગમાંના પિતાએ આપણા શિક્ષણ માટે એ આપેલું છે. જોકે, ૨,૦૦૦ વર્ષ પહેલાં આપવામાં આવેલા બે ખાસ સંદેશા પર વિચાર કરો. ‘ઈશ્વરની આગળ ઊભા રહેનાર’ ગાબ્રિયેલ દૂતે એ સંદેશા આપ્યા હતા. (લુક ૧:૧૯) દૂતે કેવા સંજોગોમાં એ મહત્ત્વના સંદેશા આપ્યા હતા?
ઈસવીસન પૂર્વે લગભગ ત્રીજું વર્ષ હતું. ગાબ્રિયેલે પહેલો સંદેશો ક્યાં આપ્યો હતો? યરૂશાલેમથી થોડે જ દૂર આવેલા યહુદિયાની ટેકરીઓમાં યહોવાના યાજક ઝખાર્યા રહેતા હતા. તે અને તેમના પત્ની એલિસાબેત હવે વૃદ્ધ થઈ ગયા હતા; તેઓને બાળકો ન હતાં. યરૂશાલેમમાં ઈશ્વરના મંદિરમાં યાજક તરીકે સેવા આપવાનો ઝખાર્યાનો વારો હતો. ઝખાર્યા મંદિરમાં હતા ત્યારે, અચાનક ગાબ્રિયેલ ધૂપવેદી પાસે દેખાયા.
સમજી શકાય કે એનાથી ઝખાર્યા ડરી ગયા હશે. પણ, તેમને શાંત પાડતા ગાબ્રિયેલે કહ્યું: “ઝખાર્યા, બીશ નહિ, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે; તારી પત્ની એલિસાબેત તારા માટે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ યોહાન પાડશે.” દૂતે આગળ જણાવ્યું કે યોહાન તો “યહોવાની નજરમાં મહાન બનશે” અને “યોગ્ય લોકોને યહોવા માટે તૈયાર” કરશે.—લુક ૧:૧૩-૧૭.
ઝખાર્યાને એ માનવામાં ન આવ્યું. શા માટે? તેમની પોતાની અને એલિસાબેતની ઉંમરને લીધે. એટલે, ગાબ્રિયેલે તેમને કહ્યું: “તું મૂંગો થઈ જઈશ અને આ બધું બને નહિ એ દિવસ સુધી બોલી શકીશ નહિ, કેમ કે તેં મારા શબ્દો પર વિશ્વાસ કર્યો નહિ, જે નક્કી કરેલા સમયે પૂરા થશે.”—લુક ૧:૨૦.
એ દરમિયાન, બહાર ઊભેલા લોકો વિચારવા લાગ્યા કે ઝખાર્યાને અંદર કેમ આટલી બધી વાર લાગી. છેવટે તે બહાર આવ્યા, પણ બોલી શક્યા નહિ. તે પોતાના હાથથી ફક્ત ઇશારા કરી શકતા હતા. દેખીતું હતું કે તેમણે મંદિરમાં દર્શન જોયું હતું.
ઝખાર્યા મંદિરમાં સેવા આપવાનો પોતાનો વારો પૂરો કરીને ઘરે પાછા ફર્યા. જલદી જ ખબર પડી કે એલિસાબેત મા બનવાની છે! બાળકને જન્મ આપવાની રાહ જોતાં, એલિસાબેત પાંચ મહિના સુધી લોકોથી દૂર ઘરમાં જ રહી.
પછી, ગાબ્રિયેલ બીજી વાર દેખાયા. કોને? મરિયમ નામની કુંવારી યુવાન સ્ત્રીને. તે યરૂશાલેમની ઉત્તરે આવેલા ગાલીલના નાઝરેથ શહેરમાં રહેતી હતી. દૂતે તેને શું કહ્યું? તેમણે કહ્યું: “તારા પર ઈશ્વરની કૃપા થઈ છે.” ગાબ્રિયેલે મરિયમને આગળ જણાવ્યું: “જો, તું ગર્ભવતી થઈશ, દીકરાને જન્મ આપીશ અને તું તેનું નામ ઈસુ પાડજે.” દૂતે ઉમેર્યું: “તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે . . . તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત નહિ આવે.”—લુક ૧:૩૦-૩૩.
એમાં કોઈ નવાઈ નથી કે આ બે સંદેશા આપતા ગાબ્રિયેલને કેટલી ખુશી થઈ હશે! યોહાન અને ઈસુ વિશે આગળ વાંચીએ તેમ, આપણને વધારે જાણવા મળશે કે સ્વર્ગમાંના એ સંદેશા કેમ ખૂબ મહત્ત્વના છે.