વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૧૧ પાન ૩૦-પાન ૩૧ ફકરો ૧૪
  • બાપ્તિસ્મા આપનાર યોહાન માર્ગ તૈયાર કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાપ્તિસ્મા આપનાર યોહાન માર્ગ તૈયાર કરે છે
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • યોહાને જાહેર કર્યું કે મસીહ આવવાના છે
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ઈસુને ખ્રિસ્ત તરીકે પસંદ કરવામાં આવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ઈસુ બાપ્તિસ્મા લે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુ પાસેથી યોહાન જાણવા માંગે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
વધુ જુઓ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૧૧ પાન ૩૦-પાન ૩૧ ફકરો ૧૪
યોહાન બાપ્તિસ્મા આપનાર પસ્તાવા વિશે પ્રચાર કરે છે

પ્રકરણ ૧૧

બાપ્તિસ્મા આપનાર યોહાન માર્ગ તૈયાર કરે છે

માથ્થી ૩:૧-૧૨ માર્ક ૧:૧-૮ લુક ૩:૧-૧૮ યોહાન ૧:૬-૮, ૧૫-૨૮

  • યોહાન પ્રચાર કરે છે અને બાપ્તિસ્મા આપે છે

  • ઘણા બાપ્તિસ્મા પામે છે, પણ બધા નહિ

બાર વર્ષના ઈસુએ મંદિરમાં ધર્મગુરુઓને સવાલો પૂછ્યા, એને આશરે ૧૭ વર્ષ વીતી ગયાં હતાં. હવે ઈસવીસન ૨૯ની વસંત ૠતુ હતી. ઘણા લોકો યોહાનની વાત કરતા હતા, જે ઈસુના સગામાં હતા; તે યરદન નદીની પશ્ચિમ તરફના આખા દેશમાં પ્રચાર કરતા હતા.

યોહાન દેખાવમાં અને બોલવામાં પ્રભાવશાળી હતા. તેમનાં કપડાં ઊંટના વાળમાંથી બનેલાં હતાં અને તે કમરે ચામડાનો પટ્ટો પહેરતા. તેમનો ખોરાક તીડ (એક પ્રકારનો તીતીઘોડો) અને જંગલી મધ હતો. તે કયો સંદેશો આપતા હતા? “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”—માથ્થી ૩:૨.

યોહાનનો સંદેશો સાંભળીને લોકો ઘણા ખુશ થતા. ઘણાને અહેસાસ થયો કે પસ્તાવો કરવો જોઈએ; પોતાનાં વાણી-વર્તન અને માર્ગો બદલવા જોઈએ; અગાઉનો ખરાબ જીવનમાર્ગ છોડી દેવો જોઈએ. “યરૂશાલેમ અને આખા યહુદિયા તથા યરદનની આસપાસના આખા પ્રદેશના લોકો” યોહાન પાસે આવતા. (માથ્થી ૩:૫) યોહાન પાસે આવનારા ઘણા લોકો પસ્તાવો કરતા. તે તેઓને યરદનનાં પાણીમાં ડૂબકી મરાવીને બાપ્તિસ્મા આપતા. શા માટે?

પસ્તાવો કરનારા યહુદીઓ યોહાન પાસે બાપ્તિસ્મા પામવા આવે છે

ઈશ્વરના નિયમ વિરુદ્ધ લોકોએ જે પાપ કર્યા હતા એના પસ્તાવાની નિશાનીરૂપે યોહાન બાપ્તિસ્મા આપતા હતા. (પ્રેરિતોનાં કાર્યો ૧૯:૪) જોકે, બધા એને યોગ્ય ન હતા. જ્યારે ફરોશીઓ અને સાદુકીઓના અમુક ધર્મગુરુઓ યોહાન પાસે આવ્યા, ત્યારે તેમણે તેઓને “સાપનાં વંશજો” કહ્યા. તેમણે કહ્યું: “તમારાં કાર્યોથી બતાવો કે તમે પસ્તાવો કર્યો છે. તમે પોતે એવું માની ન લો કે ‘અમારા પિતા તો ઈબ્રાહીમ છે,’ કારણ કે હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોમાંથી ઈબ્રાહીમને માટે સંતાનો ઉત્પન્‍ન કરી શકે છે. વૃક્ષોનાં મૂળ પર કુહાડો મુકાઈ ચૂક્યો છે. એટલે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, એ કાપી નાખવામાં આવશે અને આગમાં નંખાશે.”—માથ્થી ૩:૭-૧૦.

લોકોનું ધ્યાન યોહાન તરફ ખેંચાયેલું હતું, તેમનો સંદેશો જોરદાર હતો અને તે ઘણાને બાપ્તિસ્મા આપતા હતા. એના લીધે, યાજકો અને લેવીઓ મોકલીને તેમને પૂછાવવામાં આવ્યું: “તું કોણ છે?”

યોહાને કબૂલ કર્યું: “હું ખ્રિસ્ત નથી.”

તેઓએ પૂછ્યું, “તો પછી, શું તું એલિયા છે?”

તેમણે જવાબ આપ્યો: “હું તે નથી.”

તેઓએ પૂછ્યું, “શું તું પ્રબોધક છે?” એટલે કે મહાન પ્રબોધક, જેમના આવવા વિશે મુસાએ જણાવ્યું હતું.—પુનર્નિયમ ૧૮:૧૫, ૧૮.

“ના!” યોહાને જવાબ આપ્યો.

તેઓએ ફરીથી ભારપૂર્વક પૂછ્યું: “તું છે કોણ? અમને કહે, જેથી અમને મોકલનારાઓને અમે જવાબ આપી શકીએ. તારે પોતાના વિશે શું કહેવું છે?” યોહાને કહ્યું: “હું વેરાન પ્રદેશમાં પોકારનારનો અવાજ છું જે કહે છે, ‘યહોવાનો માર્ગ સીધો કરો.’ જેમ પ્રબોધક યશાયાએ કહ્યું હતું.”—યોહાન ૧:૧૯-૨૩.

“તો પછી, જો તું ખ્રિસ્ત કે એલિયા કે પ્રબોધક નથી, તો તું કેમ બાપ્તિસ્મા આપે છે?” તેઓએ પૂછ્યું. યોહાને એ સમજાવવા જવાબ આપ્યો: ‘હું પાણીથી બાપ્તિસ્મા આપું છું. તમારી વચ્ચે એક માણસ ઊભા છે, જેમને તમે ઓળખતા નથી અને જે મારા પછી આવે છે.’—યોહાન ૧:૨૫-૨૭.

યોહાને કબૂલ્યું કે વચન પ્રમાણેના મસીહ, જે રાજા બનવાના હતા, તેમને લોકો સ્વીકારે, એ માટે પોતે તેઓના દિલ તૈયાર કરતા હતા. આમ, તે તેમના માટે માર્ગ તૈયાર કરતા હતા. યોહાને જણાવ્યું: “મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. હું તેમના જોડા કાઢવાને પણ યોગ્ય નથી.” (માથ્થી ૩:૧૧) યોહાને એ પણ કહ્યું: “મારા પછી આવનાર મારી આગળ નીકળી ગયા છે, કારણ કે મારા પહેલાંથી તે જીવે છે.”—યોહાન ૧:૧૫.

આમ, યોહાનનો સંદેશો એકદમ યોગ્ય હતો: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” (માથ્થી ૩:૨) તેમનો સંદેશો એ જાહેર કરતો હતો કે યહોવાના આવનાર રાજા, ઈસુ ખ્રિસ્તનું સેવાકાર્ય શરૂ થવાની તૈયારી હતી.

  • યોહાન કેવા હતા અને તે શું કરતા હતા?

  • યોહાન શા માટે લોકોને બાપ્તિસ્મા આપતા હતા?

  • યોહાન કયો સંદેશો આપતા હતા અને એ કેમ યોગ્ય હતો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો