પ્રકરણ ૩૪
ઈસુ બાર પ્રેરિતોને પસંદ કરે છે
૧૨ પ્રેરિતો
યોહાન બાપ્તિસ્મા આપનારે ઈસુની ઓળખ ઈશ્વરના ઘેટા તરીકે આપી હતી, એને આશરે દોઢ વર્ષ થઈ ગયું. ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારથી, અમુક સારા દિલના માણસો તેમના શિષ્યો બન્યા. જેમ કે, આંદ્રિયા, સિમોન પીતર, યોહાન, કદાચ યાકૂબ (યોહાનના ભાઈ), ફિલિપ અને નથાનિયેલ (જે બર્થોલ્મી પણ કહેવાતા). સમય જતાં, બીજા ઘણા લોકો ઈસુને પગલે ચાલવા લાગ્યા.—યોહાન ૧:૪૫-૪૭.
ઈસુ હવે પ્રેરિતો પસંદ કરવા તૈયાર હતા. તેઓ ઈસુના જિગરી દોસ્ત બનવાના હતા અને ખાસ તાલીમ મેળવવાના હતા. પણ, તેઓને પસંદ કરતા પહેલાં, ઈસુ પહાડ પર ગયા. કદાચ એ પહાડ ગાલીલ સરોવરની નજીક, કાપરનાહુમથી બહુ દૂર ન હતો. તેમણે આખી રાત પ્રાર્થના કરી. મોટા ભાગે તેમણે ઈશ્વર પાસે સમજણ અને આશીર્વાદ માંગ્યાં હશે. બીજા દિવસે, તેમણે પોતાના શિષ્યોને બોલાવ્યા અને તેઓમાંથી ૧૨ પ્રેરિતો પસંદ કર્યા.
શરૂઆતમાં જણાવેલા છ પ્રેરિતોને ઈસુએ પસંદ કર્યાં; માથ્થી, જે કર ભરવાની કચેરીમાં હતા, તેમને પણ પસંદ કર્યાં. પસંદ કરેલા બીજા પાંચના નામ આ છે: યહુદા (જે થદ્દી અને ‘યાકૂબના દીકરા’ પણ કહેવાતા), સિમોન કનાની, થોમા, અલ્ફીના દીકરા યાકૂબ અને યહુદા ઇસ્કારિયોત.—માથ્થી ૧૦:૨-૪; લુક ૬:૧૬.
અત્યાર સુધીમાં ૧૨ પ્રેરિતોએ ઈસુ સાથે મુસાફરી કરી હતી અને તે તેઓને સારી રીતે ઓળખતા હતા. તેઓમાંના અમુક તેમના સગામાં હતા. યાકૂબ અને યોહાન બંને ભાઈઓ ઈસુના મસિયાઈ ભાઈઓ હતા. અમુક લોકો માને છે તેમ, ઈસુના પાળક પિતા યુસફના ભાઈ અલ્ફી હતા. એ રીતે જોઈએ તો, અલ્ફીના દીકરા પ્રેરિત યાકૂબ પણ ઈસુના પિતરાઈ ભાઈ થાય.
ઈસુને પોતાના પ્રેરિતોના નામ યાદ રાખવામાં કોઈ મુશ્કેલી નહિ પડી હોય. શું તમે એ બધાં નામ યાદ રાખી શકો છો? એક રીત આ છે: બેના નામ સિમોન, બેના નામ યાકૂબ અને બેના નામ યહુદા. સિમોનના (પીતરના) ભાઈનું નામ આંદ્રિયા અને યાકૂબના (ઝબદીના દીકરાના) ભાઈનું નામ યોહાન. આ રીતે આઠ પ્રેરિતોના નામ યાદ રાખી શકાય. બીજા ચાર પ્રેરિતો આ હતા: કર ઉઘરાવનાર (માથ્થી), પછીથી શંકા કરનાર (થોમા), ઝાડ નીચેથી બોલાવવામાં આવેલા (નથાનિયેલ) અને નથાનિયેલના મિત્ર (ફિલિપ).
અગિયાર પ્રેરિતો ઈસુના વતન ગાલીલના હતા. એમાં નથાનિયેલ કાના ગામના હતા. ફિલિપ, પીતર અને આંદ્રિયા મૂળ બેથસૈદાના હતા. સમય જતાં, પીતર અને આંદ્રિયા કાપરનાહુમમાં રહેવા ગયા, જ્યાં માથ્થી રહેતા હતા. યાકૂબ અને યોહાન પણ કાપરનાહુમમાં કે એની આસપાસ રહેતા હતા; તેઓ નજીકમાં માછલી પકડવાનું કામ કરતા હતા. યહુદા ઇસ્કારિયોત એકલો જ કદાચ યહુદિયાનો હતો, જેણે પછીથી ઈસુને દગો દીધો.