પાઠ ૮૦
ઈસુએ ૧૨ પ્રેરિતોને પસંદ કર્યા
આશરે દોઢ વર્ષ પ્રચાર કર્યા પછી ઈસુએ એક મહત્ત્વનો નિર્ણય લેવાનો હતો. તેમણે એવા માણસોને પસંદ કરવાના હતા, જેઓ તેમની સાથે પ્રચાર કરે. તેમણે તેઓને શીખવવાનું હતું કે ખ્રિસ્તી મંડળની આગેવાની કઈ રીતે લેવી. ઈસુ ચાહતા હતા કે આ નિર્ણય લેવામાં યહોવા તેમને મદદ કરે. એટલે તે એકલા પહાડ પર ગયા અને આખી રાત પ્રાર્થના કરી. સવારે તેમણે અમુક શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને એમાંથી ૧૨ પ્રેરિતો પસંદ કર્યા. શું તમને એમાંથી કોઈનાં નામ યાદ છે? તેઓનાં નામ હતાં: પિતર, આંદ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન અને યહૂદા ઇસ્કારિયોત.
આંદ્રિયા, પિતર, ફિલિપ, યાકૂબ
એ ૧૨ પ્રેરિતો ઈસુ સાથે મુસાફરી કરતા હતા. ઈસુએ તેઓને પ્રચાર કરતા શીખવ્યું પછી, તેઓને પ્રચાર કરવા મોકલ્યા. યહોવાએ પ્રેરિતોને બીમાર લોકોને સાજા કરવાની અને લોકોમાં રહેલા દુષ્ટ દૂતો કાઢવાની શક્તિ આપી.
યોહાન, માથ્થી, બર્થોલ્મી, થોમા
ફરોશીઓ ૧૨ પ્રેરિતોને અભણ અને મામૂલી માણસો ગણતા હતા. જ્યારે કે ઈસુ તેઓને પોતાના દોસ્ત ગણતા હતા અને તેઓ પર પૂરો ભરોસો કરતા હતા. એટલે ઈસુએ તેઓને જે કામ સોંપ્યું હતું, એ પૂરું કરવા તાલીમ આપી. તેઓ ઈસુના જીવનના સૌથી મહત્ત્વના સમયે તેમની સાથે હતા. જેમ કે, તેમના મરણ પહેલાં અને તે જીવતા થયા પછી. ૧૨ પ્રેરિતોમાંથી ઘણા ઈસુની જેમ જ ગાલીલના હતા. તેઓમાંના અમુકના લગ્ન થયેલા હતા.
અલ્ફીનો દીકરો યાકૂબ, યહૂદા ઇસ્કારિયોત, થદ્દી, સિમોન
પ્રેરિતોથી પણ ભૂલો થઈ જતી. અમુક વાર તેઓ સમજ્યા-વિચાર્યા વગર કંઈ બોલી દેતા અને ખોટા નિર્ણય લઈ લેતા. અમુક વખતે તેઓ ધીરજ ગુમાવી દેતા. એટલી હદે કે તેઓમાં સૌથી મોટું કોણ એ વિશે દલીલ કરતા. પણ તેઓ સારા માણસો હતા અને યહોવાને પ્રેમ કરતા હતા. તેઓ ખ્રિસ્તી મંડળના પહેલા સભ્યો બનવાના હતા અને ઈસુના ગયા પછી તેઓ મહત્ત્વની જવાબદારી પૂરી કરવાના હતા.
“હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું એ બધું જ તમને જણાવ્યું છે.”—યોહાન ૧૫:૧૫