પ્રકરણ ૪૭
નાની છોકરી ફરીથી જીવી ઊઠે છે!
માથ્થી ૯:૧૮, ૨૩-૨૬ માર્ક ૫:૨૨-૨૪, ૩૫-૪૩ લુક ૮:૪૦-૪૨, ૪૯-૫૬
યાઐરસની દીકરીને ઈસુ જીવતી કરે છે
યાઐરસે જોયું હતું કે ઈસુએ લોહીવા થયેલી સ્ત્રીને સાજી કરી હતી. કદાચ યાઐરસને થયું હોય કે, ‘હવે તો તેમની દીકરી મરી ગઈ હશે.’ છતાં, ઈસુ તેમની દીકરીને પણ ચોક્કસ મદદ કરી શકે. (માથ્થી ૯:૧૮) શું એ છોકરીને હજી પણ મદદ કરી શકાય?
ઈસુ હજુ તો સાજી થયેલી સ્ત્રી સાથે વાત કરતા હતા, એવામાં યાઐરસના ઘરેથી અમુક માણસો આવ્યા અને તેમને કહ્યું: “તમારી દીકરી મરણ પામી છે!” તેઓએ ઉમેર્યું: “હવે ગુરુજીને તકલીફ આપવાની શી જરૂર છે?”—માર્ક ૫:૩૫.
કાળજું કંપાવી દેતા સમાચાર! સમાજમાં માન-પાન ધરાવતા આ માણસ કેટલા લાચાર હતા! તેમની એકની એક દીકરી મરણ પામી હતી. પણ, એ વાત ઈસુને કાને પડી; તેમણે પાછા ફરીને યાઐરસને ઉત્તેજન આપતા કહ્યું: “ગભરાઈશ નહિ, માત્ર શ્રદ્ધા રાખ.”—માર્ક ૫:૩૬.
ઈસુ પછી યાઐરસ સાથે તેમના ઘરે ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે, તેઓએ ઘણો શોરબકોર થતા જોયો. ભેગા થયેલા લોકો શોકમાં હોવાથી રડારોળ અને મોટેથી વિલાપ કરતા હતા; તેઓ શોકમાં છાતી કૂટતા હતા. ઈસુએ અંદર જઈને નવાઈ લાગે એવા શબ્દો કહ્યા: “છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.” (માર્ક ૫:૩૯) એ સાંભળીને લોકોએ ઈસુની મશ્કરી કરી. તેઓ જાણતા હતા કે છોકરી ખરેખર મરી ગઈ હતી. તોપણ, ઈસુ બતાવવાના હતા કે જે રીતે કોઈને ઘેરી ઊંઘમાંથી જગાડી શકાય છે, એ જ રીતે ઈશ્વરની શક્તિથી કોઈને મરણની ઊંઘમાંથી જગાડવું શક્ય છે.
ઈસુએ હવે પીતર, યાકૂબ, યોહાન અને મરણ પામેલી છોકરીનાં માતાપિતા સિવાય બધાને બહાર મોકલી દીધા. ઈસુ એ પાંચની સાથે જ્યાં છોકરીને સુવડાવી હતી ત્યાં ગયા. તેમણે છોકરીનો હાથ પકડીને કહ્યું: “‘તલિથા કુમી,’ જેનો અનુવાદ આમ થાય: ‘નાની છોકરી, હું તને કહું છું, ઊઠ!’” (માર્ક ૫:૪૧) છોકરી તરત જ ઊભી થઈ અને ચાલવા લાગી. એ જોઈને યાઐરસ અને તેમની પત્નીની ખુશી સમાતી નહિ હોય! છોકરી ખરેખરી જીવતી થઈ છે, એની સાબિતી તરીકે ઈસુએ કહ્યું કે તેને કંઈક ખાવાનું આપો.
ઈસુએ અગાઉ જેઓને સાજા કર્યા હતા, તેઓને એ વિશે લોકોને જણાવવાની મના કરી હતી. તેમણે છોકરીનાં માતાપિતાને પણ એવું જ કહ્યું. તેમ છતાં, હરખ-ઘેલાં માતાપિતાએ અને બીજા લોકોએ આ વાત “એ આખા વિસ્તારમાં” ફેલાવી દીધી. (માથ્થી ૯:૨૬) જો તમે પોતાના સગા-વહાલાને મરણની ઊંઘમાંથી ઉઠાડાતા જુઓ, તો શું તમે પણ એ વિશે ખુશીથી બધાને નહિ જણાવો? ઈસુએ કોઈકને જીવતા કર્યા હોય એવો આ બીજો અહેવાલ છે.