પાઠ ૭૯
ઈસુના ચમત્કારો
ઈસુ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા પૃથ્વી પર આવ્યા હતા. જોકે, યહોવાએ તેમને ચમત્કારો કરવા પણ પવિત્ર શક્તિ આપી હતી. એ ચમત્કારો ઝલક આપતા હતા કે ઈસુ રાજા તરીકે શું કરશે. તે કોઈ પણ બીમારી દૂર કરી શકતા હતા. ઈસુ જ્યાં પણ જતા, બીમાર લોકો તેમની પાસે આવતા અને તે બધાને સાજા કરતા. એટલે આંધળા દેખતા થયા, બહેરા સાંભળવા લાગ્યા, અને પથારીમાંથી ઊઠી શકતા ન હતા તેઓ ચાલવા લાગ્યા. અરે, દુષ્ટ દૂતોથી પીડાતા લોકો પણ સાજા થયા. એટલું જ નહિ, જેઓ ઈસુના ઝભ્ભાની કોરને અડકતા, તેઓ પણ સાજા થઈ જતા. ઈસુ જ્યાં જતા, લોકો તેમની પાછળ પાછળ જતા. ઈસુ એકલા રહેવા માંગતા હતા ત્યારે પણ, જો લોકો તેમની પાસે આવે તો તેઓને પાછા જવાનું ન કહેતા.
એક વખતે લોકો ઈસુ પાસે લકવો થયેલા માણસને લાવ્યા. પણ ઈસુ જે ઘરે રોકાયા હતા, ત્યાં એટલી ભીડ હતી કે તેઓ અંદર જઈ શક્યા નહિ. એટલે તેઓએ ઉપરથી છાપરું ખોલ્યું અને એ માણસને નીચે ઉતાર્યો. ઈસુએ એ માણસને કહ્યું: ‘ઊઠ અને ચાલ!’ તે ઊઠીને ચાલવા લાગ્યો ત્યારે, બધા લોકો દંગ રહી ગયા.
એકવાર ઈસુ એક ગામમાં જતા હતા. રક્તપિત્ત થયેલા ૧૦ માણસો દૂર ઊભા હતા. તેઓએ બૂમ પાડીને કહ્યું: ‘ઈસુ અમને મદદ કરો.’ એ સમયમાં રક્તપિત્ત થયેલા લોકોએ બીજાઓથી દૂર રહેવાનું હતું. નિયમશાસ્ત્રમાં જણાવ્યું હતું કે રક્તપિત્તમાંથી સાજા થયા પછી મંદિરે જવું, એટલે ઈસુએ એ માણસોને મંદિરે જવાનું કહ્યું. તેઓ મંદિરે જતા હતા ત્યારે રસ્તામાં સાજા થઈ ગયા. જયારે એમાંથી એકને ખ્યાલ આવ્યો કે તે સાજો થઈ ગયો છે, ત્યારે તે ઈસુ પાસે પાછો આવ્યો. તેણે ઈસુનો આભાર માન્યો અને ઈશ્વરનો મહિમા કરવા લાગ્યો. એ ૧૦ માણસોમાંથી ફક્ત એક જ માણસે ઈસુનો આભાર માન્યો.
એક સ્ત્રી ૧૨ વર્ષથી બીમાર હતી. તે કોઈક રીતે સાજી થવા માંગતી હતી. ભીડમાં તે ઈસુની પાછળ ગઈ અને તેમના ઝભ્ભાની કોરને અડકી. એને અડતા જ તે સાજી થઈ ગઈ. ઈસુએ પૂછ્યું: ‘મને કોણ અડક્યું?’ એ સ્ત્રી ગભરાઈ ગઈ, તોપણ તેણે સામે આવીને ઈસુને સાચું કહી દીધું. તેનો ડર દૂર કરવા ઈસુએ કહ્યું: ‘દીકરી, શાંતિથી જા!’
યાઐરસ નામના અધિકારીએ ઈસુને વિનંતી કરી: ‘મારા ઘરે આવો, મારી દીકરી બહુ બીમાર છે.’ પણ ઈસુ ત્યાં પહોંચે એ પહેલા જ છોકરીના ધબકારા બંધ થઈ ગયા હતા. ઈસુએ ત્યાં પહોંચીને જોયું કે ઘણા લોકો એ કુટુંબ સાથે રડી રહ્યા છે. ઈસુએ તેઓને કહ્યું: ‘રડશો નહિ, છોકરી બસ ઊંઘે છે.’ પછી તેમણે છોકરીનો હાથ પકડીને કહ્યું: ‘દીકરી, ઊભી થા!’ છોકરી તરત બેઠી થઈ ગઈ. ઈસુએ તેનાં માતા-પિતાને કહ્યું કે તેને કંઈક ખાવાનું આપે. તેને જીવતી જોઈને તેનાં માતા-પિતાની ખુશીનો પાર નહિ રહ્યો હોય!
“ઈશ્વરે તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા અને તેમને બળ આપ્યું. તેમણે આખા પ્રદેશમાં ફરીને ભલાં કામો કર્યાં અને શેતાનથી હેરાન થયેલા લોકોને સાજા કર્યા. તે આ બધું કરી શક્યા, કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૮