વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૯૨ પાન ૨૧૬-પાન ૨૧૭ ફકરો ૭
  • રક્તપિત્ત થયેલા દસને સાજા કર્યા—ફક્ત એકે કદર બતાવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રક્તપિત્ત થયેલા દસને સાજા કર્યા—ફક્ત એકે કદર બતાવી
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • ઈસુના ચમત્કારો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ઈસુ દયા બતાવીને રક્તપિત્તિયાને સાજો કરે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૯૨ પાન ૨૧૬-પાન ૨૧૭ ફકરો ૭
ઈસુએ સાજા કરેલા દસ રક્તપિત્તિયાઓમાંનો એક તેમનો આભાર માનવા પાછો ફરે છે

પ્રકરણ ૯૨

રક્તપિત્ત થયેલા દસને સાજા કર્યા—ફક્ત એકે કદર બતાવી

લુક ૧૭:૧૧-૧૯

  • રક્તપિત્ત થયેલા દસ માણસોને ઈસુ સાજા કરે છે

યહુદી ન્યાયસભાએ ઈસુને મારી નાખવા કાવતરું ઘડ્યું હતું. પણ, એને નિષ્ફળ બનાવવા ઈસુ યરૂશાલેમની ઉત્તર-પૂર્વે એફ્રાઈમ શહેર ચાલ્યા ગયા. તે દુશ્મનોથી દૂર ત્યાં પોતાના શિષ્યો સાથે રોકાયા. (યોહાન ૧૧:૫૪) જોકે, ઈસવીસન ૩૩નો પાસ્ખાનો સમય નજીક આવી રહ્યો હોવાથી, ઈસુએ જલદી જ ફરી મુસાફરી શરૂ કરી. તે સમરૂન થઈને ઉપર ગાલીલ તરફ ગયા. પોતાના મરણ પહેલાં, એ વિસ્તારની આ તેમની છેલ્લી મુલાકાત હતી.

ઈસુ એક ગામથી બીજે ગામ જતા હતા ત્યારે, મુસાફરીની શરૂઆતમાં જ તેમને રક્તપિત્ત થયેલા દસ માણસો મળ્યા. આ રોગમાં કેટલીક વાર ધીરે ધીરે શરીરનાં અંગો ખવાતાં જાય છે, જેમ કે આંગળીઓ, અંગૂઠા કે કાન. (ગણના ૧૨:૧૦-૧૨) ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે, રક્તપિત્ત થયેલી વ્યક્તિએ “અશુદ્ધ, અશુદ્ધ” એમ બૂમો પાડવાની હતી. તેણે લોકોથી દૂર એકાંતમાં રહેવાનું હતું.—લેવીય ૧૩:૪૫, ૪૬.

એટલે જ, દસ રક્તપિત્તિયાઓ ઈસુથી દૂર ઊભા રહ્યા. પણ, તેઓ મોટેથી પોકારી ઊઠ્યા: “ઈસુ, ગુરુજી, અમારા પર દયા કરો!” ઈસુએ તેઓને જોઈને સૂચના આપતા કહ્યું: “જાઓ અને યાજકોની પાસે જઈને પોતાને બતાવો.” (લુક ૧૭:૧૩, ૧૪) આમ, ઈસુએ ઈશ્વરના નિયમશાસ્ત્રને માન આપ્યું. કેમ કે, રક્તપિત્તથી સાજા થયેલા લોકોને શુદ્ધ જાહેર કરવાનો હક નિયમશાસ્ત્રમાં યાજકોને આપવામાં આવ્યો હતો. પછી, તેઓ તંદુરસ્ત લોકો વચ્ચે રહી શકતા હતા.—લેવીય ૧૩:૯-૧૭.

રક્તપિત્ત થયેલા દસ માણસોને ઈસુ જુએ છે

દસ રક્તપિત્તિયાઓને ઈસુની ચમત્કારિક શક્તિમાં પૂરો ભરોસો હતો. એટલે, સાજા થયા પહેલાં જ તેઓ યાજકો પાસે જવા નીકળી ગયા. તેઓ રસ્તામાં હતા ત્યારે ઈસુમાં મૂકેલી શ્રદ્ધાનું તેઓને ઇનામ મળ્યું. તેઓ જોઈ શક્યા અને અનુભવ્યું કે પોતે સાજા થઈ ગયા છે!

રક્તપિત્તથી સાજા થયા પછી નવ માણસો આગળ ચાલ્યા ગયા. પણ એક માણસે એમ કર્યું નહિ. તે સમરૂની હતો, જે ઈસુને શોધતો શોધતો પાછો આવ્યો. શા માટે? જે થયું હતું, એ માટે તેનું દિલ ઈસુ પ્રત્યે કદરથી ઊભરાઈ ગયું હતું. તેને ખબર હતી કે તેના સાજા થવા પાછળ ઈશ્વરનો હાથ હતો, એટલે તેણે “મોટા અવાજે ઈશ્વરને મહિમા” આપ્યો. (લુક ૧૭:૧૫) તે ઈસુને મળ્યો ત્યારે, તેમની આગળ ઘૂંટણિયે પડીને તેમનો આભાર માન્યો.

ઈસુએ પોતાની આસપાસ ઊભેલા લોકોને કહ્યું: “શું દસેદસને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? તો પછી, બાકીના નવ ક્યાં છે? ઈશ્વરને મહિમા આપવા બીજી પ્રજાના આ માણસ સિવાય બીજો કોઈ પાછો ન ફર્યો?” પછી, ઈસુએ સમરૂનીને કહ્યું: “ઊભો થા અને તારા માર્ગે જા; તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”—લુક ૧૭:૧૭-૧૯.

દસ રક્તપિત્તિયાઓને સાજા કરીને ઈસુએ બતાવી આપ્યું કે પોતાને ઈશ્વર યહોવાનો સાથ છે. હવે, ઈસુને હાથે દસમાંનો એક ફક્ત સાજો જ થયો ન હતો, તેને કદાચ જીવનનો માર્ગ પણ મળ્યો હતો. આપણે એવા સમયમાં નથી જીવતા, જ્યાં ઈસુ દ્વારા ઈશ્વર લોકોને સાજા કરતા હોય. પણ, ઈસુમાં શ્રદ્ધા મૂકીને આપણે જીવનના માર્ગે જરૂર ચાલી શકીએ. હા, હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. શું આપણે પણ સમરૂની માણસની જેમ દિલથી કદર બતાવીએ છીએ?

  • પોતાની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવવા ઈસુએ ક્યાં મુસાફરી કરી?

  • શા માટે દસ રક્તપિત્તિયાઓ દૂર ઊભા રહ્યા અને શા માટે ઈસુએ તેઓને યાજકો પાસે જવા કહ્યું?

  • સમરૂની સાથે જે થયું, એના પરથી આપણને શું શીખવા મળે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો