વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૧૨૪ પાન ૨૮૪-પાન ૨૮૫ ફકરો ૨
  • ખ્રિસ્તને દગો અને તેમની ધરપકડ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખ્રિસ્તને દગો અને તેમની ધરપકડ
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • ઈસુને પકડવામાં આવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • પ્રભુનું સાંજનું ભોજન
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુનું છેલ્લું પાસ્ખા નજીક આવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુને મારી નાખવામાં આવે છે
    બાઇબલનો સંદેશો શું છે?
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૧૨૪ પાન ૨૮૪-પાન ૨૮૫ ફકરો ૨
પીતરે તલવારથી માલ્ખસનો કાન કાપી નાખ્યો, એટલે ઈસુ તેમને ધમકાવે છે; સૈનિકો ઈસુની ધરપકડ કરવા તૈયાર થઈને ઊભા છે

પ્રકરણ ૧૨૪

ખ્રિસ્તને દગો અને તેમની ધરપકડ

માથ્થી ૨૬:૪૭-૫૬ માર્ક ૧૪:૪૩-૫૨ લુક ૨૨:૪૭-૫૩ યોહાન ૧૮:૨-૧૨

  • યહુદા ઈસુને બાગમાં દગો દે છે

  • પીતર એક માણસનો કાન કાપી નાખે છે

  • ઈસુની ધરપકડ થાય છે

મધરાત પછીનો સમય હતો. ઈસુને યહુદા દગો દે એ માટે યાજકો તેને ચાંદીના ૩૦ સિક્કા આપવા તૈયાર થયા હતા. એટલે, મુખ્ય યાજકો અને ફરોશીઓનું મોટું ટોળું લઈને યહુદા ઈસુને શોધવા નીકળ્યો. તેઓ સાથે શસ્ત્રસજ્જ રોમન સૈનિકોની ટુકડી અને એના સેનાપતિ પણ હતા.

એમ લાગે છે કે, ઈસુએ પાસ્ખાના ભોજન પછી યહુદાને નીકળી જવા કહ્યું ત્યારે, તે સીધો મુખ્ય યાજકો પાસે ગયો હતો. (યોહાન ૧૩:૨૭) તેઓએ પોતાના અધિકારીઓને અને સૈનિકોને એકઠા કર્યા. યહુદા કદાચ તેઓને એ ઓરડામાં દોરી ગયો, જ્યાં ઈસુએ પોતાના પ્રેરિતો સાથે પાસ્ખાનો તહેવાર ઊજવ્યો હતો. પરંતુ, હવે ટોળું કિદ્રોન ખીણ ઓળંગીને બાગ તરફ આગળ વધી રહ્યું હતું. ઈસુને શોધવા સજ્જ થયેલા ટોળા પાસે હથિયારો ઉપરાંત દીવાઓ અને મશાલો પણ હતી.

ઈસુ ક્યાં મળશે એ કદાચ યહુદા જાણતો હતો. એટલે, તે ટોળાને જૈતૂન પહાડ પર લઈ ગયો. છેલ્લા અઠવાડિયે ઈસુ અને તેમના પ્રેરિતો બેથનિયાથી યરૂશાલેમ આવજા કરતા હતા ત્યારે, તેઓ ઘણી વાર ગેથશેમાને બાગમાં આરામ કરવા રોકાયા હતા. પણ, હવે રાતનો સમય હતો અને ઈસુ કદાચ જૈતૂન વૃક્ષોની છાયામાં ક્યાંક હતા. એટલે, જે સૈનિકોએ ઈસુને કદાચ પહેલાં જોયા પણ ન હતા, તેઓ કઈ રીતે તેમને ઓળખી શકે? તેઓને મદદ કરવા યહુદા એક નિશાની આપવાનો હતો. તેણે કહ્યું: “હું જેને ચુંબન કરું એ જ તે છે; તેને પકડી લેજો અને સિપાઈઓના પહેરા નીચે તેને લઈ જજો.”—માર્ક ૧૪:૪૪.

યહુદા ટોળાને બાગમાં લઈ ગયો. તેણે ઈસુને તેમના પ્રેરિતો સાથે જોયા, એટલે તે સીધો તેમની પાસે ગયો. યહુદાએ કહ્યું: “સલામ ગુરુજી!” અને પછી તેમને ચુંબન કર્યું. ઈસુએ કહ્યું: “મિત્ર, તું કયા ઇરાદાથી આવ્યો છે?” (માથ્થી ૨૬:૪૯, ૫૦) પછી, ઈસુએ પોતે જ જવાબ આપતા કહ્યું: “યહુદા, શું તું ચુંબન કરીને માણસના દીકરાને દગો દે છે?” (લુક ૨૨:૪૮) જોકે, ઈસુને હવે યહુદાની કંઈ પડી ન હતી.

ત્યાર બાદ, ઈસુએ દીવાઓ અને મશાલોના પ્રકાશમાં આગળ આવીને કહ્યું: “તમે કોને શોધો છો?” ટોળામાંથી જવાબ આવ્યો: “નાઝરેથના ઈસુને.” ઈસુએ હિંમતથી કહ્યું: “હું તે છું.” (યોહાન ૧૮:૪, ૫) તેઓ મૂંઝાઈ ગયા હોવાથી પાછા હઠ્યા અને જમીન પર ગબડી પડ્યા.

ઈસુએ ચાહ્યું હોત તો એ પળે અંધારામાં નાસી છૂટ્યા હોત. પણ એમ કરવાને બદલે તેમણે ફરીથી પૂછ્યું કે તેઓ કોને શોધે છે. તેઓએ ફરીથી કહ્યું: “નાઝરેથના ઈસુને.” તેમણે શાંતિથી જવાબ આપ્યો: “મેં તમને જણાવ્યું કે હું તે છું. એટલે, જો તમે મને શોધતા હો, તો આ માણસોને જવા દો.” આ કપરા સંજોગોમાં પણ ઈસુને પોતાના શબ્દો યાદ હતા કે, તે એક પણ શિષ્યને ગુમાવશે નહિ. (યોહાન ૬:૩૯; ૧૭:૧૨) તેમણે વફાદાર પ્રેરિતોનું રક્ષણ કર્યું હતું અને તેઓમાંથી એકને પણ ગુમાવ્યો ન હતો, “સિવાય કે વિનાશના દીકરા” યહુદાને. (યોહાન ૧૮:૭-૯) એટલે, ઈસુએ જણાવ્યું કે તેઓ શિષ્યોને જવા દે.

સૈનિકો ઊભા થઈને ઈસુ તરફ આગળ વધ્યા ત્યારે, પ્રેરિતોને ખ્યાલ આવ્યો કે શું થઈ રહ્યું છે. તેઓએ પૂછ્યું: “પ્રભુ, શું અમે તલવાર ચલાવીએ?” (લુક ૨૨:૪૯) ઈસુ કંઈ જણાવે એ પહેલાં, પ્રેરિતો પાસે જે બે તલવારો હતી એમાંની એક પીતરે ખેંચી કાઢી. તેમણે પ્રમુખ યાજકના ચાકર, માલ્ખસ પર હુમલો કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો.

પણ, ઈસુએ માલ્ખસના કાનને અડકીને તેને સાજો કર્યો. પછી, તેમણે મહત્ત્વનો બોધપાઠ શીખવતા પીતરને આજ્ઞા કરી: “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે, કેમ કે જેઓ તલવાર ઉઠાવે છે તેઓ સર્વ તલવારથી નાશ પામશે.” ઈસુ પકડાઈ જવા તૈયાર હતા અને એ સમજાવતા તેમણે કહ્યું: “એ શાસ્ત્રવચનો કઈ રીતે પૂરાં થશે, જે કહે છે કે આ રીતે જ થવું જોઈએ?” (માથ્થી ૨૬:૫૨, ૫૪) તેમણે આગળ જણાવ્યું: “શું પિતાએ મને આપેલો પ્યાલો મારે પીવો ન જોઈએ?” (યોહાન ૧૮:૧૧) ઈસુને મન ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી સૌથી મહત્ત્વનું હતું, પછી ભલેને એ માટે મરવું પડે.

ઈસુએ ટોળાને પૂછ્યું: “લુટારા સામે આવતા હો એમ, શું તમે તલવારો અને લાઠીઓ લઈને મને પકડવા આવ્યા છો? રોજ હું મંદિરમાં બેસીને શીખવતો હતો, તોપણ તમે મને પકડ્યો નહિ. પરંતુ, પ્રબોધકોએ લખેલું પૂરું થાય એ માટે આ બધું બન્યું છે.”—માથ્થી ૨૬:૫૫, ૫૬.

સૈનિકોની ટુકડી, સેનાપતિ અને યહુદીઓના અધિકારીઓએ ઈસુને પકડીને બાંધી દીધા. એ જોઈને પ્રેરિતો ત્યાંથી નાસી ગયા. જોકે, “એક યુવાન” જે કદાચ માર્ક હતા, તે ટોળા સાથે રહીને ઈસુની પાછળ પાછળ ગયા. (માર્ક ૧૪:૫૧) પણ, લોકો માર્કને ઓળખી ગયા અને તેમને પકડવાની કોશિશ કરી. એટલે તે પોતાનું શણનું કપડું મૂકીને ત્યાંથી નાસી છૂટ્યા.

  • યહુદા શા માટે ગેથશેમાને બાગમાં ઈસુને શોધવા ગયો?

  • ઈસુને બચાવવા પીતરે શું કર્યું, પણ એ વિશે ઈસુએ શું કહ્યું?

  • ઈસુએ કઈ રીતે બતાવી આપ્યું કે તે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા તૈયાર છે?

  • પ્રેરિતો ઈસુને છોડીને જતાં રહ્યા ત્યારે ટોળા સાથે કોણ રહ્યું અને પછી શું બન્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો