વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૧૧૭ પાન ૨૭૦-પાન ૨૭૧ ફકરો ૩
  • પ્રભુનું સાંજનું ભોજન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રભુનું સાંજનું ભોજન
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • ખ્રિસ્તને દગો અને તેમની ધરપકડ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુનું છેલ્લું ભોજન
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ઈસુનું છેલ્લું પાસ્ખા નજીક આવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ‘પ્રભુભોજન’ ઈશ્વરની કદર કરતો યાદગાર પ્રસંગ
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૧૧૭ પાન ૨૭૦-પાન ૨૭૧ ફકરો ૩
ઈસુ પોતાના અગિયાર વફાદાર પ્રેરિતો સાથે પ્રભુના સાંજના ભોજનની સ્થાપના કરે છે

પ્રકરણ ૧૧૭

પ્રભુનું સાંજનું ભોજન

માથ્થી ૨૬:૨૧-૨૯ માર્ક ૧૪:૧૮-૨૫ લુક ૨૨:૧૯-૨૩ યોહાન ૧૩:૧૮-૩૦

  • દગાખોર તરીકે યહુદાની ઓળખ છતી થાય છે

  • ઈસુ સ્મરણપ્રસંગના ભોજનની સ્થાપના કરે છે

ઈસુએ થોડી વાર પહેલાં જ પ્રેરિતોના પગ ધોઈને તેઓને નમ્રતાનો બોધપાઠ શીખવ્યો હતો. હવે, કદાચ પાસ્ખાનું ભોજન લીધા પછી તેમણે દાઊદની ભવિષ્યવાણીના આ શબ્દો ટાંક્યા: “મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.” પછી, તેમણે સમજાવ્યું: “તમારામાંથી એક મને દગો દેશે.”—ગીતશાસ્ત્ર ૪૧:૯; યોહાન ૧૩:૧૮, ૨૧.

પ્રેરિતો એકબીજા સામે જોવા લાગ્યા, પછી બધા વારાફરતી ઈસુને પૂછવા લાગ્યા: “પ્રભુ, હું તે નથી, ખરું ને?” અરે, યહુદા ઇસ્કારિયોતે પણ ઈસુને પૂછ્યું. પછી પીતરે મેજ પર ઈસુની જોડે બેઠેલા યોહાનને ઇશારો કર્યો. એટલે, યોહાને ઈસુ તરફ ઝૂકીને પૂછ્યું: “પ્રભુ, એ કોણ છે?”—માથ્થી ૨૬:૨૨; યોહાન ૧૩:૨૫.

ઈસુએ જવાબ આપ્યો: “જેને હું રોટલીનો ટુકડો બોળીને આપીશ, એ જ તે છે.” પછી, વાટકામાં રોટલીનો ટુકડો બોળીને યહુદાને આપતા તેમણે કહ્યું: “ખરું કે માણસના દીકરા વિશે જે લખેલું છે એ પ્રમાણે તે મરણ પામશે, પણ જે માણસના દીકરાને દગો દે છે તેને અફસોસ! એ માણસ જો જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.” (યોહાન ૧૩:૨૬; માથ્થી ૨૬:૨૪) પછી શેતાને યહુદાના દિલ પર કાબૂ જમાવ્યો. પહેલેથી જ ભ્રષ્ટ થયેલા યહુદાએ શેતાનની ઇચ્છા પ્રમાણે કરવા પોતાને સોંપી દીધો અને આમ તે ‘વિનાશનો દીકરો’ બન્યો.—યોહાન ૬:૬૪, ૭૦; ૧૨:૪; ૧૭:૧૨.

ઈસુએ યહુદાને કહ્યું: “તું જે કરે છે એ ઝડપથી કર.” બીજા પ્રેરિતોને એમ લાગ્યું કે યહુદા પૈસાની પેટી રાખતો હોવાથી, ઈસુ તેને કહેતા હતા કે, “‘તહેવાર માટે આપણને જે જોઈએ એ વેચાતું લઈ આવ;’ અથવા તો ગરીબોને કંઈક આપવાનું કહે છે.” (યોહાન ૧૩:૨૭-૩૦) પણ, યહુદા ઈસુને દગો દેવા ત્યાંથી નીકળી ગયો.

પાસ્ખા ભોજનની એ સાંજે, ઈસુએ એક નવા જ પ્રકારના ભોજનની શરૂઆત કરી. તેમણે રોટલી લીધી, પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો, એ તોડી અને પ્રેરિતોને ખાવા આપી. તેમણે કહ્યું: “આ મારા શરીરને રજૂ કરે છે, જે તમારા માટે આપવામાં આવશે. મારી યાદમાં આ કરતા રહો.” (લુક ૨૨:૧૯) રોટલી પસાર કરવામાં આવી અને પ્રેરિતોએ એ ખાધી.

પછી, ઈસુએ દ્રાક્ષદારૂનો પ્યાલો લીધો, પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો અને શિષ્યો મધ્યે એને પસાર કર્યો. દરેકે પ્યાલામાંથી દ્રાક્ષદારૂ પીધો અને ઈસુએ કહ્યું: “આ પ્યાલો મારા લોહીના આધારે થયેલા નવા કરારને રજૂ કરે છે, જે તમારા માટે વહેવડાવવામાં આવશે.”—લુક ૨૨:૨૦.

આમ, ઈસુએ પોતાના મરણની યાદમાં એક પ્રસંગની ગોઠવણ કરી, જેને તેમના અનુયાયીઓએ દર વર્ષે નીસાન ૧૪ના રોજ પાળવાનો હતો. એ પ્રસંગ તેઓને ઈસુ અને તેમના પિતાએ કરેલી ગોઠવણની યાદ અપાવે છે. એ ગોઠવણ મુજબ, શ્રદ્ધા મૂકનારાઓને પાપ અને મરણની સજામાંથી છુટકારો મળે છે. યહુદીઓના પાસ્ખા તહેવારથી પણ મહત્ત્વનો આ પ્રસંગ છે. કારણ કે, એ યાદ અપાવે છે કે ઈશ્વરમાં શ્રદ્ધા મૂકતા લોકોને ખરા અર્થમાં આઝાદી મળશે.

ઈસુએ કહ્યું કે તેમનું લોહી “ઘણા લોકોનાં પાપોની માફી માટે વહેવડાવવામાં આવશે.” આવી માફી મેળવનારાઓમાં તેમના વફાદાર પ્રેરિતો અને તેઓના જેવા બીજા શિષ્યોનો સમાવેશ થતો હતો. તેઓ બધા ઈસુ સાથે તેમના પિતાના રાજ્યમાં રાજ કરવાના હતા.—માથ્થી ૨૬:૨૮, ૨૯.

  • મિત્ર વિશે ઈસુએ કઈ બાઇબલ ભવિષ્યવાણી ટાંકી અને તેમણે એ કઈ રીતે લાગુ પાડી?

  • ઈસુએ યહુદાને શું કરવા કહ્યું, પણ ઈસુની એ સૂચના વિશે બીજા પ્રેરિતો શું સમજ્યા?

  • ઈસુએ કયા નવા પ્રસંગની શરૂઆત કરી અને એનાથી શું શક્ય બન્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો