પાઠ ૮૭
ઈસુનું છેલ્લું ભોજન
યહૂદી લોકો દર વર્ષે નીસાન મહિનાના ૧૪મા દિવસે પાસ્ખા ઊજવતા હતા. એ તહેવાર યાદ અપાવતો હતો કે યહોવા તેઓને કઈ રીતે ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવીને વચનના દેશમાં લાવ્યા. સાલ ૩૩માં ઈસુ અને તેમના પ્રેરિતોએ યરૂશાલેમના એક ઘરના ઉપરના માળે પાસ્ખા ઊજવ્યું. તેઓનું જમવાનું પૂરું થવા આવ્યું હતું ત્યારે ઈસુએ કહ્યું: ‘તમારામાંથી કોઈ એક મને દગો આપશે.’ એ સાંભળી બધા પ્રેરિતો ચોંકી ગયા. તેઓ ઈસુને પૂછવા લાગ્યા: ‘એ કોણ છે?’ ઈસુએ કહ્યું: ‘હું જેને રોટલીનો આ ટુકડો આપીશ, તે જ એ છે.’ પછી તેમણે રોટલીનો ટુકડો યહૂદા ઇસ્કારિયોતને આપ્યો. એ પછી તરત યહૂદા ઊઠીને બહાર જતો રહ્યો.
પછી ઈસુએ પ્રાર્થના કરી, રોટલીના ટુકડા કર્યા અને પ્રેરિતોને આપ્યા. ઈસુએ પ્રેરિતોને કહ્યું: ‘આ રોટલી ખાઓ! આ મારા શરીરને રજૂ કરે છે, જે હું તમારા માટે આપીશ.’ તેમણે દ્રાક્ષદારૂનો પ્યાલો લીધો અને પ્રાર્થના કરી, પછી પ્રેરિતોને આપ્યો. તેમણે કહ્યું: ‘આ દ્રાક્ષદારૂ પીઓ! આ મારા લોહીને રજૂ કરે છે, જે હું લોકોને પાપોની માફી મળે એ માટે આપીશ. હું તમને વચન આપું છું કે તમે મારી સાથે સ્વર્ગમાં રાજા બનશો. મારી યાદમાં દર વર્ષે આ કરતા રહેજો.’ આજે પણ ઈસુના શિષ્યો દર વર્ષે એ જ સાંજે ભેગા મળે છે. એ સભા “ઈસુનું સાંજનું ભોજન” કહેવાય છે.
જમ્યા પછી બધા પ્રેરિતો વચ્ચે દલીલ થઈ કે તેઓમાં સૌથી મોટું કોણ. એટલે ઈસુએ તેઓને સમજાવતા કહ્યું: ‘તમારામાં સૌથી મોટો એ છે જે પોતાને સૌથી નાનો ગણે છે, એટલે કે જે પોતાને સેવક ગણે છે.
‘તમે મારા દોસ્ત છો. પિતા ચાહે છે, એ બધી જ વાતો મેં તમને જણાવી છે. જલદી જ હું પિતા પાસે સ્વર્ગમાં જઈશ, પણ તમે અહીં જ રહેશો. તમે એકબીજાને પ્રેમ કરશો ત્યારે, લોકો જાણશે કે તમે મારા શિષ્યો છો. જેમ મેં તમને પ્રેમ કર્યો, તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.’
છેલ્લે ઈસુએ બધા શિષ્યોના રક્ષણ માટે યહોવાને પ્રાર્થના કરી. શિષ્યો હળી-મળીને કામ કરી શકે, એ માટે તેમણે યહોવા પાસે મદદ માંગી. તેમણે યહોવાનું નામ પવિત્ર મનાય એ માટે પણ પ્રાર્થના કરી. એ પછી ઈસુ અને પ્રેરિતોએ યહોવાની સ્તુતિ માટે ગીતો ગાયા અને પછી બહાર ગયા. હવે થોડા જ સમયમાં અમુક લોકો ઈસુને પકડવા આવવાના હતા.
“ઓ નાની ટોળી, બીશો નહિ. તમારા પિતાએ તમને રાજ્ય આપવાનું મંજૂર કર્યું છે.”—લૂક ૧૨:૩૨