પાઠ ૮૮
ઈસુને પકડવામાં આવ્યા
પૂનમની રાત હતી. ઈસુ અને તેમના પ્રેરિતો કિદ્રોન ખીણમાંથી પસાર થઈને જૈતુન પહાડ પર ગયા. તેઓ ગેથશેમાને બાગ પહોંચ્યા ત્યારે, અડધી રાત વીતી ચૂકી હતી. ત્યાં ઈસુએ પ્રેરિતોને કહ્યું: ‘તમે અહીં રહો અને જાગતા રહો.’ પછી ઈસુ થોડા આગળ ગયા અને ઘૂંટણિયે પડ્યા. તે ખૂબ દુઃખી હતા. તેમણે યહોવાને પ્રાર્થના કરી કે ‘તમારી ઇચ્છા પૂરી થાય.’ ઈસુને હિંમત આપવા યહોવાએ એક દૂત મોકલ્યો. ઈસુએ પાછા આવીને જોયું તો પ્રેરિતો ઊંઘતા હતા. તેમણે કહ્યું: ‘ઊઠો, આ ઊંઘવાનો સમય નથી. સમય આવી ગયો છે જ્યારે મને દુશ્મનોના હાથમાં સોંપી દેવામાં આવશે.’
થોડા જ સમયમાં, યહૂદા ત્યાં આવી પહોંચ્યો અને તેની સાથે લોકોનું મોટું ટોળું હતું. લોકો પાસે તલવારો અને લાઠીઓ હતી. યહૂદા જાણતો હતો કે ઈસુ ક્યાં મળશે, કેમ કે તેઓ ઘણી વાર એ બાગમાં જતા હતા. યહૂદાએ સૈનિકોને કહ્યું હતું કે તે ઈસુને ઓળખવા મદદ કરશે. તે સીધો ઈસુ પાસે ગયો અને કહ્યું: ‘સલામ ગુરુજી!’ પછી તેણે ઈસુને ચુંબન કર્યું. ઈસુએ કહ્યું: ‘યહૂદા, શું તું મને ચુંબન કરીને દગો આપે છે?’
ઈસુએ આગળ આવીને લોકોને પૂછ્યું: ‘તમે કોને શોધો છો?’ તેઓએ કહ્યું: ‘નાઝરેથના ઈસુને.’ ઈસુએ કહ્યું: ‘હું જ તે છું.’ એટલે એ માણસો પાછા હટ્યા અને જમીન પર પડ્યા. ઈસુએ ફરીથી લોકોને પૂછ્યું: ‘તમે કોને શોધો છો?’ તેઓએ ફરીથી કહ્યું: ‘નાઝરેથના ઈસુને.’ ઈસુએ કહ્યું: ‘મેં તમને જણાવ્યું કે હું જ તે છું. આ માણસોને જવા દો.’
જ્યારે પિતરને સમજાયું કે શું થઈ રહ્યું છે, ત્યારે તેમણે તલવાર કાઢીને પ્રમુખ યાજકના ચાકર માલ્ખસનો એક કાન કાપી નાખ્યો. પણ ઈસુ એ માણસના કાનને અડક્યા અને તેને સાજો કરી દીધો. ઈસુએ પિતરને કહ્યું: ‘તલવાર પાછી મૂકી દે. જો તું તલવારથી લડીશ, તો તને તલવારથી મારી નાખવામાં આવશે.’ પછી સૈનિકોએ ઈસુને પકડી લીધા અને તેમના હાથ બાંધી દીધા. એ જોઈને પ્રેરિતો ભાગી ગયા. લોકોનું એ ટોળું ઈસુને મુખ્ય યાજક અન્નાસ પાસે લઈ ગયું. અન્નાસે ઈસુને ઘણા સવાલો પૂછ્યા. પછી તેમને પ્રમુખ યાજક કાયાફાસના ઘરે મોકલી દીધા. પણ પ્રેરિતોનું શું થયું?
“દુનિયામાં તમારા પર તકલીફો આવશે. પણ હિંમત રાખજો, મેં દુનિયા પર જીત મેળવી છે!”—યોહાન ૧૬:૩૩