વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૧૨૫ પાન ૨૮૬-પાન ૨૮૭ ફકરો ૬
  • અન્‍નાસના ઘરે, પછી કાયાફાસના ઘરે લઈ જાય છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અન્‍નાસના ઘરે, પછી કાયાફાસના ઘરે લઈ જાય છે
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • લાજરસને સજીવન કરવામાં આવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • પિતરે ઈસુને ઓળખવાની ના પાડી
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • તમે કોનું કહેવું માનશો, ઈશ્વરનું કે માણસનું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • કાયાફાસના ઘરે ઈસુનો નકાર થાય છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૧૨૫ પાન ૨૮૬-પાન ૨૮૭ ફકરો ૬
કાયાફાસ પોતાનાં કપડાં ફાડી રહ્યો છે; બીજાઓ ઈસુને લાફા મારે છે, મશ્કરી કરે છે અને મુક્કા મારે છે

પ્રકરણ ૧૨૫

અન્‍નાસના ઘરે, પછી કાયાફાસના ઘરે લઈ જાય છે

માથ્થી ૨૬:૫૭-૬૮ માર્ક ૧૪:૫૩-૬૫ લુક ૨૨:૫૪, ૬૩-૬૫ યોહાન ૧૮:૧૩, ૧૪, ૧૯-૨૪

  • અગાઉના પ્રમુખ યાજક અન્‍નાસને ત્યાં ઈસુને લઈ જવાયા

  • યહુદી ન્યાયસભા દ્વારા ગેરકાનૂની મુકદ્દમો

ઈસુને ગુનેગારની જેમ બાંધ્યા પછી અન્‍નાસને ત્યાં લઈ જવામાં આવ્યા. બાળપણમાં ઈસુએ મંદિરમાં શિક્ષકોને દંગ કર્યા હતા ત્યારે, અન્‍નાસ પ્રમુખ યાજક હતો. (લુક ૨:૪૨, ૪૭) અન્‍નાસના દીકરાઓમાંથી કેટલાક પછીથી મુખ્ય યાજક બન્યા હતા અને હમણાં તેનો જમાઈ કાયાફાસ પ્રમુખ યાજક હતો.

અન્‍નાસ ઈસુને સવાલ પૂછતો હતો ત્યારે, કાયાફાસને યહુદી ન્યાયસભા ભેગી કરવાનો સમય મળી ગયો. એ ન્યાયસભામાં ૭૧ સભ્યો હતા. એમાં પ્રમુખ યાજક અને અગાઉના પ્રમુખ યાજકોનો પણ સમાવેશ થતો હતો.

અન્‍નાસે ઈસુને “તેમના શિષ્યો અને તેમના શિક્ષણ” વિશે સવાલો પૂછ્યા. ઈસુએ જવાબમાં કહ્યું, “મેં દુનિયા આગળ ખુલ્લેઆમ વાત કરી છે. હું હંમેશાં સભાસ્થાનમાં અને મંદિરમાં શીખવતો હતો, જ્યાં બધા યહુદીઓ ભેગા મળે છે અને મેં છાની રીતે કંઈ જણાવ્યું નથી. તમે મને સવાલ કેમ પૂછો છો? મને સાંભળનારા લોકોને જઈને પૂછો. જુઓ! મેં તેઓને જે કહ્યું હતું, એ તેઓ જાણે છે.”—યોહાન ૧૮:૧૯-૨૧.

ત્યાં ઊભેલા અધિકારીએ ઈસુને લાફો માર્યો અને ઠપકો આપતા કહ્યું: “શું મુખ્ય યાજક સાથે આ રીતે વાત કરાય?” પણ, ઈસુ જાણતા હતા કે પોતે કંઈ ખોટું કર્યું નથી, એટલે તેમણે કહ્યું: “જો મેં કંઈ ખોટું કહ્યું હોય, તો એ સાબિત કર; પણ જો મારી વાત સાચી હોય, તો તું મને કેમ મારે છે?” (યોહાન ૧૮:૨૨, ૨૩) પછી, અન્‍નાસ પોતાના જમાઈ કાયાફાસને ત્યાં ઈસુને લઈ ગયો.

હવે, આખી ન્યાયસભા એકઠી થઈ હતી, જેમાં પ્રમુખ યાજક, લોકોના વડીલો અને શાસ્ત્રીઓ હતા. તેઓ કાયાફાસના ઘરે ભેગા થયા હતા. પાસ્ખાની રાત્રે આવો મુકદ્દમો ચલાવવો કાયદેસર ન હતું, પણ તેઓ પોતાના દુષ્ટ ઇરાદાને પૂરો કરવા, કોઈ પણ હદે જવા તૈયાર હતા.

ત્યાં હાજર મોટા ભાગના લોકો ઈસુ વિશે સારું વિચારતા ન હતા. ઈસુએ લાજરસને સજીવન કર્યા પછી, યહુદી ન્યાયસભાએ ઈસુને મારી નાખવાનું નક્કી કર્યું હતું. (યોહાન ૧૧:૪૭-૫૩) થોડા દિવસો પહેલાં જ, ધર્મગુરુઓએ ઈસુને પકડીને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. (માથ્થી ૨૬:૩, ૪) હા, મુકદ્દમો શરૂ થાય એ પહેલાં જ, તેઓએ ઈસુને મોતની સજા માટે દોષિત ઠરાવી દીધા હતા!

મુખ્ય યાજકો અને બીજા સભ્યોની ન્યાયસભા ગેરકાયદેસર મળી હતી. એટલું જ નહિ, તેઓ એવા સાક્ષીઓને શોધતા હતા, જેઓ ઈસુને ગુનેગાર ઠરાવવા ખોટા પુરાવા રજૂ કરે. તેઓને એવા તો ઘણા લોકો મળ્યા, પણ તેઓની જુબાની એકબીજા સાથે મેળ ખાતી ન હતી. છેવટે, બે માણસો આવ્યા અને કહ્યું: “અમે તેને આમ કહેતા સાંભળ્યો હતો, ‘હાથે બનેલા આ મંદિરને હું પાડી નાખીશ અને હાથે બન્યું ન હોય એવું મંદિર હું ત્રણ દિવસમાં બાંધીશ.’” (માર્ક ૧૪:૫૮) જોકે, આ માણસોની જુબાની પણ એકબીજા સાથે મેળ ખાતી ન હતી.

કાયાફાસે ઈસુને પૂછ્યું: “શું તારે જવાબમાં કંઈ નથી કહેવું? આ બધા તારી વિરુદ્ધ જુબાની આપે છે, એનું શું?” (માર્ક ૧૪:૬૦) સાક્ષીઓ ખોટા આરોપો મૂકતા હતા ત્યારે, ઈસુ ચૂપ રહ્યા. એટલે, પ્રમુખ યાજક કાયાફાસે બીજી એક યુક્તિ વાપરી.

કાયાફાસ જાણતો હતો કે કોઈ વ્યક્તિ ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કરે તો, યહુદીઓ ગુસ્સે થશે. અમુક સમય પહેલાં, ઈસુએ ઈશ્વરને પોતાના પિતા કહ્યા હતા. એ સાંભળીને યહુદીઓ તેમને મારી નાખવા માંગતા હતા, કેમ કે તેઓને લાગ્યું કે ઈસુ “પોતાને ઈશ્વર સમાન ગણાવતા હતા.” (યોહાન ૫:૧૭, ૧૮; ૧૦:૩૧-૩૯) કાયાફાસ યહુદીઓની લાગણીઓને જાણતો હતો. એટલે, ખૂબ ચાલાકીથી તેણે ઈસુને કહ્યું: “હું જીવતા ઈશ્વરના સમ આપીને તને કહું છું કે અમને જણાવ, તું ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો છે કે નહિ!” (માથ્થી ૨૬:૬૩) ઈસુએ પહેલાં સ્વીકાર્યું હતું કે પોતે ઈશ્વરના દીકરા છે. (યોહાન ૩:૧૮; ૫:૨૫; ૧૧:૪) હવે એમ ન સ્વીકારે તો, એનો અર્થ એવો થાય કે, પોતે ઈશ્વરના દીકરા અને ખ્રિસ્ત છે એ વાત નકારી રહ્યા છે. એટલે, ઈસુએ કહ્યું: “હા, હું છું અને તમે માણસના દીકરાને શક્તિશાળીના જમણા હાથે બેઠેલો અને આકાશનાં વાદળો સાથે આવતો જોશો.”—માર્ક ૧૪:૬૨.

એ સાંભળીને કાયાફાસ જાણે અભિનય કરતો હોય એમ, પોતાનાં કપડાં ફાડીને પોકારી ઊઠ્યો: “તેણે ઈશ્વરની નિંદા કરી છે! આપણને હવે સાક્ષીઓની શી જરૂર છે? જુઓ! હવે તમે પોતે એ નિંદા સાંભળી છે. તમારું શું કહેવું છે?” ન્યાયસભાએ અન્યાયી ચુકાદો જાહેર કર્યો: “તે મોતને લાયક છે.”—માથ્થી ૨૬:૬૫, ૬૬.

પછી, તેઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા અને મુક્કા મારવા લાગ્યા. કેટલાકે તેમને લાફા માર્યા અને તેમના પર થૂંક્યા. તેઓ તેમનો આખો ચહેરો ઢાંકી દઈને, તેમને લાફો મારતા. પછી, મશ્કરી કરતા પૂછતા: “જો તું પ્રબોધક હોય, તો અમને જણાવ કે તને કોણે માર્યું?” (લુક ૨૨:૬૪) આમ, રાત્રે ગેરકાનૂની મુકદ્દમો ચલાવીને ઈશ્વરના દીકરા સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો.

  • ઈસુને પહેલા ક્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમની સાથે શું થયું?

  • ઈસુને પછી ક્યાં લઈ જવામાં આવ્યા? ન્યાયસભા ઈસુને મોતની સજાને લાયક ગણે એ માટે કાયાફાસે શું કર્યું?

  • મુકદ્દમા દરમિયાન ઈસુ સાથે કેવો ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો