પાઠ ૮૯
પિતરે ઈસુને ઓળખવાની ના પાડી
ઈસુ પોતાના પ્રેરિતો સાથે એક ઘરના ઉપરના માળે હતા ત્યારે, તેમણે કહ્યું: ‘આજે રાતે તમે બધા મને છોડીને જતા રહેશો.’ પિતરે કહ્યું: ‘ના, હું એવું નહિ કરું. ભલે બધા તમને છોડીને જતા રહે, પણ હું તમને છોડીને ક્યારેય નહિ જઉં.’ પણ ઈસુએ પિતરને કહ્યું: ‘કૂકડો બોલે એ પહેલાં, તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.’
સૈનિકો ઈસુને કાયાફાસના ઘરે લઈ ગયા ત્યાં સુધી, મોટા ભાગના પ્રેરિતો ભાગી ગયા હતા. પણ બે પ્રેરિતો ટોળામાં રહીને તેમની પાછળ પાછળ ગયા. એમાંના એક હતા પિતર. તે કાયાફાસના ઘરનાં આંગણામાં ગયા અને આગ પાસે તાપવા લાગ્યા. આગના અજવાળામાં એક દાસીએ પિતરને જોઈને કહ્યું: ‘હું તને ઓળખું છું. તું ઈસુ સાથે હતો.’
પિતરે કહ્યું: ‘ના, હું ન’તો. મને નથી ખબર તું શું કહે છે.’ પછી પિતર દરવાજા પાસે જતા રહ્યા. પણ બીજી દાસીએ તેમને જોઈ લીધા અને લોકોને કહ્યું: ‘આ માણસ ઈસુ સાથે હતો.’ પિતરે કહ્યું: ‘હું ઈસુને જાણતો પણ નથી.’ એક માણસે કહ્યું: ‘તું તેઓમાંનો એક છે. તારી બોલીથી સાફ ખબર પડે છે કે તું પણ ઈસુની જેમ ગાલીલથી છે.’ પણ પિતર સમ ખાઈને કહેવા લાગ્યા: ‘હું એ માણસને નથી ઓળખતો.’
તરત જ કૂકડો બોલ્યો. એ વખતે પિતરે જોયું કે ઈસુ તેમની સામે જુએ છે. તેમને ઈસુની વાત યાદ આવી અને તે બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા.
બીજી બાજુ, ઈસુ પર મુકદ્દમો ચલાવવા ન્યાયસભાના બધા લોકો કાયાફાસના ઘરે ભેગા થયા હતા. તેઓએ પહેલેથી ઈસુને મારી નાખવાનો નિર્ણય લઈ લીધો હતો. હવે તો તેઓ ઈસુને મારી નાખવાનું કારણ શોધતા હતા. પણ તેઓને કોઈ કારણ મળ્યું નહિ. આખરે કાયાફાસે ઈસુને સીધેસીધું પૂછ્યું: ‘શું તું ઈશ્વરનો દીકરો છે?’ ઈસુએ કહ્યું: ‘હા, હું છું.’ કાયાફાસે કહ્યું: ‘હવે આપણને બીજી કોઈ સાબિતીની જરૂર નથી. તેણે ઈશ્વરની નિંદા કરી છે.’ ન્યાયસભાના બધા લોકોએ કહ્યું: ‘આ માણસને મારી નાખવો જોઈએ.’ તેઓએ ઈસુને થપ્પડો મારી, તેમના પર થૂંક્યા, તેમનું મોં ઢાંકીને મુક્કા માર્યા અને કહેવા લાગ્યા: ‘જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?’
સવાર થઈ ત્યારે, તેઓ ઈસુને યહૂદી ન્યાયસભામાં લઈ ગયા. તેઓએ ફરીથી તેમને પૂછ્યું: ‘શું તું ઈશ્વરનો દીકરો છે?’ ઈસુએ જવાબ આપ્યો: ‘તમે પોતે જ કહો છો કે હું છું.’ તેઓએ કહ્યું: ‘આ માણસે ઈશ્વરની નિંદા કરીને પાપ કર્યું છે.’ એ પછી તેઓ ઈસુને રોમના રાજ્યપાલ પોંતિયુસ પિલાતના મહેલમાં લઈ ગયા. એ પછી શું થયું? ચાલો જોઈએ!
“એવી ઘડી . . . આવી પહોંચી છે, જ્યારે તમે બધા વિખેરાઈને પોતપોતાનાં ઘરે ચાલ્યા જશો. તમે મને એકલો છોડી દેશો. પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.”—યોહાન ૧૬:૩૨