વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૧૨૯ પાન ૨૯૪-પાન ૨૯૫ ફકરો ૩
  • પીલાતે કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પીલાતે કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!”
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • પોંતિયસ પિલાત કોણ હતો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • પીલાત અને હેરોદની નજરે નિર્દોષ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુને સોંપી દે છે અને મારી નાખવા લઈ જાય છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ગલગથામાં ઈસુ મરણ પામ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૧૨૯ પાન ૨૯૪-પાન ૨૯૫ ફકરો ૩
ઈસુને કાંટાનો મુગટ અને રાજવી લોકો પહેરે એવો ઝભ્ભો પહેરાવીને પીલાત બહાર લાવે છે

પ્રકરણ ૧૨૯

પીલાતે કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!”

માથ્થી ૨૭:૧૫-૧૭, ૨૦-૩૦ માર્ક ૧૫:૬-૧૯ લુક ૨૩:૧૮-૨૫ યોહાન ૧૮:૩૯–૧૯:૫

  • પીલાત ઈસુને છોડી દેવા પ્રયત્નો કરે છે

  • યહુદીઓ બારાબાસને છોડવા માંગ કરે છે

  • ઈસુની મશ્કરી થાય છે અને ખરાબ વ્યવહાર કરવામાં આવે છે

ઈસુને મારી નાખવા ચાહતા ટોળાને પીલાતે કહ્યું: “તમે આ માણસ પર જે આરોપ લગાવો છો એની કોઈ સાબિતી મને મળતી નથી. હકીકતમાં, હેરોદને પણ નહિ.” (લુક ૨૩:૧૪, ૧૫) ઈસુને છોડી મૂકવા પીલાતે બીજી રીત અપનાવી. તેણે લોકોને કહ્યું: “તમારો રિવાજ છે કે પાસ્ખાના તહેવારે મારે એક માણસને છોડી મૂકવો. એટલે, શું તમે ચાહો છો કે હું યહુદીઓના રાજાને તમારા માટે છોડી દઉં?”—યોહાન ૧૮:૩૯.

બારાબાસ નામના એક કેદી વિશે પીલાત જાણતો હતો. તે ચોર, બળવાખોર અને ખૂની હતો. તેથી, પીલાતે પૂછ્યું: “તમારી શું ઇચ્છા છે, હું કોને તમારા માટે છોડી દઉં, બારાબાસને કે ઈસુને, જે ખ્રિસ્ત કહેવાય છે?” મુખ્ય યાજકોએ ઈસુ વિરુદ્ધ લોકોને ઉશ્કેર્યા હોવાથી, તેઓએ ઈસુને બદલે બારાબાસને છોડી દેવાની માંગ કરી. પીલાતે ફરી પૂછ્યું: “તમારી શી ઇચ્છા છે, આ બેમાંથી હું કોને તમારા માટે છોડી દઉં?” ટોળાએ બૂમ પાડીને કહ્યું: “બારાબાસને.”—માથ્થી ૨૭:૧૭, ૨૧.

નિરાશ થયેલા પીલાતે પૂછ્યું: “તો પછી, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેનું હું શું કરું?” લોકો પોકારી ઊઠ્યા: “તેને વધસ્તંભે ચડાવો!” (માથ્થી ૨૭:૨૨) કેટલું શરમજનક કહેવાય કે તેઓ એક નિર્દોષ માણસનું લોહી માંગતા હતા! પીલાતે વિનંતી કરી: “શા માટે? આ માણસે શું ગુનો કર્યો છે? મને તેનામાં મરણની સજાને લાયક કંઈ પણ જોવા મળ્યું નથી; તેથી, હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.”—લુક ૨૩:૨૨.

પીલાતના ઘણા પ્રયત્નો છતાં, ગુસ્સે ભરાયેલું ટોળું એક અવાજે બૂમો પાડતું હતું: “તેને વધસ્તંભે ચડાવો!” (માથ્થી ૨૭:૨૩) ધર્મગુરુઓએ લોકોમાં એટલું ઝનૂન ભરી દીધું હતું કે તેઓ લોહીના તરસ્યા થઈ ગયા હતા! તેઓ કોઈ ગુનેગાર કે ખૂનીનું લોહી માંગતા ન હતા. તેઓ તો એ નિર્દોષ માણસનું લોહી માંગતા હતા, જેમને પાંચ દિવસ અગાઉ યરૂશાલેમમાં રાજા તરીકે આવકારવામાં આવ્યા હતા. બની શકે કે ઈસુના શિષ્યો એ ટોળામાં હતા, પણ તેઓ ચૂપ રહ્યા અને લોકોની નજરે ન આવે એનું ધ્યાન રાખ્યું.

પીલાતે જોયું કે તેની વિનંતીની લોકો પર કોઈ અસર થતી નથી. લોકોની ધમાલ વધી રહી હોવાથી, તેણે થોડું પાણી લીધું અને તેઓની સામે પોતાના હાથ ધોઈ નાખ્યા. તેણે તેઓને કહ્યું: “આ માણસના લોહી વિશે હું નિર્દોષ છું. એની જવાબદારી તમારે લેવી પડશે.” એ જોઈને પણ લોકોનું વલણ બદલાયું નહિ. તેઓએ કહ્યું: “તેનું લોહી અમારા પર અને અમારાં બાળકો પર આવવા દો.”—માથ્થી ૨૭:૨૪, ૨૫.

રાજ્યપાલ પીલાત જાણતો હતો કે સાચું શું છે, છતાં તેણે લોકોની માંગ સંતોષવાનું પસંદ કર્યું. તેણે લોકોની માંગ મુજબ બારાબાસને છોડી મૂક્યો. તેણે હુકમ કર્યો કે ઈસુનાં કપડાં ઉતારી લેવામાં આવે અને પછી તેમને કોરડા મારવામાં આવે.

નિર્દયતાથી માર્યા પછી, સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલમાં લઈ ગયા. બીજા સૈનિકો પણ ત્યાં ભેગા થયા અને ઈસુનું વધારે અપમાન કરવા લાગ્યા. તેઓએ કાંટાનો મુગટ ગૂંથ્યો અને તેમના માથા પર જોરથી દબાવીને પહેરાવ્યો. સૈનિકોએ ઈસુના જમણા હાથમાં સોટી પણ પકડાવી અને રાજવી લોકો પહેરે એવો ઝભ્ભો પહેરાવ્યો. પછી, તેમની મજાક ઉડાવતા કહેવા લાગ્યા: “હે યહુદીઓના રાજા, સલામ!” (માથ્થી ૨૭:૨૮, ૨૯) એટલું જ નહિ, તેઓ તેમના પર થૂંક્યા અને તેમને લાફા માર્યા. તેઓએ ઈસુ પાસેથી મજબૂત સોટી લઈ લીધી અને તેમના માથે પહેરાવેલા “મુગટ” પર મારવા લાગ્યા. આમ, અપમાન કરવા પહેરાવેલા મુગટના કાંટા ઊંડે સુધી ખૂંપી ગયા.

આ બધા સંજોગોમાં ઈસુએ પોતાની ગરિમા જાળવી રાખી અને જરાય હિંમત ન હાર્યા. એ જોઈને પીલાત પ્રભાવિત થયો અને દોષનો ટોપલો પોતાને માથે ન આવે, એ માટે હજુ એક વાર પ્રયત્ન કર્યો. તેણે કહ્યું: “જુઓ! હું તેને તમારી પાસે બહાર લાવું છું, જેથી તમે જાણો કે મને તેનામાં કંઈ દોષ દેખાતો નથી.” પીલાત કદાચ વિચારતો હશે કે ઈસુને જખમી હાલતમાં અને લોહીલુહાણ જોઈને લોકોનું દિલ પીગળી જશે. તે ઈસુને નિષ્ઠુર ટોળા આગળ લાવ્યો અને તેઓને કહ્યું: “જુઓ! આ રહ્યો એ માણસ!”—યોહાન ૧૯:૪, ૫.

ઈસુને મારવામાં આવ્યા હતા અને તે જખમી હતા, છતાં તેમણે ગરિમા જાળવી રાખી અને શાંત રહ્યા. પીલાતે જરૂર એની નોંધ લીધી હશે, કેમ કે તેના શબ્દોમાં ઈસુ માટે માન અને દયા દેખાય આવતાં હતાં.

કોરડા મારવા

કોરડા મારવા વપરાતો ચાબુક

રોમનોની કોરડા મારવાની પદ્ધતિ વિશે ધ જરનલ ઑફ ધી અમેરિકન મેડિકલ એસોસિએશનમાં ડોક્ટર વિલિયમ. ડી. એડવડ્‌ર્સે આમ જણાવ્યું:

“એ ટૂંકો ચાબુક હતો (ફલગ્રમ કે ફ્લેજેલમ), જેમાં ચામડાની અનેક નાની મોટી પટ્ટીઓ લાગેલી હતી. અમુક પટ્ટીઓમાં થોડા થોડા અંતરે ધાતુના નાના નાના દડા કે ઘેટાંનાં તીક્ષ્ણ હાડકાં ગૂંથેલાં હતાં. . . . રોમન સૈનિકો ગુનેગારની પીઠ પર પૂરા બળથી વારંવાર કોરડા મારતા ત્યારે, એ ધાતુના દડાને લીધે ઊંડા સોળ પડી જતા. ચામડાની પટ્ટીઓ અને ઘેટાંનાં હાડકાંને લીધે ચામડી અને એની નીચેના રેશાઓ ચિરાઈ જતાં. વારંવાર કોરડાના મારથી છેક અંદરના સ્નાયુઓમાં ચીરા પડતા અને લોહી નીતરતી માંસપેશીઓ બહાર આવી જતી.”

  • ઈસુને છોડી દેવા પીલાતે કેવા પ્રયત્નો કર્યા, જેથી દોષનો ટોપલો તેના માથે ન આવે?

  • કોરડા મારવા એટલે શું?

  • કોરડા માર્યા પછી, ઈસુ સાથે કેવો ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો