વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • od પ્રકરણ ૭ પાન ૫૯-૭૧
  • “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન” આપતી સભાઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન” આપતી સભાઓ
  • યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • મથાળાં
  • સરખી માહિતી
  • મંડળની સભાઓ
  • અઠવાડિયાને અંતે થતી સભા
  • અઠવાડિયા દરમિયાન થતી સભા
  • પ્રચારની સભા
  • નવાં કે નાનાં મંડળો માટે સભાની ગોઠવણો
  • સરકીટ સંમેલનો
  • મહાસંમેલનો
  • ઈસુનું સાંજનું ભોજન
  • પ્રચારની સભાથી એનો હેતુ પૂરો થાય છે
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
  • સભામાં બધાને ઉત્તેજન આપવા તમે શું કરી શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • યહોવાના સાક્ષીઓની સભાઓમાં તમારું સ્વાગત છે!
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • સભાઓમાં શા માટે નિયમિત જવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
વધુ જુઓ
યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
od પ્રકરણ ૭ પાન ૫૯-૭૧

પ્રકરણ ૭

“પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન” આપતી સભાઓ

સદીઓથી યહોવાના લોકો ભેગા મળતા આવ્યા છે, એ સંગઠિત રીતે થતું આવ્યું છે. જૂના જમાનામાં ત્રણ મોટા તહેવારો માટે ઇઝરાયેલના બધા પુરુષો યરૂશાલેમ જતા હતા. (પુન. ૧૬:૧૬) પહેલી સદીમાં ખ્રિસ્તીઓ મોટા ભાગે કોઈના ઘરે નિયમિત રીતે ભેગા મળતા હતા. (ફિલે. ૧, ૨) આજે આપણે સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોનો આનંદ માણીએ છીએ. ઈશ્વરના સેવકો શા માટે ભેગા મળે છે? કેમ કે એ આપણી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે.—ગીત. ૯૫:૬; કોલો. ૩:૧૬.

૨ સભામાં જવાથી આપણને ઘણા ફાયદા પણ થાય છે. ઇઝરાયેલીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ દર સાતમા વર્ષે માંડવાનો તહેવાર ઊજવે. તેઓને જણાવ્યું હતું: “બધાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તમારાં શહેરોમાં રહેતા પરદેશીઓને ભેગા કરજો, જેથી તેઓ એ સાંભળે અને શીખે, યહોવા તમારા ઈશ્વરનો ડર રાખે અને આ બધા નિયમો કાળજીપૂર્વક પાળે.” (પુન. ૩૧:૧૨) ખરેખર, સભાઓમાં ભેગા મળવાનું મહત્ત્વનું કારણ એ છે કે આપણે ‘યહોવા પાસેથી શીખીએ.’ (યશા. ૫૪:૧૩) સભાઓમાં જવાથી આપણે ભાઈ-બહેનોને ઓળખી શકીએ છીએ, તેઓ પાસેથી ઉત્તેજન અને હિંમત મેળવી શકીએ છીએ.

મંડળની સભાઓ

૩ સાલ ૩૩ના પચાસમા દિવસ પછી, જે શિષ્યો ભેગા મળતા હતા તેઓ પૂરા દિલથી પ્રેરિતો પાસેથી શીખતા હતા. “તેઓ દરરોજ એકમનના થઈને મંદિરમાં હાજર રહેતા” હતા. (પ્રે.કા. ૨:૪૨, ૪૬) સમય જતાં, ખ્રિસ્તીઓ ભક્તિ માટે ભેગા થતા ત્યારે તેઓ ઈશ્વરની પ્રેરણાથી લખાયેલાં લખાણો વાંચતા હતા. તેમ જ, તેઓ પ્રેરિતો અને બીજા શિષ્યોએ લખેલા પત્રો વાંચતા હતા. (૧ કોરીં. ૧:૧, ૨; કોલો. ૪:૧૬; ૧ થેસ્સા. ૧:૧; યાકૂ. ૧:૧) મંડળમાં પ્રાર્થના પણ થતી હતી. (પ્રે.કા. ૪:૨૪-૨૯; ૨૦:૩૬) કોઈક વાર પ્રચારમાં થયેલા અનુભવો જણાવવામાં આવતા હતા. (પ્રે.કા. ૧૧:૫-૧૮; ૧૪:૨૭, ૨૮) બાઇબલના શિક્ષણ પર અને ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થાય છે એના પર ચર્ચા કરવામાં આવતી હતી. ખ્રિસ્તીઓને સારાં વાણી-વર્તન રાખવા વિશે અને ઈશ્વરની ભક્તિ વિશે સલાહ-સૂચનો આપવામાં આવતાં હતાં. બધાને ઉત્સાહથી ખુશખબર જણાવવાનું ઉત્તેજન આપવામાં આવતું હતું.—રોમ. ૧૦:૯, ૧૦; ૧ કોરીં. ૧૧:૨૩-૨૬; ૧૫:૫૮; એફે. ૫:૧-૩૩.

મુશ્કેલીઓથી ભરેલા આ છેલ્લા દિવસોમાં આપણને હિંમત અને ઉત્તેજનની જરૂર છે, જે સભાઓમાં નિયમિત જવાથી મળે છે

૪ આજે પણ સભાઓ એ રીતે જ થાય છે જેમ પ્રેરિતોના સમયમાં થતી હતી. આપણે હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫માં આપેલી આ સલાહ માનીએ છીએ: “ચાલો આપણે એકબીજાનો દિલથી વિચાર કરીએ. જેમ તમારામાંના કેટલાક કરે છે, તેમ ભેગા મળવાનું છોડી ન દઈએ. પણ એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને જેમ જેમ એ દિવસ તમે નજીક આવતો જુઓ છો, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહો.” મુશ્કેલીઓથી ભરેલા આ છેલ્લા દિવસોમાં આપણને હજી વધારે હિંમત અને ઉત્તેજનની જરૂર છે, જે સભાઓમાં નિયમિત જવાથી મળે છે. એમ કરીશું તો, આપણે યહોવાની ભક્તિમાં મજબૂત થઈશું અને તેમને વફાદાર રહી શકીશું. (રોમ. ૧:૧૧, ૧૨) આજે આપણે દુષ્ટ અને આડી પેઢી વચ્ચે રહીએ છીએ. પણ આપણે ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હોય એવી બધી બાબતોથી અને દુનિયાની ઇચ્છાઓથી દૂર રહીએ છીએ. (ફિલિ. ૨:૧૫, ૧૬; તિત. ૨:૧૨-૧૪) સાચે જ, યહોવાના લોકોની દોસ્તીથી વધારે સારું બીજું શું હોય શકે? (ગીત. ૮૪:૧૦) બાઇબલના અભ્યાસથી અને એની ચર્ચા કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે. આપણા લાભ માટે કઈ કઈ સભાઓ રાખવામાં આવે છે એનો વિચાર કરીએ.

અઠવાડિયાને અંતે થતી સભા

૫ અઠવાડિયાને અંતે થતી સભાના પહેલા ભાગમાં પ્રવચન આપવામાં આવે છે. એ પ્રવચન બાઇબલમાંથી હોય છે અને જાહેર જનતાને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. અમુક લોકો તો પહેલી વાર સભામાં આવ્યા હોય છે. જાહેર પ્રવચનથી નવા લોકો અને મંડળનાં ભાઈ-બહેનોને બાઇબલમાંથી શીખવા મળે છે અને તેઓને ઘણો ફાયદો થાય છે.—પ્રે.કા. ૧૮:૪; ૧૯:૯, ૧૦.

૬ આજે આપણાં મંડળોમાં જે રીતે સભાઓ રાખવામાં આવે છે, એ રીતે ખ્રિસ્ત ઈસુ, તેમના પ્રેરિતો અને બીજા શિષ્યો સભાઓ રાખતા હતા. ઈસુ સૌથી મહાન વક્તા છે. તેમના વિશે કહેવામાં આવ્યું હતું: ‘તેમના જેવું કોઈ કદી બોલ્યું નથી.’ (યોહા. ૭:૪૬) તે પૂરા અધિકારથી શીખવતા હતા અને તેમની શીખવવાની રીતથી લોકો દંગ રહી જતા હતા. (માથ. ૭:૨૮, ૨૯) જેઓએ તેમનો સંદેશો દિલથી સ્વીકાર્યો, તેઓને ઘણો ફાયદો થયો. (માથ. ૧૩:૧૬, ૧૭) ઈસુના પ્રેરિતો પણ તેમની જેમ શીખવતા હતા. પ્રેરિતોનાં કાર્યો ૨:૧૪-૩૬માં આપણે પિતરનું જોરદાર પ્રવચન વાંચી શકીએ છીએ, જે તેમણે સાલ ૩૩ના પચાસમા દિવસે આપ્યું હતું. એ પ્રવચનની હજારો લોકો પર ઊંડી અસર પડી અને તેઓ પગલાં ભરવા પ્રેરાયા. એ પછી એથેન્સમાં પાઉલનું પ્રવચન સાંભળીને ઘણા લોકો ઈસુના શિષ્યો બન્યા.—પ્રે.કા. ૧૭:૨૨-૩૪.

૭ આજે દર અઠવાડિયે મંડળની સભામાં જાહેર પ્રવચન આપવામાં આવે છે. સંમેલનો અને મહાસંમેલનોમાં પણ જાહેર પ્રવચન આપવામાં આવે છે. એનાથી લાખો લોકોને ફાયદો થાય છે. આવાં પ્રવચનોથી આપણને બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલવા અને ભક્તિને લગતાં કામમાં લાગુ રહેવા મદદ મળે છે. જો આપણે રસ ધરાવતા લોકોને અને બીજા લોકોને સભામાં આવવાનું આમંત્રણ આપીશું, તો તેઓને બાઇબલનું મૂળ શિક્ષણ સમજવા મદદ મળશે.

૮ જાહેર પ્રવચન જુદા જુદા વિષયો પર આપવામાં આવે છે. જેમ કે, બાઇબલનું શિક્ષણ, ભવિષ્યવાણીઓ, કુટુંબ અને લગ્‍નજીવન વિશે બાઇબલનાં સિદ્ધાંતો અને સલાહ, યુવાનોની મુશ્કેલીઓ, જીવન માટે બાઇબલના સિદ્ધાંતો અને બીજા વિષયો. અમુક પ્રવચનો યહોવાની અજાયબ સૃષ્ટિ વિશે હોય છે. બીજાં પ્રવચનો બાઇબલના એવા ઈશ્વરભક્તો વિશે હોય છે, જેઓએ શ્રદ્ધા, હિંમત અને વફાદારી બતાવવામાં સુંદર દાખલો બેસાડ્યો હતો. એમાં જણાવવામાં આવે છે કે તેઓ પાસેથી આજે આપણને શું શીખવા મળે છે.

૯ જાહેર પ્રવચનથી આપણને ફાયદો થાય એ માટે જરૂરી છે કે આપણે એ પૂરા ધ્યાનથી સાંભળીએ. વક્તા બાઇબલમાંથી કલમો વાંચે અને સમજાવે ત્યારે, આપણે પણ બાઇબલમાંથી એ કલમો ખોલીને જોઈએ. (લૂક ૮:૧૮) વક્તા જે જણાવે છે એ પોતાના બાઇબલમાં જોઈશું તો આપણો ભરોસો વધશે અને શીખેલી વાતોને જીવનમાં લાગુ પાડી શકીશું.—૧ થેસ્સા. ૫:૨૧.

૧૦ જો જાહેર પ્રવચન આપવા પૂરતા ભાઈઓ હોય, તો મંડળમાં દર અઠવાડિયે જાહેર પ્રવચન આપવામાં આવશે. એ માટે ઘણી વાર નજીકનાં મંડળોમાંથી ભાઈઓને પ્રવચન આપવા બોલાવવામાં આવે છે. જો મંડળમાં પૂરતા વક્તાઓ ન હોય, તો જ્યારે શક્ય હોય ત્યારે પ્રવચન આપવાની ગોઠવણ કરવામાં આવે છે.

૧૧ અઠવાડિયાને અંતે થતી સભાના બીજા ભાગમાં ચોકીબુરજ અભ્યાસ થાય છે. એના અભ્યાસ અંકના એક લેખ પર સવાલ-જવાબથી ચર્ચા કરવામાં આવે છે. ચોકીબુરજ દ્વારા યહોવા આપણને યોગ્ય સમયે ભક્તિને લગતો ખોરાક પૂરો પાડે છે.

૧૨ અભ્યાસ લેખોમાં અવાર-નવાર સમજાવવામાં આવે છે કે રોજબરોજના જીવનમાં બાઇબલ સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડી શકીએ. એ લેખોથી ઈશ્વરભક્તોને ‘દુનિયાના વલણથી’ અને ખરાબ વાણી-વર્તનથી દૂર રહેવા મદદ મળે છે. (૧ કોરીં. ૨:૧૨) આપણને ચોકીબુરજથી બાઇબલના શિક્ષણની અને ભવિષ્યવાણીઓની ઊંડી સમજણ મળે છે. આમ આપણને નવામાં નવી સમજણ મળે છે અને નેક માર્ગે ચાલતા રહેવા મદદ મળે છે. (ગીત. ૯૭:૧૧; નીતિ. ૪:૧૮) ચોકીબુરજ અભ્યાસમાં હાજર રહીને ભાગ લેવાથી આપણી શ્રદ્ધા વધે છે અને નવી દુનિયાની આશા પર ભરોસો વધે છે. (રોમ. ૧૨:૧૨; ૨ પિત. ૩:૧૩) એ અભ્યાસથી પવિત્ર શક્તિના ગુણો કેળવવા અને પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ કરતા રહેવા મદદ મળે છે. (ગલા. ૫:૨૨, ૨૩) સતાવણી સહેવા આપણું મન મક્કમ થાય છે અને “ભાવિ માટે પાકો પાયો” નાખી શકીએ છીએ. આ રીતે આપણે “ખરા જીવન પર મજબૂત પકડ મેળવી” શકીએ છીએ.—૧ તિમો. ૬:૧૯; ૧ પિત. ૧:૬, ૭.

૧૩ ચોકીબુરજ અભ્યાસમાંથી પૂરો ફાયદો મેળવવા આપણે શું કરવું જોઈએ? આપણે અગાઉથી એકલા કે કુટુંબ સાથે અભ્યાસ લેખની તૈયારી કરવી જોઈએ. આપણે લેખમાં આપેલી કલમો બાઇબલમાંથી વાંચવી જોઈએ. આપણે સભા દરમિયાન પોતાના શબ્દોમાં જવાબ આપવો જોઈએ. એમ કરીશું તો, સત્ય આપણાં દિલમાં ઊતરી જશે. આપણા જવાબોમાં આપણી શ્રદ્ધા છલકાઈ આવશે અને એનાથી બીજાઓને લાભ થશે. આપણે બીજાઓના જવાબો ધ્યાનથી સાંભળીશું તો, આપણને પણ લાભ થશે.

અઠવાડિયા દરમિયાન થતી સભા

૧૪ દર અઠવાડિયે મંડળ બીજી એક સભા માટે પ્રાર્થનાઘરમાં ભેગું મળે છે. એ સભા છે, આપણું જીવન અને સેવાકાર્ય. એમાં ત્રણ ભાગ હોય છે. એનાથી આપણે ઈશ્વરના સેવકો તરીકે ‘લાયક બનીએ છીએ.’ (૨ કોરીં. ૩:૫, ૬) આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકામાં એ સભા માટેનું શેડ્યુલ આપવામાં આવે છે. એ સભામાં શાની ચર્ચા કરવામાં આવશે એની માહિતી આપવામાં આવે છે. જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં પ્રચાર માટે “વાતચીતની એક રીત” પણ આપવામાં આવે છે.

૧૫ આ સભાનો પહેલો ભાગ છે, “બાઇબલમાં રહેલો ખજાનો.” આ ભાગમાં આપણને બાઇબલ અહેવાલોની સારી સમજણ મળે છે. એ બનાવો ક્યારે અને કેવા સંજોગોમાં બન્યા હતા, એ જાણવા મળે છે. એમાંથી શીખેલા બોધપાઠ કઈ રીતે લાગુ પાડી શકીએ, એ પણ જાણવા મળે છે. એ ભાગમાં અઠવાડિયાના બાઇબલ વાંચનને આધારે એક પ્રવચન હોય છે, બાઇબલની અમુક કલમો વાંચવામાં આવે છે અને સવાલ-જવાબથી ચર્ચા કરવામાં આવે છે. જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં ચિત્રો, વીડિયો અને વર્કશીટ્‌સ પણ હોય છે. એનાથી બાઇબલના અહેવાલો સારી રીતે સમજવા મદદ મળે છે. આ રીતે બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી આપણને જીવનમાં અને પ્રચારમાં અનેક ફાયદા થાય છે. તેમ જ આપણે ‘એકદમ કુશળ બનીએ છીએ અને દરેક સારા કામ માટે પૂરેપૂરા તૈયાર થઈએ છીએ.’—૨ તિમો. ૩:૧૬, ૧૭.

૧૬ સભાનો બીજો ભાગ છે, “સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ.” આ ભાગથી આપણે ખુશખબર ફેલાવવાનું શીખીએ છીએ. તેમ જ પ્રચાર અને શીખવવાની કળા નિખારી શકીએ છીએ. વિદ્યાર્થી ભાગની સાથે સાથે “વાતચીતની એક રીત” માટેના વીડિયો પણ બતાવવામાં આવે છે. એનાથી આપણે ખુશખબર ફેલાવવાની અલગ અલગ રીતો શીખીએ છીએ. સભાના એ ભાગથી આપણે શીખીએ છીએ કે “કઈ રીતે વાત કરવી,” જેથી ‘થાકેલા લોકોને દિલાસો આપી શકીએ.’—યશા. ૫૦:૪.

૧૭ આ સભાનો ત્રીજો ભાગ છે, “યહોવાના સેવકો તરીકે આપણું જીવન.” એમાં આપણે બાઇબલના સિદ્ધાંતોને રોજબરોજના જીવનમાં લાગુ પાડવાનું શીખીએ છીએ. (ગીત. ૧૧૯:૧૦૫) આ ભાગમાં, મંડળમાં બાઇબલ અભ્યાસ પણ ચલાવવામાં આવે છે. એમાં ચોકીબુરજ અભ્યાસની જેમ સવાલ-જવાબથી ચર્ચા કરવામાં આવે છે.

૧૮ જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા મળે ત્યારે, જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષક કે પછી તેમને મદદ કરતા વડીલ એની માહિતીને સારી રીતે જોઈ લે છે અને એનું શેડ્યુલ બનાવે છે. દર અઠવાડિયે આ સભા માટે એક એવા વડીલ ચેરમેન હશે, જે સારી રીતે શીખવી શકતા હોય અને જેમને વડીલોના જૂથે પસંદ કર્યા હોય. ચેરમેન એ વાતનું ધ્યાન રાખે છે કે સભા સમયસર શરૂ થાય અને સમયસર પૂરી થાય. તે વિદ્યાર્થી ભાગ રજૂ કરનારાઓના વખાણ કરે છે અને તેઓને સલાહ પણ આપે છે.

૧૯ આપણે દર અઠવાડિયે જીવન અને સેવાકાર્ય સભાની તૈયારી કરીએ છીએ, એમાં જઈએ છીએ અને ભાગ લઈએ છીએ. એમ કરવાથી આપણે બાઇબલમાંથી શીખી શકીએ છીએ, બાઇબલના સિદ્ધાંતો સમજી શકીએ છીએ, ખુશખબર ફેલાવવા હિંમત મળે છે અને શિષ્યો બનાવવાના કામમાં કુશળ બનીએ છીએ. બાપ્તિસ્મા લીધું ન હોય એવા લોકો આ સભામાં આવે છે ત્યારે, તેઓને પણ ભાઈ-બહેનોની સંગતથી અને બાઇબલના શિક્ષણથી ઘણો ફાયદો થાય છે. આ અને બીજી સભાઓની તૈયારી કરવા માટે આપણે વૉચટાવર લાઇબ્રેરી, JW લાઇબ્રેરી, વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી (તમારી ભાષામાં પ્રાપ્ય હોય તો) અને પ્રાર્થનાઘરની લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકીએ. પ્રાર્થનાઘરની લાઇબ્રેરીમાં આ બધું રાખવામાં આવે છે: યહોવાના સાક્ષીઓનું બધું સાહિત્ય જે હાલમાં પ્રાપ્ય છે, વૉચ ટાવર પબ્લિકેશન્સ ઇન્ડેક્સ અથવા યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા, બાઇબલનાં જુદાં જુદાં ભાષાંતરો, કોન્કોર્ડન્સ, એક શબ્દકોશ અને સંશોધન માટે ઉપયોગી બીજાં પુસ્તકો. આ લાઇબ્રેરીનો ઉપયોગ સભા પહેલાં કે પછી કોઈ પણ કરી શકે છે.

પ્રચારની સભા

૨૦ અઠવાડિયા દરમિયાન અને શનિ-રવિ પ્રચારની સભાઓ રાખવામાં આવે છે. ભાઈ-બહેનો એ ટૂંકી સભા માટે ભેગાં થાય છે. આ સભાઓ કોઈના ઘરે અથવા બીજી કોઈ જગ્યાએ રાખવામાં આવે છે. એ પ્રાર્થનાઘરમાં પણ રાખી શકાય. જો આ સભા નાના નાના ગ્રૂપમાં અને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવશે, તો ભાઈ-બહેનો માટે એ સભામાં આવવું અને પ્રચારમાં જવું સહેલું બનશે. ભાઈ-બહેનો કોની સાથે અને ક્યાં પ્રચાર કરશે એની ગોઠવણો કરવામાં વધારે સમય નહિ લાગે અને બધા જલદી જ પ્રચાર વિસ્તારમાં જઈ શકશે. ગ્રૂપ નિરીક્ષક પણ પોતાના ગ્રૂપનાં બધાં ભાઈ-બહેનોનું સારી રીતે ધ્યાન રાખી શકશે. ખરું કે બધાં ગ્રૂપ અલગ અલગ જગ્યાએ ભેગા મળે એનાથી ફાયદો થાય છે, પણ કોઈ વાર સંજોગોને કારણે અમુક ગ્રૂપ એકસાથે ભેગાં મળી શકે છે. દાખલા તરીકે, સોમથી શુક્ર પ્રચારમાં થોડાં જ ભાઈ-બહેનો આવતાં હોય તો, બધાં ગ્રૂપ માટે એક જ સભા રાખી શકાય. તેઓ પ્રાર્થનાઘરમાં કે બીજી કોઈ જગ્યાએ ભેગા મળી શકે. એનાથી ભાઈ-બહેનોને પ્રચાર માટે કોઈ ને કોઈ સાથી જરૂર મળશે. જાહેર રજાઓમાં આખું મંડળ પ્રચારની સભા માટે પ્રાર્થનાઘરમાં ભેગું મળી શકે. જો મંડળ ચાહે તો ચોકીબુરજ અભ્યાસ પછી ગ્રૂપો માટે એકસાથે પ્રચારની સભા રાખી શકે.

૨૧ જો બધાં ગ્રૂપ અલગ અલગ જગ્યાએ ભેગા મળે, તો ગ્રૂપ નિરીક્ષક પ્રચારની સભા ચલાવશે. થોડા થોડા સમયે ગ્રૂપ નિરીક્ષક પોતાના સહાયકને અથવા બીજા કોઈ યોગ્ય ભાઈને આ સભા ચલાવવા માટે કહી શકે. સભા ચલાવનાર ભાઈએ સારી તૈયારી કરવી જોઈએ અને ભાઈ-બહેનોને પ્રચારમાં મદદ મળે એવાં સૂચનો પર ચર્ચા કરવી જોઈએ. પછી જણાવવું જોઈએ કે કોણ કોની સાથે અને ક્યાં પ્રચાર કરશે. છેલ્લે ગ્રૂપમાંથી કોઈ એક ભાઈ પ્રાર્થના કરશે. પ્રાર્થના પછી બધા તરત પ્રચાર માટે નીકળી જશે. પ્રચારની સભા ૫થી ૭ મિનિટની હોય છે. પણ મંડળની કોઈ સભા પછી એ રાખવામાં આવે તો, એનાથી પણ ટૂંકી હોવી જોઈએ. આ સભાઓમાં ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારવો જોઈએ અને સંજોગોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવું જોઈએ. નવા લોકો કે પછી મદદની જરૂર હોય તેઓ અનુભવી ભાઈ-બહેનો સાથે કામ કરી શકે અને કુશળ બની શકે.

નવાં કે નાનાં મંડળો માટે સભાની ગોઠવણો

૨૨ શિષ્યોની સંખ્યા વધતી જાય છે તેમ, મંડળોની સંખ્યા પણ વધતી જાય છે. નવું મંડળ શરૂ કરવાનું હોય ત્યારે સરકીટ નિરીક્ષક એની અરજી ભરે છે. પણ અમુક કિસ્સાઓમાં નાના ગ્રૂપ માટે નજીકના કોઈ મંડળની સભાઓમાં જવું વધારે સારું હોય છે.

૨૩ બની શકે, નાનાં મંડળોમાં ફક્ત બહેનો જ હોય. એવાં મંડળોમાં એક બહેને પ્રાર્થના કરાવતી વખતે કે સભા ચલાવતી વખતે બાઇબલમાં જણાવ્યું છે તેમ પોતાનું માથું ઢાંકવું જોઈએ. (૧ કોરીં. ૧૧:૩-૧૬) મોટા ભાગે બહેન ઊભાં રહેવાને બદલે ગ્રૂપની સામે બેસીને પ્રાર્થના કરે છે કે સભા ચલાવે છે. બહેનો સભામાં પ્રવચન આપતી નથી. એને બદલે સંગઠને તૈયાર કરેલાં સાહિત્યમાંથી તેઓ માહિતી વાંચે છે અને એના મુખ્ય વિચારો જણાવે છે. અમુક વાર બે બહેનો આપેલી માહિતીને ચર્ચા કે દૃશ્યથી રજૂ કરી શકે. શાખા કચેરી એક બહેનને શાખા સાથે વાતચીત કરવાનું અને સભાઓની ગોઠવણો કરવાનું કામ સોંપશે. સમય જતાં જો ભાઈઓ આ કામ માટે લાયકાત કેળવશે, તો તેઓને એ જવાબદારીઓ સોંપવામાં આવશે.

સરકીટ સંમેલનો

૨૪ દર વર્ષે સરકીટનાં મંડળો માટે બે સરકીટ સંમેલનો રાખવામાં આવે છે. એ સંમેલનો એક દિવસના હોય છે. આ સંમેલનોમાં ખુશીનો માહોલ હોય છે અને બધાને “દિલના દરવાજા ખોલી” નાખવાની, એટલે કે ઘણાં બધાં ભાઈ-બહેનો સાથે સંગત માણવાની તક મળે છે. (૨ કોરીં. ૬:૧૧-૧૩) યહોવાનું સંગઠન લોકોની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમો માટે બાઇબલના શિક્ષણને આધારે વિષયો અને અલગ અલગ ભાગો તૈયાર કરે છે. સંમેલનમાં માહિતી અલગ અલગ રીતે રજૂ કરવામાં આવે છે. જેમ કે, એમાં પ્રવચનો, દૃશ્યો, સાચી ઘટનાને આધારે દૃશ્યો અને ઇન્ટરવ્યૂ હોય છે. એવાં દૃશ્યો પણ હોય છે, જેમાં પ્રકાશક જાણે પોતાની સાથે વાત કરતા હોય. યોગ્ય સમયે આવું માર્ગદર્શન મેળવીને હાજર રહેલા બધાની શ્રદ્ધા મજબૂત થાય છે. આ સંમેલનોમાં નવા શિષ્યોને બાપ્તિસ્મા લેવાની તક મળે છે, જેથી તેઓ જાહેર કરી શકે કે તેઓએ પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે.

મહાસંમેલનો

૨૫ વર્ષમાં એક વાર મહાસંમેલન રાખવામાં આવે છે. એ ખાસ કરીને ત્રણ દિવસનું હોય છે. મહાસંમેલનમાં ઘણી સરકીટનાં મંડળોમાંથી ભાઈ-બહેનો આવે છે. અમુક શાખાઓ ઓછા મંડળોની દેખરેખ રાખતી હોય શકે. એવી શાખા બધાં મંડળો માટે કોઈ એક જ જગ્યાએ મહાસંમેલન રાખવાનું નક્કી કરી શકે. અમુક દેશોમાં ત્યાંના સંજોગો પ્રમાણે અથવા સંગઠનના માર્ગદર્શન પ્રમાણે મહાસંમેલનની ગોઠવણો કદાચ અલગ રીતે કરવામાં આવે. અમુક દેશોમાં આંતરરાષ્ટ્રીય અથવા ખાસ મહાસંમેલનો રાખવામાં આવે છે. એમાં જુદા જુદા દેશોમાંથી હજારો સાક્ષીઓ હાજર રહે છે. વર્ષોથી યહોવાના સાક્ષીઓનાં આ મોટાં મોટાં મહાસંમેલનો વિશે સમાચારોમાં ઘણું જણાવવામાં આવ્યું છે. એનાથી પણ ઘણા લોકો ખુશખબર જાણી શક્યા છે.

૨૬ યહોવાના વફાદાર ભક્તો માટે મહાસંમેલનો એક ખુશીનો સમય છે. એમાં તેઓ ભેગા મળીને ભક્તિ કરે છે. બાઇબલ વિશે ઊંડી સમજણ મેળવે છે. અમુક મહાસંમેલનોમાં નવું સાહિત્ય બહાર પાડવામાં આવે છે. એને આપણે પોતાના કે મંડળના અભ્યાસ માટે અથવા ખુશખબર ફેલાવવા માટે વાપરીએ છીએ. મહાસંમેલનોમાં બાપ્તિસ્માની પણ ગોઠવણ કરવામાં આવે છે. એમાં જવાથી યહોવા સાથે આપણો સંબંધ વધારે મજબૂત થાય છે. આ મહાસંમેલનોથી દેખાઈ આવે છે કે યહોવાના વફાદાર ભક્તો આખી દુનિયામાં ફેલાયેલા છે. તેઓ વચ્ચેનો પ્રેમ પુરાવો છે કે તેઓ ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્યો છે.—યોહા. ૧૩:૩૫.

૨૭ સભાઓ, સંમેલનો અને મહાસંમેલનોમાં જઈએ છીએ ત્યારે, યહોવાની ઇચ્છા પૂરી કરવાનો આપણો નિર્ણય પાકો થાય છે. એટલું જ નહિ, આપણી શ્રદ્ધાને નબળી પાડી દેતી દુનિયાની ખરાબ અસરથી પણ બચી શકીએ છીએ. આ સભાઓથી યહોવાને મહિમા મળે છે અને તેમની સ્તુતિ થાય છે. (ગીત. ૩૫:૧૮; નીતિ. ૧૪:૨૮) આ છેલ્લા દિવસોમાં યહોવાએ પોતાના વફાદાર લોકોને તાજગી આપવા આવી સભાઓની ગોઠવણો કરી છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!

ઈસુનું સાંજનું ભોજન

૨૮ દર વર્ષે ઈસુ ખ્રિસ્તના મરણના દિવસે આખી દુનિયામાં યહોવાના સાક્ષીઓ એક સભા રાખે છે. તેઓ ઈસુના મરણની યાદમાં સ્મરણપ્રસંગ અથવા ઈસુના સાંજના ભોજન માટે ભેગા મળે છે. (૧ કોરીં. ૧૧:૨૦, ૨૩, ૨૪) યહોવાના ભક્તો માટે આખા વર્ષમાં આ સૌથી મહત્ત્વની સભા છે. આપણને સ્મરણપ્રસંગમાં હાજર રહેવાની આજ્ઞા આપવામાં આવી છે.—લૂક ૨૨:૧૯.

૨૯ બાઇબલ સમયમાં જે દિવસે પાસ્ખાનો તહેવાર ઊજવવામાં આવતો હતો, એ જ દિવસે સ્મરણપ્રસંગ રાખવામાં આવે છે. (નિર્ગ. ૧૨:૨, ૬; માથ. ૨૬:૧૭, ૨૦, ૨૬) ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી આઝાદ થયા. એની યાદમાં દર વર્ષે પાસ્ખા ઊજવવામાં આવતો. એ સમયે યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું કે તેઓ (યહૂદી કેલેન્ડર પ્રમાણે) પહેલા મહિનાના ૧૪મા દિવસે પાસ્ખાનું ઘેટું ખાય અને ઇજિપ્તની ગુલામીમાંથી નીકળી આવે. (નિર્ગ. ૧૨:૧-૫૧) વસંત ૠતુમાં એક દિવસ એવો હોય છે જ્યારે દિવસ અને રાત સરખા હોય છે. એને વસંત સંપાત કહેવામાં આવે છે. વસંત સંપાત પછી યરૂશાલેમમાં પહેલી વાર ચંદ્ર દેખાય (ચાંદરાત), એના ૧૩ દિવસ ગણીને સ્મરણપ્રસંગની તારીખ નક્કી કરવામાં આવે છે. મોટા ભાગે વસંત સંપાત પછીની પહેલી પૂનમે સ્મરણપ્રસંગની તારીખ આવે છે.

૩૦ માથ્થી ૨૬:૨૬-૨૮માં ઈસુએ જણાવ્યું હતું કે સ્મરણપ્રસંગ કઈ રીતે રાખવો જોઈએ. સ્મરણપ્રસંગમાં જે રોટલી અને દ્રાક્ષદારૂ રાખવામાં આવે છે, એ ઈસુના શરીર અને લોહીમાં ફેરવાય જતાં નથી. પણ રોટલી ઈસુના શરીરને અને દ્રાક્ષદારૂ ઈસુના લોહીને રજૂ કરે છે. એ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ફક્ત એ લોકો ભાગ લે છે, જેઓ ઈસુ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ થયા છે. (લૂક ૨૨:૨૮-૩૦) જોકે બાકીના બધા વફાદાર ખ્રિસ્તીઓ અને રસ ધરાવતા લોકોને પણ આ પ્રસંગમાં હાજર રહેવા ઉત્તેજન આપવામાં આવે છે. યહોવાએ માણસોના ભલા માટે પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપ્યું. સ્મરણપ્રસંગમાં હાજર રહીને આપણે એ ગોઠવણની કદર કરીએ છીએ. એ પ્રસંગના અમુક દિવસો પહેલાં એક ખાસ પ્રવચન આપવામાં આવે છે. એ પ્રવચનમાં સ્મરણપ્રસંગ માટે ઉત્સાહ વધારવામાં આવે છે અને બાઇબલ અભ્યાસ કરવા લોકોમાં રસ જગાડવામાં આવે છે.

૩૧ આપણે બધી સભાઓની આતુરતાથી રાહ જોઈએ છીએ. સભાઓમાં હાજર રહીને આપણે ‘પ્રેમ અને સારાં કામો કરવા ઉત્તેજન મળે એ માટે એકબીજાનો દિલથી વિચાર કરીએ છીએ.’ (હિબ્રૂ. ૧૦:૨૪) વિશ્વાસુ અને સમજુ ચાકર ધ્યાન રાખે છે કે સભાઓમાં આપણને એવું માર્ગદર્શન મળે, જેથી યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત રહે. યહોવાના બધા ભક્તોને અને રસ ધરાવતા લોકોને અરજ કરવામાં આવે છે કે તેઓ આ સભાઓમાં નિયમિત રીતે આવે અને એમાંથી પૂરો ફાયદો લે. યહોવાએ સંગઠન દ્વારા કરેલી ગોઠવણની આપણે કદર કરીએ છીએ. આમ, દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો સાથે આપણી એકતા મજબૂત થાય છે. સૌથી મહત્ત્વનું તો યહોવાના નામની સ્તુતિ થાય છે અને તેમને મહિમા મળે છે.—ગીત. ૧૧૧:૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો