પ્રચારની સભાથી એનો હેતુ પૂરો થાય છે
૧. પ્રચારની સભાનો હેતુ શું છે?
૧ એક વખતે ઈસુ ૭૦ શિષ્યોને પ્રચારમાં મોકલતા પહેલાં મળ્યા હતા. (લુક ૧૦:૧-૧૧) ઈસુએ તેઓને યાદ કરાવતા ઉતેજન આપ્યું કે, તેઓ એકલા નથી પણ ‘ફસલના માલિક’ યહોવા તેમને માર્ગદર્શન આપશે. શિષ્યોને પ્રચારકામમાં મદદ મળે એવાં સૂચનો તેમણે આપ્યા અને તેઓને ‘બબ્બેની’ જોડીમાં મોકલ્યા હતા. આજે, પ્રચારની સભા થાય છે એનો પણ એ જ હેતુ છે. એ સભાથી ઉત્તેજન મેળવવા, તૈયાર થવા અને ગોઠવણ કરવા મદદ મળે છે.
૨. પ્રચારની સભા કેટલી લાંબી હોવી જોઈએ?
૨ આજે પ્રચારની સભા ૧૦થી ૧૫ મિનિટ ચાલતી હોય છે. એમાં ગ્રૂપ પાડવાનો, પ્રચાર વિસ્તારની સોંપણી કરવાનો અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે. પણ, હવે એમાં ફેરફાર થયો છે. એપ્રિલ મહિનાથી આ સભા પાંચથી ૭ મિનિટની હશે. પણ, મંડળની સભા પછી આ સભા હોય તો, એ વધારે ટૂંકી હોવી જોઈએ. કારણ કે, ભાઈ-બહેનોએ બાઇબલ ચર્ચાનો હમણાં જ આનંદ માણ્યો છે. પ્રચારની સભા ટૂંકી હશે તો, બધા ભાઈ-બહેનો વધારે સમય પ્રચાર કરી શકશે. તેમ જ, સભા પહેલાં પ્રચાર શરૂ કરનાર ભાઈ-બહેનો કે પાયોનિયરોનો સભામાં ઓછો સમય જશે.
૩. કઈ રીતે પ્રચારની સભાને ગોઠવી જોઈએ જેથી ભાઈ-બહેનોને મદદ મળે?
૩ પ્રચારની સભા એવી રીતે ગોઠવવી જોઈએ, જેથી બધા ભાઈ-બહેનોને મદદ મળે. ઘણાં મંડળોમાં પ્રચારની સભા કોઈ એક જ જગ્યા રાખવાને બદલે નાનાં નાનાં ગ્રૂપમાં રાખવામાં આવે છે. એનાથી ભાઈ-બહેનો પ્રચારની સભા અને પ્રચાર વિસ્તારમાં સહેલાઈથી જઈ શકે છે. થોડા ભાઈ-બહેનો હોવાથી પ્રચારની ગોઠવણમાં ઓછો સમય જશે અને ગ્રૂપ નિરીક્ષક તેઓ પર પૂરતું ધ્યાન આપી શકશે. ભાઈ-બહેનોના સંજોગોને ધ્યાનમાં રાખીને વડીલોનું જૂથ નક્કી કરશે કે, તેઓ માટે સૌથી સારું શું છે. સભાને અંતે ટૂંકી પ્રાર્થના થાય એ પહેલાં, ભાઈ-બહેનો જાણતાં હોવા જોઈએ કે તેઓ કોની સાથે અને ક્યાં કામ કરશે.
૪. શા માટે પ્રચારની સભાને બીજી સભાઓની જેમ જ મહત્ત્વની ગણવી જોઈએ?
૪ મંડળની સભાઓની જેમ પ્રચારની સભા પણ મહત્ત્વની છે: પ્રચારમાં જતા ભાઈ-બહેનો માટે એ સભા રાખવામાં આવતી હોવાથી કદાચ આખા મંડળે એમાં હાજરી આપવાની જરૂર નથી. પણ, એનો અર્થ એ નથી કે પ્રચારની સભા બીજી સભા કરતાં ઓછી મહત્ત્વની છે. બીજી સભાઓની જેમ, એ પણ યહોવાની એક ગોઠવણ છે. એનાથી આપણને એકબીજા પ્રત્યે પ્રેમ રાખવા અને સારાં કામ કરવાં ઉત્તેજન મળે છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) એટલે, સભા લેનાર ભાઈએ એની અગાઉથી તૈયારી કરવી જોઈએ. આમ, પોતે જે ચર્ચા કરશે એનાથી યહોવાને મહિમા મળશે અને હાજર રહેનારાઓને લાભ થશે. તેથી, બની શકે તો પ્રચારમાં જતા પહેલાં ભાઈ-બહેનોએ, એ સભામાં ભાગ લેવા બનતું બધું જ કરવું જોઈએ.
પ્રચારની સભાને બીજી સભા કરતાં ઓછી મહત્ત્વની ગણવી ન જોઈએ
૫. (ક) પ્રચારની સભા ગોઠવવા સેવા નિરીક્ષક શું કરશે? (ખ) પ્રચારની સભા ચલાવવાનું કોઈ બહેનને સોંપવામાં આવે ત્યારે તે કઈ રીતે કરશે?
૫ સભા લેનાર ભાઈએ કેવી તૈયારી કરવી જોઈએ? સભામાં પોતાનો ભાગ સારી રીતે રજૂ કરવા વ્યક્તિને અગાઉથી સોંપણી મળવી જોઈએ. પ્રચારની સભા માટે પણ એવું જ છે. પ્રચાર માટે ગ્રૂપ અલગ અલગ જગ્યાએ મળે ત્યારે, ગ્રૂપ નિરીક્ષક કે તેમના સહાયક એ ગ્રૂપ માટે સભા ચલાવે છે. પણ, જ્યારે આખું મંડળ પ્રચારની સભા માટે ભેગું મળવાનું હોય, ત્યારે કોણ સભા લેશે એ સેવા નિરીક્ષક નક્કી કરશે. અમુક સેવા નિરીક્ષક અગાઉથી શેડ્યુલ તૈયાર કરીને સભા લેનાર ભાઈઓને આપે છે અને નોટિસ બોર્ડ પર મૂકી દે છે. પ્રચારની સભા પણ મહત્ત્વની હોવાથી સભા લેનાર ભાઈમાં શીખવવાની અને ગોઠવણ કરવાની સારી આવડત હોવી જોઈએ. તેથી, સેવા નિરીક્ષક સમજી-વિચારીને એ ભાઈની પસંદગી કરશે. અમુક વાર વડીલ, સેવકાઈ ચાકર કે બાપ્તિસ્મા પામેલા કોઈ ભાઈ ન હોય ત્યારે, સેવા નિરીક્ષક બાપ્તિસ્મા પામેલા બહેનને સભા ચલાવવાનું સોંપી શકે.—“પ્રચારની સભા બહેન ચલાવે ત્યારે” લેખ જુઓ.
૬. પ્રચારની સભા લેનાર ભાઈએ શા માટે એની સારી તૈયારી કરવી જોઈએ?
૬ દેવશાહી સેવા શાળા અથવા સેવા સભામાં આપણને કોઈ સોંપણી મળે ત્યારે, એની સારી તૈયારી કરીએ છીએ. બહુ ઓછા લોકો હશે, જેઓ સભામાં જતી વખતે વિચારશે કે શું બોલીશું. પ્રચારની સભા ચલાવવાની સોંપણી મળે ત્યારે એને પણ એટલી જ મહત્ત્વની ગણવી જોઈએ. હવે એ સભાનો સમય ઓછો હોવાથી એને સારી રીતે ચલાવવા અને સમયસર પતાવવા અગાઉથી તૈયારી કરવી ખૂબ જરૂરી છે. ઉપરાંત, સારી તૈયારીમાં અગાઉથી પ્રચાર વિસ્તાર મેળવી લેવાનો પણ સમાવેશ થાય છે.
૭. સભા લેનાર ભાઈ શાની ચર્ચા કરી શકે?
૭ શાની ચર્ચા કરવી જોઈએ? જુદા જુદા પ્રચાર વિસ્તારમાં રહેતા લોકોના સંજોગો પણ અલગ અલગ હોય છે. તેથી, આપણે પ્રચારની સભામાં શાની ચર્ચા કરવી જોઈએ એ વિશે વિશ્વાસુ ચાકરે લિસ્ટ આપ્યું નથી. “પ્રચારની સભામાં ચર્ચા કરી શકાય એવા મુદ્દા” બૉક્સમાં અમુક સૂચનો આપ્યાં છે. મોટા ભાગે આ સભા એક ચર્ચાના રૂપમાં હશે. અમુક વખતે એ સભામાં સારી રીતે તૈયાર કરેલું દૃશ્ય કે jw.org વેબ સાઇટ પરથી વિડીયો બતાવી શકાય. સભા લેનાર ભાઈએ તૈયારી કરતી વખતે વિચારવું જોઈએ કે, એ દિવસે પ્રચારમાં જતા ભાઈ-બહેનોને પોતે કઈ રીતે ઉતેજન અને મદદ આપી શકે.
સભા લેનાર ભાઈએ તૈયારી કરતી વખતે વિચારવું જોઈએ કે,એ દિવસે પ્રચારમાં જતા ભાઈ-બહેનોને પોતે કઈ રીતે ઉતેજન અને મદદ આપી શકે
૮. શનિ-રવિ પ્રચારની સભામાં ચર્ચા કરવા માટે સૌથી સારું શું રહેશે?
૮ શનિવારે મોટા ભાગે ભાઈ-બહેનો પ્રચારમાં ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન આપે છે. ઘણાં ભાઈ-બહેનો આખા અઠવાડિયામાં ફક્ત શનિવારે પ્રચારમાં જાય છે. એટલે, કુટુંબ તરીકે ભક્તિની સાંજે તેઓએ રજૂઆતની પ્રૅક્ટિસ કરી હોય એ યાદ રાખવી મુશ્કેલ હોય શકે. તેથી, સારું રહેશે કે સભા લેનાર ભાઈ આપણી રાજ્ય સેવાના છેલ્લા પાન પર આપેલી કોઈ એક રજૂઆતને ફરી યાદ કરાવે. અમુક વખતે મૅગેઝિનની રજૂઆતમાં કોઈ સમાચાર, બનાવ અથવા જાહેર રજાનો ઉપયોગ કરીને કઈ રીતે વાત કરવી એની ચર્ચા કરે. અથવા જો ઘરમાલિક મૅગેઝિન સ્વીકારે, તો ફરી મળવાની ગોઠવણ કઈ રીતે કરી શકાય એની ચર્ચા કરે. જો ભાઈ-બહેનોએ એ મૅગેઝિન આપ્યા હોય, તો સભા લેનાર ભાઈ તેઓને અમુક સૂચનો અને સારા અનુભવો જણાવવાનું કહી શકે. રવિવારે પણ સભા લેનાર ભાઈ મહિનાની ઑફર વિશે એવું કંઈક કરવાનું નક્કી કરી શકે. અભ્યાસ માટેના સાહિત્ય જેમ કે, ખુશખબર અને ભગવાનનું સાંભળો પુસ્તિકા અને બાઇબલ શીખવે છે પુસ્તક કોઈ પણ દિવસે આપી શકાય. તેથી, સભા લેનાર ભાઈ ટૂંકમાં જણાવી શકે કે, એ સાહિત્ય પ્રચારમાં કઈ રીતે આપી શકાય.
૯. શનિ-રવિ ખાસ ઝુંબેશમાં ભાગ લેવાનો હોય તો, કઈ બાબતોની ચર્ચા કરી શકાય?
૯ શનિ-રવિના મંડળ ખાસ ઝુંબેશમાં ભાગ લેવાનું હોય ત્યારે, ભાઈ શું કરશે? તે સભામાં ચર્ચા કરશે કે, આમંત્રણ પત્રિકા અથવા બીજી કોઈ પત્રિકાની સાથે નવાં મૅગેઝિન કઈ રીતે આપી શકાય. તેમ જ, ઘરમાલિક જો રસ બતાવે તો કઈ રીતે તેમની સાથે ચર્ચા કરી શકાય. બીજી રીત છે કે, ઝુંબેશ દરમિયાન થયેલા કોઈ સારા અનુભવો જણાવો.
૧૦, ૧૧. પ્રચારની સભાને સફળ બનાવવા ભાઈ-બહેનો તૈયારી કરે એ કેમ મહત્ત્વનું છે?
૧૦ ભાઈ-બહેનોએ કેવી તૈયારી કરવી જોઈએ? પ્રચારની સભામાં જતા ભાઈ-બહેનો પણ એને સફળ બનાવવામાં ભાગ આપે છે. તેઓ અગાઉથી પ્રચારની તૈયારી કરી શકે. કદાચ કુટુંબ તરીકેની ભક્તિની સાંજે એની તૈયારી કરે. આમ કરવાથી શીખેલી બાબતોને બીજા ભાઈ-બહેનોને જણાવી શકશે. સારી તૈયારીમાં એનો પણ સમાવેશ થાય છે કે, આપણે મૅગેઝિન અને સાહિત્ય પ્રચારની સભા પહેલાં મેળવી લઈએ. એનાથી, આપણે પ્રચાર વિસ્તારમાં તરત જઈ શકીશું.
૧૧ પ્રચારની સભા શરૂ થાય એ પહેલાં પહોંચવું ઘણું મહત્ત્વનું છે. જોકે, મંડળની દરેક સભામાં સમયસર પહોંચવા આપણે ઘણી મહેનત કરીએ છીએ. જો પ્રચારની સભામાં મોડા જઈશું, તો ઘણી ખલેલ પહોંચી શકે છે. કઈ રીતે? સભા લેનાર ભાઈ ઘણી બધી બાબતોનો વિચાર કરીને ગ્રૂપ પાડે છે. જેમ કે, ઓછા ભાઈ-બહેનો હશે તો, તે કદાચ જે વિસ્તાર થોડો બાકી રહી ગયો છે એમાં બધાને મોકલશે. અમુક ભાઈ-બહેનો સભામાં ચાલતાં આવ્યાં હોય અને પ્રચાર વિસ્તાર દૂર હોય તો, ભાઈ કદાચ તેઓને એવા પ્રકાશકો સાથે મોકલશે જેઓ પાસે વાહન છે. હિંસા થતી હોય એવા વિસ્તારમાં ભાઈઓને બહેનો સાથે અથવા બહેનોના ગ્રૂપની નજીક કામ કરવાનું જણાવી શકે. અશક્ત ભાઈ-બહેનોને એવાં ઘરોમાં મોકલી શકે જ્યાં પગથિયાં ન હોય અથવા ઓછા હોય. અનુભવી પ્રકાશકોને નવા પ્રકાશકો સાથે કામ કરવાનું કહી શકે. પરંતુ, પ્રકાશકો મોડા આવે તો, ભાઈએ તેઓ માટે ફેરગોઠવણ કરવી પડે. જોકે, અમુક વખતે મોડા આવવાનું યોગ્ય કારણ હોઈ શકે. પણ, કાયમ મોડા પહોંચતા હોઈએ તો, પોતાને પૂછી શકીએ: ‘શું મને પ્રચારની સભા માટે કદર નથી કે પછી મારું કામ-કાજ હું સમયસર પૂરું કરતો નથી?’
૧૨. પ્રચારમાં જવા તમે પોતાની રીતે ગોઠવણ કરતા હો ત્યારે, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
૧૨ પ્રચારની સભા શરૂ થતા પહેલાં અમુક ભાઈ-બહેનો કદાચ પોતાની રીતે ગોઠવણ કરે. અથવા કદાચ તેમની સાથે કોઈ ભાઈ કે બહેન કામ કરે એવી ગોઠવણ કરવામાં આવે. જો તમે જાતે પ્રચારની ગોઠવણ કરતા હો, તો દર વખતે પોતાના મિત્ર સાથે કામ કરવાને બદલે શું તમે ‘દિલ ખુલ્લાં’ એટલે કે મોટું મન રાખીને બીજા ભાઈ-બહેનો સાથે પણ કામ કરી શકો? (૨ કોરીં. ૬:૧૧-૧૩, કોમન લેંગ્વેજ) શું તમે કોઈ વાર નવા પ્રકાશકો સાથે કામ કરવાની ગોઠવણ કરી શકો, જેથી તેઓ શીખવવાની આવડતમાં સુધારો કરી શકે? (૧ કોરીં. ૧૦:૨૪; ૧ તીમો. ૪:૧૩, ૧૫) સભામાં જે કંઈ માર્ગદર્શન મળે એને ધ્યાનથી સાંભળો. પ્રચાર ક્યાંથી શરૂ કરવો એ પણ ધ્યાનથી સાંભળો. સભાની અંતે ગોઠવણમાં ફેરફાર કરવાનું ટાળો અને પ્રચાર વિસ્તારમાં તરત જતા રહો.
૧૩. આપણે બધા પોતાનો ભાગ ભજવીશું તો, કઈ રીતે પ્રચારની સભાથી ફાયદો થશે?
૧૩ ઈસુએ ૭૦ શિષ્યોને પ્રચારમાં મોકલ્યા હતા, તેઓ “હરખાતા હરખાતા પાછા આવ્યા.” (લુક ૧૦:૧૭) પ્રચારમાં જતા પહેલાં ઈસુએ તેમને સલાહ આપી એનાથી તેમને ફાયદો થયો. એ જ રીતે, આજે પ્રચારની સભામાંથી આપણને ફાયદો થઈ શકે છે. સભામાં આવનાર દરેક પોતાનો ભાગ ભજવે તો, એનાથી ઉત્તેજન મેળવવા, તૈયાર થવા અને ગોઠવણ કરવા મદદ મળશે. આમ ‘સર્વ પ્રજાઓને સાક્ષી’ આપવાનું કાર્ય પૂરું કરી શકીશું.—માથ. ૨૪:૧૪.