પ્રચારના ગ્રૂપથી લાભ મેળવીએ
૧. મંડળ પુસ્તક અભ્યાસના કયા ફાયદાઓ પ્રચાર ગ્રૂપમાં હજી પણ મળી રહે છે?
૧ મંડળ પુસ્તક અભ્યાસની અમુક બાબતો શું તમને યાદ આવે છે? એ વખતે ગ્રૂપ નાનાં હતા અને વધારે હળવાશ અનુભવતા હતા. એના લીધે ગાઢ મિત્રો બનાવી શકતા અને ઈશ્વરની ભક્તિમાં મજબૂત થવા મદદ મળતી. (નીતિ. ૧૮:૨૪) પુસ્તક અભ્યાસ નિરીક્ષક આપણા સંજોગો વધુ સારી રીતે જાણી શકતા હતા અને ઉત્તેજન આપતા હતા. (નીતિ. ૨૭:૨૩; ૧ પીત. ૫:૨, ૩) જોકે, આ ફાયદાઓ પ્રચારના ગ્રૂપમાં હજી પણ મળી રહે છે.
૨. પ્રચાર ગ્રૂપના ભાઈ-બહેનોની નજીક આવવા અને ભક્તિમાં ઉત્તેજન મેળવવા કેવા પગલાં લઈ શકીએ?
૨ પહેલ કરીએ: મંડળ પુસ્તક અભ્યાસની જેમ પ્રચાર ગ્રૂપ પણ નાનાં રાખવામાં આવે છે. “સાથે મળીને” પ્રચારમાં ભાગ લેવાથી ભાઈ-બહેનો સાથે ગાઢ દોસ્તી બાંધી શકીશું. (ફિલિ. ૧:૨૭, ઈઝી-ટુ-રીડ વર્ઝન) પ્રચાર ગ્રૂપમાં શું તમે બધા ભાઈ-બહેનો સાથે કામ કર્યું છે? કેમ નહિ કે એમ કરવા વધુ પ્રયત્ન કરતા રહો? વધુમાં, કોઈ વાર આપણા ગ્રૂપમાંથી કોઈને કુટુંબ તરીકે ભક્તિમાં જોડાવા કે પછી જમવા બોલાવી શકીએ. અમુક મંડળોના જુદા જુદા પ્રચાર ગ્રૂપ મુલાકાતી વક્તાની વારાફરતી મહેમાનગતિ કરતા હોય છે. મુલાકાતી વક્તા કદાચ ગ્રૂપમાં જમવા ના રોકાય, તોપણ ગ્રૂપના ભાઈ-બહેનો જમવા અને એકબીજાથી ઉત્તેજન મેળવવા ભેગા થતા હોય છે.
૩. પ્રચાર ગ્રૂપના વડીલો પાસેથી ઉત્તેજન મેળવવાની કેવી તકો રહેલી છે?
૩ હવે મંડળો અઠવાડિયામાં ફક્ત બે વાર મળે છે. જોકે એનો અર્થ એ નથી કે ભાઈ-બહેનોને હવે વડીલો તરફથી ઓછું ઉત્તેજન મળે છે. પ્રકાશકોને પૂરતું ઉત્તેજન અને પ્રચાર માટે તાલીમ પૂરાં પાડવાં ગ્રૂપ નિરીક્ષક નીમવામાં આવ્યા છે. જો ગ્રૂપ નિરીક્ષકે તમારી સાથે કામ કર્યું ન હોય, તો કેમ નહિ તેમની સાથે કામ કરવાની તમે ગોઠવણ કરો. વધુમાં, સેવા નિરીક્ષક મહિનામાં એક શનિ-રવિ બીજા ગ્રૂપ સાથે પ્રચાર કામ કરે છે. નાના મંડળોમાં જો પ્રચાર-ગ્રૂપ ઓછા હોય, તો સેવા નિરીક્ષક વર્ષમાં બે વાર દરેક ગ્રૂપની મુલાકાત લેવાની ગોઠવણ કરી શકે. તમારા પ્રચાર ગ્રૂપમાં સેવા નિરીક્ષક કામ કરે ત્યારે, શું તમે પ્રચારમાં જવાની ગોઠવણ કરો છો?
૪. (ક) પ્રચાર સભાની ગોઠવણ કઈ રીતે કરવામાં આવે છે? (ખ) પ્રચારની સભા માટે ઘર ખુલ્લું કેમ રાખવું જોઈએ?
૪ દરેક ગ્રૂપ શનિ-રવિના પ્રચારની સભા માટે જુદી જગ્યાએ મળે એનાથી ઘણો ફાયદો થાય છે. પ્રચારની સભા માટે જુદું જુદું ગ્રૂપ દર અઠવાડિયે નક્કી કરેલા સમયે મળે એ સારું રહેશે. એનાથી પ્રકાશકોને એ સભામાં અથવા પ્રચાર વિસ્તારમાં જવું નજીક પડશે. પ્રચારમાં કોણ કોની સાથે કામ કરશે એ નક્કી કરવામાં વાર નહિ લાગે અને પ્રચાર જલદી શરૂ કરી શકાશે. તેમ જ, નિરીક્ષક પોતાના ગ્રૂપમાં બધાનું ધ્યાન રાખી શકશે. જોકે અમુક સંજોગોમાં બે કે વધુ ગ્રૂપ સાથે કામ કરી શકે. ઘણા મંડળો પ્રચાર સભા માટે મહિનાના પહેલાં શનિવારે કે ચોકીબુરજના અભ્યાસ પછી મળતા હોય છે. જો એમ હોય તો ગ્રૂપના સભ્યો સાથે બેસે એ સારું રહેશે. નિરીક્ષકો પોતાના ગ્રૂપની ગોઠવણ કરે એ પછી જ પ્રાર્થના કરી છૂટાં પડવું જોઈએ.—“પ્રચારની સભા માટે ઘર ખુલ્લું રાખીએ” બૉક્સ જુઓ.
૫. મંડળ પુસ્તક અભ્યાસ હવે થતાં નથી, છતાં આપણે શું ખાતરી રાખી શકીએ?
૫ મંડળ પુસ્તક અભ્યાસ હવે થતા નથી. છતાં યહોવાની ઇચ્છા મુજબ કરવા જે જરૂરી છે એ બધું તે આપણને પૂરું પાડી રહ્યા છે. (હિબ્રૂ ૧૩:૨૦, ૨૧) યહોવાની દેખરેખ હોવાથી આપણને કશાની ખોટ સાલતી નથી. (ગીત. ૨૩:૧) પ્રચાર ગ્રૂપ દ્વારા આપણને ઘણા આશીર્વાદો મળે છે. જો આપણે પહેલ કરીશું અને ‘ઉદારતાથી વાવીશું,’ તો ‘ઉદારતાથી લણીશું.’—૨ કોરીં. ૯:૬.
[પાન ૬ પર બોક્સ]
પ્રચારની સભા માટે ઘર ખુલ્લું રાખીએ
પ્રચારની સભા માટે પૂરતાં ઘર ન હોવાને લીધે અમુક મંડળોએ બે-ત્રણ ગ્રૂપ ભેગા કરવા પડે છે. પ્રચારની સભા પણ મંડળની એક ગોઠવણ છે. તેથી જગ્યા પૂરી પાડવી એક લહાવો છે. શું તમે એ માટે તમારું ઘર ખુલ્લું રાખી શકો? તમને લાગતું હોય કે ઘર નાનું છે, તોપણ સંકોચ ન કરશો. એ પસંદ કરવાની જવાબદારી વડીલોની છે. જેમ પુસ્તક અભ્યાસ વખતે થતું, તેમ તેઓ તમારું ઘર કયા વિસ્તારમાં છે અને એવી બીજી બાબતો ધ્યાનમાં લેશે. જો તમે તમારું ઘર પ્રચારની સભા માટે ખુલ્લું રાખવા ચાહતા હો, તો તમારા ગ્રૂપ નિરીક્ષકને જણાવો.