પાઠ ૧૨
યાકૂબને વારસો મળ્યો
ઇસહાક ૪૦ વર્ષના હતા ત્યારે, તેમણે રિબકા સાથે લગ્ન કર્યા. તે રિબકાને ખૂબ પ્રેમ કરતા હતા. અમુક સમય પછી તેઓને જોડિયા દીકરાઓ થયા.
મોટા દીકરાનું નામ એસાવ હતું. તેમને ઘરની બહાર રહેવું ગમતું. તે એક સારા શિકારી હતા. નાના દીકરાનું નામ યાકૂબ હતું અને તેમને ઘરમાં રહેવું ગમતું.
જૂના જમાનામાં પિતાના મરણ પછી તેમની માલ-મિલકતનો મોટાભાગનો હિસ્સો મોટા દીકરાને મળતો. એને વારસો કહેવાય. પણ ઇસહાકને મળેલા વારસામાં બીજું પણ કંઈક ખાસ હતું. તમને યાદ છે, યહોવાએ ઇબ્રાહિમને અમુક વચનો આપ્યાં હતાં! એ વચનો પણ વારસાનો ભાગ હતાં. એસાવ માટે એ વચનોનું કોઈ મહત્ત્વ ન હતું. પણ યાકૂબ એનું મહત્ત્વ સારી રીતે જાણતા હતા.
એક વખતની વાત છે. એસાવ આખો દિવસ શિકાર કરીને ઘરે પાછા આવ્યા. તે થાકીને લોથપોથ થઈ ગયા હતા. યાકૂબ જે જમવાનું બનાવતા હતા, એસાવને એની સુગંધ આવી. તેમણે યાકૂબને કહ્યું: ‘મને કકડીને ભૂખ લાગી છે. તું જે લાલ દાળ બનાવે છે, એમાંથી થોડી મને આપ.’ યાકૂબે કહ્યું: ‘પહેલા વચન આપ કે તારો વારસો તું મને આપી દઈશ.’ એસાવે કહ્યું: ‘હું મારો વારસો રાખીને શું કરીશ. તું લઈ લે. મને તો બસ ખાવાનું જોઈએ છે.’ તમને શું લાગે છે, એસાવે જે કર્યું એ બરાબર હતું? ના! એસાવે ફક્ત એક વાટકી દાળ માટે કીમતી વસ્તુ આપી દીધી.
હવે ઇસહાક બહુ ઘરડા થઈ ગયા હતા. તે મરતા પહેલાં મોટા દીકરાને આશીર્વાદ આપવા માંગતા હતા. પણ રિબકાએ નાના દીકરા યાકૂબને એ આશીર્વાદ મેળવવા મદદ કરી. જ્યારે એસાવને એ બધા વિશે ખબર પડી, ત્યારે તેમને બહુ ગુસ્સો આવ્યો. તે પોતાના જોડિયા ભાઈને મારી નાખવા માંગતા હતા. ઇસહાક અને રિબકા યાકૂબને બચાવવા માંગતાં હતાં, એટલે તેઓએ યાકૂબને કહ્યું: ‘તું તારા મામા લાબાનના ઘરે જતો રહે. એસાવનો ગુસ્સો ઠંડો ન પડે ત્યાં સુધી ત્યાં જ રહેજે.’ માતા-પિતાની વાત માનીને યાકૂબ ત્યાં જતા રહ્યા.
“જો કોઈ માણસ આખી દુનિયા મેળવે અને પોતાનું જીવન ગુમાવે તો એનાથી શો લાભ? માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે?”—માર્ક ૮:૩૬, ૩૭