પાઠ ૧૮
બળતું ઝાડવું
મૂસા મિદ્યાનમાં ૪૦ વર્ષ રહ્યા. ત્યાં તેમણે લગ્ન કર્યા અને તેમને બાળકો થયાં. એક દિવસ તે સિનાઈ પર્વત નજીક ઘેટાં ચરાવતા હતા. ત્યાં તેમણે એવું કંઈક જોયું જેનાથી તેમને બહુ નવાઈ લાગી. તેમણે જોયું કે એક ઝાડવામાં આગ લાગી છે, પણ એ જરાય બળતું ન હતું. એટલે એ જોવા તે ઝાડવાની નજીક ગયા ત્યારે, એમાંથી એક અવાજ આવ્યો: ‘મૂસા, તું વધારે નજીક ન આવતો. તારા ચંપલ ઉતાર, કેમ કે તું પવિત્ર જગ્યા પર ઊભો છે.’ એ તો યહોવા હતા, જે દૂત દ્વારા વાત કરી રહ્યા હતા.
મૂસા ગભરાઈ ગયા. તેમણે પોતાનો ચહેરો ઢાંકી દીધો. યહોવાએ કહ્યું: ‘મેં ઇઝરાયેલીઓની તકલીફો જોઈ છે. હું તેઓને ઇજિપ્તના હાથમાંથી છોડાવીશ અને તેઓને એક સુંદર દેશમાં લઈ જઈશ. તું ઇજિપ્ત દેશમાંથી મારા લોકોને બહાર કાઢી લાવીશ.’ તમને શું લાગે છે, એ સાંભળીને મૂસાને કેવું લાગ્યું હશે?
મૂસાએ પૂછ્યું: ‘જો લોકો મને પૂછે કે તને કોણે મોકલ્યો, તો હું શું કહીશ?’ યહોવાએ કહ્યું: ‘તેઓને કહેજે, યહોવાએ મને મોકલ્યો છે, જે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર છે.’ પછી મૂસાએ કહ્યું: ‘જો લોકો મારું નહિ માને, તો હું શું કરીશ?’ યહોવાએ મૂસાને ભરોસો અપાવવા ચમત્કાર કર્યો. તેમણે મૂસાને કહ્યું: ‘તારી લાકડી જમીન પર ફેંક.’ જ્યારે મૂસાએ લાકડી જમીન પર ફેંકી, ત્યારે એ સાપ બની ગઈ. પછી તેમણે સાપની પૂંછડી પકડી ત્યારે એ ફરીથી લાકડી બની ગઈ. યહોવાએ કહ્યું: ‘જ્યારે લોકો આગળ તું આ ચમત્કાર કરીશ, ત્યારે તેઓ માની જશે કે મેં તને મોકલ્યો છે.’
મૂસાએ કહ્યું: ‘મને તો સારી રીતે બોલતા પણ નથી આવડતું.’ એટલે યહોવાએ તેમને વચન આપ્યું: ‘તારે શું કહેવું એ હું તને જણાવીશ. તારી મદદ કરવા તારા ભાઈ હારુનને તારી સાથે મોકલીશ.’ હવે મૂસાને ભરોસો થયો કે યહોવા તેમની સાથે છે. એટલે તે પોતાની પત્ની અને દીકરાઓને લઈને ઇજિપ્ત જવા નીકળી ગયા.
“ચિંતા ન કરતા કે તમે કેવી રીતે બોલશો અથવા શું બોલશો. તમારે જે કહેવાનું છે એ તમને એ સમયે જણાવવામાં આવશે.”—માથ્થી ૧૦:૧૯