પાઠ ૨૦
પછીની છ આફતો
મૂસા અને હારુન ફરી એક વાર રાજા પાસે ગયા અને ઈશ્વરનો સંદેશો સંભળાવ્યો: ‘જો તું મારા લોકોને જવા નહિ દે, તો હું દેશ પર કરડતી માખીઓ મોકલીશ.’ પછી આખા ઇજિપ્તમાં કરડતી માખીઓનાં ઝુંડેઝુંડ આવી ગયાં. અમીર હોય કે ગરીબ, બધાનાં ઘરો માખીઓથી ઊભરાઈ ગયાં. આખા દેશમાં માખીઓ જ માખીઓ થઈ ગઈ. પણ ગોશેન નામની જગ્યામાં, જ્યાં ઇઝરાયેલીઓ રહેતા હતા ત્યાં એક પણ માખી ન હતી. આ ચોથી આફતથી ફક્ત ઇજિપ્તના લોકોને જ નુકસાન થયું. રાજાએ આજીજી કરી: ‘યહોવાને વિનંતી કરો કે આ માખીઓને દૂર કરે, પછી તમે જઈ શકો છો.’ પણ જ્યારે યહોવાએ માખીઓ દૂર કરી, ત્યારે રાજા પોતાની વાતથી ફરી ગયો. તમને શું લાગે છે, રાજા ક્યારેય પોતાનો ઘમંડ છોડશે?
યહોવાએ કહ્યું: ‘જો રાજા મારા લોકોને જવા નહિ દે, તો ઇજિપ્તનાં લોકોનાં જાનવરો બીમાર થઈને મરી જશે.’ બીજા દિવસે તેઓનાં જાનવરો મરવા લાગ્યાં, પણ ઇઝરાયેલીઓના જાનવરોને કંઈ ના થયું. એ પછી પણ રાજાએ પોતાની જીદ પકડી રાખી.
યહોવાએ મૂસાને કહ્યું કે તે ફરીથી રાજા પાસે જાય અને તેની સામે રાખ હવામાં ઉડાવે. જ્યારે મૂસાએ એમ કર્યું, ત્યારે રાખ ધૂળમાં ફેરવાઈ ગઈ અને આખા ઇજિપ્તમાં ફેલાઈ ગઈ. એના લીધે ઇજિપ્તના લોકો અને તેઓનાં જાનવરોને ગૂમડાં થયાં. તેઓને ઘણી પીડા થઈ. તોપણ રાજાએ ઇઝરાયેલીઓને જવા દીધા નહિ.
યહોવાએ મૂસાને કહ્યું કે તે ફરી રાજાને જઈને કહે: ‘શું તું હજુ પણ મારા લોકોને જવા નહિ દે? આવતી કાલે આ દેશ પર કરા પડશે.’ બીજા દિવસે યહોવાએ ગડગડાટ સાથે કરા અને આગ વરસાવ્યાં. ઇજિપ્ત પર આટલું ખતરનાક તોફાન પહેલાં ક્યારેય આવ્યું ન હતું. એનાથી બધાં ઝાડ તૂટી ગયાં અને પાકને ભારે નુકસાન થયું. પણ ગોશેનમાં કરા પડ્યા નહિ. રાજાએ કહ્યું: ‘યહોવાને વિનંતી કરો કે આ આફત બંધ કરે પછી હું તમને જવા દઈશ.’ પણ કરા અને વરસાદ પડવાનું બંધ થયું કે તરત રાજાએ પોતાનું મન બદલી નાખ્યું.
મૂસાએ કહ્યું: ‘હવે તીડો આવશે. કરાથી જે છોડ બચી ગયા હતા, એને તેઓ ખાઈ જશે.’ લાખો તીડો તૂટી પડ્યા. ખેતરોમાં અને ઝાડ પર જે કંઈ બચ્યું હતું, એ બધું તેઓ સફાચટ કરી ગયા. રાજાએ કહ્યું: ‘યહોવાને અરજ કરો કે આ તીડોને દૂર કરી દે.’ યહોવાએ તીડોની આફત અટકાવી દીધી. એ પછી રાજાનું મન પાછું બદલાઈ ગયું.
યહોવાએ મૂસાને કહ્યું: ‘તારો હાથ આકાશ તરફ ઊંચો કર.’ મૂસાએ એમ કર્યું કે તરત ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. ત્રણ દિવસ સુધી ઇજિપ્તના લોકો કંઈ જોઈ શક્યા નહિ. અરે, તેઓ એકબીજાને પણ જોઈ શકતા ન હતા. ફક્ત ઇઝરાયેલીઓના ઘરમાં જ અજવાળું હતું.
રાજાએ મૂસાને કહ્યું: ‘તું અને તારા લોકો અહીંથી જઈ શકો, પણ તમારાં પ્રાણીઓ લઈ ન જતા.’ મૂસાએ કહ્યું: ‘અમે પ્રાણીઓ લઈ જઈશું, જેથી ઈશ્વરને અર્પણ ચઢાવી શકીએ.’ એ સાંભળી રાજા તપી ગયો. તેણે ગુસ્સેથી કહ્યું: ‘તું અહીંથી જતો રહે, જો ફરી મારી સામે આવ્યો તો તને મારી નાખીશ.’
“તમે ફરીથી નેક અને દુષ્ટ વચ્ચેનો ફરક અને ઈશ્વરની સેવા કરનાર અને નહિ કરનાર વચ્ચેનો ફરક જોશો.”—માલાખી ૩:૧૮