પાઠ ૨૪
ઇઝરાયેલીઓએ વચન તોડ્યું
યહોવાએ મૂસાને કહ્યું: ‘તું મારી પાસે પર્વત પર આવ, હું તને પથ્થરની પાટીઓ પર મારા નિયમો લખીને આપીશ.’ મૂસા પર્વત પર ગયા અને ત્યાં ૪૦ દિવસ અને ૪૦ રાત રહ્યા. ત્યાં યહોવાએ પથ્થરની પાટીઓ પર દસ આજ્ઞાઓ લખીને મૂસાને આપી.
આટલા દિવસ થઈ ગયા એટલે ઇઝરાયેલીઓને લાગ્યું કે મૂસા તેઓને છોડીને જતા રહ્યા છે. તેઓએ હારુનને કહ્યું: ‘અમને એવું કોઈ જોઈએ છે, જે અમને આગળ દોરી જાય. તું અમારા માટે એક દેવ બનાવ.’ હારુને કહ્યું: ‘તમારું સોનું મને આપો.’ હારુને સોનું ઓગાળીને એક વાછરડું બનાવ્યું. લોકોએ કહ્યું: ‘આ વાછરડું અમારો દેવ છે. એ અમને ઇજિપ્તમાંથી બહાર લઈ આવ્યો છે.’ તેઓ સોનાના વાછરડાની ભક્તિ કરવા લાગ્યા અને એની આગળ નાચ-ગાન કરવા લાગ્યા. તમને શું લાગે છે, તેઓએ જે કર્યું એ બરાબર હતું? ના. કેમ કે, તેઓએ વચન આપ્યું હતું કે તેઓ યહોવાની જ ભક્તિ કરશે. પણ હવે તેઓએ પોતાનું એ વચન તોડી નાખ્યું હતું.
યહોવા એ બધું જોતા હતા. તેમણે મૂસાને કહ્યું: ‘તું લોકો પાસે નીચે જા. તેઓએ મારી આજ્ઞા માની નથી અને જૂઠા દેવોની ભક્તિ કરવા લાગ્યા છે.’ મૂસા બંને પાટીઓ લઈને પર્વત પરથી નીચે આવ્યા.
મૂસા લોકોની નજીક આવી રહ્યા હતા ત્યારે, તેમને ગીતો ગાવાનો અવાજ સંભળાયો. તેમણે જોયું કે લોકો નાચી રહ્યા છે અને નમીને વાછરડાની ભક્તિ કરી રહ્યા છે. મૂસાને બહુ ગુસ્સો આવ્યો. તેમણે બંને પાટીઓ ફેંકી દીધી અને એના ટુકડે-ટુકડા થઈ ગયા. તેમણે તરત એ મૂર્તિનો નાશ કર્યો. પછી તેમણે હારુનને પૂછ્યું: ‘લોકોએ તને એવું તો શું કહ્યું કે તેઓની વાતોમાં આવીને તું આવું ખરાબ કામ કરી બેઠો!’ હારુને કહ્યું: ‘મારા પર ગુસ્સે ન થતો. તું તો જાણે છે કે આ લોકો કેવા છે. તેઓને એક દેવ જોઈતો હતો, એટલે મેં સોનું આગમાં નાખ્યું અને આ વાછરડું બની ગયું.’ હારુને એવું ન’તુ કરવું જોઈતું. મૂસા ફરી પાછા પર્વત પર ગયા અને લોકોને માફ કરવા યહોવાને આજીજી કરી.
યહોવાએ ફક્ત એવા લોકોને માફ કર્યા, જેઓ તેમની વાત માનવા તૈયાર હતા. શું તમે સમજી શકો છો કે ઇઝરાયેલીઓ માટે યહોવાની અને તેઓના આગેવાન મૂસાની વાત માનવી કેટલું મહત્ત્વનું હતું?
“જો તું ઈશ્વર આગળ કોઈ માનતા [વચન] લે, તો એને પૂરી કરવામાં મોડું ન કર, કેમ કે માનતા પૂરી ન કરનાર મૂર્ખ માણસથી તે ખુશ થતા નથી. તું જે માનતા લે, એને પૂરી કર.”—સભાશિક્ષક ૫:૪