પાઠ ૨૫
ભક્તિ કરવા માટે એક મંડપ
મૂસા સિનાઈ પર્વત પર હતા ત્યારે, યહોવાએ તેમને એક ખાસ મંડપ બનાવવા કહ્યું. હવે ઇઝરાયેલીઓ મંડપમાં ભક્તિ કરી શકશે. તેઓ જ્યાં પણ જશે, ત્યાં એ મંડપ લઈ જઈ શકશે.
યહોવાએ કહ્યું: ‘લોકોને કહેજે કે મંડપ બનાવવા માટે તેઓ જે કંઈ પણ આપી શકે, એ આપે.’ ઇઝરાયેલીઓએ સોનું, ચાંદી, તાંબું, કીમતી પથ્થર અને ઘરેણાં આપ્યાં. તેઓએ ઊન, બારીક શણ, જાનવરોનું ચામડું અને બીજી કેટલીય વસ્તુઓ આપી. તેઓ એટલું બધું લાવ્યાં કે મૂસાએ કહેવું પડ્યું: ‘હવે વધારે કંઈ ન લાવશો. અમારી પાસે ઘણી વસ્તુઓ થઈ ગઈ છે.’
ઘણાં કુશળ પુરુષો અને સ્ત્રીઓએ મંડપ બનાવવામાં મદદ કરી. એ કામ કરવા માટે યહોવાએ તેઓને બુદ્ધિ આપી. અમુક લોકોએ દોરા બનાવ્યા, અમુકે દોરાને ગૂંથીને કાપડ બનાવ્યાં અથવા ભરતકામ કર્યું. બીજા અમુકે કીમતી પથ્થર જડવાનું કામ કર્યું, અમુકે સોનાની વસ્તુઓ બનાવી અથવા લાકડા પર નકશીકામ કર્યું.
લોકોએ યહોવાના કહેવા પ્રમાણે જ મંડપ બાંધ્યો. તેઓએ એક સુંદર પડદો બનાવ્યો. એ પડદો પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનને અલગ પાડતો હતો. પરમ પવિત્ર સ્થાનમાં કરારકોશ હતો. એ બાવળના લાકડા અને સોનાથી બનાવ્યો હતો. પવિત્ર સ્થાનમાં સોનાની દીવી, મેજ, એટલે કે ટેબલ અને ધૂપવેદી હતી. બહાર આંગણામાં તાંબાનો હોજ અને એક મોટી વેદી હતી. કરારકોશ ઇઝરાયેલીઓને યાદ અપાવતો હતો કે તેઓએ યહોવાની આજ્ઞા પાળવાનું વચન આપ્યું છે. તમને ખબર છે કરાર એટલે શું? એનો અર્થ થાય, એક ખાસ વચન.
યહોવાએ હારુન અને તેમના દીકરાઓને મંડપમાં કામ કરવા માટે યાજક બનાવ્યા. તેઓએ મંડપની સંભાળ રાખવાની હતી અને ત્યાં યહોવાને બલિદાનો ચઢાવવાનાં હતાં. હારુન પ્રમુખ યાજક હતા. ફક્ત હારુન પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકતા હતા. તે વર્ષમાં એક વાર એની અંદર જઈને બલિદાન ચઢાવતા, જેથી તે પોતાના પાપોની, પોતાના કુટુંબના પાપોની અને આખી ઇઝરાયેલી પ્રજાના પાપોની માફી માંગી શકે.
ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર આવ્યા એના એક વર્ષ પછી, તેઓએ મંડપ બનાવવાનું કામ પૂરું કર્યું. હવે તેઓ પાસે યહોવાની ભક્તિ કરવા માટે એક જગ્યા હતી.
યહોવાએ મંડપને પોતાના ગૌરવથી ભરી દીધો. એની ઉપર એક વાદળ દેખાવા લાગ્યું. જ્યાં સુધી એ વાદળ મંડપ ઉપર છવાયેલું રહેતું, ત્યાં સુધી ઇઝરાયેલીઓ એ જ જગ્યાએ રહેતા. પણ જ્યારે વાદળ મંડપ પરથી ઊઠતું, ત્યારે તેઓને ખબર પડી જતી કે હવે તેઓએ આગળ વધવાનું છે. તેઓ મંડપને છૂટો પાડતા અને ઉઠાવીને વાદળની પાછળ પાછળ જતા.
“મેં રાજ્યાસનમાંથી મોટો અવાજ સાંભળ્યો: ‘જુઓ! ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. ઈશ્વર તેઓની સાથે રહેશે. તેઓ તેમના લોકો થશે અને ઈશ્વર પોતે તેઓ સાથે હશે.’”—પ્રકટીકરણ ૨૧:૩