પાઠ ૨૮
બલામની ગધેડીએ વાત કરી
ઇઝરાયેલીઓ લગભગ ૪૦ વર્ષથી વેરાન પ્રદેશમાં રહેતા હતા. તેઓએ ઘણાં શક્તિશાળી શહેરોને હરાવ્યાં હતાં. હવે તેઓએ યર્દન નદીની પૂર્વે, મોઆબનાં મેદાનોમાં તંબુઓ ઊભા કર્યા હતા. થોડા જ સમયમાં તેઓ વચન આપેલા દેશમાં જવાના હતા. મોઆબના રાજા બાલાકને ડર હતો કે ઇઝરાયેલીઓ તેનો દેશ છીનવી લેશે. એટલે તેણે ઇઝરાયેલીઓને શ્રાપ આપવા બલામ નામના એક માણસને મોઆબથી બોલાવ્યો.
પણ યહોવાએ બલામને કહ્યું: ‘તું ઇઝરાયેલીઓને શ્રાપ ન આપતો.’ એટલે બલામે મોઆબ જવાની ના પાડી. રાજા બાલાકે ફરી વાર બલામને બોલાવ્યો. રાજાએ તેને વચન આપ્યું કે તે જે માંગશે, એ તેને આપશે. તોપણ બલામે જવાની ના પાડી દીધી. પછી ઈશ્વરે બલામને કહ્યું: ‘તું મોઆબ જઈ શકે છે. પણ હું તને જે કહું, એ જ તું બોલજે.’
બલામ પોતાની ગધેડી પર બેસીને દક્ષિણમાં આવેલા મોઆબ જવા નીકળી પડ્યો. યહોવાએ તેને ઇઝરાયેલીઓને શ્રાપ આપવાની ના પાડી હતી. તોપણ તેણે શ્રાપ આપવાનું વિચાર્યું. એટલે યહોવાનો દૂત રસ્તામાં ત્રણ વાર દેખાયો. ગધેડી દૂતને જોઈ શકતી હતી પણ બલામ દૂતને જોઈ શકતો ન હતો. પહેલી વાર ગધેડીએ દૂતને જોયો ત્યારે, તે રસ્તો બદલીને ખેતરમાં જતી રહી. બીજી વાર તે પથ્થરની દીવાલે ઘસડાઈને ચાલવા લાગી, જેનાથી બલામનો પગ કચડાવા લાગ્યો. ત્રીજી વાર તે રસ્તામાં બેસી ગઈ. ત્રણેય વાર બલામે ગધેડીને લાકડીથી મારી.
ત્રીજી વાર તેણે ગધેડીને માર્યું ત્યારે, યહોવાએ ચમત્કાર કર્યો. ગધેડી બોલવા લાગી! ગધેડીએ બલામને પૂછ્યું: ‘તું મને કેમ મારે છે?’ બલામે કહ્યું: ‘તેં મારો મજાક ઉડાવ્યો છે. જો મારી પાસે તલવાર હોત, તો મેં તને મારી નાખી હોત.’ ગધેડીએ કહ્યું: ‘તમે આખી જિંદગી મારી પર સવારી કરી છે. શું મેં પહેલાં ક્યારેય આવું કર્યું છે?’
એ પછી યહોવાએ એવું કંઈક કર્યું કે બલામને પણ દૂત દેખાવા લાગ્યો. દૂતે તેને કહ્યું: ‘યહોવાએ તને કહ્યું હતું કે તું ઇઝરાયેલીઓને શ્રાપ ન આપીશ.’ બલામે કહ્યું: ‘મારાથી ભૂલ થઈ ગઈ. હું ઘરે પાછો જઉં છું.’ દૂતે કહ્યું: ‘તું મોઆબ જઈ શકે છે. પણ તું એ જ બોલજે, જે યહોવા તને કહે.’
શું બલામ એમાંથી કંઈ શીખ્યો? ના. એ પછી પણ ત્રણ વાર તેણે ઇઝરાયેલીઓને શ્રાપ આપવાની કોશિશ કરી. પણ દરેક વખતે યહોવાએ તેના મોઢે ઇઝરાયેલીઓને આશીર્વાદ જ અપાવ્યો. આખરે ઇઝરાયેલીઓએ મોઆબ પર હુમલો કર્યો અને બલામ માર્યો ગયો. જો બલામે પહેલાં જ યહોવાની વાત માની હોત, તો શું તેની સાથે આવું થાત?
“દરેક પ્રકારના લોભથી સાવધાન રહો. ભલે કોઈની પાસે ઘણું હોય, તોપણ મિલકતથી તેને જીવન મળતું નથી.”—લૂક ૧૨:૧૫