પાઠ ૩૪
ગિદિયોને મિદ્યાનીઓને હરાવ્યા
અમુક સમય પછી, ઇઝરાયેલીઓએ યહોવાની વાત માનવાનું છોડી દીધું અને જૂઠાં દેવી-દેવતાઓની પૂજા કરવા લાગ્યા. સાત વર્ષ સુધી મિદ્યાનીઓએ ઇઝરાયેલીઓના જાનવરોની ચોરી કરી અને તેઓના પાકનો નાશ કર્યો. મિદ્યાનીઓથી બચવા તેઓ પર્વતો અને ગુફાઓમાં છુપાઈ જતા. ઇઝરાયેલીઓએ યહોવાને ઘણી વિનંતી કરી કે તેઓને મિદ્યાનીઓથી બચાવે. એટલે યહોવાએ પોતાનો એક દૂત ગિદિયોન નામના એક યુવાન માણસ પાસે મોકલ્યો. દૂતે ગિદિયોનને કહ્યું: ‘એક બહાદુર સૈનિક તરીકે યહોવાએ તને પસંદ કર્યો છે.’ ગિદિયોને પૂછ્યું: ‘હું ઇઝરાયેલીઓને કઈ રીતે બચાવી શકું? હું તો કંઈ નથી.’
ગિદિયોને કઈ રીતે ખાતરી કરી કે યહોવાએ તેમને પસંદ કર્યા છે? તેમણે જમીન ઉપર ઊન મૂક્યું અને યહોવાને કહ્યું: ‘જો સવાર સુધી ઊન ઝાકળથી ભીનું થઈ જાય પણ આસપાસની જમીન કોરી રહે, તો હું સમજીશ કે ઇઝરાયેલીઓને બચાવવા તમે મને પસંદ કર્યો છે.’ બીજે દિવસે સવારે તેમણે જોયું કે ઊન એકદમ ભીનું થઈ ગયું છે, પણ આસપાસની જમીન કોરી છે. ગિદિયોને ફરી ઈશ્વરને કહ્યું કે કાલે સવારે ઊન કોરું રહે, પણ આસપાસની જમીન ભીની થઈ જાય અને એવું જ થયું. હવે ગિદિયોનને ખાતરી થઈ ગઈ હતી કે યહોવાએ તેમને પસંદ કર્યા છે. મિદ્યાનીઓ સામે લડવા તેમણે પોતાના સૈનિકોને ભેગા કર્યા.
યહોવાએ ગિદિયોનને કહ્યું: ‘હું ઇઝરાયેલીઓને જીત અપાવીશ. પણ તારી પાસે ઘણા બધા સૈનિકો છે. એટલે જીત મેળવ્યા પછી કદાચ તમને લાગે કે આ લડાઈ તમે પોતાની તાકાતથી જીતી છે. જેઓને ડર લાગતો હોય તેઓને ઘરે જવાનું કહેજે.’ એટલે ૨૨,૦૦૦ સૈનિકો ઘરે ગયા અને ૧૦,૦૦૦ બાકી રહ્યા. યહોવાએ કહ્યું: ‘હજુ પણ તારી સાથે ઘણા બધા સૈનિકો છે. તેઓને નદીએ લઈ જા અને પાણી પીવાનું કહેજે. તું એવા સૈનિકો રાખજે, જેઓ પાણી પીતી વખતે દુશ્મનો આવે છે કે નહિ એનું ધ્યાન રાખે.’ એ વાતનું ધ્યાન ફક્ત ૩૦૦ સૈનિકોએ રાખ્યું. યહોવાએ વચન આપ્યું કે આ થોડા સૈનિકો દ્વારા મિદ્યાનીઓના ૧,૩૫,૦૦૦ સૈનિકો સામે જીત અપાવશે.
એ રાતે યહોવાએ ગિદિયોનને કહ્યું: ‘મિદ્યાનીઓ પર હુમલો કરવાનો આ જ સમય છે.’ ગિદિયોને પોતાના માણસોને રણશિંગડાં અને મોટા ઘડા આપ્યાં, જેની અંદર મશાલો હતી. ગિદિયોને તેઓને કહ્યું: ‘તમે મને જોજો. હું જેવું કરું એવું જ કરજો.’ ગિદિયોને પોતાનું રણશિંગડું વગાડ્યું, મોટો ઘડો ફોડ્યો, સળગતી મશાલ હલાવી અને મોટેથી બૂમ પાડી: ‘યહોવાની અને ગિદિયોનની તલવાર.’ તેના ૩૦૦ માણસોએ પણ એવું જ કર્યું. એ જોઈને મિદ્યાનીઓ ડરી ગયા અને પાગલોની જેમ નાસભાગ કરવા લાગ્યા. તેઓને સમજાયું નહિ કે શું થઈ રહ્યું છે. તેઓ એકબીજાને જ મારવા લાગ્યા. આમ ફરી એક વાર યહોવાએ ઇઝરાયેલીઓને દુશ્મનો પર જીત અપાવી.
“અમને મળેલી તાકાત માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે અને એ તાકાત અમારી પોતાની નથી, પણ ઈશ્વર પાસેથી મળી છે.”—૨ કોરીંથીઓ ૪:૭