વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૭/૧૫ પાન ૧૪-૧૬
  • “યહોવાહની તથા ગિદઓનની તલવારની જે!”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “યહોવાહની તથા ગિદઓનની તલવારની જે!”
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • હોશિયાર ખેડૂત કે “પરાક્રમી શૂરવીર”?
  • ‘બઆલ પોતાનો બચાવ કરે!’
  • યુદ્ધ માટે તૈયારી
  • યુદ્ધની યોજના
  • આપણે શું શીખી શકીએ?
  • ગિદિયોને મિદ્યાનીઓને હરાવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • વડીલો, ગિદિયોન પાસેથી શીખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • યહોવા આપણા સૌથી સારા મિત્ર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૭/૧૫ પાન ૧૪-૧૬

“યહોવાહની તથા ગિદઓનની તલવારની જે!”

ઈસ્રાએલ પર ન્યાયાધીશોનું રાજ છે. ઈસ્રાએલી પ્રજાની હાલત બહુ ખરાબ છે. દુશ્મનોની સંખ્યા તીડો જેટલી છે. અરે તેઓ તીડો જેવા જ છે. ઈસ્રાએલી લોકો ખેતરો ખેડે. વાવેતર કરે. ખેતરો લીલા થયા નથી કે લૂંટારા આવ્યા નથી. મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વ દિશામાંથી લૂંટારાનાં ટોળેટોળાં ઊંટ પર આવી ચડે. લીલો ઘાસચારો દેખાય, એમાં ઢોરઢાંક છોડી મૂકે. ઊભો પાક લૂંટી લે. ઈસ્રાએલીઓનાં ઘેટાં-બકરાં, ઢોરઢાંક બધું લૂંટી લે. આવું તો સાત સાત વર્ષોથી ચાલ્યું આવે છે. ત્રાસ ત્રાસ થઈ ગયો હતો. બિચારા લોકો પહાડો અને ગુફાઓમાં અનાજ સંતાડી રાખતા. જેથી, દુશ્મનો ત્યાં સુધી સહેલાઈથી પહોંચી ન શકે ને એ લૂંટી ન શકે.

પણ ઈસ્રાએલી લોકોની આવી હાલત શા માટે? તેઓએ હાથે કરીને આવી આફત નોતરી હતી. તેઓએ સાચા ઈશ્વર યહોવાહને છોડી દીધા. મૂર્તિઓને, બીજા દેવી-દેવતાઓને ભજવા લાગ્યા. એટલે યહોવાહે તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા. ઈસ્રાએલીઓ ત્રાસ સહી શક્યા નહિ. તેઓ મદદ માટે યહોવાહ પાસે દોડી ગયા. તેમને વિનંતી કરવા લાગ્યા. શું યહોવાહે તેઓનું સાંભળ્યું? એમાંથી આપણે શું શીખી શકીએ?—ન્યાયાધીશો ૬:૧-૬.

હોશિયાર ખેડૂત કે “પરાક્રમી શૂરવીર”?

સામાન્ય રીતે ઈસ્રાએલી ખેડૂતો અનાજ ખળીમાં લઈ જતા. પછી, બળદની મદદથી કે હાથે ઝૂડીને કણસલાંમાંથી દાણા છૂટા પાડતા. એના પછી પવનની દિશામાં એને ઉડાડી, એમાંથી ફોતરાં ને અનાજ છૂટું પાડતા. પરંતુ, મિદ્યાનીઓના ત્રાસને લીધે ઈસ્રાએલીઓ સંતાઈ સંતાઈને દ્રાક્ષકૂંડમાં થોડા થોડા ઘઉં લાકડીથી ઝૂડતા. ગિદઓન પણ એમ જ કરી રહ્યો છે.—ન્યાયાધીશો ૬:૧૧.

એવા સમયે યહોવાહના દૂતે ગિદઓન પાસે આવીને કહ્યું કે, “પરાક્રમી શૂરવીર, યહોવાહ તારી સાથે છે.” એ સાંભળીને ગિદઓનને કેવું લાગ્યું હશે! (ન્યાયાધીશો ૬:૧૨) ગિદઓન દ્રાક્ષકૂંડમાં સંતાઈને અનાજના દાણા સાફ કરી રહ્યો હતો. તે પોતાને શૂરવીર ગણતો ન હતો. તોપણ, દૂતના શબ્દો બતાવે છે કે યહોવાહ તેને ઈસ્રાએલીઓ માટે પરાક્રમી આગેવાન બનાવશે.

યહોવાહે ગિદઓનને ‘મિદ્યાનીઓના હાથમાંથી ઈસ્રાએલને બચાવવાનું’ કામ સોંપ્યું. ગિદઓન ઠંડે સાદે કહે છે કે “હે પ્રભુ, ઈસ્રાએલને હું શા વડે બચાવું? જો, મનાશ્શેહમાં મારૂં કુટુંબ સૌથી ગરીબ છે, ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું.” ગિદઓન હોશિયારીથી કામ લે છે. તે મિદ્યાનીઓનો નાશ કરે ત્યારે યહોવાહ તેની સાથે જ હશે, એનું ચિહ્‍ન માંગે છે. યહોવાહ ગિદઓનને ખાતરી કરાવે છે. ગિદઓન દૂતને ખાવાનું આપે છે ત્યારે, ખડકમાંથી અગ્‍નિ નીકળીને ખોરાકને ભસ્મ કરી નાખે છે. યહોવાહની મદદથી ગિદઓનની બીક નીકળી જાય છે. ગિદઓન એ જગ્યાએ વેદી બાંધે છે.—ન્યાયાધીશો ૬:૧૨-૨૪.

‘બઆલ પોતાનો બચાવ કરે!’

ઈસ્રાએલીઓની તકલીફ ફક્ત મિદ્યાનીઓનો જુલમ જ ન હતી. મોટી તકલીફ તો એ હતી કે તેઓ સાચા ઈશ્વર યહોવાહને છોડીને, બઆલની ભક્તિમાં ફસાઈ ગયા હતા. તેઓએ તો ફક્ત યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ. બીજા કોઈની શું કામ કરવી? (નિર્ગમન ૩૪:૧૪) સૌથી પહેલા તો યહોવાહે ગિદઓનને કહ્યું કે ‘તારા પિતા બઆલને ભજે છે. તેની વેદી અને અશેરાહની મૂર્તિ તોડી નાખ.’ ગિદઓન પોતાના ઘરનાંથી અને લોકોથી ડરતો હતો. તેથી તેણે એ કામ રાતે, બીજા દસ માણસો સાથે મળીને કર્યું.

બઆલના ભક્તોને ખબર પડી કે ગિદઓને વેદી અને અશેરાહની મૂર્તિ તોડી નાખી છે. એટલે તેઓ તેને મોતને ઘાટ ઉતારવા ચાહતા હતા. એ સમયે ગિદઓનના પિતા યોઆશે, તેઓ સાથે દલીલ કરી કે ‘જો બઆલ દેવ હોય તો, તે પોતાને બચાવી લે.’ પછી ગિદઓનનું નામ યરૂબ્બઆલ પાડવામાં આવ્યું, જેનો અર્થ થાય કે ‘બઆલ પોતાનો બચાવ કરે.’—ન્યાયાધીશો ૬:૨૫-૩૨, IBSI.

યહોવાહને વળગી રહેનારાઓને તે હંમેશાં આશીર્વાદ આપે છે. મિદ્યાનીઓ અને તેઓના સાથીઓએ ફરીથી ઈસ્રાએલીઓ પર હુમલો કર્યો. ત્યારે, “યહોવાહનો આત્મા ગિદઓન પર આવ્યો.” (ન્યાયાધીશો ૬:૩૪) યહોવાહની મદદથી ગિદઓને મનાશ્શેહ, આશેર, ઝબુલૂન અને નાફતાલીના કુળમાંથી માણસો એકઠા કર્યા.—ન્યાયાધીશો ૬:૩૫.

યુદ્ધ માટે તૈયારી

હવે ગિદઓન પાસે ૩૨,૦૦૦ માણસોનું લશ્કર છે. તેમ છતાં તે પરમેશ્વર પાસે ચિહ્‍ન માગે છે. ગિદઓને કહ્યું કે ‘હું ખળીમાં ઘેટાનું ઊન મૂકું; અને જો એકલા ઊન પર ઝાકળ પડે ને બીજી બધી ભૂમિ સૂકી રહે, તો હું જાણીશ કે તમે મારો ઉપયોગ કરીને ઈસ્રાએલીઓને બચાવશો.’ ત્યાર પછી ફરી વાર તે યહોવાહ પાસે નિશાની માગે છે. આ વખતે તે ચાહે છે કે આખી જમીન ભીની થાય અને ફક્ત ઊન સૂકું રહે. યહોવાહ એ બંને ચમત્કાર કરે છે. શું ગિદઓન વધારે પડતી ચોકસાઈ કરતો હતો? ના, કેમ કે તેને ખાતરી કરાવવા યહોવાહ તેની વિનંતી પ્રમાણે ચમત્કારો કરે છે. (ન્યાયાધીશો ૬:૩૬-૪૦) આજે યહોવાહ આપણા માટે ચમત્કારો કરે એવી આશા રાખવી ન જોઈએ. પણ આજે યહોવાહ આપણને બાઇબલ દ્વારા માર્ગ દેખાડે છે.

પછી યહોવાહે ગિદઓનને કહ્યું કે “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેઓ વડે હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપવા ઈચ્છતો નથી, રખેને ઈસ્રાએલ મારી આગળ ફુલાશ મારીને કહે, કે મારા પોતાના જ હાથે મને ઉગાર્યો છે.” તેથી, યહોવાહે મુસાને આપેલા નિયમો પ્રમાણે, ગિદઓને ડરપોક લોકોને ઘરે જતા રહેવાનું કહ્યું. એ સમયે ૨૨,૦૦૦ માણસો પોતાના ઘરે ગયા. હવે ફક્ત ૧૦,૦૦૦ માણસો રહ્યા.—પુનર્નિયમ ૨૦:૮; ન્યાયાધીશો ૭:૨, ૩.

યહોવાહની નજરમાં હજુ પણ ઘણા માણસો હતા. યહોવાહે ગિદઓનને કહ્યું કે ‘તેઓને નદી પાસે લઈ જા.’ યહુદી ઇતિહાસકાર જોસેફસ કહે છે કે પરમેશ્વરે ગિદઓનને ગરમીમાં તેના લશ્કરને નદી કિનારે લઈ જવાનું કહ્યું. ગિદઓન તેઓને નદી પાસે લઈ જાય છે. તેઓને પાણી પીવાનું કહે છે. તેઓમાંથી ફક્ત ૩૦૦ માણસોએ થોડા વાંકા વળી, ચારે બાજુ જોતા જઈને, એક હાથેથી ખોબે-ખોબે પાણી પીધું. તેઓ સચેત હતા કે દુશ્મનો ગમે ત્યારે હુમલો કરી શકે. ફક્ત આ ૩૦૦ માણસો લઈને જ ગિદઓન લડાઈ કરવા તૈયાર થાય છે. (ન્યાયાધીશો ૭:૪-૮) કલ્પના કરો કે તમારી આગળ ૧,૩૫,૦૦૦ દુશ્મનો ઊભા હોય, તો તમે ૩૦૦ માણસો શું કરો? શું તમે ડરી ગયા હોત કે પછી યહોવાહમાં પૂરો ભરોસો મૂક્યો હોત?

યહોવાહે ગિદઓનને કહ્યું કે ‘તારી સાથે માણસો લઈ જા ને મિદ્યાનીઓની છાવણી હચમચાવી દે.’ ગિદઓન ત્યાં ગયો તો શું જોયું? એક માણસ તેના મિત્રને પોતાનું સ્વપ્ન કહેતો સંભળાયો. તેના મિત્રએ તરત જ એનો અર્થ કરીને કહ્યું કે ‘પરમેશ્વર મિદ્યાનીઓને ગિદઓનના હાથમાં સોંપી દેશે.’ એ સાંભળીને ગિદઓનને ખૂબ જ હિંમત મળી. તેને ખાતરી થઈ ગઈ કે યહોવાહ તેને ૩૦૦ માણસોથી જ મિદ્યાનીઓ પર જીત અપાવશે.—ન્યાયાધીશો ૭:૯-૧૫.

યુદ્ધની યોજના

ગિદઓને ત્રણસો માણસોને સો-સોની ત્રણ ટુકડીમાં વહેંચી દીધા. દરેક માણસને એક રણશિંગડું અને એક ખાલી ઘડો આપવામાં આવ્યો. ઘડામાં તેઓએ દીવો મૂક્યો. ગિદઓને તેઓને કહ્યું: ‘જેવું હું કરું તેવું તમે પણ કરજો. હું અને મારી ટુકડીના માણસો રણશિંગડાં વગાડીએ કે તરત જ તમે પણ છાવણીની ચારે બાજુ રણશિંગડાં વગાડજો. પોકારજો કે યહોવાહની તથા ગિદઓનની જે.’—ન્યાયાધીશો ૭:૧૬-૧૮, ૨૦.

એ ૩૦૦ ઈસ્રાએલી યોદ્ધાઓ ચૂપચાપ દુશ્મનોની છાવણીની નજીક પહોંચી ગયા. રાતના લગભગ ૧૦ વાગ્યા હતા. એ સમયે ચોકીદારો બદલાતા. હુમલો કરવાનો એ સૌથી સારો સમય હતો, કેમ કે અંધારામાં ચોકીદારોની આંખો ટેવાતા થોડો સમય લાગે.

ગિદઓનના ત્રણસો માણસોએ અચાનક ઘડા ફોડ્યા અને પોતાનાં રણશિંગડાં વગાડ્યાં. તેઓના અવાજથી છાવણીમાં ખળભળાટ મચી ગયો. તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા કે “યહોવાહની તથા ગિદઓનની તલવારની જે!” એ સાંભળીને મિદ્યાનીઓ ગૂંચવણમાં પડી ગયા. તેઓ પણ બૂમાબૂમ કરવા લાગ્યા. તેઓ પોતાના જ માણસોને ઓળખી શક્યા નહિ. ગિદઓન અને એના ત્રણસો માણસો તો હજુ પોતાની જગ્યાએ જ ઊભા હતા. યહોવાહે મિદ્યાનીઓમાં એવી ગૂંચવણ કરી કે તેઓ જ એકબીજાને મારી નાખવા માંડ્યા. દોડાદોડ, નાસ-ભાગ થવા માંડી, પણ એકેય બચી શક્યો નહિ. ઈસ્રાએલીઓએ તેઓને પકડી પકડીને મારી નાખ્યા. આખરે, લાંબા સમયથી ત્રાસ આપતા ક્રૂર મિદ્યાનીઓનો અંત આવ્યો.—ન્યાયાધીશો ૭:૧૯-૨૫; ૮:૧૦-૧૨, ૨૮.

આ વિજય મેળવ્યા પછી પણ, ગિદઓન ફુલાઈ ગયો નહિ. એફ્રાઈમના લોકો તેની સાથે ઝઘડો કરવા આવ્યા કે ‘તેં અમને મિદ્યાનીઓ સામે લડવા કેમ બોલાવ્યા નહિ?’ ત્યારે ગિદઓને શાંતિથી તેઓને ઉત્તર આપ્યો. તેના જવાબથી તેઓનો ગુસ્સો શાંત પડી ગયો.—ન્યાયાધીશો ૮:૧-૩; નીતિવચનો ૧૫:૧.

હવે ઈસ્રાએલીઓ શાંતિથી જીવતા. તેઓ ગિદઓનને રાજા બનાવવા માગે છે. આવો મોકો કોણ જવા દે? પરંતુ, ગિદઓનને યાદ હતું કે મિદ્યાનીઓ પર તેઓએ કઈ રીતે જીત મેળવી હતી. તે લોકોને કહે છે: “તમારા પર હું રાજ નહિ કરૂં, ને મારો દીકરો પણ તમારા પર રાજ નહિ કરે; યહોવાહ તમારા પર રાજ કરશે.”—ન્યાયાધીશો ૮:૨૩.

જોકે માણસ માત્ર, ભૂલને પાત્ર. એમ ગિદઓને પણ હંમેશા યોગ્ય નિર્ણયો લીધા નહિ. ખબર નહિ કેમ પણ તેણે યુદ્ધમાંથી મળેલી લૂંટમાંથી એફોદ બનાવીને પોતાના શહેરમાં મૂક્યું. ન્યાયાધીશો ૮:૨૭ કહે છે કે “સર્વ ઈસ્રાએલ તેની પાછળ વંઠી ગયા.” તેઓ એને ભજવા લાગ્યા. એ ગિદઓન અને તેના કુટુંબ માટે ફાંદારૂપ થઈ પડ્યું. તે પોતે મૂર્તિપૂજક ન હતો. બાઇબલ કહે છે કે ‘તેને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હતી.’—હેબ્રી ૧૧:૩૨-૩૪.

આપણે શું શીખી શકીએ?

ગિદઓનના દાખલામાંથી આપણને ચેતવણી મળે છે. હિંમત મળે છે. એ ચેતવે છે કે આપણે યહોવાહના માર્ગમાંથી ભટકી જઈશું તો, તેમની કૃપા આપણા પર નહિ રહે. આપણી શ્રદ્ધા પડી ભાંગશે. આજે આપણે પણ મુશ્કેલીના સમયમાં જીવી રહ્યા છીએ. ફક્ત યહોવાહના આશીર્વાદો જ આપણને “ધનવાન કરે છે. અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી.” (નીતિવચનો ૧૦:૨૨) જો આપણે “સંપૂર્ણ અંતઃકરણથી તથા રાજીખુશીથી તેમની સેવા” કરીએ, તો આપણે જરૂર યહોવાહના આશીર્વાદો મેળવીશું. નહિ તો, યહોવાહ આપણો સાથ છોડી દેશે.—૧ કાળવૃત્તાંત ૨૮:૯.

આપણને ગિદઓનના અનુભવથી હિંમત પણ મળે છે. ગમે તેવી મુશ્કેલીમાં પણ, યહોવાહ પોતાના ભક્તોને છોડી દેતા નથી. ગિદઓન અને તેના ૩૦૦ માણસો યહોવાહની મદદથી ૧,૩૫,૦૦૦ મિદ્યાનીઓને હરાવી શક્યા. યહોવાહની શક્તિનો કોઈ પાર જ નથી! આપણે અમુક મુશ્કેલીઓને કારણે નિરાશ થઈ જઈએ તો શું? ગિદઓનનો દાખલો આપણને યહોવાહમાં પૂરો ભરોસો મૂકવા હિંમત આપે છે. યહોવાહ પર ભરોસો મૂકનારને તે ચોક્કસ બચાવશે. આશીર્વાદ આપશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો