પાઠ ૩૬
યિફતાનું વચન
ઇઝરાયેલીઓએ ફરી એક વાર યહોવાને છોડી દીધા અને જૂઠા દેવોની ભક્તિ કરવા લાગ્યા. આમ્મોનીઓએ તેઓ પર હુમલો કર્યો ત્યારે, જૂઠા દેવોએ ઇઝરાયેલીઓને કોઈ મદદ કરી નહિ. ઇઝરાયેલીઓએ વર્ષો સુધી તકલીફો સહેવી પડી. આખરે તેઓએ યહોવાને કહ્યું: ‘અમે પાપ કર્યું છે. અમારા પર દયા કરો અને અમને દુશ્મનોથી બચાવો.’ તેઓએ મૂર્તિઓ તોડી નાખી અને ફરીથી યહોવાની ભક્તિ શરૂ કરી. યહોવા ચાહતા ન હતા કે ઇઝરાયેલીઓ તકલીફો સહેતા રહે.
યિફતા નામના એક બહાદુર સૈનિક હતા. ઇઝરાયેલી લોકોએ આમ્મોનીઓ સામે લડવા તેમને પસંદ કર્યા. યિફતાએ યહોવાને વચન આપ્યું: ‘આ લડાઈ જીતવા તમે અમને મદદ કરશો તો, હું પાછો જઉં ત્યારે મારા ઘરમાંથી જે પહેલું મળવા આવશે, તેને હું તમારી સેવામાં આપી દઈશ.’ યહોવાએ યિફતાની પ્રાર્થના સાંભળી અને તેમને લડાઈ જીતવા મદદ કરી.
યિફતા ઘરે પાછા આવ્યા ત્યારે, તેમની એકની એક દીકરી તેમને સૌથી પહેલા મળવા આવી. તે નાચતી-કૂદતી અને ખંજરી વગાડતી વગાડતી આવી. હવે યિફતા શું કરશે? યિફતાને પોતાનું વચન યાદ હતું. તેમણે કહ્યું: ‘મારી વહાલી દીકરી! તેં મારા કાળજાના ટુકડે-ટુકડા કરી નાખ્યા. મેં યહોવાને એક વચન આપ્યું હતું. એ વચન પાળવા મારે તને શીલોહમાં આવેલા મંડપમાં સેવા આપવા મોકલવી પડશે.’ દીકરીએ તેમને કહ્યું: ‘પિતાજી, તમે યહોવાને જે વચન આપ્યું છે, એ પ્રમાણે જ કરજો. પણ મારી એક ઇચ્છા છે. મને બે મહિના માટે મારી બહેનપણીઓ સાથે પર્વતો પર જવા દો. પછી હું મંડપે જઈશ.’ યિફતાની દીકરીએ આખી જિંદગી મંડપમાં યહોવાની વફાદારીથી સેવા કરી. દર વર્ષે તેની બહેનપણીઓ તેને મળવા શીલોહ જતી.
“દીકરા કે દીકરી પર જે કોઈ મારા કરતાં વધારે પ્રેમ રાખે છે, તે મારો શિષ્ય થવા યોગ્ય નથી.”—માથ્થી ૧૦:૩૭