પાઠ ૩૮
યહોવાએ સામસૂનને તાકાત આપી
ઘણા બધા ઇઝરાયેલીઓ ફરીથી મૂર્તિપૂજા કરવા લાગ્યા. એટલે યહોવાએ પલિસ્તીઓને ઇઝરાયેલ પર કબજો કરવા દીધો. પણ અમુક ઇઝરાયેલીઓ હતા, જેઓ યહોવાને પ્રેમ કરતા હતા. એવા એક માણસ હતા, માનોઆહ. તેમના લગ્ન થયા હતા, પણ તેમને કોઈ બાળક ન હતું. એક દિવસ યહોવાએ તેમની પત્ની પાસે એક દૂત મોકલ્યો. દૂતે તેમને કહ્યું: ‘તને એક દીકરો થશે, જે ઇઝરાયેલીઓને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે. તે નાઝીરી હશે.’ તમને ખબર છે નાઝીરી કોણ હતા? તેઓ યહોવાના ખાસ સેવક હતા. તેઓએ પોતાના વાળ કાપવાના ન હતા.
થોડા સમય પછી માનોઆહને એક દીકરો થયો. તેમણે તેનું નામ સામસૂન પાડ્યું. સામસૂન મોટા થયા ત્યારે યહોવાએ તેમને ઘણી તાકાત આપી. સામસૂને કોઈ પણ હથિયાર વગર એક સિંહને મારી નાખ્યો. એક વખત, તેમણે ૩૦ પલિસ્તીઓને મારી નાખ્યા. પલિસ્તીઓ તેમને ખૂબ નફરત કરતા હતા અને તેમને મારી નાખવાની રીતો શોધતા હતા. એક રાતે સામસૂન ગાઝા નામના શહેરમાં સૂતા હતા. તેમને મારી નાખવા પલિસ્તીઓ શહેરના મોટા દરવાજે સવાર થવાની રાહ જોતા હતા. પણ અડધી રાતે સામસૂન ઊઠ્યા અને એ શહેરનો મોટો દરવાજો ઉખેડી નાખ્યો. તે એ ભારે ભરખમ દરવાજાને પોતાના ખભા પર ઉઠાવીને હેબ્રોન નજીક આવેલા પર્વતની ટોચ સુધી લઈ ગયા.
સામસૂન દલીલાહ નામની સ્ત્રીને પ્રેમ કરતા હતા. પલિસ્તીઓ એ સ્ત્રી પાસે આવ્યા. તેઓએ દલીલાહને કહ્યું: ‘અમે સામસૂનને પકડીને જેલમાં નાખવા માંગીએ છીએ. જો તું અમને સામસૂનની તાકાતનું કારણ જાણવા મદદ કરે, તો અમે તને બહુ બધા પૈસા આપીશું.’ તે લાલચમાં આવી ગઈ અને તેઓની વાતમાં ફસાઈ ગઈ. તેણે સામસૂનને તેમની તાકાતનું કારણ પૂછ્યું ત્યારે, શરૂઆતમાં સામસૂને કંઈ ન જણાવ્યું. પણ દલીલાહ એ વિશે વારંવાર પૂછતી રહી. આખરે સામસૂને કંટાળીને પોતાની તાકાતનું કારણ જણાવી દીધું. તેમણે કહ્યું: ‘આજ સુધી મારા વાળ કાપવામાં આવ્યા નથી, કેમ કે હું એક નાઝીરી છું. જો મારા વાળ કાપવામાં આવે તો મારી શક્તિ જતી રહેશે.’ સામસૂને પોતાની તાકાતનું કારણ જણાવીને બહુ મોટી ભૂલ કરી હતી, ખરું ને?
દલીલાહે તરત પલિસ્તીઓને કહ્યું: ‘મને સામસૂનની તાકાતનું કારણ ખબર પડી ગઈ છે.’ દલીલાહે સામસૂનને પોતાના ખોળામાં સુવડાવી દીધા. તે ઊંઘમાં હતા ત્યારે કોઈને બોલાવીને તેમના વાળ કાપી નંખાવ્યા. પછી તેણે બૂમ પાડી: ‘સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવ્યા છે.’ સામસૂન ઊઠી ગયા અને તેમને ખબર પડી કે તેમની તાકાત જતી રહી છે. પલિસ્તીઓએ તેમને પકડીને આંધળા કરી નાખ્યા અને જેલમાં નાખી દીધા.
એક દિવસે, હજારો પલિસ્તીઓ પોતાના દેવ દાગોનના મંદિરમાં ભેગા થયા હતા. તેઓ જોરજોરથી બૂમો પાડીને કહેવા લાગ્યા: ‘આપણા દેવે સામસૂનને આપણા હાથમાં સોંપી દીધો છે. સામસૂનને બહાર લાવો. આપણે તેની મજાક ઉડાવીએ.’ તેઓએ સામસૂનને મંદિરના બે થાંભલા વચ્ચે ઊભા રાખ્યા અને તેમની મજાક ઉડાવવા લાગ્યા. પછી સામસૂને ઈશ્વરને પોકાર કર્યો: ‘હે યહોવા, બસ છેલ્લી વાર મને તાકાત આપો.’ આટલા સમયમાં સામસૂનના વાળ વધી ગયા હતા. તેમણે પૂરી તાકાત લગાવીને મંદિરના થાંભલાઓને ધક્કો માર્યો. આખું મંદિર તૂટી પડ્યું. ત્યાં જેટલા પણ લોકો હતા એ બધા મરી ગયા. સામસૂન પણ મરી ગયા.
“કેમ કે ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિપીઓ ૪:૧૩