પાઠ ૪૧
દાઉદ અને શાઉલ
દાઉદે ગોલ્યાથને મારી નાખ્યો એ પછી, રાજા શાઉલે તેમને પોતાની સેનાના આગેવાન બનાવ્યા. દાઉદ ઘણી લડાઈઓ જીત્યા અને લોકોને તે ખૂબ ગમવા લાગ્યા. દાઉદ લડાઈ જીતીને પાછા આવતા ત્યારે, સ્ત્રીઓ ખુશીથી નાચતી અને આ ગીત ગાતી: ‘શાઉલે માર્યા હજારને અને દાઉદે માર્યા દસ હજારને.’ એટલે શાઉલને ઈર્ષા થવા લાગી અને તે દાઉદને મારી નાખવા માંગતા હતા.
દાઉદ વીણા નામનું વાજિંત્ર ખૂબ સરસ રીતે વગાડતા હતા. એક દિવસ તે રાજા શાઉલ માટે વીણા વગાડી રહ્યા હતા. એ સમયે રાજાએ પોતાનો ભાલો દાઉદ તરફ ફેંક્યો. દાઉદ તરત હટી ગયા અને એ ભાલો દીવાલમાં ઘૂસી ગયો. એ પછી પણ શાઉલે ઘણી વાર દાઉદને મારી નાખવાની કોશિશ કરી. આખરે દાઉદ ભાગી ગયા અને વેરાન વિસ્તારમાં જઈને રહેવા લાગ્યા.
શાઉલ ૩,૦૦૦ સૈનિકો લઈને દાઉદને શોધવા નીકળ્યા. પણ બન્યું એવું કે જે ગુફામાં દાઉદ અને તેમના માણસો છુપાયા હતા, એ જ ગુફામાં શાઉલ એકલા ગયા. દાઉદના માણસોએ ધીમેથી દાઉદને કહ્યું: ‘શાઉલને મારવાનો આ જ મોકો છે.’ દાઉદ ધીમે રહીને શાઉલની પાસે ગયા અને શાઉલને ખબર પણ ન પડે એ રીતે તેમના ઝભ્ભાનો છેડો કાપી લીધો. એ પછી દાઉદને ખૂબ દુઃખ થયું કે તેમણે યહોવાએ પસંદ કરેલા રાજાને માન ન આપ્યું. તેમણે પોતાના માણસોને પણ શાઉલ પર હુમલો કરવા દીધો નહિ. શાઉલ ગુફાની બહાર ગયા, તેમની પાછળ પાછળ દાઉદ પણ ગુફાની બહાર ગયા. તેમણે મોટેથી બૂમ પાડીને શાઉલને કહ્યું: ‘તમને મારી નાખવાનો મોકો મને મળ્યો હતો, પણ મેં એમ ન કર્યું.’ શું એનાથી શાઉલનું મન બદલાયું?
ના, તે હજી પણ દાઉદનો પીછો કરતા રહ્યા. એક રાતે, દાઉદ અને તેમનો ભાણિયો અબીશાય ધીરે રહીને શાઉલની છાવણીમાં ઘૂસી ગયા. અરે, શાઉલનો અંગરક્ષક આબ્નેર પણ ભરઊંઘમાં હતો. અબીશાયે દાઉદને કહ્યું: ‘આ સરસ મોકો છે. તમે મને કહો તો હું તેમને મારી નાખું.’ દાઉદે કહ્યું: ‘રાજાને તો યહોવા જોઈ લેશે. ચાલ, આપણે તેમનો ભાલો અને પાણીનો કુંજો લઈને અહીંથી જતા રહીએ.’
દાઉદ પાસેના એક ડુંગર પર ગયા, જ્યાંથી શાઉલની છાવણી દેખાતી હતી. તેમણે બૂમ પાડીને કહ્યું: ‘આબ્નેર તેં તારા રાજાનું રક્ષણ કેમ ન કર્યું? તેમનો પાણીનો કુંજો અને ભાલો ક્યાં છે?’ શાઉલે દાઉદનો અવાજ પારખી લીધો અને કહ્યું: ‘તું મારો જીવ લઈ શકતો હતો પણ તેં એમ ન કર્યું. હું જાણું છું કે ઇઝરાયેલનો હવે પછીનો રાજા તું બનશે.’ શાઉલ પોતાના મહેલમાં પાછા ગયા. પણ શાઉલના ઘરના બધા લોકો દાઉદને નફરત કરતા ન હતા.
“જો શક્ય હોય તો બધા લોકો સાથે હળી-મળીને રહેવા તમારાથી બનતું બધું કરો. વહાલાઓ, તમે બદલો લેશો નહિ, એ ઈશ્વરના હાથમાં છોડી દો. ખરાબ કામો પર ઈશ્વરને પોતાનો કોપ રેડવા દો.”—રોમનો ૧૨:૧૮, ૧૯