પાઠ ૪૫
રાજ્યના બે ભાગ
સુલેમાન યહોવાની ભક્તિ કરતા રહ્યા ત્યાં સુધી આખા ઇઝરાયેલમાં શાંતિ હતી. તેમણે બીજા દેશોની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં, જેઓ મૂર્તિપૂજા કરતી હતી. ધીરે ધીરે સુલેમાન બદલાઈ ગયા અને તે પણ મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. એ જોઈને યહોવા બહુ ગુસ્સે થયા. તેમણે સુલેમાનને કહ્યું: ‘તારા કુટુંબ પાસેથી ઇઝરાયેલનું રાજ્ય છીનવી લેવામાં આવશે અને એના બે ભાગ કરવામાં આવશે. મોટો ભાગ હું તારા સેવકને આપીશ અને તારું કુટુંબ નાના ભાગ પર રાજ કરશે.’
યહોવાએ પોતાનો નિર્ણય બીજી એક રીતે પણ જણાવ્યો. યરોબઆમ સુલેમાનનો એક સેવક હતો. તે ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે, રસ્તામાં તેને પ્રબોધક અહિયા મળ્યા. અહિયાએ પોતાનો ઝભ્ભો ફાડીને એના ૧૨ ટુકડા કર્યા. પછી યરોબઆમને કહ્યું: ‘યહોવા સુલેમાનના કુટુંબ પાસેથી ઇઝરાયેલનું રાજ્ય છીનવી લેશે અને એનાં બે ભાગ કરી દેશે. તું આ દસ ટુકડા લે, કેમ કે તું દસ કુળોનો રાજા બનશે.’ રાજા સુલેમાનને એ વાતની ખબર પડી ત્યારે, તેમણે યરોબઆમને મારી નાખવાની કોશિશ કરી. યરોબઆમ ઇજિપ્ત નાસી ગયો. સમય જતાં, સુલેમાન ગુજરી ગયા અને તેમનો દીકરો રહાબઆમ રાજા બન્યો. યરોબઆમને લાગ્યું કે હવે કોઈ ખતરો નથી, એટલે તે ઇઝરાયેલ પાછો જઈ શકે છે.
ઇઝરાયેલના વૃદ્ધ માણસોએ રહાબઆમને કહ્યું: ‘જો તું લોકો સાથે પ્રેમથી વર્તીશ, તો તેઓ તને વફાદાર રહેશે.’ પણ રહાબઆમના યુવાન દોસ્તોએ કહ્યું: ‘તું લોકો સાથે કઠોર રીતે વર્તજે. તેઓ પાસે વધારે કામ કરાવજે.’ રહાબઆમે પોતાના દોસ્તોની વાત માની. રહાબઆમ લોકો સાથે ખરાબ રીતે વર્ત્યો, એટલે લોકો તેની વિરુદ્ધ થઈ ગયા. લોકોએ યરોબઆમને દસ કુળનો રાજા બનાવ્યો. એ દસ કુળો ઇઝરાયેલ રાજ્યના નામે ઓળખાયા. બાકીના બે કુળો યહૂદા રાજ્યના નામે ઓળખાયા. એ બે કુળોના લોકોએ રહાબઆમને સાથ આપ્યો. આ રીતે ઇઝરાયેલના ૧૨ કુળોના ભાગલા પડી ગયા.
લોકોએ ભક્તિ માટે યરૂશાલેમ શહેર જવાનું હતું. એ શહેર રહાબઆમના રાજ્યમાં હતું. પણ યરોબઆમ ચાહતો ન હતો કે લોકો યરૂશાલેમ જાય. તમને ખબર છે કેમ? કેમ કે, યરોબઆમને ડર હતો કે લોકો તેનો સાથ છોડીને રહાબઆમને સાથ આપશે. એટલે તેણે સોનાનાં બે વાછરડાં બનાવ્યાં અને લોકોને કહ્યું: ‘યરૂશાલેમ બહુ દૂર છે. તમે લોકો અહીંયા જ ભક્તિ કરી શકો છો.’ એટલે લોકો સોનાનાં વાછરડાંની પૂજા કરવા લાગ્યા અને ફરી એક વાર યહોવાને ભૂલી ગયા.
“શ્રદ્ધા ન રાખનારા સાથે અસમાન ઝૂંસરીથી ન બંધાઓ. કેમ કે સત્ય અને અસત્ય વચ્ચે કેવી સોબત? . . . શ્રદ્ધા રાખનાર અને શ્રદ્ધા ન રાખનાર વચ્ચે શું સરખાપણું?”—૨ કોરીંથીઓ ૬:૧૪, ૧૫