પાઠ ૫૫
યહોવાના દૂતે હિઝકિયાનું રક્ષણ કર્યું
આશ્શૂરના સામ્રાજ્યએ ઇઝરાયેલના દસ કુળના રાજ્ય પર કબજો મેળવી લીધો હતો. હવે આશ્શૂરનો રાજા સાન્હેરીબ બે કુળના યહૂદાના રાજ્ય પર કબજો મેળવવા ચાહતો હતો. તે એક પછી એક યહૂદાના શહેરો પર જીત મેળવવા લાગ્યો. તેની ખાસ ઇચ્છા હતી કે તે યરૂશાલેમ શહેર જીતે. પણ તે જાણતો ન હતો કે એ શહેરનું રક્ષણ યહોવા કરી રહ્યા છે.
યહૂદાના રાજા હિઝકિયાએ સાન્હેરીબને સોના-ચાંદી મોકલ્યા, જેથી તે યરૂશાલેમ પર હુમલો ના કરે. સાન્હેરીબે એ બધું લઈ લીધું. તોપણ યરૂશાલેમ પર હુમલો કરવા પોતાની શક્તિશાળી સેના મોકલી. આશ્શૂરના સૈનિકો ધીરે ધીરે નજીક આવી રહ્યા હતા, એટલે શહેરના લોકો ખૂબ ડરી ગયા હતા. હિઝકિયાએ લોકોને કહ્યું: ‘તમે ડરશો નહિ! ભલે આશ્શૂરીઓ શક્તિશાળી હોય, યહોવા આપણને તેઓથી પણ વધારે શક્તિશાળી બનાવશે.’
સાન્હેરીબે પોતાનો સંદેશો આપવા રાબશાકેહ નામના એક માણસને યરૂશાલેમ મોકલ્યો. તે ત્યાં જઈને લોકોની મજાક ઉડાવવા લાગ્યો. રાબશાકેહ શહેરની બહાર ઊભો રહ્યો અને બૂમો પાડીને કહેવા લાગ્યો: ‘યહોવા તમને મદદ નહિ કરી શકે. તમે હિઝકિયાની વાત માનશો નહિ. એવો કોઈ ઈશ્વર નથી જે તમને અમારા હાથમાંથી બચાવે.’
હિઝકિયાએ યહોવાને પૂછ્યું કે હવે તેમણે શું કરવું જોઈએ. યહોવાએ કહ્યું: ‘રાબશાકેહની વાતોથી ડરીશ નહિ. સાન્હેરીબ યરૂશાલેમને જીતી નહિ શકે.’ એ પછી સાન્હેરીબે હિઝકિયાને અમુક પત્રો મોકલ્યા. પત્રોમાં લખ્યું હતું: ‘તમે લોકો હાર માની લો. યહોવા તમને નહિ બચાવી શકે.’ હિઝકિયાએ પ્રાર્થના કરી: ‘હે યહોવા, અમારા પર દયા કરો. અમને બચાવી લો, જેથી બધા લોકો જાણે કે તમે જ સાચા ઈશ્વર છો.’ યહોવાએ તેમને કહ્યું: ‘આશ્શૂરનો રાજા યરૂશાલેમમાં નહિ આવી શકે. હું મારા શહેરનું રક્ષણ કરીશ.’
સાન્હેરીબને પૂરી ખાતરી હતી કે તે બહુ જલદી યરૂશાલેમને જીતી લેશે. આશ્શૂરના સૈનિકોએ યરૂશાલેમની બહાર છાવણી નાખી હતી. એક રાતે યહોવાએ એક દૂતને ત્યાં મોકલ્યો. એ દૂતે ૧,૮૫,૦૦૦ સૈનિકોને મારી નાખ્યા. સાન્હેરીબ રાજાના સૌથી શક્તિશાળી સૈનિકો માર્યા ગયા. હવે તેની પાસે કોઈ રસ્તો ન હતો. તે હાર માનીને પોતાના ઘરે પાછો જતો રહ્યો. યહોવાએ વચન આપ્યું હતું એ પ્રમાણે, તેમણે હિઝકિયા અને યરૂશાલેમનું રક્ષણ કર્યું. જો તમે યરૂશાલેમમાં હોત, તો શું તમે યહોવા પર ભરોસો રાખ્યો હોત?
“યહોવાનો ડર રાખતા લોકોની આસપાસ તેમનો દૂત છાવણી નાખે છે અને તે તેઓને બચાવે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૭